ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ પછી હિંસા, 6 લોકોનાં મૃત્યુ

ઇન્ડોનેશિયામાં દેખાવો Image copyright Reuters

ઇન્ડોનેશિયામાં તોફાનો થયા છે અને તેમાં 6 લોકોનાં મૃત્યુ થયાના સમાચાર છે.

ઇન્ડોનેશિયામાં ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં જોકો વિડોડો રાષ્ટ્રપતિપદે વિજયી થયા છે. ઇન્ડોનેશિયાની પોલીસનું કહેવું છે કે આ મૃત્યુઓની તપાસ ચાલી રહી છે.

અફવાઓ અટકાવવા માટે કેટલાક સ્થળે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મંગળવારે રાત્રે રાજધાની જકાર્તામાં 6 લોકોનાં મૃત્યુ થયા. પોલીસે કહ્યું કે કેટલાક લોકોના શરીર પર ગોળીના નિશાન મળ્યા છે જ્યારે કેટલાક લોકોના શરીર પર ધારદાર હથિયારના ઘા છે.

જોકો વિડોડોની જીતના સમાચારોની સાથે જ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.

મંગળવાર સુધી જકાર્તામાં શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યાં હતા પરંતુ જલ્દી આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ લીધું અને 6 લોકોનાં મૃત્યુ થયા.


ઈસરોએ જાસૂસી ઉપગ્રહ Risat-2Bને અંતરિક્ષમાં મોકલ્યો

Image copyright TWITTER/ISRO

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, બુધવારે સવારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ સફળતાપૂર્વક Risat-2B લૉન્ચ કર્યું છે.

આઠ વર્ષ બાદ રિસૅટ સિરીઝનું છેલ્લું સેટેલાઇટ લૉન્ચ કરીને ઈસરોએ અતરિક્ષમાં રડાર ઇમેજિંગ સેટેલાઇટ વિસ્તારવાની દિશામાં પગલું ભર્યું છે.

શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરના લૉન્ચ પૅડથી સવારે 5.30 વાગ્યે PSLV-C46 ઉપગ્રહ Risat-2Bને લઈને રવાના થયું છે. 15 મિનિટમાં સિસૅટ અંતરિક્ષમાં પહોંચી ગયું હતું, Risat-2Bનું વજન 615 કિલોગ્રામ છે.

Risat સિરીઝના સેટેલાઇટને લૉન્ચ કર્યાના આઠ વર્ષ પછી Risat-2Bને અંતરિક્ષમાં મોકલ્યું છે.


ઇન્ડિયન ઍરફૉર્સે પોતાનું જ હેલિકૉપ્ટર તોડી પાડ્યું હતું

Image copyright Getty Images

ભારતીય વાયુસેનાએ શ્રીનગર ઍરબેસના ઍર ઑફિસર કમાન્ડિંગ(એઓસી)ને હટાવી દીધા છે. આ સિનિયર અધિકારીને શ્રીનગર પાસે 27 ફેબ્રુઆરીએ એમઆઈ-17ના ક્રૅશ થવાના મામલે હટાવાયા છે.

આ મામલા અંગે કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે. હજી સુધી અંતિમ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. આ મામલે વાયુસેનાએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનનાં જેટ એકબીજા વિરુદ્ધ ઑપરેશનમાં સામેલ હતા.

રશિયા નિર્મિક એમઆઈ-17 હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ગયું હતું, આ હેલિકૉપ્ટરમાં સવાર તમામ છ લોકો માર્યા ગયા હતા. આ હેલિકૉપ્ટરને ભારતીય વાયુસેનાની મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે આ મામલે સહાનુભૂતિ દાખવવામાં નહીં આવે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલામાં ઘણી ભૂલો કરી છે.

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ તનાવ પર હતો ત્યારે ઍર ટ્રાફિક કંટ્રોલે હેલિકૉપ્ટરને પરત બોલાવ્યું હતું.

જોકે એવું થવું જોઈતું હતું કે હેલિકૉપ્ટરને બેસ પર પરત બોલાવવાના બદલે કોઈ સુરક્ષિત સ્થાને મોકલવાની જરૂર હતી.

તનાવ વચ્ચે બેસ તરફ આવેલા હેલિકૉપ્ટર પર ભારતીય વાયુસેનાનું જ નિશાન લાગી ગયું હતું.


બ્રેક્ઝિટ : સાંસદો પાસે ડીલનું સમર્થન કરવાની આખરી તક

Image copyright Reuters

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બ્રિટિશ સાંસદોને અપીલ કરી છે કે તેઓ બ્રેક્ઝિટની નવી ડીલનું સમર્થન કરે.

વડાં પ્રધાન પ્રમાણે સાંસદો પાસે ડીલનું સમર્થન કરવાની આ આખરી તક છે.

વડાં પ્રધાન મેએ કહ્યું કે જો સાંસદ યુરોપિયન સંઘથી અલગ થવાના વિધેયકનું સમર્થન કરશે તો તેમને બ્રેક્ઝિટ અંગે બીજી વખત જનમત લેવો જોઈએ કે નહીં તે અંગે મતદાન કરવાનો અધિકાર મળશે.

તેમણે કહ્યું, "હું આ મહત્ત્વના મુદ્દાઓ પર સદનમાં સાચી અને ઇમાનદાર ભાવનાઓની કદર કરું છું. સરકાર બીજો જનમત સંગ્રહ કરાવવા મુદ્દે મતદાન કરાવી શકે છે, પણ એ ત્યારે થશે જ્યારે ઈયૂથી અલગ થવા અંગેની સમજૂતીને મંજૂરી મળશે."

તમે આ વાંચ્યું કે નહીં?

6.23 લાખ કરોડની આવક સાથે મુકેશ અંબાણીનો ઉદ્યોગસમૂહ ટોચ પર

Image copyright Getty Images

સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીના ઉદ્યોગસમૂહ રિલાયન્સે રાજ્યની માલિકી ધરાવતી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનને આવકના મામલે પાછળ છોડી દીધી છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રિલાયન્સનું 2018-19નું ટર્નઑવર 6.23 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે, જ્યારે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનનું ટર્નઑવર 6.17 લાખ કરોડ રૂપિયા છે.

આઈઓસી કરતાં રિલાયન્સનો ચોખ્ખો નફો બમણો રહ્યો હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો