નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણને કેવી રીતે બદલી નાખ્યું?

નરેન્દ્ર મોદી Image copyright AFP
ફોટો લાઈન 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે

ભારતની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ નિર્ણાયક રીતે સ્પષ્ટ વિજય મેળવીને બીજી વખત આગામી પાંચ વર્ષનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ સુનિશ્ચિત કરી લીધો.

બીબીસીના સૌતિક બિસ્વાસ આ ઘટનાના મહત્ત્વના મુદ્દા તરફ નિર્દેશ કરે છે.

1. બીજો ભવ્ય વિજય સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી કેન્દ્રીત

ભારતનું ધ્રુવીકરણ કરનારા વડા પ્રધાને આ ચૂંટણીને સમગ્ર રીતે પોતાના પર કેન્દ્રીત કરી હતી.

જોકે, તેમની સામે પડકાર રૂપે ઍન્ટિ-ઇન્કમ્બન્સી (શાસન-વિરોધી) પરિબળ હતું.

બેરોજગારીનો આંકડો એક નવી ઉંચાઈએ પહોંચ્યો છે, ખેતીની આવક સાવ ઘટી છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે.

જાહેર ન કરાયેલી સંપત્તિ અને કાળા નાણાંને બહાર લાવવાના પ્રયાસરૂપે જાહેર કરાયેલી નોટબંધીનો ભોગ અનેક ભારતીયો બન્યા.

આ ઉપરાંત ટીકાકારો જેને ખરાબ રીતે તૈયાર કરવામાં આવેલી અને જટિલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) વ્યવસ્થા ગણાવે છે, તેના વિશે પણ ફરિયાદો હતી.

આ પરિણામોએ સાબિત કર્યું છે કે લોકો હજી મોદીને આ બાબતો માટે દોષી નથી માનતા.

Image copyright Getty Images

વડા પ્રધાન તેમના ચૂંટણીપ્રચારનાં ભાષણોમાં લોકોને સતત કહેતા રહ્યા કે '60 વર્ષોમાં ખોટી રીતે ચાલેલા વહીવટ'ને સરખો કરવા માટે તેમને પાંચ વર્ષ કરતાં વધુ સમયની જરૂર છે.

મતદારો તેમને વધુ સમય આપવા રાજી થઈ ગયા.

ઘણા ભારતીયો એવું માનતા હોય તેવું લાગે છે કે મોદી એક મસીહા (અવતારી પુરુષ) છે, જે તેમની તમામ મુશ્કેલીઓને દૂર કરશે.

દિલ્હી સ્થિતિ થિંકટેક સંસ્થા સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (સીએસડીએસ -CSDS) દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર ભાજપ (ભારતીય જનતા પક્ષ)ને મત આપનાર દર ત્રીજા મતદારે કહ્યું કે, જો મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર ન હોત, તો તેમણે બીજા કોઈ પક્ષને સમર્થન આપ્યું હોત.

વોશિંગ્ટન સ્થિત કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના સિનિયર ફેલો મિલન વૈષ્ણવે મને જણાવ્યું, "આ દર્શાવે છે કે લોકોએ કેવી રીતે ભાજપ કરતાં વધારે મોદી માટે મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં અન્ય તમામ બાબતો કરતાં વધારે મોદીના નેતૃત્વ વિશેની હતી."

એક રીતે મોદીનો સતત બીજો ભવ્ય વિજય 1980ના દાયકામાં યૂએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ચિરસ્થાયી લોકપ્રિયતાની યાદ અપાવે છે, જ્યારે તે દેશની આર્થિક સમસ્યાઓ માટેના દોષારોપણમાંથી કોઈ રીતે છટકી ગયા હતા.

રીગનને યૂએસમાં 'ગ્રેટ કૉમ્યુનિકેટર' તરીકે ઓળખાતા હતા અને તેમને 'ટેફલોન' રાષ્ટ્રપતિ પણ કહેવામાં આવતા હતા, કારણ કે તેમની ભૂલો ક્યારેય તેમને સ્પર્શતી નહોતી.

મોદી પણ આવી જ પ્રતિષ્ઠા ભોગવી રહ્યા છે.

Image copyright EPA
ફોટો લાઈન ભારતનું ધ્રુવીકરણ કરનારા વડા પ્રધાને આ ચૂંટણીને સમગ્ર રીતે પોતાના પર કેન્દ્રીત કરી હતી

ઘણા કહે છે કે મોદીએ ભારતની ચૂંટણીને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જેવી બનાવી દીધી છે.

પરંતુ મજબૂત વડા પ્રધાનોએ ઘણી વખત તેમના પક્ષને ઢાંકી દીધા છે - માર્ગારેટ થેચર, ટોની બ્લૅર અને ઇંદિરા ગાંધી તેના દેખીતા ઉદાહરણો છે.

વૈષ્ણવ કહે છે, "ઇંદિરા ગાંધી પછીના સૌથી લોકપ્રિય રાજકીય નેતા મોદી છે એ બાબતે કોઈ પ્રશ્ન જ નથી. હાલ રાષ્ટ્રીય કક્ષાએ તેમની બરાબરી કરી શકે તેવું કોઈ નથી, એ અદ્વિતીય છે."

વર્ષ 2014નો વિજય કેટલાક અંશે ભ્રષ્ટાચારથી ગ્રસિત કૉંગ્રેસ પક્ષ સામેના ગુસ્સાને કારણે કરવામાં આવેલા મતદાનને પણ આભારી હતો.

ગુરુવારનો વિજય મોદીને સુદૃઢ કરનારો છે. વર્ષ 1971 બાદ એક જ પક્ષની સતત બીજી વખત બહુમતી સ્થાપિત કરનારા તે પ્રથમ નેતા બન્યા છે.

પોલિટિકલ સાયન્ટિસ્ટ મહેશ રંગરાજન કહે છે, "આ મોદીનો અને તેમના નવા ભારત માટેના વિઝનનો વિજય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

2. વિકાસ અને રાષ્ટ્રવાદનું મિશ્રણ કામ કરી ગયું

Image copyright Getty Images

રાષ્ટ્રવાદી વકૃત્વ અને ચાલાકીથી કરવામાં આવેલું ધાર્મિક ધ્રુવીકરણ અને કલ્યાણકારી યોજનાઓએ મોદીને સતત બીજો વિજય અપાવવામાં મદદ કરી.

તીવ્ર અને નિર્ણાયક અભિયાનમાં મોદીએ વિકાસ અને રાષ્ટ્રવાદને સહેલાઈથી ભેગા કર્યા.

તેમણે જનમાનસમાં રાષ્ટ્રવાદીઓ (તેમના સમર્થકો) વિરુદ્ધ દેશવિરોધીઓ (તેમના રાજકીય હરિફો અને ટીકાકારો); ચોકીદાર (તે પોતે, "જમીન, હવા અને અંતરિક્ષ"માં દેશનું રક્ષણ કરનારા) વિરુદ્ધ ભ્રષ્ટ અને વિશેષાધિકાર ધરાવતા (મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસનો સીધો વિરોધ) જેવાં સ્પષ્ટ વિભાજનો બનાવ્યાં.

આ ઉપરાંત તેની સાથે જ વિકાસનું વચન જોડાયેલું હતું.

મોદીએ ગરીબોને ધ્યાનમાં રાખીને ઘર, શૌચાલય, ધિરાણ, રાંધણ ગૅસ જેવી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી તથા ટૅક્નૉલૉજીના ઉપયોગથી તેમને લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી.

જોકે, આ સેવાઓની ગુણવત્તાઓ તથા વંચિતોની સ્થિતિ સુધારવામાં તે કેટલી મદદરૂપ બની તે ચર્ચાનો વિષય છે.

મોદીએ નજીકના ભૂતકાળમાં ક્યારેય જોવા નથી મળ્યું તે રીતે સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિને મત મેળવવા માટેના મુદ્દા બનાવ્યા.

ચૂંટણી પહેલાં જ વિવાદિત કાશ્મીરમાં ભારતીય અર્ધસૈનિક દળોના 40થી વધુ સૈનિકો જે આત્મઘાતી હુમલામાં માર્યા ગયા હતા.

એ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદીઓએ લીધા બાદ, ભારતે વળતી કાર્યવાહી તરીકે પાકિસ્તાન વિરુદ્ધ કરેલી ઍરસ્ટ્રાઇકથી મોદીએ જનસમૂહને સફળતાપૂર્વક ખાતરી કરાવી દીધી કે જો તે સત્તામાં રહેશે તો દેશ સુરક્ષિત રહેશે.

જે લોકોને વિદેશ નીતિમાં કોઈ ખાસ રસ નથી હોતો તેવા - ખેડૂતો, વેપારીઓ, શ્રમિકોએ અમને ચૂંટણી અભિયાનોના રિપોર્ટિંગ માટે કરેલા પ્રવાસોમાં જણાવ્યું હતું કે ભારતે મોદીના નેતૃત્વમાં વિશ્વનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.

કોલકાતાના એક મતદારે મને કહ્યું, "જો વિકાસ થોડો ઓછો હશે ચાલશે, પણ મોદી દેશને સુરક્ષિત રાખી રહ્યા છે અને દેશની પ્રતિષ્ઠા જાળવી રહ્યા છે."

3. મોદીનો વિજય રાજકારણમાં નવા બદલાવનો નિર્દેશ છે

Image copyright EPA

મોદીનું વ્યક્તિત્વ તેમના પક્ષ કરતાં ખૂબ જ મોટું થઈ ગયું છે અને તે ઘણા લોકો માટે આશા અને મહત્ત્વાકાંક્ષાનું પ્રતીક બન્યું છે.

મોદી અને તેમના શક્તિશાળી સાથી અમિત શાહના નેતૃત્વમાં ભાજપ એક કઠોર પક્ષ બન્યો છે.

મહેશ રંગરાજન કહે છે, "ભાજપનું ભૌગોલિક વિસ્તરણ ખૂબ જ સૂચક પ્રગતિ છે."

પરંપરાગત રીતે ભાજપને તેનું સૌથી મજબૂત સમર્થન ભારતની ઉત્તરમાં આવેલાં ગીચ હિંદીભાષી રાજ્યોમાંથી મળે છે.

વર્ષ 2014માં ભાજપે જીતેલી 282 બેઠકોમાંથી 193 આ રાજ્યોમાંથી જ મળી હતી. તેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અપવાદ છે.

ગુજરાત મોદીનું પોતાનું રાજ્ય અને ભાજપનો ગઢ છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સ્થાનિક પક્ષ સાથે મળીને સરકાર ચલાવે છે.

પરંતુ જ્યારથી મોદી વડા પ્રધાન બન્યા છે, ત્યારથી ભાજપે ઉત્તર-પૂર્વ ભારતના આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સરકાર બનાવી છે, જે મુખ્યત્વે બંગાળી અને અસમિયા ભાષી રાજ્યો છે.

ભાજપે, કૉંગ્રેસ કરતાં વધુ બેઠકો પરથી આ ચૂંટણી લડી અને પૂર્વ ભારતના ઓડિશા તથા પશ્ચિમ બંગાળ જેવા બિન-હિંદીભાષી રાજ્યોમાં પણ એક શક્તિશાળી પક્ષ બન્યો છે.

દક્ષિણ ભારતમાં પણ ભાજપ નોંધપાત્ર હાજરી ધરાવે છે છતાં તે ભૂતકાળની કૉંગ્રેસ પાર્ટીની જેમ ખરા અર્થમાં સમગ્ર ભારતમાં ફેલાયેલો પક્ષ નથી બન્યો, પરંતુ તે એ દિશામાં આગળ વધી રહ્યો છે.

Image copyright ANI

વીસ વર્ષ પહેલાં જ્યારે ભાજપ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ સત્તામાં હતો ત્યારે તે એક સ્થિર સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહેલા સમાન વિચારો ધરાવતા વિવિધ પક્ષોના જૂથમાં રહેલા પ્રથમ અને સૌથી મોટા પક્ષ તરીકે સંતુષ્ટ હોય તેમ લાગતું હતું.

મોદીના નેતૃત્વમાં હવે ભાજપ સંસદમાં ખૂબ જ વિશાળ બહુમતી ધરાવતો પ્રથમ પક્ષ બન્યો છે અને હવે તેના સાથી પક્ષો અને તેની વચ્ચે કોઈ સમાનતા નથી જોવા મળતી.

તેમણે અને અમિત શાહે રાજકારણમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાની આક્રમક પદ્ધતિ અપનાવી છે.

પક્ષ હવે એવી સંસ્થા નથી રહી જે માત્ર ચૂંટણીના સમયમાં જ સક્રિય બને. તે હંમેશાં રાજકીય અભિયાનની સ્થાયી સ્થિતિમાં રહેતો પક્ષ બન્યો છે.

રાજકીય વિજ્ઞાની સુહાસ પલ્શિકર માને છે કે ભારત ભૂતકાળમાં કૉંગ્રેસ હેઠળ હતો તે રીતે એક પક્ષનું પ્રભુત્વ ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

તે આ સ્થિતિને "દ્વિતીય પ્રભાવશાળી પક્ષ વ્યવસ્થા" તરીકે ઓળખાવે છે, જ્યાં ભાજપ સંપૂર્ણપણે અગ્રેસર છે અને કૉંગ્રેસ "નબળો અને નામનો" જ મુખ્ય વિરોધ પક્ષ બન્યો છે અને પ્રાદેશિક પક્ષો પોતાનો આધાર ગુમાવી રહ્યા છે.

4. રાષ્ટ્રવાદ અને મજબૂત નેતાની ઇચ્છાની મુખ્ય ભૂમિકા

Image copyright AFP

ગંભીર આર્થિક સમસ્યાઓ સામે મોદીએ મતદારો સમક્ષ મોટા અવાજે રાષ્ટ્રવાદને મુખ્ય મુદ્દો બનાવી દીધો.

કેટલાક વિશ્લેષકો માને છે કે, મોદીના નેતૃત્વમાં ભારત "જાતિગત લોકશાહી" તરફ આગળ વધશે, તેને માટે "એક વંશીય રાષ્ટ્રની જાળવણી માટે બહુમતીને સંગઠિત કરીને તેને ગતિશીલ બનાવવી" જરૂરી છે.

એ ઇઝરાયલ જેવી સ્થિતિ હશે, જેની લાક્ષણિકતા સમાજશાસ્ત્રી સેમી સ્મૂહાએ એક એવા રાષ્ટ્ર તરીકે દર્શાવે છે, જે "વંશીય ઓળખ (જ્યુઇશ) અને પશ્ચિમ યુરોપથી પ્રેરિત થતી સંસદીય પદ્ધતિ સાથે જોડવાનો પ્રયાસ કરે છે."

શું હિંદુ રાષ્ટ્રવાદ, ભારતીય રાજકારણ અને સમાજની સ્થાયી સ્થિતિ બની જશે?

એ એટલું સરળ નહીં હોય. ભારત વિવિધતાને કારણે જ સમૃદ્ધ છે.

હિંદુવાદ એ એક વૈવિધ્યપૂર્ણ આસ્થા છે. સામાજિક અને ભાષાકીય વિવિધતાઓ ભારતને એકસૂત્રતામાં બાંધી રાખે છે.

લોકશાહી આ એકસૂત્રતાને મજબૂત કરનારું વધારાનું પરિબળ બની રહે છે.

ભાજપનો કઠોર હિંદુ રાષ્ટ્રવાદનો ગુણ, દેશપ્રેમ અને હિંદુવાદનું મિશ્રણ બધા જ ભારતીયોને અસર ન પણ કરે.

રંગરાજન કહે છે, "આટલી વૈવિધ્યતા વિશ્વમાં બીજે ક્યાંય નથી અને તેને અલગ કરવાનું કામ એ ભય પમાડનારું છે."

વળી, ભારતમાં રૂઢિચુસ્તતા તરફ જોવા મળેલો ઝોક એ ભારત પૂરતો જ મર્યાદિત નથી.

આવી જ સ્થિતિ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીમાં પણ જોવા મળી રહી છે અને ફ્રેન્ચ અને જર્મન રાજકારણમાં પણ રૂઢિચુસ્તતા (જમણેરી વિચારધારા) નો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

રૂઢિચુસ્તતા તરફ ભારતનો ઝુકાવ એ એક બૃહદ વલણનો એક ભાવ છે, જ્યાં રાષ્ટ્રવાદ પુનઃવ્યાખ્યાયિત થઈ રહ્યો છે અને સાંસ્કૃતિક ઓળખ પર નવેસરથી ભાર મૂકવામાં આવી રહ્યો છે.

મોદીના નેતૃત્વ હેઠળ ભારત એક બહુમતી આધારિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે તેવો ભય કેટલો યોગ્ય છે?

Image copyright TWITTER

પોતાના ટીકાકારો દ્વારા ફાસિસ્ટ અને આપખુદ તરીકે વર્ણવવામાં આવનારા મોદી પ્રથમ નેતા નથી.

ઇંદિરા ગાંધીએ પણ જ્યારે 1970ના દાયકાની મધ્યમાં જ્યારે નાગરિક અધિકારોને સ્થગિત કરીને કટોકટી લાદી દીધી હતી ત્યારે તેમને પણ ફાસિસ્ટ અને આપખુદ તરીકે વર્ણવવામાં આવ્યાં હતાં.

બે વર્ષ બાદ લોકોએ તેમને સત્તામાંથી દૂર કરી દીધા.

મોદી શક્તિશાળી છે અને શક્યતઃ લોકો એટલા માટે જ તેમને પ્રેમ કરે છે.

વર્ષ 2017માં તૈયાર કરેલો સીએસડીએસનો એક અહેવાલ દર્શાવે છે કે તેમના સર્વેક્ષણમાં ભાગ લઈને ભારતમાં લોકશાહીનું સમર્થન કરતા લોકોની ટકાવારી વર્ષ 2005થી વર્ષ 2017 દરમિયાન 70 ટકાથી ઘટીને 63 ટકા થઈ ગઈ હતી.

વર્ષ 2017માં જાહેર થયેલા પ્યૂ (Pew) રિપોર્ટમાં દર્શાવ્યું છે કે તેમના સર્વેક્ષણમાં ભાગ લેનારા 55 ટકા લોકોએ એક એવી "સરકારી વ્યવસ્થાની તરફેણ કરી હતી જેમાં એક સશક્ત નેતા સંસદ અને કોર્ટની દખલ વિના નિર્ણયો લઈ શકતા હોય."

પરંતુ સશક્ત નેતા પામવાની ઇચ્છા માત્ર ભારત પૂરતી જ સીમિત નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈઈપ અર્દોઆન, હંગેરીના વિક્ટર ઓર્બન, બ્રાઝિલના જૈર બોલ્સોનેરો હોય કે ફિલિપિન્સના રોડ્રિગો ડ્યૂતર્તે હોય આ નેતાઓ પણ એ રાષ્ટ્રોના લોકોની સશક્ત નેતાની ઇચ્છાનું પ્રતિબિંબ છે.

5. ભારતની 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી' સામે અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર

Image copyright AFP

કૉંગ્રેસને સતત બીજી વખત કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આમ છતાં તે હજી પણ રાષ્ટ્રીય કક્ષાએ બીજો સૌથી મોટો પક્ષ છે.

પરંતુ તે ભાજપ કરતાં ક્યાંય પાછળ છે અને તેના માટે સંક્રમણકાળ ચાલી રહ્યો છે. તેના પ્રભાવનો ભૌગોલિક વિસ્તાર ઘટી રહ્યો છે.

બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળ, ભારતના સૌથી વધુ વસતી ધરાવતા ક્ષેત્રો છે, જ્યાં પક્ષનું અસ્તિત્વ માત્ર નામ પૂરતું જ રહ્યું છે.

દક્ષિણના આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યોમાં પક્ષ દેખાતો જ નથી.

ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાં કૉંગ્રેસ છેલ્લે 1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યો હતો અને જ્યારથી મોદી વડા પ્રધાન બન્યા છે, ત્યારથી મહારાષ્ટ્રમાં સત્તા નથી મેળવી શક્યો.

સામાન્ય ચૂંટણીઓમાં સતત બીજી વખત થયેલા ધબડકા બાદ ઘણા પ્રશ્નો પૂછવા પડશે.

પક્ષ અન્ય પક્ષોમાં વધુને વધુ સ્વીકૃત કેવી રીતે બની શકે? પક્ષ કેવી રીતે ચાલશે?

પક્ષ ગાંધી વંશ પરની પોતાની નિર્ભરતા કેવી રીતે ઘટાડશે અને યુવા નેતાઓ તરફ પોતાનું વલણ ઉદાર બનાવશે? (કૉંગ્રેસ હજી પણ ઘણાં રાજ્યોમાં નેતાઓની બીજી અને ત્રીજી પેઢી ધરાવે છે.)

ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસ કેવી રીતે પાયાથી કામ કરનારા કાર્યકર્તાઓનું નેટવર્ક તૈયાર કરી શકે?

મિલન વૈષ્ણવ કહે છે, "કૉંગ્રેસે જેમ છેલ્લી ઘણી ચૂંટણીઓમાં મોટી ભૂલો કરી છે, તે હજી જાળવી રાખશે. તે ઊંડું આત્મમંથન કરનારો પક્ષ નથી. માત્ર બે જ મુખ્ય રાજકીય પક્ષો હોય તેવા પૂરતાં રાજ્યો છે, કૉંગ્રેસ-ભાજપ સામસામે છે અને ત્યાં કૉંગ્રેસ માટે પાયો તૈયાર થઈ શકે છે."

રાજકીય વિજ્ઞાનીમાંથી હવે રાજકીય નેતા બની ચૂકેલા યોગેન્દ્ર યાદવ માને છે કે, કૉંગ્રેસની ઉપયોગિતા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેનું સંપૂર્ણ પતન થઈ જવું જોઈએ.

જોકે, પક્ષો ફરીથી બેઠા થવાની ક્ષમતા ધરાવતા હોય છે. હવે કૉંગ્રેસ આ પતનમાંથી પોતાને કેવી રીતે પુનર્જિવિત કરી શકે છે કે માત્ર આવનારો સમય જ કહી શકશે.

6. ભારતના પ્રાદેશિક પક્ષોનું મિશ્ર ભવિષ્ય

Image copyright Reuters

દેશના કોઈ પણ રાજ્ય કરતાં વધારે સંખ્યામાં સંસદ સભ્યોને સંસદમાં મોકલીને ભવિષ્યના સૂચક સંકેતો આપતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે વર્ષ 2014માં જોરદાર દેખાવનું પુનરાવર્તન કર્યુ છે.

એ સમયે ભાજપે 80 લોકસભા બેઠકોમાંથી 71 બેઠકો જીતી લીધી હતી.

ઉત્તર પ્રદેશ દેશનું સામાજિક રીતે સૌથી વિભાજિત, અને આર્થિક રીતે સૌથી વંચિત રહેલા રાજ્યોમાંથી એક છે.

આ ચૂંટણીમાં ભાજપને મજબૂત પ્રાદેશિક પક્ષોના ગઠબંધન સામે મુકાબલો કરવો પડશે તેવી ધારણા હતી.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી, જેને "મહાગઠબંધન"નું યોગ્ય નામ આપવામાં આવ્યું હતું.

પરંતુ હંમેશાં નીચલી જાતિઓ તથા અશ્પૃશ્યોના વફાદાર મતો પર આધાર રાખનારા આ બન્ને પ્રાદેશિક પક્ષોએ તૈયારા કરેલા સામાજિક અંકગણિતને મોદીના પ્રભાવે ખોરવી નાખ્યું.

હવે આ જ્ઞાતિઓ પરનો તેમનો આધાર તૂટ્યો છે અને તેણે એમ પણ સાબિત કર્યું છે કે જ્ઞાતિનાં સમીકરણો ભરોસાપાત્ર નથી રહ્યાં.

ભારતના પ્રાદેશિક પક્ષોએ હવે ફરજિયાતપણે તેમની વ્યૂહરચનાઓ પર નવેસરથી વિચાર કરવો પડશે અને વધુ આકર્ષક સામાજિક અને આર્થિક વિઝન લોકો સમક્ષ રજૂ કરવું પડશે.

નહીં તો, તેમના પોતાના મતદારો વધુને વધુ સંખ્યામાં તેમને છોડી દેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો