શું દેશમાં ગાંધી પરિવારના રાજકારણનો અંત થવા જઈ રહ્યો છે?

રાહુલ ગાંધી Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધી ભારતના સૌથી પ્રસિદ્ધ રાજકીય વંશના વારસદાર છે

ગુરુવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. તેમની સામે સ્પર્ધામાં રહેલા નહેરુ-ગાંધી પરિવારના વંશજ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરાજય બાદ નિસ્તેજ થયેલા જણાય છે.

ભારતના સૌથી પ્રસિદ્ધ રાજકીય વંશના તેઓ વારસદાર છે. તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ અને સૌથી લાંબો સમય શાસન કરનારા વડા પ્રધાન હતા.

તેમના દાદી ઇંદિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં, જ્યારે તેમના પિતા ભારતના સૌથી યુવાન વડા પ્રધાન હતા.

2014ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સૌથી ખરાબ રીતે હારી ગયેલો પક્ષ સાબિત થયો હતો, જ્યારે ગુરુવારના પરિણામોએ સીધો રાહુલ ગાંધીને જ ફટકો માર્યો છે.

કૉંગ્રેસને માત્ર 52 બેઠક મળી છે, જેની સામે ભાજપને 303 બેઠકો મળી છે. એટલું જ નહીં, પરિવારનો ગઢ ગણાતી અમેઠીની બેઠક પણ તેમણે ગુમાવી દીધી છે.

જોકે, તેઓ સંસદસભ્ય તરીકે રહેશે, કેમ કે કેરળની વાયનાડ બેઠક પરથી પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને ત્યાં જીત મળી છે.

કૉંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીની લડાઈ પ્રતિષ્ઠાનો જંગ હતો. આ બેઠક પર રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી બન્ને અગાઉ જીત્યાં હતાં. રાહુલ ગાંધી પોતે પણ 15 વર્ષથી અહીંના સાંસદ હતા.

ચૂંટણી વખતે 'મેરા અમેઠી પરિવાર' એવા સંબોધન સાથે મતદારોને લાગણીભર્યો પત્ર લખવામાં આવ્યો તો પણ હારની નાલેશીમાંથી તેઓ બચી શક્યા નહીં.

Image copyright EPA
ફોટો લાઈન 15 વર્ષથી રાહુલ ગાંધી જે અમેઠીના સાંસદ હતા, ત્યાં સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યાં છે

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં સ્મૃતિ ઈરાનીએ તેમને ખરાબ રીતે હરાવી દીધાં.

આ બેઠક સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તર પ્રદેશની છે, જેને ભારતીય રાજકારણમાં સૌથી અગત્યનું રાજ્ય માનવામાં આવે છે.

આ રાજ્ય જેના હાથમાં હોય તે જ દેશમાં શાસન કરી શકે છે એવું મનાય છે.

ગાંધી પરિવારના ત્રણ સહિત ભારતના 14 વડા પ્રધાન આ રાજ્યમાંથી આવેલા છે. 545 સભ્યોની લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો આ રાજ્યમાંથી જ આવે છે.

મૂળ ગુજરાતના નરેન્દ્ર મોદીએ પણ ઉત્તર પ્રદેશની પ્રાચીન નગરી ગણાતી વારાણસીની બેઠક 2014માં પસંદ કરી હતી.

કૉંગ્રેસને સત્તા મળી જશે એવું કોઈ માનતું નહોતું, પણ એવી અપેક્ષા હતી કે 2014 કરતાં વધારે સારી સ્થિતિમાં આવશે.

તેથી જ ગુરુવારનાં પરિણામો પક્ષની અંદર અને બહાર બધા માટે ખૂબ આઘાતજનક રહ્યાં.

સંસદમાં કૉંગ્રેસની હાજરી હશે ખરી, પણ ઘણા લોકો એવો સવાલ પૂછવા લાગ્યા છે કે ગાંધી યુગનો અંત પક્ષમાં આવશે ખરો અથવા તો શું પક્ષને ફરીથી બેઠો કરવા માટે ગાંધી પરિવારના યુગનો અંત લાવવો જોઈએ ખરો.

તમે આ વાંચ્યું કે નહીં?

કૉંગ્રેસ શું ઇચ્છે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન લોકસભા ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસ પક્ષની અંદર અને બહાર બધા માટે ખૂબ આઘાતજનક રહ્યાં.

ગુરુવારે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જનતાએ તેમનો ચુકાદો આપીને ભાજપને પસંદ કર્યો છે અને તેઓ નરેન્દ્ર મોદી સામે હાર સ્વીકારે છે. તેમણે પક્ષની હારની જવાબદારી પણ સ્વીકારી હતી.

પત્રકાર પરિષદ યોજાઈ ત્યારે હજુ અમેઠીમાં મતગણતરી પૂરી થઈ નહોતી અને 3,00,000 મતો ગણવાના બાકી હતી, પણ તેમણે સ્મૃતિ ઈરાની સામે હાર સ્વીકારી લીધી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, "હું તેમને અભિનંદન આપવા માગું છું. તેઓ જીત્યાં છે. આ લોકશાહી છે અને હું લોકોનો ચુકાદો સ્વીકારું છું."

કૉંગ્રેસના દેખાવ વિશે કે આગળ શું તે વિશે વધુ કશું કહેવાનો ઇનકાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું આ બધી બાબતોની ચર્ચા કૉંગ્રેસ કારોબારી સમિતિમાં થશે.

તેમણે હારેલા અને જીતેલા કૉંગ્રેસી કાર્યકરોને પણ કહ્યું કે તમે હિંમત ના હારશો. "ડરવાની કોઈ જરૂર નથી. આપણે મહેનત કરતા રહીશું અને આખરે જીતીશું જ."

જોકે લખનૌના કૉંગ્રેસ કાર્યાલયમાં ટીવી જોવા માટે એકઠા થયેલા થોડા કાર્યકરોની સ્થિતિ જુદી હતી.

પક્ષના મોટા-મોટા નેતાઓની હારના સમાચાર ટીવી પર જોતા જોતા ભવિષ્યમાં પક્ષને વિજય મળે તે ખૂબ દૂરનું સપનું તેમને લાગી રહ્યું હતું.

એક કાર્યકરે નામ ન જણાવવાની શરતે કહ્યું, "અમારી વિશ્વસનીયતા ખૂબ ઓછી થઈ ગઈ છે. લોકોને અમારાં વચનો પર વિશ્વાસ નથી. અમે કહીએ તેના પર લોકોને ભરોસો નથી."

"નરેન્દ્ર મોદી પોતે આપેલાં વચનો પૂરાં કરવામાં નિષ્ફળ ગયા છે, છતાં લોકો તેમના પર વિશ્વાસ કરે છે."

મેં પૂછ્યું કે આવું શા માટે?

તેઓ કહે છે, "અમને પણ નથી સમજાતું કે કેમ એવું છે!"

Image copyright Getty Images

કૉંગ્રેસના ખૂબ જ ખરાબ દેખાવ પછી રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલો ઊભા થવાના છે.

વિશ્લેષકો કહેવા લાગ્યા છે કે પક્ષને નેતૃત્વ પરિવર્તનની જરૂર છે અને તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

જોકે ભૂતકાળમાં બન્યું હતું તેમ, આવી માગણી પક્ષની બહારથી થઈ રહી છે અને પક્ષના નેતાઓ તેને નકારી કાઢે તેવી શક્યતા છે.

દિલ્હીમાં એવી વાતો ફેલાવા લાગી હતી કે રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની ઑફર કરી છે, પણ કૉંગ્રેસના નેતા મણી શંકર ઐય્યરે બીબીસી હિન્દીને કહ્યું કે "કૉંગ્રેસ પોતાની નેતાગીરી સામે સવાલો નહીં ઉઠાવે અને રાહુલ ગાંધી આપે તો પણ તેમનું રાજીનામું નહીં સ્વીકારે".

જોકે ત્યારબાદ શનિવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને કમિટીએ તેનો અસ્વીકાર કર્યો.

નેતાગીરીને કારણે પક્ષની હાર નથી થઈ એમ તેમણે ઉમેર્યું અને કહ્યું, "બીજા પણ ઘણાં કારણો છે, જેની પર અમારે વિચાર કરવાની જરૂર છે".

લખનૌમાં કૉંગ્રેસના સ્થાનિક પ્રવક્તા બિજેન્દ્રકુમાર સિંહે આ વાતને સમજાવતા કહ્યું કે ગાંધીના હાથમાં સત્તા છે તે સમસ્યા નથી, પણ પક્ષમાં આંતરિક લડાઈ છે અને પ્રચાર નબળો રહ્યો હતો.

"પક્ષના માળખામાં જ ખામી છે, હોદ્દેદારોમાં આંતરિક લડાઈ છે, અમારો પ્રચાર મોડો શરૂ થયો અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગઠબંધનમાં જોડાવાના પ્રયાસો પણ ખોટી દિશાના હતા."

હજી સુધી તો કૉંગ્રેસની નેતાગીરી આ હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણતી નથી. સંગઠનની નબળાઈ અને પ્રચારની વ્યૂહરચનાની ખામીને જ જવાબદાર ગણી રહી છે.

વ્યક્તિગત પ્રતિસ્પર્ધા?

Image copyright Getty Images
ફોટો લાઈન વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે રાહુલ ગાંધી સામે બ્રાન્ડ મોદી મોટો અવરોધ હતો

ખાનગી વાતચીતમાં કૉંગ્રેસના ઘણા વિશ્લેષકો એ પણ માની લે છે કે મોદી સામે વ્યક્તિત્વની સ્પર્ધામાં રાહુલ ગાંધી હારી રહ્યા હતા. બ્રાન્ડ મોદી તેમની સામે સૌથી મોટો અવરોધ હતો.

બિજેન્દ્ર કુમાર સિંહ કહે છે, "છેલ્લી ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કરવામાં વડા પ્રધાન નિષ્ફળ ગયા, તો પણ તેઓ લોકોને પોતાની સરકારીની નીતિઓ માટે મનાવી શક્યા."

મોદી સામે આ કંઈ પહેલીવાર રાહુલ ગાંધી ખરાબ રીતે હારી ગયા નથી. 2014માં પણ કૉંગ્રેસને માત્ર 44 બેઠકો મળી ત્યારે પણ રાહુલ ગાંધીનું રાજકારણ પૂરું થઈ ગયું તેમ માની લેવાયું હતું.

ત્યારબાદ એકથી વધુ રાજ્યોની ચૂંટણીમાં પણ કૉંગ્રેસને હાર મળી અને રાહુલ ગાંધી પર આક્ષેપો લાગ્યા કે તેઓ 'સૌથી અળગા રહેનારા અને મળે નહીં તેવા' નેતા છે. સોશિયલ મીડિયામાં પણ ગફલતો કરવા બદલ તેમની મજાક ઉડાવાતી હતી.

Image copyright AFP
ફોટો લાઈન વિશ્લેષકો કહેવા લાગ્યા છે કે કૉંગ્રેસ પક્ષને નેતૃત્ત્વ પરિવર્તનની જરૂર છે

નહેરુ-ગાંધીના વંશવારસાનો લાભ મળ્યો છે તે બાબતમાં પણ તેમની ટીકા થતી રહી હતી. સામાન્ય પરિવારમાંથી આવતા નરેન્દ્ર મોદીએ વારંવાર એ વાત કહી હતી કે પરિવારને કારણે નહીં, પણ પોતાની ક્ષમતાને કારણે તેઓ અહીં સુધી પહોંચ્યા છે.

કૉંગ્રેસના કાર્યકરો ખાનગીમાં જણાવે છે કે રાહુલ ગાંધી 'સીધા અને સરળ' માણસ છે, જેઓ તેમના 'હરિફની લુચ્ચાઇ અને ચાલાકી'નો સામનો કરી શકે તેમ નથી.

તો આ નબળાઈ શું વ્યક્તિની છે કે પછી ગાંધી બ્રાન્ડની છે?

હાલનાં વર્ષોમાં ગાંધી પરિવારનો દબદબો ઘટ્યો છે.

ખાસ કરીને શહેરી અને મહત્ત્વાકાંક્ષી યુવાન મતદારોમાં, કેમ કે નહેરુ અને ઇંદિરાએ દૂરના ભૂતકાળમાં કરેલા પ્રદાનનો તેમને ખ્યાલ નથી કે તેમની સાથે તેઓ જોડાઈ શકતા નથી.

તેમના માટે કૉંગ્રેસને જોવાની દૃષ્ટિ નજીકના ભૂતકાળ સુધી જ પહોંચે છે. 2004થી 2014 દરમિયાન કૉંગ્રેસની સરકાર તેમણે જોઈ છે. તે સરકાર વિવાદો અને ભ્રષ્ટાચારમાં ઘેરાઈ ગઈ હતી.

ગુરુવારનાં પરિણામો બતાવે છે કે કૉંગ્રેસમાં મતદારોને ખાસ વિશ્વાસ નથી અને રાહુલ ગાંધી મતદારોને રીઝવી શક્યા નથી.

ગાંધીઓનો પુનર્જન્મ

Image copyright AFP
ફોટો લાઈન છેલ્લા બે વર્ષમાં રાહુલ ગાંધીની કામગીરી સુધરી પણ છે

જોકે પક્ષનું સંગઠન રાહુલ કે તેમના નામને હાર માટે જવાબદાર ગણતું નથી. એક કૉંગ્રેસી કાર્યકરના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીને 'અમિત શાહ' જેવા સાથીની જરૂર છે. નરેન્દ્ર મોદીના વિજયના આયોજનને સારી રીતે પાર પાડનારા તરીકે અમિત શાહ જાણીતા થયા છે. ગુજરાત અને હવે દિલ્હીમાં તેમણે આ ભૂમિકા પાર પાડી બતાવી છે.

રાહુલ ગાંધીને હાર માટે જવાબદાર ગણાવાય તેવી શક્યતા નથી, જાહેરમાં તો નહીં જ. ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીએ તો કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીને સમર્થન જ આપશે.

છેલ્લાં બે વર્ષમાં રાહુલ ગાંધીની કામગીરી સુધરી પણ છે. નબળા દેખાતા હતા, તેમાંથી થોડા મજબૂત થઈને બહાર આવ્યા અને રાજકીય લડાઈ માટે વધારે મક્કમ દેખાય છે.

તેમનું સોશિયલ મીડિયાની કૅમ્પેઇન પણ વધારે તેજ બન્યું છે. સરકારનો નોટબંધીનો વિવાદાસ્પદ નિર્ણય, ઘટી રહેલી રોજગારી, દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા અને ધીમા પડી રહેલા અર્થતંત્ર વિશે તેઓ વધુ સચોટ રીતે વાત મૂકતા થયા હતા.

Image copyright Reuters
ફોટો લાઈન કૉંગ્રેસના ટેકેદારોના એક વર્ગમાં એવી આશા હતી કે અસલી જાદુ પ્રિયંકા લાવી શકશે

તેઓ આક્રમક પ્રચાર મારફતે જાહેર પ્રચારનો મુસદ્દો તૈયાર કરી રહ્યા હોય તેવું પણ લાગતું હતું.

ગયા ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસને સત્તા મળી તે પછી ઘણા માનવા લાગ્યા હતા કે તેમણે પક્ષને ફરી બેઠો કર્યો છે.

ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેમના કરિશ્માયુક્ત બહેન પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં તેમની સાથે જોડાયાં ત્યારે લાગતું હતું કે ગાંધી પરિવાર ફરી એકવાર મેદાનમાં આવી ગયો છે.

કૉંગ્રેસના ટેકેદારોના એક વર્ગમાં એવી આશા પણ જાગી હતી કે અસલી ગાંધી જાદુ પ્રિયંકા લાવી શકશે અને રાજકીય વારસાને બચાવી લેશે.

જોકે ગમે તે કારણોસર, પ્રિયંકા ગાંધી તે માટે હજી તૈયાર હોય તેમ લાગતું નથી.

ભાઈ-બહેન વચ્ચે લાગણીના સંબંધો છે અને રાહુલને હટાવવાની કોઈ યોજના માટે તેઓ તૈયાર થાય તેમ માનવામાં આવતું નથી.

જોકે તેઓ વધારે સક્રિય થઈને તેમને સહાયરૂપ ભૂમિકા ભજવે તેવું માનવામાં આવે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં કૉંગ્રેસને સત્તા મળ્યા બાદ ઘણા લોકો માનતા હતા કે રાહુલ ગાંધીએ ફરી પક્ષને ફરી બેઠો કર્યો છે.

સમગ્ર રીતે સ્થિતિને એવી રીતે જોવામાં આવે છે કે કૉંગ્રેસ વ્યૂહરચનામાં નિષ્ફળ ગઈ છે. નરેન્દ્ર મોદીએ નવા ભારતને જે રીતે જોયું છે અને લોકોની નાડ પારખી છે, તે બાબતમાં કૉંગ્રેસ પક્ષ નિષ્ફળ ગયો છે.

કૉંગ્રેસના હોદ્દેદાર વિરેન્દ્ર મદન કહે છે, "તમે અમારો ચૂંટણીઢંઢેરો જુઓ, સૌથી સારો છે. અમે જાહેર કરેલી નીતિઓ અને આપેલાં વચનો ઉત્તમ કક્ષાનાં છે. પણ અમને મતદારો પાસેથી જે સમર્થનની આશા હતી તે ફળી નથી."

વિરેન્દ્ર મદનના જણાવ્યા અનુસાર પક્ષની નેતાગીરી દિલ્હીમાં તેમજ રાજ્યોમાં પણ આગામી દિવસોમાં બેઠકો કરશે અને ક્યાં ખામી રહી ગઈ તે સમજવા કોશિશ કરશે.

"આ આત્મમંથનનો સમય છે કે ક્યાં અમે ખોટા પડ્યા."

જોકે ચૂંટણીનાં પરિણામો ભલે ગમે તેટલાં આકરાં હોય, કાર્યકરો તેમની નેતાગીરી સાથે ઊભા રહેશે તે બાબતમાં કોઈ શંકા નથી એમ તેઓ ઉમેરે છે.

તેઓ કહે છે, "માત્ર રાહુલ ગાંધી હાર્યા છે એવું નથી. બીજા ઘણા નેતાઓ પણ જીતી શક્યા નથી. ચૂંટણી તો આવે અને જાય. તમે ક્યારેક જીતો, ક્યારેય હારો. 1984 યાદ કરો, ભાજપને માત્ર બે જ બેઠકો મળી હતી. શું ભાજપ ફરીથી બેઠો નથી થયો? અમે પણ ફરી સત્તામાં આવીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો