સુરત આગ : 'ફાયરસેફ્ટી વિકલ્પ નહીં, ફરજિયાત છે'

સુરત Image copyright GSTV

સુરતની આગને કારણે ગુજરાતમાં ઇમારતોના નિર્માણ અને તેના સુરક્ષાધોરણો અને તેના અમલમાં દાખવવામાં આવતી લાપરવાહીને ફરી એક વખત ચર્ચામાં લાવી દીધાં છે.

શુક્રવારે સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલી આગને કારણે 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં મૃત્ય થયાં, જેના કારણે આ મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્માણ સંબંધિત નિયમો ઘડવામાં આવ્યા છે, જેનો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા તેનો અમલ કરવાનો હોય છે.

સુરતની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર વિભાગના બે અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આવી દુર્ઘટનામાં થતી જાનહાનિ માટે બિલ્ડિંગ ડિઝાઈન, પરવાનગી, ઑપરેશન અને મેઈન્ટેનન્સ અને ફાયર વિભાગની બચાવ કામગીરી સહિત અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.

તપાસમાં જે બહાર આવે તે જોવું રહ્યું, પરંતુ આપણે એ સમજી લેવાની જરૂર છે કે આગ સાથે રમત ન કરાય.

તમે આ વાંચ્યું કે નહીં?

બિલ્ડિંગ પ્લાનિંગ

Image copyright Getty Images

કોઈ પણ બિલ્ડિંગ ડિઝાઈન થાય તો જે તે વિસ્તારમાં આવતા બિલ્ડિંગ બાયલોઝ (પેટાનિયમો)ને ધ્યાનમાં લેવા પડે છે.

ગુજરાતમાં અત્યારે કૉમન ગુજરાત ડેવલપમૅન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર) છે જે બાંધકામના નિયમન માટે ઘડવામાં આવેલા છે.

પહેલાં આ નિયમ દરેક શહેર માટે અલગ હતા જેમાં વિસંગતતા દૂર કરી હવે ગુજરાતભર માટે કૉમન જીડીસીઆર (એકસમાન નિયમ) બનાવવામાં આવ્યા છે.

જીડીસીઆરની ધારા 2.66 ફાયરસેફ્ટી સંબંધિત ટર્મ્સ વિષે જાણકારી આપે છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઈફ સેફ્ટી ઍક્ટ 2013 ઑથૉરિટી, મકાનમાલિક, બિલ્ડર્સ, ફાયર સેવાઓ વગેરેની જવાબદારીઓ નક્કી કરે છે.

આપણો નેશનલ બિલ્ડિંગ કોડ મકાનોના બાંધકામ અને જાળવણી અંગેની પાયાની જરૂરિયાતો નિર્ધારિત કરે છે.

બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના વિવિધ કોડ ફાયર સંબંધિત જોગવાઈઓ માટે અગત્યના છે.


ફાયર પરમિશન

Image copyright Daxesh Shah
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર ( ગોધરા ફાયર સ્ટેશન)

ગુજરાતમાં 25 મિટરથી ઊંચા રેસિડેન્શિયલ મકાન માટે, 15 મિટર કરતાં વધુ ઊંચાઈનું મકાન હોય અને મકાન મિક્સ્ડ યૂઝ થતું હોય તો તેમાં ફાયર સંબંધિત પરવાનગી માટે ફાયર વિભાગને મકાનના પ્લાન રજૂ કરવાના રહે છે.

ફાયર વિભાગ પ્લાનને આગ સંબંધિત જોખમો અંગે ચકાસી મંજૂર કરે છે.

15 મિટરથી ઓછી ઊંચાઈનું મકાન જો શૈક્ષણિક કે સંસ્થાકીય ઉપયોગમાં લેવાતું હોય, તે બે માળથી વધુનું હોય અથવા 500 ચોરસમિટરથી વધુના પ્લોટ પર બન્યું હોય, અથવા 1000 ચોરસમિટરથી વધુ બાંધકામ ધરાવતું હોય તો એવા મકાન માટે બાંધકામ પહેલાં અને પછી ફાયર સંબંધિત પરવાનગી લેવી જરૂરી છે.

જુદી-જુદી ઑથૉરિટીમાં આ જોગવાઈઓમાં થોડાઘણા ફેરફાર હોઈ શકે.

બાંધકામ બાદ ફાયર ઑફિસર દ્વારા સ્થળ ચકાસણીમાં દુર્ઘટના સમયે ફાયરબ્રિગેડના વાહનો આવી શકે તેમ છે કે નહીં તથા બિલ્ડર, એન્જિનિયર અને ફાયર કન્સલ્ટન્ટ પ્રમાણિત ફાયર સિસ્ટમ કામ કરે છે કે નહીં તે ચકાસી મંજૂરી આપે છે.

આ બધી ચકાસણીઓ જો બરાબર થઈ હોય તો દુર્ઘટનામાં જાનહાનિ નિવારી શકાય છે.

સુરતની તાજેતરની ઘટના મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગની અસરકારકતા ઉપર સવાલ ઊભા કરે છે.

જો નિયમો અનુસાર બાંધકામ કરવામાં આવ્યું હોત અને બિલ્ડિંગ યૂઝ પરમિશન વગરના બાંધકામો સીલ કરવામાં આવે તો શહેરના ટ્રાફિક સહિતના ઘણા પ્રશ્નો ઊભા જ ન થાય.

ફાયર વિભાગની પરમિશન બિલ્ડિંગ યૂઝ પરમિશન આપવા માટે એક જરૂરી કન્ડિશન છે.


બિલ્ડિંગ ડિઝાઈનિંગ

Image copyright Bipin Tankaria
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર ( રાજકોટથી)

બિલ્ડિંગ ડિઝાઈન થાય ત્યારે ડિઝાઈનરે આગ કે ધરતીકંપ જેવી ઘટનાઓ વખતે વ્યક્તિ કઈ રીતે સલામત રીતે બહાર નીકળી શકે તે વિચારવું જરૂરી છે.

એક વાર આગ લાગે તો એ પ્રસરતી રોકવા માટે પણ ડિઝાઈન લેવલે વિચારી શકાય.

બિલ્ડિંગ્સની ઍન્ટ્રી-ઍક્ઝિટ, નિસરણી, અને પૅસેજ આગની દૃષ્ટિએ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.


ફાયર ડોર્સ

Image copyright Getty Images

સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ બિલ્ડિંગમાં એક જ નિસરણી આપવામાં આવેલી હોય છે.

આગ લાગે ત્યારે આ નિસરણી સુધી લોકો પહોંચી શકે તો આસાનીથી બચી શકે.

પરંતુ ઘણી વાર નીચેના ફ્લોર પર આગ લાગે તો ધુમાડાને કારણે આ નિસરણી સુધી પહોંચી શકાતું નથી.

આવા સંજોગોમાં, ખાસ કરીને જ્યાં આગ લાગવાની શક્યતા હોય તેવા એકમોમાં ફાયર સપ્રેસ્ન્ટ ડોર, એટલે કે આગ લાગે તો આ લોખંડનું મજબૂત બારણું આગને બહારની તરફ ફેલાતા રોકે છે.

આ ઉપરાંત ફાયર ચેક ડોર વડે આગને બિલ્ડિંગના પેસેજ અને નિસરણીથી દૂર રાખવામાં સફળ થવાય તો લોકોને બહાર નીકળવાનો સમય મળી રહે.

આ પ્રકારની ડિઝાઈન માટે સારા કન્સલ્ટન્ટ રોકવા જરૂરી છે.


ફાયર સ્ટેર્સ, ફાયર એસ્કેપ અને પૅસેજિસ

Image copyright Getty Images

નિસરણીથી માંડીને દરેક બિલ્ડિંગના પૅસેજની પહોળાઈ જીડીસીઆરમાં નિર્ધારિત કરેલી છે.

બિલ્ડિંગની બહાર નીકળવાના દરવાજાઓ ઓછામાં ઓછા દોઢથી બે મિટર પહોળા હોવા જરૂરી છે.

બિલ્ડિંગના કોઈ પણ ભાગથી નિસરણી 25 મીટરથી વધુ દૂર ના હોવી જોઈએ.

આ ઉપરાંત વપરાશના આધારે (સ્કૂલો, રેસ્ટોરાં, થિયેટર, મૉલ વગેરે માટે) અન્ય નિયમો લાગુ પડે છે.

આગ ધરતીકંપના આંચકા સમયે બધા લોકો એક સાથે બિલ્ડિંગની બહાર ભાગવાની કોશિશ કરે ત્યારે પૅસેજિસ અને નિસરણીમાં ભાગદોડને કારણે કચડાઈ મરવાનો ભય છે.

અમદાવાદની સ્કૂલોમાં ભૂતકાળમાં માત્ર અફવાને કારણે આવી ઘટનાઓ બની ચૂકી છે.

અમે કરેલા સ્થળપરીક્ષણમાં જોયું છે કે સ્કૂલોમાં ઈમર્જન્સીમાં બહાર નીકળવા એક જ દરવાજો હોય અને બાકીના લૉક કરેલા હોય તેવું જોવા મળે છે.

આ ઉપરાંત પૅસેજમાં જૂનાં ફર્નિચર, કબાટો, બૅંચ પડેલાં હોય છે જે ભાગવામાં વિઘ્નરૂપ બને છે.

કૉમર્શિયલ કૉમ્પ્લેક્સમાં જ્યારે ક્લાસ બનાવવામાં આવે છે ત્યારે આ બધા નિયમોનું પાલન થતું નથી.

જે બિલ્ડિંગમાં વધારે લોકો ભેગા થતા હોય, બાળકો હોય, હૉસ્પિટલ અને શૈક્ષણિક બિલ્ડિંગ્સમાં શક્ય હોય તો બહારની તરફ અલગ નિસરણી આપવી હિતાવહ છે.


રેફ્યુજ ફલોર્સ

Image copyright Getty Images

મુંબઈ અને દિલ્હી-નોયડામાં મલ્ટિસ્ટોરી અને હવે સ્કાયસ્ક્રેપર્સ બનાવવામાં આવે છે તેમાં વચ્ચે આખો ફ્લોર રેફ્યુજ ફ્લોર કે સ્પેસ તરીકે અલગ બનાવવામાં આવે છે.

આ ફ્લોરનો ઉપયોગ ઈમર્જન્સીમાં શેલ્ટર તરીકે અને ફાયરબ્રિગેડને બિલ્ડિંગમાં ફાયર ઑપરેશન્સ કરવા માટે કામમાં આવે છે.

વપરાશના વિસ્તારના 4 ટકા લેખે 30 મિટરથી વધુ ઊંચાઈના બિલ્ડિંગમાં 24 મિટર પર પહેલો અને પછી દરેક સાતમા માળ માટે રેફ્યુજ ફ્લોર કે સ્પેસ આપવાની રહે છે જે એરિયા એફએસઆઈમાં ગણાતો નથી.

70 મિટરથી વધુ ઊંચાઈનાં મકાનો માટે દરેક 70 મિટર દીઠ એક ફ્લોર ખાલી છોડવામાં આવે છે જેથી આગ પ્રસરે નહીં.

આ ફ્લોરની ઊંચાઈ માત્ર 6 ફૂટ નિર્ધારિત કરવામાં આવે છે જેથી કરીને કોઈ તેનો બીજો ઉપયોગ ના કરે.

રેફ્યુજ ફ્લોર જો બીજા કોઈ ઉપયોગમાં લેવામાં આવે તો પછી એનો કોઈ અર્થ ના રહે તે વપરાશકર્તાઓએ સમજી લેવું જરૂરી છે.

આમ તો ધાબાનો ઉપયોગ પણ રેફ્યુજ માટે થઈ શકે છે, પરંતુ સુરક્ષાના કારણસર મોટાં ભાગનાં બિલ્ડિંગમાં ધાબા લૉક કરેલા હોય છે.

ધારો કે કોઈ કૉમ્પ્લેક્સમાં 'એ' અને 'બી' વિંગ હોય અને ધાબાથી આ બેઉ વિંગ જોડાયેલી હોય અને નીચેના ભાગમાં આગ લાગે તો વ્યક્તિ ધાબા થકી બીજી વિંગમાંથી નીચે ઊતરી શકે છે.


બિલ્ડિંગ મટીરિયલ્સ

Image copyright Getty Images

આજકાલ બનતી આગની મોટા ભાગની ઘટનાઓમાં આગ ફેલાવવાના અથવા વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે માટે જ્વલનશીલ પદાર્થ અને તેનો નીચો ફાયર રેસિસ્ટન્સ જવાબદાર હોય છે.

કૉમર્શિયલ એકમો જેવા કે થિયેટર, રેસ્ટરાં , મૉલ્સમાં ઇન્ટિરિયર ડિઝાઈનિંગ વર્કમાં મોટા પાયે પ્લાયવૂડ અને પ્લાસ્ટિક વાપરવામાં આવે છે જે સ્વાભાવિક રીતે જ્વલનશીલ છે.

ફલોરિંગમાં પ્લાસ્ટિક કે વિનાઈલ આગ સામે નબળું પુરવાર થાય છે.

ઑઇલ પેઈન્ટ લગાડેલા બારણા પણ આગ પકડે છે.

કૉમર્શિયલ એકમોમાં વપરાશ ફેર થાય ત્યારે નવેસરથી ઇન્ટિરિયર પ્લાનિંગ થઈ શકે તે હેતુથી કાચ, લાકડું અને અન્ય જ્વલનશીલ પદાર્થ પુષ્કળ વપરાય છે.

કાચ ગરમીથી તૂટી જાય એટલે આગ ફેલાય છે.

બાકી ટ્રેડિશનલ મટીરિયલ (પારંપરિક પદાર્થ) જેવા કે ઈંટ-પથ્થર-પ્લાસ્ટર-ક્રૉંક્રિટ-ફલોરિંગ જેવી મૂળભૂત બાંધકામની સામગ્રી આગ સામે મજબૂતાઈથી ટકી રહે છે. હા, લાંબો સમય આગ ઝેલવાથી તેમની તાકાત ઘટી જાય એવું બને.

માટે જ કોઈ પણ આગ બાદ મકાનની સ્ટ્રક્ચરલ ચકાસણી જરૂરી છે.

અમદાવાદ નજીક એક પેઈન્ટ ફૅક્ટરીમાં લાગેલી વિકરાળ આગ બાદ સ્થળ ચકાસણી દરમિયાન અમે આરસીસી કૉલમ, દીવાલ, ટાઈલ્સ અડીખમ જોયાં હતાં, જ્યારે સ્ટીલ સ્ટ્રક્ચરથી બનેલો શેડ પડી ભાંગ્યો હતો.

ક્રૉંક્રિટની તાકાત 650 ડિગ્રી તાપમાન પછી ઘટવા લાગે છે જયારે સ્ટીલ 600 ડિગ્રીએ નરમ પડે છે અને 1400 ડિગ્રી પર ઓગળી જાય છે.

ઊંચા તાપમાનથી અને આગમાં લાંબો સમય એક્સપોઝરથી સ્ટીલ ઓગળવા માંડે છે, બીમ વળી જાય અને છેવટે સ્ટ્રક્ચર પડી ભાંગે છે.

ન્યૂ યોર્ક ટ્વીન ટાવર્સ મુખ્યત્વે સ્ટીલ સ્ટ્રક્ચરના હતા.

સ્ટીલ મેમ્બર્સને જો ક્રૉંક્રિટ વડે કવર કરવામાં આવે તો સ્ટ્રક્ચર આગ સામે વધુ સમય ટકી શકે છે.

કોઈ પણ મટીરિયલ આગ સામે કેટલું ટકી શકશે તે માટે બીઆઈએસ ટેસ્ટ મુજબ તે મટીરિયલને ફાયર રેટિંગ અપાય છે.

ટેસ્ટ કન્ડિશનમાં પ્રમાણિત મટીરિયલ કેટલો સમય ટકી શકે છે તે મુજબ 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ, એક કલાક, દોઢ કલાક, બે કલાક, ત્રણ કલાક અને ચાર કલાક એવા રેટિંગ આવે છે.

ઈલેક્ટ્રિકલ વર્ક

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આગની ઘટનાઓ માટે મોટા ભાગે શોર્ટસર્કિટ જવાબદાર હોય છે.

આ માટે હલકી ગુણવત્તાના વાયર્સ, કેબલ્સ, અપ્લાયન્સિસ જવાબદાર છે.

નીચી કિંમતના કારણે ચાઇનીઝ માલ-ફિક્સર્સ અને ફિટિંગ્સ માર્કેટમાં મોટા પાયે વપરાય છે.

ઓવર હિટિંગ કે શોર્ટસર્કિટને કારણે આગ લાગે છે અને પછી અન્ય જ્વલનશીલ પદાર્થને કારણે પ્રસરે છે.

બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણિત વાયર્સ, કેબલ્સ, સ્વિચિસ, પ્લગ વાપરવાથી દુર્ઘટના નિવારી શકાય છે.

આ ઉપરાંત ઈલેક્ટ્રિકલ કામ કરનાર ઈલેક્ટ્રિશિયન યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.

સિવિલ વર્કસમાં ક્વૉલિટી કંટ્રોલ થાય છે, પરંતુ ઈલેક્ટ્રિકલ વર્કમાં ક્વૉલિટી કંટ્રોલનો સદંતર અભાવ જોવા મળે છે.


ફાયર એક્સટીન્ગ્યુશર

Image copyright Getty Images

તમે લાલ કલરનું ફાયર એક્સટીન્ગ્યુશર જોયું હશે.

આ ફાયરનો ફર્સ્ટ એઈડ છે.

ફાયર એક્સટીન્ગ્યુશર પાણી, કાર્બન ડાયૉક્સાઈડ, ફોમ, પાવડર અને હેલોન આધારિત આવે છે.

મુખ્યત્વે આપણે એને સામાન્ય અને ઈલેક્ટ્રિકલ વપરાશ એ બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ.

ઍન્યુઅલ મેઈન્ટેનન્સ અને ટ્રેનિંગ એ બે વસ્તુ ફાયર એક્સટીન્ગ્યુશરમાં ધ્યાનમાં રાખવી પડે.


ઑટોમૅટિક ફાયર ડિટેકશન ન્ડ લાર્મ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આગ લાગે ત્યારે તેની જાણકારી તરત થાય તો સમયસર ઓલવી શકાય.

અમેરિકાના અમારા વસવાટ દરમિયાન અમે દરેક ઘરમાં સ્મોક, ફાયર અને ગૅસ અલાર્મ્સ જોયા હતા.

ઘણી વખત તો રસોઈ દરમિયાન વઘાર કરવામાં પણ અલાર્મ વાગી જતું.

ક્યાંય પણ અલાર્મ વાગે એટલે પડોશી કોઈ ફાયર વિભાગને ફોન કરે અને મિનિટોમાં ફાયર કર્મચારીઓ વાહન સાથે આવી જાય, આસપાસના મકાન ખાલી કરાવે અને સંપૂર્ણ ચકાસણી બાદ જ અંદર જવા દે.

આગ અને ધુમાડાને કારણે કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધે છે તે મૉનિટર કરવા માટે અલાર્મ આવે છે.

50 પીપીએમ (પાર્ટ પર મિલિયન્સ) જેટલું કાર્બન મોનોક્સાઈડ લેવલ આઠ કલાક સુધી રહે તો અલાર્મ વાગે તેવી રીતે કૉમર્શિયલ અલાર્મ બનાવવામાં આવે છે.

આ લેવલ 400 પીપીએમ પર પહોંચે તો આઠ મિનિટમાં અલાર્મ વાગે છે.

100 પીપીએમ ઉપરનું કાર્બન મોનોક્સાઈડ લેવલ આરોગ્ય માટે સારું નથી ગણાતું અને 1600 ઊપર લેવલ જાય તો વ્યક્તિનું મોત થઈ શકે છે.

Surat Fire : સુરતના ટ્યૂશન ક્લાસમાં ભીષણ આગ, 20 લોકોનાં મૃત્યુ

વૅન્ટિલેશન વગરનાં બાથરૂમમાં ગૅસ-ગીઝરના વપરાશના કારણે જે મૃત્યુ થાય છે તેના માટે કાર્બન મોનોક્સાઈડ જવાબદાર છે.

આ દાખલો એટલા માટે આપ્યો કે ગીઝરમાં ગૅસ કંટ્રોલમાં સળગવાથી આ અસર થાય છે, જ્યારે આગ લાગે તેવા કિસ્સામાં કાર્બન મોનોક્સાઈડનું લેવલ અનેક ગણું વધી જાય છે.

આપણે ત્યાં બહુમાળી અને ચોક્કસ હેતુવાળાં મકાનો માટે ફાયર અલાર્મ્સ ફીટ કરવા જરૂરી છે.

આ મકાનોમાં આગ લાગે તો આ અલાર્મ ફક્ત સાયરન કે લાઈટ થકી લોકોને ઍલર્ટ કરે તે જરૂરી નથી, પરંતુ અન્ય સિસ્ટમ્સ જેવી કે એચવીએસી (ઍરકંડિશનિંગ), લિફ્ટ, ફાયર ડોર વગેરે સાથે જોડાયેલી હોય તે જરૂરી છે.

આગ લાગે ત્યારે ઈલેક્ટ્રિસિટી જતી રહે તેવા સંજોગોમાં લિફ્ટનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

આ કારણસર ફાયર અલાર્મ વાગતા અન્ય સિસ્ટમને બંધ કરીને આગને ફેલાતી અટકાવવા માટે પગલાં લેવાતાં હોય છે.

આ માટે બિલ્ડિંગના ઑપેરેશન સંબંધિત અન્ય કર્મચારીઓ જેવા કે વૉચમૅન, લિફ્ટમૅનને પણ ટ્રેનિંગ આપવામાં આવે એ જરૂરી છે.


ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ

Image copyright Getty Images
ફોટો લાઈન ફાયર સ્પ્રિંકલર

ફાયર અલાર્મ અને સ્પ્રિંક્લર જોડાયેલા હોય તો તે શ્રેષ્ઠ કામ કરે છે.

અલાર્મથી સ્પ્રિંક્લર ઍક્ટિવેટ થાય છે અને તરત જ જરૂરી જથ્થામાં પાણી ચાલુ કરી આગને ઓલવી નાખે છે.

બૅઝમેન્ટ પાર્કિંગ જેવામાં કે જ્યાં આગ શરૂ થાય તો તરત જાણ ન પણ થાય તેવા સંજોગોમાં ફાયર સ્પ્રિંક્લર શ્રેષ્ઠ કામ કરે છે.

વળી ઘણી જગ્યાએ ફાયર હાઈડરન્ટ સિસ્ટમ હોય પરંતુ એ વાપરતા કે ચાલુ કરતા ન આવડતું હોય તો નકામી પુરવાર થાય છે આવી જગ્યાએ સ્પ્રિંક્લર સિસ્ટમ આગને શરૂઆતથી રોકવામાં સફળ થાય છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ પ્રૉટેક્શન ઍક્ટ અંતર્ગત મિક્સ ઑક્યુપન્સી (જેમ કે રહેણાક, કૉમર્શિયલ, અને ઑફિસ) હોય તેવા સંજોગોમાં સ્પ્રિંક્લર સિસ્ટમ નાખવી જરૂરી છે.

જો બૅઝમેન્ટની સાઈઝ 200 ચોરસ મિટરથી વધારે હોય તો ઑટોમૅટિક સ્પ્રિંક્લર સિસ્ટમ જરૂરી છે.

આ સિસ્ટમ લો હઝાર્ડ- 2.24થી માંડીને હાઈ હઝાર્ડ - 7.5/30 લિટર પર મિનિટ પર સ્ક્વેર મિટર પાણી માટે ડિઝાઈન કરવામાં આવે છે.


ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ

Image copyright Getty Images

બહુમાળી મકાનોમાં ફાયર વૉટર ટૅન્ક, ફાયર પમ્પ અને ફાયર હાઈડરન્ટની જોગવાઈ હોય છે.

એમાં ઉપર જતી પાઈપો વેટ અને ડ્રાય પ્રકારની હોય છે.

દરેક માળ પર આ માટે પાણી લેવા માટે આઉટલેટ અને ફાયર હોઝ આપેલા હોય છે.

ઈમર્જન્સીમાં ફાયરબ્રિગેડ વધારાનું પાણી આ સિસ્ટમમાં પંપ કરી શકે તે માટે ગ્રાઉન્ડ ફ્લોર લેવલે વ્યવસ્થા કરેલી હોય છે.

ફાયર ટૅન્કની કૅપેસિટી ઓછામાં ઓછી એક લાખ લિટર નિર્ધારિત છે.

ભોંયતળિયે અને ધાબા પર બંને જગ્યાએ અલગ ફાયર વૉટર ટૅન્ક હોવી જોઈએ.

પાણી ફાયર ટૅકન્માંથી ઓવરફ્લો થઈ બીજી ટાંકીમાં જાય જે ઘર વપરાશમાં વપરાય તેવી જોગવાઈ પણ થવી જોઈએ છે, પરંતુ પ્રેક્ટિકલી બે ટાંકીઓ ભેગી કરી નાખવામાં આવે છે અને પછી આગ લાગે ત્યારે તેમાં પૂરતું પાણી ન મળે તેવું પણ બને.

જોકે, વપરાશકર્તાઓને ખાસ કરીને કૉમર્શિયલ ઉપયોગ કરનારાઓને ફાયર સેફટી સંબંધિત ખર્ચા 'ખોટા ખર્ચા' લાગે છે.

આ કારણસર જ્યાં સિસ્ટમ્સ નખાઈ છે ત્યાં મેઈન્ટેનન્સ નથી થતું.

ઇન્સ્યોરન્સ વેચનાર તમને સમજાવે કે 'ન કરે નારાયણ ધારો કે તમને કંઈ થયું' અને તમે વર્ષે દસ-વીસ હજારનું પ્રીમિયમ આપી દો છો, પરંતુ ફાયરસેફ્ટી ઉપકરણ વેચનારા, કૉન્ટ્રાકટરો અને કન્સલ્ટન્ટસ તમને આ જ દલીલથી ફાયરસેફ્ટી સિસ્ટમ વેચી નથી શકતા એ આપણી કમનસીબી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા