ભાજપને 303 બેઠક અપાવનાર અમિત શાહનું રાજકીય કદ કેટલું વધ્યું?

અમિત શાહ Image copyright Getty Images

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગાંધીનગર લોકસભા બેઠક પરથી 5 લાખ 55 હજાર કરતાં વધારે મતની સરસાઈથી વિજય થયો છે. અમિત શાહે જીતવાની સાથેસાથે વિક્રમ સર્જ્યો છે. તેમને 8,89,925 હજાર મત મળ્યા છે.

ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને આટલા મત મળ્યા નથી. અમિત શાહની સામે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સી. જે. ચાવડાને 3 લાખ 34 હજાર મત મળ્યા છે.

આ સાથે ગુજરાતમાં ફરી એક વખત તમામ 26 લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ થયો છે.

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ જીતને અભૂતપૂર્વ ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યાં.

અત્યાર સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી અડવાણી જ ચૂંટણી લડતા હતા અને અમિત શાહને ગાંધીનગર બેઠકથી ઉમેદવાર જાહેર કરાયા ત્યારે અડવાણી જેવા સિનિયર નેતા સાથે અન્યાય કરાયો હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

નરેન્દ્ર મોદીને બીજી વખત વડા પ્રધાનપદ સુધી પહોંચાડવાનો શ્રેય પણ અમિત શાહને જ આપવામાં આવે છે.

ગુજરાતમાં 26માંથી 26 બેઠક અપાવવામાં અને દેશમાં 303 બેઠક જિતાડવામાં અમિત શાહની ભૂમિકા કેટલી મહત્ત્વની છે?

શું આ ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીની સાથે-સાથે અમિત શાહનું કદ વધ્યું છે? લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહની રાજકીય કારકિર્દી કેવી હશે?

આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો.

Image copyright Twitter/@narendramodi

અમિત શાહની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર તરીકે થઈ હતી.

1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.

ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1997ની વિધાનસભાની પેટાચૂંટણીથી થઈ હતી.

વર્ષ 1998, 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણી તો સરખેજ બેઠકથી જીત્યા હતા અને 2012ની વિધાનસભાની ચૂંટણી નારણપુરા વિધાનસભા બેઠકથી જીત્યા હતા. તેઓ ગુજરાતના ગૃહ મંત્રી પણ હતા.

ગુજરાતના ફૅક ઍકાઉન્ટર કેસમાં પણ તેમનું નામ આવ્યું હતું, કોર્ટના ચુકાદામાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્પેશિયલ-26માં શાહની ભૂમિકા

Image copyright Getty Images

2014ની લોકસભા ચૂંટમીમાં તેમની ભૂમિકા અગત્યની રહી, એ ચૂંટણી બાદ રાજકારણના રાષ્ટ્રીય ફલક પર તેઓ ઊપસી આવ્યા.

2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહની ભૂમિકા વિશે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા જણાવે છે, "ગુજરાતમાં 26માંથી 26 બેઠક જિતાડવામાં જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરે ભાજપે જે પ્રદર્શન કર્યું, એમાં પણ અમિત શાહની ભૂમિકા નોંધપાત્ર છે."

ધોળકિયા કહે છે કે ઉમેદવારોની પસંદગી, રણનીતિ તૈયાર કરવી, જ્ઞાતિનાં સમીકરણો અંગેની તેમની ગણતરી હંમેશાં અસરકારક રહેતી હોય છે.

ચૂંટણી પૂર્વે ઘણા રાજકીય વિશ્લેષકોનું કહેવું હતું કે અમિત શાહ પોતાની હોમપીચ ગુજરાતમાં આવીને ચૂંટણી લડે તો તેની હકારાત્મક અસર ચૂંટણીપ્રચાર અને પરિણામોમાં જોવા મળે.

ધોળકિયા કહે છે, "ગુજરાતની સ્થાનિક બેઠકો અંગે અમિત શાહને ઊંડી જાણકારી છે. એનડીએના પક્ષોને એકસાથે બાંધી રાખવામાં અને પક્ષો સાથે વાટાઘાટો કરવામાં પણ તેમની ભૂમિકા નોંધપાત્ર રહી હતી."

"શિવસેના અને જેડીયૂ સાથેની સમજૂતી ટકાવી રાખવામાં પણ અમિત શાહની ભૂમિકા જ મુખ્ય હતી. એટલે બીજી વખત ભાજપને ચૂંટણી જિતાડવામાં તેમની વ્યૂહરચનાની ભૂમિકા ચાવીરૂપ રહી હતી."

ભાજપ 303 બેઠક જીતવામાં સફળ થયો એનો શ્રેય વિશ્લેષકો નરેન્દ્ર મોદીની સાથેસાથે ભાજપના 'ચાણક્ય' ગણાતા અમિત શાહના મૅનેજમૅન્ટને પણ આપી રહ્યા છે.


અમિત શાહનું રાજકીય ભવિષ્ય

Image copyright Getty Images

વર્ષ 2016માં 24 જાન્યુઆરીએ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, આ વખતે તેમની અધ્યક્ષ તરીકેની બીજી ટર્મ હતી.

જાન્યુઆરી 2019માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની તેમની ટર્મ પૂરી થતી હતી, પણ સપ્ટેમ્બર 2018માં ભાજપે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કારોબારીમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ટર્મની મુદત વધારવામાં આવી હતી.

એવી શક્યતા રહે છે કે હવે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છોડી દે અને તેમને મંત્રાલયમાં મોકલવામાં આવે.

હિંદુસ્તાન ટાઇમ્સના પોલિટિકલ એડિટર વિનોદ શર્મા જણાવે છે કે હવે અમિત શાહને કૅબિનેટમાં સ્થાન આપવામાં આવે પ્રબળ શક્યતા છે, પણ કયો વિભાગ સોંપવામાં આવશે એ અંગે કહેવું મુશ્કેલ છે.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પોલિટિકલ એડિટર રહી ચૂકેલા રાજીવ શાહ કહે છે કે પક્ષમાં અમિત શાહનું સ્થાન 'નંબર-ટૂ' છે.

શર્મા કહે છે, "અમિત શાહનું વર્તમાન રાજકીય કદ જોતાં ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ તેમના માટે નાનું છે. તેમને કેન્દ્ર સરકારમાં મંત્રીનું પદ આપવું પડે."

"મને નથી લાગતું કે અમિત શાહ ભાજપ અધ્યક્ષનું પદ છોડે, તેમની મુદત વધારવામાં આવે તો પણ નવાઈ નહીં."

ગુજરાતના ગૃહમંત્રીથી દેશના ગૃહમંત્રી?

Image copyright Getty Images

પ્રો. ધોળકિયા કહે છે કે અમિત શાહ અત્યારે પક્ષમાં નંબર-ટૂ છે અને તેમને સરકારમાં પણ નંબર-ટૂનું સ્થાન મળે એવી શક્યતા પ્રબળ છે.

સરકારમાં વડા પ્રધાનપદ પછીનું મહત્ત્વનું પદ નાયબ વડા પ્રધાનનું હોય છે, પણ જો નાયબ વડા પ્રધાનની પસંદગી ન કરાઈ હોય તો ગૃહ મંત્રી નંબર-ટૂ હોય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ જ કૅબિનેટ બેઠકમાં મુખ્ય સ્થાન સંભાળતા હતા.

પણ પ્રો. ધોળકિયા કહે છે કે મોદી સરકારમાં નાયબ વડા પ્રધાનપદનો શિરસ્તો શરૂ કરાય એવું લાગતું નથી, પણ અમિત શાહને ગૃહ મંત્રીનું પદ અપાય અને રાજનાથસિંહને રક્ષા મંત્રાલય સોંપવામાં આવે એવી શક્યતા પ્રબળ છે.

રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા કહે છે, "ગુજરાતમાં 26 બેઠકો આવી એટલે સ્થાનિક નેતૃત્વમાં ફેરફારની સંભાવનાઓ પૂરી થઈ જાય છે એટલે તેમને કૅબિનેટમાં મોકલી શકાય એ શક્ય છે."


નવા અધ્યક્ષ કોણ?

Image copyright Getty Images

જો અમિત શાહને ગૃહ મંત્રીનું પદ આપવામાં આવે તો પછી ભાજપ અધ્યક્ષનું પદ કોને સોંપવામાં આવે એ પ્રશ્ન છે.

પ્રો. ધોળકિયા કહે છે કે ભાજપ અધ્યક્ષનું સ્થાન રામ માધવ કે જે. પી. નડ્ડાને મળી શકે છે.

આ સાથે તેઓ નોંધે છે, "હવે જે પણ ભાજપ અધ્યક્ષ બને તેઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સમકક્ષ મોટા નેતા તરીકે ઊભરી આવે એવું તેઓ નહીં ઇચ્છે અને પસંદગીમાં એ બાબતનું મહત્ત્વ રહેશે."

ચંદુ મહેરિયા કહે છે, "નબળા મુખ્ય મંત્રીઓ મોદી-શાહની રણનીતિનો ભાગ છે અને તે આગળ ચાલશે, પણ જો અમિત શાહ કૅબિનેટમાં જશે તો રાજનાથસિંહનું શું થશે?"

"તેઓ આવનારા સમયમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી વગેરે સાથે કેવું અનુસંધાન સાધે છે એના પર પણ ઘણો આધાર રહેશે."

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે, "અમિત શાહ હવે નંબર-બે બનવાની આશા તો રાખતા જ હશે અને ત્યાં પહોંચી પણ રહ્યા છે, પણ આગામી બે વર્ષમાં પક્ષમાં તિરાડો હશે એમ મને લાગે છે."

શાહ કહે છે, "સરકાર નૉનપર્ફૉર્મિંગ સ્તરે પહોંચી જાય અને નાગપુર સહિતનાં પરિબળો વધારે ખૂલીને બહાર આવે એમ બની શકે છે."

તેઓ ઉમેરે છે, "આ વખતે પાંચ વર્ષ રાહ જોવી પડે એવું હવે નહીં થાય. બે વર્ષમાં જ ભાજપની સત્તા ચરમસીમા પર આવશે અને તિરાડો વધારે ખુલ્લી દેખાશે."

અમિત શાહને ગૃહ મંત્રીનું પદ આપવામાં એ શક્યતા સૌથી વધારે પ્રબળ મનાઈ રહી છે, પણ તેના કારણે સંગઠનમાં અને પક્ષમાં મોટા ફેરફારો થાય એવી શક્યતાઓ વિશ્લેષકો વ્યક્ત કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો