Exit Polls : શૅરબજારમાં તેજીનો માહોલ, 2013 પછી એક જ દિવસમાં 3.69 ટકાનો વધારો

શેરબજાર Image copyright PTI

ઍક્ઝિટ પોલ બાદ ભારતીય શૅરબજારમાં જોરદાર તેજી જોવા મળી. 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી વાર જીતની શક્યતા, તેમજ સંસદમાં સૌથી મોટી બહુમતી મળવાના અણસારને માર્કેટે પ્રતિસાદ આપ્યો.

મુંબઈમાં શૅર્સ અંદાજે ત્રણ ટકા કરતાં વધુ ઊછળ્યા. સપ્ટેમ્બર 2013 બાદ દિવસનો આ સૌથી મોટો ઉછાળો હતો.

એડલવાઇઝ સિક્યૉરિટીઝ લિમિટેડના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના હેડ આદિત્ય નરેનનું કહેવું છે કે ચૂંટણીને લીધે ઘણા બધા ડૉમેસ્ટિક (સ્થાનિક) ફંડ કૅશમાર્કેટમાં ઊંચી પૉઝિશન બનાવીને બેઠા છે. એટલે આજના બજારમાં ભારે ખરીદદારી જોવા મળી.

નરેને ઉમેર્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા કહી શકાય કે માર્કેટ માટે આજનો દિવસ ઉત્તમ હતો.

ચાર ઍક્ઝિટ પોલ પ્રમાણે નરેન્દ્ર મોદી અને ગઠબંધન એટલે કે NDAને (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) લોકસભામાં 280થી 315 જેટલી બેઠકો મળશે.

જોકે, નેલ્સન-ABP ન્યૂઝચેનલના પોલ પ્રમાણે ભાજપ અને સાથી દળને 267 બેઠક મળશે અને તે આંકડો બહુમતીથી દૂર હશે.

સાત તબક્કામાં થયેલું મતદાન આ રવિવારે સમાપ્ત થયું. પાંચ સપ્તાહમાં થયેલા મતદાન બાદ ગુરુવારે 23મી મેના રોજ મતગણતરી કરાશે.

પોલ પ્રમાણે જો સ્પષ્ટ બહુમતી મળી તો માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળશે.

નરેને બીબીસી સાથે વધુ વાત કરતા જણાવ્યું કે ઍક્ઝિટ પોલ પર માર્કેટે સ્થિરતાને ધ્યાનમાં રાખીને જોરદાર પ્રતિસાદ આપ્યો છે, પણ સંપૂર્ણપણે 'ફૅક્ટર-ઇન' નથી કર્યું. એટલે માની શકાય કે બહુમતીનું અત્યંત મહત્ત્વ છે, કેમ કે દરેક પોલમાં સામાન્યપણે એક જ ટ્રૅન્ડ જોવા મળ્યો છે. આ પરિબળથી 23મી મેના રિવર્સલની શક્યતા પણ રહેલી છે જેને નકારી ન શકાય.

આજે માર્કેટ બંધ થયા ત્યારે નિફ્ટીમાં 3.69% અને સેન્સેક્સમાં 3.75%ની તેજી જોવા મળી હતી.

સોમવારે રૂપિયામાં પણ મજબૂતાઈ જોવા મળી. 1%ના ઉછાળા સાથે રૂપિયો પ્રતિ ડૉલર સામે એક સમયે 69.35ના સ્તરે જોવા મળ્યો. પાંચ મહિનામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. 0.7%ના વધારા સાથે 69.74 પ્રતિ ડૉલર પર રૂપિયો બંધ થયો.

2018માં વૈશ્વિક દબાણ અને તેલની વધતી કિંમતોને લીધે રૂપિયો સતત દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો