Home Ministry : મતગણતરી અગાઉ હિંસાથી સાવધાન રહેવા રાજ્યોને આદેશ

પ્રતીકાત્મત તસવીર Image copyright Getty Images

વિપક્ષોની મતગણતરી અગાઉ ઇવીએમ-વીવીપીએટી મૅચ કરવાની માગણી ચૂંટણીપંચે ફગાવી દીધી છે અને આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને મતગણતરીને દિવસે હિંસા બાબતે ઍલર્ટ રહેવા આદેશ આપ્યો છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હિંસાની શક્યતાને પગલે સાવધાન રહેવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જણાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટ્રૉંગરૂમની સુરક્ષા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈવીએમની કથિત હેરાફેરીને મામલે ગઈ કાલે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે મતોની રક્ષા માટે હથિયાર ઉઠાવો.

ઉલ્લેખનીય છે કે આ ગૃહ મંત્રાલયનો આ આદેશની ચૂંટણીપંચે વિપક્ષોની મતગણતરી અગાઉ EVM-VVPAT મૅચ કરવાની માગ ફગાવી દીધા પછી આવ્યો છે.

ગઈકાલે કૉંગ્રેસની આગવાનીમાં 22 વિપક્ષોએ વિપક્ષોએ મતગણતરી અગાઉ વીવીપીએટી સ્લિપનું વેરિફિકેશન કરવાની માગણી કરી હતી.

વિપક્ષોએ કહ્યું હતું કે વીવીપીએટી સ્લિપને પહેલા મૅચ કરવામાં આવે અને પછી મતગણતરી કરવામાં આવે. એમ પણ માગણી કરવામાં આવી હતી કે વીવીપેએટીની 50 ટકા સ્લિપની મેળવણી કરવામાં આવે.

વિપક્ષોએ EVM-VVPATની મેળવણીમાં જો કોઈ ગરબડ થાય તો જે તે લોકસભા ક્ષેત્રમાં મતોની સ્લિપ સાથે મેળવણીની માગ પણ કરી હતી.

ચૂંટણીપંચની ત્રણ સભ્યોની આ મામલે આજે બેઠક થઈ જેમાં માગણીને નકારી કાઢવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એમની માગણીઓને લઈને ચૂંટણીપંચનું વલણ સકારાત્મક નહોતું.

ચૂંટણીપંચે કહ્યું કે એક વિધાનસભા વિસ્તારના પાંચ મતદાન કેન્દ્રોની વીવીપીએટી સ્લિપની મેળવણી મતોની ગણતરી પૂર્ણ થયા પછી જ કરવામાં આવશે.


ઈવીએમની હેરાફેરીનો આરોપ ચૂંટણીપંચે ફગાવ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન VVPAT, EVM તથા કંટ્રોલ યુનિટ (ડાબેથી)નો સેટ

આ દરમિયાન ગઈકાલે ઉત્તર પ્રદેશમાં EVMની ગેરકાયદેસર રીતે હેરફેર થઈ રહી હોવાના વીડિયો વાયરલ થયા છે, જેને કેન્દ્રીય ચૂંટણીપંચે નકારી કાઢ્યા છે.

ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, ગાઝીપુર, ચંદૌલી, ઝાંસી અને ડુમરિયાગંજમાં ઈવીએમના સંગ્રહમાં ગેરરીતિ આચરવામાં આવી છે, તેવા અહેવાલ ખોટા છે.

ગાઝીપુરના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ કે. બાલાજીના કહેવા પ્રમાણે, "જ્યાં ઈવીએમનો સંગ્રહ કરવામાં આવ્યો હોય, તેવા સ્ટ્રૉંગરૂમની ઉપર નજર રાખવા દેવામાં ન આવતી હોવાના અહેવાલો ખોટા છે."

"અમુક ઉમેદવારો નિશ્ચિત કરતાં વધુ સંખ્યામાં પ્રતિનિધિના રોકાણની માગ કરી રહ્યા હતા, જેને નકારી કાઢવામાં આવી હતી."

પંચનું કહેવું છે કે નિયમ મુજબ તમામ EVM તથા VVPATનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.

ચૂંટણી પંચે વીડિયો અંગે કહ્યું હતું કે, 'ચૂંટણી જાહેરાત પછી રાજકીય પક્ષોની સાથે થયેલી 93 બેઠકોમાં ચૂંટણીપંચે ચૂંટણીની જોગવાઈઓ અને પ્રોટોકોલને સમજાવ્યા હતા.'


"વોટની રક્ષા કરવા હથિયાર ઉઠાવવા પડે તો ઉઠાવો" - ઉપેન્દ્ર કુશવાહા

Image copyright PIB

રાષ્ટ્રીય લોક શક્તિ પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, "વોટની રક્ષા કરવા માટે હથિયાર ઉઠાવવા પડે તો એ પણ ઉઠાવવા જોઇએ. આજે જે રિઝલ્ટ લૂટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને રોકવા માટે જો હથિયાર ઉપાડવા પડે તે પણ ઉપાડવા જોઇએ."

ચૂંટણી પંચ સાથેની મીટિંગ પછી અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતું કે, "ચૂંટણી પંચ સામે છેલ્લાં 1.5 મહિનામાં અમે ઘણી વખત ચર્ચા કરી પરંતુ તે જવાબ આપી રહ્યા નથી. ચૂંટણી પંચે એક કલાકથી પણ વધારે સમય સુધી અમારી વાત સાંભળી અને અમને વિચિત્ર રીતે કાલે સવારે આ મુદ્દે બીજી વાર મુલાકાત કરવા કહ્યું.

22 પક્ષોએ ચૂંટણી પંચને સોપેલાં મેમોરેન્ડમમાં કહ્યું છે કે, વિનંતી કરીએ છીએ કે કોઇપણ પાંચ પોલિંગ સ્ટેશન પર પહેલેથી જ નક્કી કરી મત ગણતરીની શરૂઆત પહેલા વીવીપેટના સ્લિપ્સની ચકાસણી કરવામાં આવે અને ગણતરીનો છેલ્લો રાઉન્ડ પૂર્ણ કર્યા પછી કરવામાં આવે.

વિપક્ષી નેતાઓએ એવી પણ માગણી કરી છે કે જો વીવીપેટની ચકાસણી દરમિયાન ગમે ત્યાં કોઈ ભેદભાવ જોવા મળે, તો તે વિધાનસભા વિસ્તારના તમામ મતદાન મથકોના વીવીપેટની સ્લિપની 100% ગણતરી કરવી જોઈએ.


સુપ્રીમે અરજી ફગાવી

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, EVM તથા VVPATનાં પરિણામોની 100% સરખામણી કરવા સંબંધિત જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને કાઢી નાખવામાં આવી છે

જસ્ટિસ મિશ્રાએ અરજીને નકારી કાઢતા કહ્યું, "અમે આવી એક જ પ્રકારની અરજીઓ નહીં સ્વીકારીએ."

ટેકનિકલ બાબતના તજજ્ઞોના કહેવા પ્રમાણે, ઑપ્ટિકલ સ્કૅન મશીનથી મતદાન થવું જોઈએ. આ રીતે મતદાન સસ્તું છે અને મતદાર ખરાઈ પણ કરી શકે છે.

અગાઉ સર્વોચ્ચ અદાલતે EVM તથા VVPATના 50% પરિણામોને સરખાવવાની અરજીને નકારી કાઢી હતી અને લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠક દીઠ પાંચ EVM અને VVPATનાં પરિણામોને સરખાવવાની વાત કહી હતી.

સ્ટ્રૉંગરૂમની ખાસિયત

ફોટો લાઈન લોકસભામાં ગુજરાતના 26 સાંસદ

અલગ-અલગ મતદાનમથકનાં ઈવીએમને એક સ્થળે એકઠાં કરીને મતગણતરી કરવાની થાય ત્યાં સુધી તેનો સંગ્રહ કરવામાં આવે છે.

જે રૂમમાં EVMને રાખવામાં આવે છે, તેને 'સ્ટ્રૉંગરૂમ' તરીકે ઓળખવામાં આવે છે, જેની સુરક્ષા CRPF, BSF, ITBP, CISF જેવાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળને હસ્તક હોય છે.

  • સ્ટ્રૉંગરૂમમાં અવરજવર માટે એક જ દરવાજો રાખવામાં આવે છે. વધારાના દરવાજાને ઈંટથી ચણીને બંધ કરી દેવામાં આવે છે.
  • સ્ટ્રૉંગરૂમની ઉપર બે તાળાં મારવામાં આવે છે, એક તાળાની ચાવી સ્ટ્રૉંગરૂમના ઈન-ચાર્જ પાસે હોય છે, જ્યારે બીજા તાળાની ચાવી ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પાસે હોય છે.
  • દરવાજે મારવામાં આવતા સીલ પર જવાબદાર અધિકારીઓ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે છે.
  • ઇમારતમાં અગ્નિશમન માટે જરૂરી વ્યવસ્થાની ગોઠવણ રાખવામાં આવે છે.
Image copyright Getty Images
  • સ્ટ્રૉંગરૂમને સતત વીજપુરવઠો મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવે છે.
  • સ્ટ્રૉંગરૂમના મુલાકાતીઓનું રજિસ્ટર બનાવવામાં આવે છે, જે કેન્દ્રીય સુરક્ષાદળો પાસે રહે છે.
  • મુલાકાતીઓ ઉપર રાજકીય દળોના પ્રતિનિધિઓ સીધી નજર રાખી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે. જો કોઈ સ્થળે આવી વ્યવસ્થા કરવી શક્ય ન હોય, ત્યાં સીસીટીવીનું પ્રસારણ દેખાડવામાં આવે છે.
  • રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે ત્યારે રજિસ્ટરમાં ઍન્ટ્રી કરીને સ્ટ્રૉંગરૂમની મુલાકાત લઈ શકે છે.
  • ઘટનાક્રમના રેકર્ડિંગ માટે કેન્દ્રીય સુરક્ષાદળોને વીડિયો કૅમેરા આપવામાં આવે છે.
  • કોઈ પણ નેતા કે અધિકારીની ગાડી સુરક્ષિત વિસ્તારની અંદર પ્રવેશી નથી શકતી.

સ્ટ્રૉંગરૂમની સિક્યૉરિટી

Image copyright Getty Images
ફોટો લાઈન VVPATની સ્લીપ સાત સેકંડ સુધી તમારી નજર સામે રહેશે

સ્ટ્રૉંગરૂમની સુરક્ષાની જવાબદારી એક સનદી અધિકારી અને પોલીસ અધિકારી પર હોય છે.

સ્ટ્રૉંગરૂમની ફરતે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સ્ટ્રૉંગરૂમની સૌથી નજીક કેન્દ્રીય સુરક્ષાબળ હોય છે. દ્વિતીય સ્તરની સુરક્ષા રાજ્ય પોલીસનાં સશસ્ત્રદળોને હસ્તક હોય છે અને સૌથી બહાર સામાન્ય સુરક્ષા હોય છે જેમાં મોટા ભાગે પોલીસ હોય છે.

સ્ટ્રૉંગરૂમની બાજુમાં જ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવે છે, જે ચોવીસ કલાક કાર્યરત હોય છે.

આ દળો રાતદિવસ સતત EVMની સુરક્ષામાં તહેનાત રહે છે. સ્ટ્રૉંગરૂમ પાસેની હિલચાલ ઉપર ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા (CCTV) દ્વારા નજર રાખવામાં આવે છે અને તેનું રૅકર્ડિંગ કરવામાં આવે છે.

સ્ટ્રૉંગરૂમના સીલ પૂર્વનિર્ધારિત સમયે રાજકીયદળોના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને તેનું પણ વીડિયો રૅકર્ડિંગ કરવામાં આવે છે.

ત્યારબાદ કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષા હેઠળ તેની હેરફેર કરવામાં આવે છે. જો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે તો અલગ વાહનમાં તેમની પાછળ જઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ