એ ઍક્ટ્રેસ જે મોદીની આંધીમાં પણ એકલપંડે અણનમ રહ્યાં

નવનીત કૌર

મહારાષ્ટ્રમાં ભાજપ તથા શિવસેનાએ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 48માંથી 41 બેઠક ઉપર વિજય નોંધાવ્યો છે, જોકે એક ઉપર તમામ રાજકીય પક્ષોની આગેકૂચ અટકી ગઈ.

અપક્ષ મહિલા ઉમેદવાર નવનીત કૌર રાણાએ અમરાવતી બેઠક ઉપરથી 36951 મતે વિજય નોંધાવ્યો છે.

નવનીત કૌર રાણાએ મૉડલ અને ફિલ્મ અભિનેત્રી તરીકે કૅરિયર શરૂ કરી પરંતુ ધારાસભ્ય પતિ સાથે લગ્ન કરીને સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું.


કોણ છે નવનીત?

સક્રિય રાજકારણમાં આવ્યાં તે પહેલાં નવનીત મૉડલિંગ અને ઍક્ટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલાં હતાં.

મૂળ પંજાબી પરંતુ મુંબઈમાં જન્મેલાં નવનીતે કન્નડ, તેલુગુ, પંજાબી તથા મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.

33 વર્ષીય નવનીતે આ સિવાય કેટલાંક મ્યૂઝિક આલબમ્સમાં પણ કામ કર્યું હતું.

યોગનો શોખ હોવાને કારણે નવનીત બાબા રામદેવની યોગાસન શિબિરમાં ગયાં હતાં, જ્યાં તેમની મુલાકાત રવિ રાણા સાથે થઈ હતી.

ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 2011માં બન્નેએ લગ્ન કરી લીધું.

આપને આ પણ વાચવું ગમશે

એકમાત્ર અપક્ષ ઉમેદવાર

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને 23, શિવસેનાને 18, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ચાર, ઑલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહદુલ મુસલમીન અને કૉંગ્રેસને એક-એક બેઠક પર વિજય મળ્યો છે.

જોકે, અમરાવતીની બેઠક ઉપરથી શિવસેના ઉમેદવાર આનંદરાવ અડસૂલને 36951 મતે પરાજય આપીને જાયન્ટ કિલર બનેલાં અપક્ષ ઉમેદવાર નવનીત કૌર અનેકને ચોંકાવ્યા.

નવનીતના પતિ રવિ રાણા બડનેરા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય છે. એવી ચર્ચા હતી કે નવનીત અને તેમના પતિ રવિ ભાજપનાં નેતૃત્વમાં છે અને લોકસભા ચૂંટણી પૂર્વે બંને ભાજપમાં જોડાશે, પરંતુ તેવું થયું ન હતું.

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નવનીત કૌર બીજાક્રમે રહ્યાં હતાં, શિવસેનાના ઉમેદવાર આનંદરાવ અડસૂલે તેમને 1,37,932 મતે પરાજય આપ્યો હતો.

એ સમયે તેમણે એનસીપીની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી પણ જ્ઞાતિના પ્રમાણપત્ર અંગે વિવાદ થયો હતો. આ મામલો કોર્ટમાં પહોંચતા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા.

વિવાદ અને પરાજય છતાં નવનીતે નાગરિકો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો અને તેમની વચ્ચે જ રહ્યાં. સામે પક્ષે અડસૂલે આ તરફે દુર્લક્ષ સેવ્યું, જેથી મહારાષ્ટ્ર તથા ભારતમાં મોદી જુવાળ હોવા છતાં સ્થાનિક અસંતોષ સામે ટકી શક્યા નહીં.

આ વિજય મેળવવામાં નવનીતને તેમના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિએ પણ સાથ આપ્યો હતો. રોડ શો, જાહેસભા તથા ડૉર-ટુ-ડૉર પ્રચારમાં પણ તેમની સાથે રહ્યાં હતાં.


સમૂહલગ્નમાં વિવાહ

અભિનેત્રી નવનીતે મહારાષ્ટ્રનાં વિદર્ભ વિસ્તારમાં આવતી અમરાવતી બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યું.

ટાઇમ્સ ઑફ ઇંડિયાના રિપોર્ટ પ્રમાણે, બંનેએ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 3613 ગરીબ અને જરૂરિયાતમંદ દંપતી સાથે લગ્ન કર્યાં હતાં. નવનીતના પતિ રવિએ તેનું આયોજન કર્યું હતું.

તેમના આ આયોજનને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો