ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામમાં આ કારણે થઈ શકે છે ચારથી પાંચ કલાક મોડું

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે વિધાનસભા બેઠક દીઠ પાંચ બૂથનાં EVM અને VVPATનાં પરિણામને સરખાવવાનો આદેશ આપ્યો છે.

ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી ગુજરાતનાં 28 કાઉન્ટિંગ સેન્ટર્સ પર એકસાથે મતગણતરી શરૂ થશે.

તા. 23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક પર એકસાથે મતદાન થયું હતું.

ગુજરાતમાં રેકૉર્ડ 64.11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગત વખતે 63.66 ટકા મતદાન થયું હતું.

વર્ષ 2014માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી છે કે ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થશે, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાનો દાવો છે કે પાર્ટી કમસેકમ 10 બેઠકો જીતશે.

જોકે, આ વખતે EVM તથા VVPATનાં પરિણામની સરખામણી કરવાની હોવાથી પરિણામો આવવામાં ત્રણથી ચાર કલાકનું મોડું થશે.


કેવી રીતે થશે ગણતરી?

Image copyright Getty Images

કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષામાં EVM તથા VVPAT મશીનને કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે લાવવામાં આવશે. આ હેરફેરના સમય અંગે ઇલેક્શન એજન્ટોને અગાઉથી જ વાકેફ કરી દેવામાં આવે છે, જેથી કોઈ ગેરસમજણ ઊભી ન થાય.

ઉમેદવારોના પ્રતિનિધિઓ ઇચ્છે તો EVM તથા VVPAT મશીનની હેરફેર કરતા વાહનની પાછળ પોતાનું વાહન દોડાવી શકે છે.

સૌ પહેલાં રાજકીય પક્ષોના ઇલેકશન એજન્ટ્સની હાજરીમાં રિટર્નિંગ ઑફિસર EVM તથા VVPAT સીલબંધ હોવાની ખરાઈ કરશે. ગુજરાતમાં 26 રિટર્નિંગ ઑફિસર ફરજ બજાવશે, જેમને 182 આસિસ્ટંટ રિટર્નિંગ ઑફિસર તહેનાત રહેશે.

કેન્દ્રીય ચૂંટણીપંચના તાજેતરના નિર્દેશ મુજબ, ઈવીએમ તાથ પોસ્ટલબૅલેટની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે. અગાઉ સૌપ્રથમ પોસ્ટલબૅલેટની ગણતરી હાથ ધરવામાં આવતી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીપંચે લોકસભાની બેઠક હેઠળ આવતી દરેક વિધાનસભાનાં પાંચ બૂથનાં EVM તથા VVPAT પરિણામોની સરખામણી કરવાના નિર્દેશ આપ્યા છે.

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક હોય 910 બૂથનાં EVM અને VVPAT પરિણામ સરખાવાશે.

આ પહેલાં માત્ર એક એક જ બૂથ ઉપરનાં EVM અને VVPAT પરિણામોને સરખાવવાનો નિયમ હતો. આ બૂથની પસંદગી લૉટરી સિસ્ટમથી કરવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


હિંસાની આશંકા

Image copyright Getty Images

કાઉન્ટિંગ સેન્ટરથી 100 મિટરની અંદર કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય પક્ષોના એજન્ટો જ મતગણતરી ખંડમાં હાજર રહે છે.

જ્યાં મતગણતરી થઈ રહી હોય તેનું CCTV રેકૉર્ડિંગ કરવામાં આવે છે, જેથી કરીને ગેરરીતિ ટાળી શકાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોનાં ગૃહસચિવો તથા ડીજીપીને સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયાં બાદ હિંસા થઈ શકે છે.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે વધુ પ્રમાણમાં સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવી.


ચારથી પાંચ કલાકનું મોડું

Image copyright Getty Images

કૉંગ્રેસ, ટીડીપી, આપ સહિત વિરોધપક્ષની 22 પાર્ટીઓએ માગ કરી હતી કે VVPAT તથા EVMનાં પરિણામની સરખામણી સૌપ્રથમ હાથ ધરવામાં આવે અને જો બંને વચ્ચે તફાવત હોય તો સમગ્ર વિધાનસભા-મતવિસ્તારનાં VVPAT અને EVMના મતોની સરખામણી કરવામાં આવે.

કેન્દ્રીય ચૂંટણીપંચે આ માગને નકારી દીધી હતી. પંચનું કહેવું છે કે જો પરિણામોમાં તફાવત હોય તો VVPATને અંતિમ ગણવા અને ગણતરી-પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવી.

ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઑફિસર મુરલી કૃષ્ણનના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશને કારણે ચૂંટણી પરિણામોને જાહેર કરવામાં ચારથી પાંચ કલાક સુધીનું મોડું થઈ શકે છે.

જો કોઈ વિવાદ ઊભો ન થાય તથા ચૂંટણીપંચ દ્વારા કોઈ નિર્દેશ ન આવે તો રિટર્નિંગ ઑફિસર પરિણામની જાહેરાત કરશે. આ સાથે જ નવી સરકારના ગઠનનો માર્ગ મોકળો થશે.


વિપક્ષની પ્રતિક્રિયા

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ આ મતલબની રજૂઆત કરી હતી.

બુધવારે ચૂંટણીપંચે પહેલાં VVPAT તથા EVMનાં પરિણામ સરખાવવાની અને પછી EVMની મતગણતરી કરવાની કૉંગ્રેસ સહિત 22 વિપક્ષી દળોની માગને નકારી દીધી હતી. જેથી હવે અગાઉના નિર્દેશો મુજબ જ મતગણતરી થશે.

કૉંગ્રેસના નેતાએ ચૂંટણીપંચ ઉપર મોદી સરકારના દબાણ હેઠળ કામ કરવાનું અને વિપક્ષની રજૂઆતોને નહીં સાંભળવાનો આરોપ મૂક્યો હતો. કૉંગ્રેસે ચૂંટણીપંચની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

અગાઉ VVPAT તથા EVMનાં પરિણામ સરખાવવા સંબંધિત વિપક્ષ તથા જાહેરહિતની કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટે સાંભળી હતી અને વિધાનસભા બેઠકદીઠ પાંચ બૂથ પર મતગણતરી કરવાના નિર્દેશ આપ્યા હતા.

ભાજપના નેતા રામ માધવના કહેવા પ્રમાણે, કૉંગ્રેસનો કારમો પરાજય થવાનો છે એટલે પાર્ટી આ પ્રકારનાં બહાનાં શોધી રહી છે. ભાજપે દિલ્હીમાં EVMના સમર્થનમાં પ્રદર્શનો પણ કર્યાં હતાં.


ગુજરાતની અનામત બેઠકો

ગુજરાતમાં કુલ 26 બેઠક

સ્રોત - ચૂંટણી પંચ

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે અનામત રાખવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ગુજરાતમાં 51709 મતદાનમથકો ઉપર 4.47 કરોડ મતદાતાઓને મતાધિકાર મળ્યો હતો, જેમાંથી 64.11 ટકાએ મત આપ્યા હતા.


ફ્લૅશબૅક 2014

Image copyright Getty Images

16મી લોકસભા વખતે તા. 5મી માર્ચના ચૂંટણી જાહેર થઈ હતી અને એ સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.

તા. 30મી એપ્રિલ 2014ના દિવસે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી) ચૂંટણી યોજાઈ હતી અને 16મી મે, 2014ના દિવસે ચૂંટણી-પરિણામ જાહેર થયાં હતાં.

વડોદરાની બેઠક ઉપરથી ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.

તેમણે તા. 26મી મે, 2014ના દિવસે વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.

ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ઉપર પ્રથમ વખત VVPATનો ઉપયોગ થયો હતો. તે સમયે 170 મશીનનો ઉપયોગ થયો હતો.

લોકસભા ચૂંટણી જંગમાં કુલ 334 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, મતલબ કે સરેરાશ દરેક બેઠક પર 13 ઉમેદવાર હતા.

સૌથી ઓછા ઉમેદવાર છોટાઉદેપુર બેઠક પર હતા, જ્યાં માત્ર ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. સૌથી વધુ ઉમેદવાર જામનગરની બેઠક ઉપર હતા, અહીં 25 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.


2014ની ચૂંટણીના આંકડા

Image copyright Getty Images

ગત વખતે કુલ 40578577 (21210291 પુરુષ, 19368001 મહિલા તથા અન્ય 285) મતદાતા હતા. આ સિવાય ચૂંટણી ફરજ બજાવતા મતદાતા 24527 (18798 પુરુષ તથા મહિલા 5729) હતા.

27368 સ્થળોએ 45383 પોલિંગ સ્ટેશન ઉપર મતદાન યોજાયું હતું. સરેરાશ એક પોલિંગ સ્ટેશન ઉપર 894 મતદાતા હતા.

અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર સૌથી ઓછાં 1471 પોલિંગ સ્ટેશન હતાં, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર સૌથી વધુ 2147 પોલિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવ્યાં હતાં.

ગત વખતે ગુજરાતમાં સરેરાશ 63.66 ટકા મતદાન થયું હતું, જેમાં પોસ્ટલબૅલેટથી થયેલા (0.36 ટકા) મતદાનનો પણ સમાવેશ થાય છે.

પુરુષોમાં મતદાનની ટકાવારી 66.9 અને મહિલાઓમાં મતદાનની ટકાવારી 59.44 રહી હતી.


ગુજરાતમાં ચૂંટણીનો ઇતિહાસ

વર્ષ 1960માં બોમ્બે રાજ્યમાંથી ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના થઈ હતી.

1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી ત્યારે 22 લોકસભા બેઠકો હતી.

ત્યારબાદ 1967માં આ બેઠકની સંખ્યા વધીને 24 થઈ. પુનર્ગઠનના આધારે આ સંખ્યા 1977માં 26 ઉપર પહોંચી ગઈ.

ત્યારથી 16મી લોકસભા ચૂંટણી સુધી ગુજરાત 26 સાંસદોને લોકસભામાં મોકલે છે અને આ વખતે પણ 26 બેઠકો ઉપર મતદાન યોજાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો