પશ્ચિમ બંગાળના 'ડાયમંડ હાર્બરથી હિંદુઓના પલાયન'નું સત્ય - ફૅક્ટ ચેક

ડાયમંડ હાર્બર

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર શહેરનો હોવાનો દાવો કરાય છે. વીડિયોમાં કેટલીક મહિલા પોતાની આપવીતી વર્ણવતાં કહે છે કે તેમના પર ઘર છોડીને ચાલ્યા જવાની ફરજ પડાઈ રહી છે.

આ વાઇરલ વીડિયો સાથે લોકો એવો દાવો કરી રહ્યા છે કે 'પશ્ચિમ બંગાળમાં મસ્જિદોમાંથી એવી ચેતવણી ઉચ્ચારાઈ રહી છે કે હિંદુઓ બંગાળ છોડીને ચાલ્યા જાય.'

કેટલાક લોકોએ આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે, "અભિનંદન હિંદુઓ! પશ્ચિમ બંગાળને બીજું કાશ્મીર બનતું જોવા માટે. તમે તમારાં ઘરોમાં ઊંઘતા રહો."

દક્ષિણપંથી વલણ ધરાવતાં કેટલાંય ફેસબુક ગ્રૂપ્સમાં સંબંધિત દાવા સાથે હજારો વખત આ વીડિયો શૅર કરાયો છે.

આ સાથે જ ટ્વિટર અને વૉટ્સઍપ પર પણ લગભગ અઢી મિનિટનો આ વીડિયો વાઇરલ કરાઈ રહ્યો છે.

જોકે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો પશ્ચિમ બંગાળના હાર્બર શહેરનો નથી.


વીડિયોની વાસ્તવિકતા

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો આ વીડિયો પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરનો છે, જે રાજ્યના પાટનગર કોલકાતાના દક્ષિણ વિસ્તાર સ્થિત ડાયમંડ હાર્બર શહેરથી લગભગ અઢીસો કિલોમિટર દૂર છે.

આ વીડિયો 1 એપ્રિલ, 2018નો છે, જેને બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ પોતાના કૅમેરાથી શૂટ કર્યો હતો.

બીબીસી હિંદીની વેબસાઇટ પર આ વીડિયો 2 એપ્રિલ, 2018એ પોસ્ટ કરાયો હતો. વીડિયોને લિંક પર ક્લિક કરીને જોઈ શકાય છે.

પશ્ચિમ બંગાળના રાનીગંજ વિસ્તાર(આસનસોલ)માં ગતવર્ષે રામનવમી(26 માર્ચ)ના અવસરે હિંસા ફાટી નીકળી હતી અને કેટલાય લોકો આ હિંસાનો ભોગ બન્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

દિલનવાઝ પાશાએ ગ્રાઉન્ડ પર જઈને આ હિંસાથી પ્રભાવિત લોકો સાથે મુલાકાત કરી હતી.

પાશાના મતે, "રામનવમીનું જુલૂસ કાઢતી વખતે થયેલી બોલાચાલીએ હિંસા અને આગચંપીનું રૂપ લીધું હતું. હુલ્લડખોરોએ કેટલીય દુકાનો અને ઘરને સળગાવી દીધાં હતાં. જ્યારે અમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે અમે જોયું કે રાનીગંજમાં નુકસાન માત્ર મુસલમાનોનું જ નહીં, હિંદુઓનું પણ થયું હતું."

"શહેરના મોટાભાગના લોકોએ કહ્યું હતું કે તોફાનો બહારના લોકોએ કર્યાં હતાં. હિંદુઓ અને મુસલમાન બન્નેનું આ જ માનવું હતું. જોકે, આ બહારના લોકો કોણ હતા એનો જવાબ કોઈ પાસે નહોતો."

માર્ચ-એપ્રિલ 2018માં આસનસોલમાં થયેલી હિંસા પર બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ વાંચો : (આસનસોલ ગ્રાઉન્ડ રિપોર્ટ: રમખાણે ઊભો કર્યો સવાલ 'રાનીગંજને આ શું થઈ ગયું?')


પણ ડાયમંડ હાર્બરમાં શું થયું?

અમારી તપાસમાં જાણવા મળ્યું કે આસનસોલના એક વર્ષ જૂના વીડિયોને ખોટા સંદર્ભ સાથે રજૂ કરાઈ રહ્યો છે.

આ વીડિયોમાં જે દાવો કરાઈ રહ્યો છે તે ડાયમંડ હાર્બર સંસદીય બેઠક સાથે જોડાયેલો છે.

લોકો લખી રહ્યા છે, 'પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરમાં હિંદુઓને બળજબરીપૂર્વક ઘર છોડવા માટે કહેવાઈ રહ્યું છે.'

આ દાવાની સચ્ચાઈ જાણવા માટે અમે ડાયમંડ હાર્બર શહેરના એસપી શ્રીહરિ પાંડે સાથે વાત કરી.

તેમણે જણાવ્યું કે ડાયમંડ હાર્બરના બોગખલી ગામમાં 13 મેના રોજ હિંસાની ઘટના ઘટી હતી.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એ જ દિવસે સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તહેનાત કરી દેવાઈ છે અને હાલમાં સ્થિતિ સામાન્ય છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના સાથે સંદર્ભ ધરાવતા અન્ય કેટલાય બનાવટી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાઈ રહ્યા છે, જેનો ડાયમંડ હાર્બર સાથે કોઈ સંબંધ નથી.


હિંસા બાદનો ગ્રાઉન્ડ રિપોર્ટ

વોટિંગના છ દિવસ પહેલાં ડાયમંડ હાર્બરમાં ઘટેલી હિંસાની આ ઘટના અંગે અમેરિકન અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ડાયમંડ હાર્બરના એક ગામમાં ફાટી નીકળેલી આ હિંસા રાજકારણથી પ્રેરિત હતી, જેમાં હિંદુઓ અને મુસલમાન, એમ બન્નેનાં ઘરો સળગાવી દેવાયાં હતાં.

અખબારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે આ હિંસામાં 17 ઘર અને અડધા ડઝનથી વધુ દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.

17માંથી 7 ઘર હિંદુઓનાં હતાં અને 10 ઘર મુસલમાનોનાં હતાં. સ્થાનિક લોકોના મતે આ ઘટના પાછળ સ્થાનિક નેતાઓનો હાથ હતો, જેઓ એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા.

ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'માં પણ હિંસાની આ ઘટના પર ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત થયો હતો.

વેબસાઇટ અનુસાર આ હિંસામાં સૌથી વધુ નુકસાન મુસ્લિમ પરિવારોને થયું હતું.

પોતાના અહેવાલમાં 'ધ વાયર'એ સ્થાનિક લોકો સાથેની વાતચીતના આધારે લખ્યું હતું, "તોફાન કરનારા લોકો બહારથી આવ્યા હતા. તેઓ 'જય શ્રી રામ'ના નારા પોકારી રહ્યા હતા. ગામના લોકો એમાંથી કોઈને ઓળખતા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો