સુરત આગ : 'લોકો અમારાં બાળકોને બચાવવાને બદલે વીડિયો ઉતારતા હતા'- ગ્રાઉન્ડ રિપોર્ટ

સુરતમાં આગ Image copyright GSTV

અગ્નિકાંડમાં 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં મૃત્યુ બાદ શનિવારે સમગ્ર સુરતમાં સ્મશાનવત્ શાંતિ જોવા મળી હતી.

સુરતના વરાછા ખાતેનાં સ્મશાનગૃહમાં એક પછી એક મૃતદેહોની લાઇન લાગી હતી. સ્વજનોનાં આક્રંદને કારણે વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.

સ્થાનિકો, પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓ આરોપ છે કે સરકાર તથા સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે મરણાંક તથા ઇજાગ્રસ્તોનો આંક વધી ગયો.

પરિવારજનો દુર્ઘટનાસ્થળે હાજર લોકોની સામે પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા છે અને કમિટી રવિવાર સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે.


પોલીસકર્મીઓની આંખો ભીની

તક્ષશિલા કૉમ્પલેક્સની આગમાં મૃત્યુ પામેલાં તરુણ-તરુણીઓના પાર્થિવદેહ અંતિમસંસ્કાર માટે શનિવારે વરાછા સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા.

મૃતકના પરિવારજનો જ નહીં, અંતિમયાત્રા કવર કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ તથા સુરક્ષા બંદોબસ્તમાં લાગેલા પોલીસકર્મીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

આ બધા બાળકો વૅકેશન બેચમાં ભણવા આવ્યા હતા. આર્કિટેક્ટ કોર્સ અથવા ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશની તૈયારી કરવા આવ્યા હતા.

ડિઝાઇનમાં ખામીથી આગ વકરી

આરટીઆઈ કાર્યકર્તા તથા સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી પ્રફુલ્લ માનનકા કહે છે:

"ગ્રાઉન્ડ પ્લસ એક માળ ધરાવતા તક્ષશીલા આર્કેડમાં ચોથા માળે શેડ હતો, જેમાં પણ બે માળ હતા. તેની છત થર્મૉકોલ તથા ફર્નિચર પ્લાયવૂડની બનેલી હતી."

"ઇમારતના પાછળના ભાગમાં લાગેલા ટ્રાન્સફૉર્મરમાં સ્પાર્કથી શરૂ થયેલી દુર્ઘટનાએ જોત-જોતામાં ભયાનક આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું."

"આ આગ બીજા અને પછી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. થર્મૉકોલને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી."

"12 વાગ્યા પછી ટ્રાન્સફૉર્મરમાં સ્પાર્ક થયો હતો, સ્પાર્ક પછી બ્લાસ્ટ થયો. ત્યારબાદ આગ લાગી અને ઇમારતના બીજા અને ત્રીજા માળ પર પણ આગ ફેલાઈ ગઈ. થર્મોકૉલને કારણે આ આગ ઝડપથી વધી હતી."

"આગ પાછળની બાજુએથી લાગી હોવાથી અંદર રહેલા લોકો જીવ બચાવવા આગળની બાજુએ આવ્યા, પરંતુ આગ ત્યાં પણ પહોંચી ગઈ હતી."

"એટલે લોકોએ કાચની દિવાલ તોડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં કેટલાક તરુણ-તરુણીઓ નીચે પટકાયા."

સમગ્ર ઘટનાક્રમ અંગે અલગ-અલગ વૃત્તાંત પ્રવર્તી રહ્યાં હોવાથી વાસ્તવિક કારણ તપાસ પૂર્ણ થયાં બાદ જ બહાર આવશે.

13થી 18 વર્ષનાં તરુણ-તરુણીઓ વૅકેશન બેચમાં NATA (નેશનલ ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર)ની તૈયારીઓ કરી રહ્યા હતા.


સરકાર સામે આક્રોશ

યુવા જિંદગીઓ હોમાઈ જવાથી સુરતીઓમાં સ્થાનિક તંત્ર, રાજનેતાઓ અને રાજકારણીઓ પ્રત્યે ભારે આક્રોશ પ્રવર્તે છે.

પરેશ પટેલ કહે છે કે સરકાર અને કૉર્પોરેશન દ્વારા ભારે ટૅક્સ વસૂલવામાં આવે છે છતાંય સેવામાં સુધાર થતો નથી.

રાજેશ વાટલિયાએ કહ્યું, "મારો ભાણેજ ક્લાસિસમાં ગયો હતો."

"આગ લાગી ત્યારે પાણીનો પમ્પ ખેંચીને ઉપર પહોંચાડવા માટે બીજા માળ સુધી ગયા, ત્યારે શરૂઆતની 40 મિનિટ સુધી પાણીનો ફોર્સ ખૂબ ઓછો હતો પછી બીજા ટેંકર આવ્યા ત્યારે પાણી બરાબર આવ્યું"

ઘટનાના પ્રત્યક્ષદર્શી રાજેશ વાટલિયા કહે છે કે પાણીની લાઇનને બીજા માળ સુધી પહોંચાડવા માટે તેઓ પણ તેમની સાથે ગયા હતા.

તેમણે કહ્યું, "આગને ફેલાતી અટકાવવા માટે કિંમતી એવી શરૂઆતની 40 મિનિટ સુધી ફોર્સ ખૂબ જ ઓછો હતો."

પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ફાયર ફાઇટર્સ ત્રીજા માળ સુધી પહોંચી શકી ન હતી, જેથી બાળકોએ ઉપરથી ભૂસકા મારવા પડ્યા. આ કારણે મૃતકઆંક તથા ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો.

સમગ્ર ઘટનાક્રમ અંગે ચીફ ફાયર ઑફિસર બસંત પરિકે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

પિતાને મદદ માટે ફોન કર્યા

ફોટો લાઈન આગમાં દાઝીને મૃત્યુ પામનાર મિત સંઘાણી

આગમાં દાઝી જવાથી મૃત્યુ પામનાર મિત સંઘાણીના મામા મિલિંદ વાદીના કહેવા પ્રમાણે, "મિત 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તે આર્કિટેક્ટ બનવા માગતો હતો."

"આગ લાગી ત્યારે મિત ત્યાં ક્લાસમાં જ હતો અને તેણે મદદ માટે પપ્પાને ફોન પણ કર્યો હતો. જોકે, પરિવારજનો કશું કરી શકે તેમ ન હતા."

ધો. 12માં 99.16 પર્સૅન્ટાઇલ મેળવનારા દર્શન ઢોલા ઉજ્જવળ કારકિર્દી ઘડવાની આશાએ ટ્યૂશન લઈ રહ્યા હતા. દર્શન આગથી બચવા માટે ઇમારત પરથી કૂદી ગયા હતા, જેનાં કારણે તેમનું જડબું તૂટી ગયું હતું.

દર્શનના પાર્થ ઢોલા કહે છે, "ઈજા કેવી રીતે અને ક્યારે રુઝાશે તેની ખબર નથી. જેઈઈમાં મારા ભાઈનો રૅન્ક આખા દેશમાં ટોપ-100માં હતો. ખબર નહીં, ક્યારે તે ફરીથી અભ્યાસ શરૂ કરી શકશે."

તપાસનીશ અધિકારી પુરીના કહેવા પ્રમાણે, જો આવી કોઈ ખામી રહી ગઈ હશે તો તેને પણ રિપોર્ટ કરવામાં આવશે.


નાગરિકોની સંવેદનહીનતા?

13 વર્ષીય શ્રુતિ પટેલ પાછળની બાજુએથી લાગેલી આગ વકરી તે પહેલાં જ બારીમાંથી બહાર નીકળીને જીવ બચાવવામાં સફળ રહ્યી હતી.

શ્રુતિના પિતા પરેશભાઈ કહે છે કે માત્ર ત્રણ કિલોમિટરનું અંતર પાર કરવામાં ઍમ્બ્યુલન્સને 45 મિનિટનો સમય લાગ્યો હતો.

નાગરિકો પ્રત્યે મૃતકો તથા પીડિતોના પરિવારજનોની ફરિયાદ છે.

તેમના કહેવા પ્રમાણે ત્યાં હાજર સેંકડો લોકો ગાદલાં પાથરીને અમારાં બાળકોનાં જીવ બચાવવાને બદલે વીડિયો ઉતારી રહ્યા હતા.

રસ્તા ઉપરથી પસાર થતા કાર તથા બાઇકચાલકો આગને જોવા માટે ત્યાં અટકી જતા હતા, જેના કારણે ટ્રાફિકજામ થઈ ગયો. આ કારણે રાહત અને બચાવ કામીગીરી સાથે સંકળાયેલાં વાહનો તથા ઍમ્બુલન્સની અવરજવરમાં અવરોધ ઊભા થયા.


આગ લાગવાનું કારણ શું હોય છે?

સુરત હોનારત વિશે અર્બન પ્લાનિંગના નિષ્ણાત પ્રોફેસર દર્શિની મહાદેવીયાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે થયેલી વાતચીત કરી જેમાં તેમણે કહ્યું કે જ્યાં બાળકો આવતા હોય એ જગ્યા પર ફાયર સેફ્ટી પર બેદરકારી ન વર્તાવી જોઈએ.

દર્શિની મહાદેવીયાનું કહેવું છે કે બિલ્ડિંગ બનાવતી વખતે એ વાતને ગંભીરતાથી નથી લેવામાં આવતી કે આગ પણ લાગી શકે છે.

"બાંધકામ વખતે પૈસા બચાવવામાં આવે છે. બાંધકામ પણ એવી રીતે થાય છે કે જેમાં યોગ્ય અવકાશ નથી હોતો એના કારણે આગ લાગે, તો લોકો બહાર નીકળી શકતા નથી."

"ફાયર સેફ્ટી કાયદા મુજબ મોટું બિલ્ડિંગ હોય તો બહારની તરફ એક સીડી હોવી જોઈએ જેથી આગ લાગે, તો ત્યાંથી તરત બહાર નીકળી શકાય."

"દરેક માળ પર પાણીની સ્વતંત્ર પાઇપલાઇન માત્ર આગથી થતી જાનહાનિ ટાળવા માટે હોવી જોઈએ."

"નાગરિક તરીકે તકેદારી રાખવાની કેટલીક જવાબદારી લોકોની પણ બને છે."

"જ્યાં બાળકો એકઠા થતાં હોય ત્યાં તો આ પ્રકારની ઘટના ન જ બનવી જોઈએ અને બને તો ક્લાસિસ ચલાવનારા સામે ક્રિમિનલ એકશન લેવા જોઈએ."

"આપણે ત્યાં શહેરોમાં યુનિવર્સીટી વગેરેની ઇમારતોમાં અગ્નિશમન અંગેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, પણ ઇનફૉર્મલ કન્સ્ટ્રક્શન્સમાં 60-70 ટકા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું નથી."

"નવા બિલ્ડિંગ્સમાં પણ ફાયરસેફ્ટીની વ્યવસ્થા ક્યારેક નામ માત્રની રહી જાય છે. કારણકે ફાયર સેફ્ટી માટેની નિયમિત મોક-ડ્રીલ થવી જોઈએ. આગ લાગે ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓને એ ઉપકરણો કેવી રીતે વાપરવા એ વિશેની સમજ હોવી જોઈએ."

પાટીદારોમાં આક્રોશ

સુરતનો સરથાણા, વરાછા અને આજુબાજુના વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે.

દુર્ઘટનાનો ભોગ બનેલાં બાળકોમાં અનેક આ સમાજના હતા જેને કારણે પાટીદારોમાં આક્રોશ છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિએ શનિવારે સુરત બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે મોટા ભાગની દુકાનો અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રહ્યાં હતાં.

સુરત પાસના સંયોજક ધાર્મિક માલવીયના કહેવા પ્રમાણે, જ્યાં સુધી આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે, ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.


સરકાર સફાળી જાગી

ફોટો લાઈન શુક્રવારે સાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

શુક્રવારે સાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા અને સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી હતી.

રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સચિવ (અર્બન પ્લાનિંગ વિભાગ) મુકેશ પુરીની અધ્યક્ષતામાં તપાસ કમિટી નિમવામાં આવી છે.

પુરીના કહેવા પ્રમાણે, "તપાસ ફાયર બ્રિગેડની કાર્યશૈલી ઉપર કેન્દ્રીત રહી છે અને રવિવારે આ અંગેનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે."

"જો કોઈ નીતિગત ફેરફાર કરવાની જરૂર જણાશે, તો તેના અંગેની ભલામણો પણ આ રિપોર્ટમાં સમાવી લેવાશે."

શનિવારે ટ્યૂશન ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે.

તેમની સામે ભારતીય દંડસંહિતાની કલમ 307 (ઇરાદાપૂર્વક જીવનું જોખમ ઊભું કરવું), 304 (માનવવધ), 114 સહિતની કલમો લગાડવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સુરત, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને જામનગર સહિતનાં શહેરોમાં ટ્યૂશન-ક્લાસિસ સ્થાનિક તંત્ર પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મેળવી લે, ત્યાં સુધી ક્લાસિસ ન ચલાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. ચાર-ચાર લાખની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ