આણંદ ચૂંટણી પરિણામ 2019 : કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અને ભાજપના મિતેષ પટેલ વચ્ચે ચૂંટણીજંગ

ભરત સિંહ સોલંકી Image copyright Bharat sinh solanki SM

આણંદ (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે.

સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે. પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા. બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.

આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, 2014માં મોદીની લહેરમાં કૉંગ્રેસના આ ગઢનું પતન થયું છે.

ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સોલંકીએ કહ્યું હતું કે 'જો આ બેઠક ઉપરથી કૉંગ્રેસ નહીં જીતે, તો કોઈ બેઠક ઉપરથી નહીં જીતે.'


કોણ છે ભરતસિંહ સોલંકી?

સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી.

સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

2017માં ભાજપે તેના ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત 'મિશન 151'થી કરી હતી, પરંતુ ચૂંટણી પરિણામ બાદ ત્રણ આંકડા ઉપર પણ પહોંચી શક્યો ન હતો અને 99 બેઠક ઉપર અટકી ગયો હતો.


આણંદની બેઠક

દેશની 'શ્વેત ક્રાંતિ'નું પ્રતીક બનેલી મિલ્ક બ્રાન્ડ 'અમૂલ'નું મુખ્ય મથક અહીં આવેલું છે.

આ સિવાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મૅનેજમૅન્ટ તથા ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ આણંદ ખાતે આવેલાં છે.

આણંદનાં પશુપાલકોને પ્રગતિશીલ માનવામાં આવે છે અને તેઓ ઉન્નત ટેકનૉલૉજી માટે ઇઝરાયલ તથા પશ્ચિમી રાષ્ટ્રના સંપર્કમાં રહે છે.

ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ સાત વિધાનસભા બેઠક આ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવે છે.


આંકડામાં આણંદની બેઠક

2019માં 66.79 ટકા મતદાન નોંધાયું

602132 પુરુષ, 503425 મહિતા તથા અન્ય 30એ મતાધિકારનો ઉપયોગ કર્યો

કુલ 1105587 નાગરિકોએ મત આપ્યો

આ બેઠક ઉપર 854202 પુરુષ, 801032 મહિલા, 108 અન્ય સહિત કુલ 1655342 મતદાતા છે.

વર્ષ 2014માં 64.89 ટકા મતદાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો