મોદીરાજમાં વિપક્ષના અસ્તિત્વ પર સંકટ, સરકાર પર અંકુશ કોણ રાખશે?

મોદી Image copyright Getty Images

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા એનડીએને મોટી જીત હાંસલ થઈ છે. ભાજપે એકલા જ 300નો આંકડો પાર કરી લીધો અને 303 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવી દીધો.

અન્ય સહયોગી દળોના સાથથી આ જીત વધુ પ્રચંડ બની ગઈ. એનડીએએ લોકસભાની કુલ 353 બેઠકો પર કબજો જમાવ્યો. જ્યારે કૉંગ્રેસની આગેવાનીવાળું યૂપીએ 92 બેઠકોમાં જ સમેટાઈ ગયું.

માત્ર કૉંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો બહુ ખેંચી-તાણીને પછી પણ માત્ર 52 બેઠકો પર સફળતા મળી છે.

ભાજપની આ મોટી જીત બાદ ભારતીય રાજકારણમાં વિપક્ષ સામે ફરી એક વખત અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો છે.

સત્તરમી લોકસભામાં સરકાર સામે અધિકૃત રીતે વિપક્ષના નેતા નહીં હોય. છેલ્લી સરકારમાં પણ આ જ સ્થિતિ હતી.

સદનમાં સરકાર સામે ઘણા વિપક્ષી દળો હોય છે, પરંતુ જે પક્ષ પાસે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો હોય તેને જ અધિકૃત રીતે વિપક્ષના નેતા બનાવવાની તક મળે છે.

એટલે કે 543 બેઠકોવાળી લોકસભામાં વિપક્ષના નેતા એ જ પક્ષના હોય જેમની પાસે ઓછામાં ઓછી 55 બેઠકો હોય.

આ વખતે કૉંગ્રેસ આ આંકડા સુધી પહોંચવામાં પણ સફળ થઈ શકી નથી. પાર્ટી પાસે 52 સાંસદ છે અને વિપક્ષી નેતાનું પદ માટે પણ તે ત્રણ પગથિયાં નીચે રહી ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

લોકશાહી કઈ દિશામાં જશે?

Image copyright Getty Images

2014ની ચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસ માત્ર 44 બેઠકો પર જીત હાંસલ કરી શકી હતી, એ વખતે પણ સદનને વિપક્ષના નેતા મળ્યા નહોતા.

મોદીરાજમાં માત્ર વિપક્ષી દળો જ નહીં, પરંતુ વિપક્ષના નેતાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે ભારતીય લોકશાહી કઈ દિશામાં જશે?

આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર નવીન જોશી કહે છે કે બંધારણ મુજબ લોકશાહીને ચલાવવા માટે આપણી સંસદીય રાજનીતિમાં વિપક્ષના નેતાની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે.

નવીન જોશી કહે છે, "બંધારણીય સંસ્થાઓ જેવી કે સીબીઆઈના ડિરેક્ટર કે માહિતી કમિશનરની નિયુક્તિ અથવા તો સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિ માટે વિપક્ષના નેતાની ભૂમિકા મહત્ત્વની હોય છે. "

"વિપક્ષના નેતાનો હોદ્દો વડા પ્રધાન કે ચીફ જસ્ટિસની કક્ષાનો માનવામાં આવે છે. ગઈ વખતે પણ કૉંગ્રેસ એટલી બેઠકો નહોતી લાવી શકી કે તે અધિકૃત રીતે વિપક્ષના નેતાનો દરજ્જો મેળવી શકે. આ વખતે પણ તે આ દરજ્જો મેળવવામાં નિષ્ફળ રહી છે."

"આ સ્થિતિમાં ફરક તો પડે જ. જે અવાજ એક બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનો હોય એ અવાજ એક કૃપા કે સરકારની ઉદારતાને કારણે મળેલા પદનો ન હોઈ શકે,"


મજબૂત વિપક્ષ કેમ?

Image copyright Getty Images

એક સ્વસ્થ લોકશાહી માટે મજબૂત સરકાર સામે એક મજબૂત વિપક્ષ હોવો જરૂરી માનવામાં આવે છે. વિપક્ષ સરકારનાં કાર્યો અને નીતિઓ પર સવાલ ઉઠાવતો રહે છે અને તેને અંકુશમાં રાખે છે.

સંસદમાં જો વિપક્ષ નબળો પડે તો સત્તા પક્ષ મનમાની કરી કાયદા ઘડી શકે છે. વળી, સંસદમાં સારી ચર્ચા મજબૂત વિપક્ષ વિના શક્ય પણ નથી.

લોકશાહી આ બાબતની સાક્ષી રહી છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી, ભૈરોસિંહ શેખાવત, લાલકૃષ્ણ અડવાણી જેવા નેતા સંસદમાં બોલતા ત્યારે વિપક્ષ પણ તેમની વાતો ગંભીરતાથી સાંભળતો.

માત્ર સાંભળતો જ નહીં, નીતિઓ અને યોજનાઓને વિપક્ષની દલીલોથી ધાર મળતી અને દલીલને લોકોત્કર્ષ માટે યોગ્ય સમજવામાં આવતી.

એનડીએ સરકાર પણ મજબૂત વિપક્ષના મહત્ત્વને સમજે છે. ભાજપના વરિષ્ઠ નેતા તરુણ વિજય સ્થાનિક અખબાર પ્રભાત ખબરમાં પ્રકાશિત એક લેખમાં લખે છે, "વિપક્ષ ધારદાર, અસરદાર અને ઈમાનદાર હોય તો સરકાર તેના ડરથી કાંપે છે, દેશનું ભલું થાય છે, સરકારી નેતાઓનો અહંકાર, નિરંકુશ અને મનમાનીપૂર્ણ વલણને કાબૂમાં રાખે છે."


શું પહેલી વખત આવું થયું?

Image copyright Getty Images

સોળમી અને સત્તરમી લોકસભા દરમિયાન વિપક્ષના નેતા ન હોવાની આ પહેલી કે બીજી ઘટના નથી. આ પહેલાં પહેલી, બીજી અને ત્રીજી લોકસભા દરમિયાન પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દરમિયાન કૉંગ્રેસના સદનમાં 360થી 370 બેઠકો હતી. તેની સરખામણીએ પહેલી ત્રણ લોકસભામાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી સદનની બીજી સૌથી મોટી પાર્ટી હતી.

જોકે, સીપીઆઈને આ દરમિયાન 16થી 30 બેઠકો જ મળી હતી.

1952માં દેશમાં પહેલી વખત લોકસભાની ચૂંટણીનાં 17 વર્ષ બાદ સદનને વિપક્ષના નેતા મળ્યા. ચોથી લોકસભા દરમિયાન વર્ષ 1969માં રામસુભાગ સિંહ પહેલા વિપક્ષના નેતા બન્યા.

એ લોકસભા દરમિયાન કૉંગ્રેસ પાર્ટીમાં ભાગલા બાદ આ સ્થિતિ ઊભી થઈ હતી અને કૉંગ્રેસના રામસુભાગ સિંહને લોકસભા અધ્યક્ષે વિપક્ષના નેતાની માન્યતા આપી હતી.

તેઓ 1970 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ કૉંગ્રેસની જોડ-તોડમાં ઘણી વખત કૉંગ્રેસના નેતા વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. 1979માં જનતા પાર્ટીના જગજીવન રામ પહેલા એવા બિનકૉંગ્રેસી નેતા હતા જેમને વિપક્ષના નેતાનો દરજ્જો મળ્યો હતો.

Image copyright Getty Images

પાંચમી અને સાતમી લોકસભા દરમિયાન પણ મુખ્ય વિપક્ષો પાસે સંખ્યાબળ એટલું નહોતું કે વિપક્ષના નેતાનો દરજ્જો મળી શકે.

પહેલાંની સરખામણીએ હવે સંસદને વિપક્ષના નેતાની કેટલી જરૂર છે તે પ્રશ્નના જવાબમાં નવીન જોશી કહે છે કે પહેલી, બીજી અને ત્રીજી લોકસભાનો એ સમય નહેરુનો સમય હતો.

તે વખતે લોકતંત્રના પાયા નંખાઈ રહ્યા હતા. બંધારણના નિર્માતાઓએ જે સ્વરૂપ બનાવ્યું હતું તેનું કડક પાલન થતું હતું.

નવન જોશી જણાવે છે કે વિપક્ષના નેતા પ્રત્યે નહેરુના મનમાં ઘણો આદર હતો અને તેઓ ટીકાનું સ્વાગત કરતા.

ઘણી વખત સંસદીય ભાષણમાં તેમણે પોતે કહ્યું છે કે મારી ટીકા મારી સામે જ કરવામાં કોઈએ સંકોચ ન કરવો.

તેઓ કહે છે, "એ સમયમાં વિપક્ષના નેતાની ભૂમિકા અંગે એટલો ખાલીપો નહીં અનુભવાયો હોય પણ આજના સમયમાં થોડી શંકાઓ ઊપજે છે."

"અગાઉની ભાજપ સરકારના સમયગાળામાં ઘણી એવી તકો આવી જ્યારે બંધારણીય સંસ્થાઓ સાથે ચેડાં કરવાના આરોપ લાગ્યા હોય."


નિરંકુશતા

Image copyright Getty Images

પહેલાંની સરકાર દરમિયાન કેટલીક બાબતો પહેલી વખત બની, જેમ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પ્રેસ-કૉન્ફરન્સ કરવી પડી અને આક્ષેપ કર્યો કે ન્યાયતંત્રની કાર્યવાહીને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે.

સીબીઆઈના નિદેશકની નિયુક્તિ દરમિયાન પણ ઊથલપાથલ જોવા મળી.

માનવામાં આવે છે કે જો વિપક્ષ મજબૂત હોય તો સરકારને અનેક વખત પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડે છે અને તે નિરંકુશ થતી નથી.

નવીન જોશી કહે છે કે, "અતિશય બહુમત નિરંકુશતા તરફ લઈ જાય છે, આ સ્થાપિત સિદ્ધાંત છે અને ઇતિહાસે તેને વારંવાર સાબિત કર્યો છે. જો છેલ્લી વખતે મજબૂત વિપક્ષ હોત તો બંધારણીય સંસ્થાઓ સાથે ચેડાં કરવાના આરોપ ન લાગ્યા હોત."


રાજ્યસભામાં બહુમતીની સરકાર આવે તો...

Image copyright Getty Images

રાજ્યસભામાં હાલ 245 સાંસદ છે, જેમાં 241ની ચૂંટણી અને ચાર સાંસદને નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિશ્લેષકોના મતે હવેનાં વર્ષોમાં ભાજપ રાજ્યસભામાં પણ બહુમતીમાં આવી શકે છે.

લોકસભા અને રાજ્યસભા બંનેમાં બહુમતમાં મેળવ્યા બાદ ભાજપ માટે કોઈ પણ કાયદામાં ફેરફાર કરવો અને નવો કાયદો ઘડવો સરળ થઈ શકે છે.

લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષો પણ આ આરોપ લગાવી રહ્યા હતા કે આ વખતે ભાજપ સરકાર બનાવે તો એ એવા નિર્ણયો લેશે જે પહેલાં ક્યારેય ન લેવાયા હોય.

નવીન જોશી કહે છે કે રાજ્યસભામાં આવનારા એક વર્ષ સુધી એનડીએને બહુમત નથી. પરંતુ જો ગઠબંધન ત્યાં બહુમતમાં આવશે તો બની શકે કે તે વિવાદિત નિર્ણયો લે.

તો શું પાર્ટી આર્ટિકલ 370 અને 35-એ ખતમ કરવા તરફ જશે? ભાજપના ઘોષણાપત્રમાં ઉલ્લેખ છે કે તેમની સરકાર આર્ટિકલ 370 હઠાવશે.

રામમંદિર બનાવવાનો પણ પાર્ટીનો દાવો છે. ચૂંટણીઓમાં પાર્ટીએ તેને મોટો મુદ્દો ન બનાવ્યો પણ તેમના એજન્ડામાં એ સામેલ છે જ.

જાણકારો જણાવે છે કે આ સ્થિતિમાં સાધુ-સંન્યાસી અને સંઘના કટ્ટર સમર્થકો તરફથી એ દબાણ ઊભું કરવામાં આવી શકે કે સરકાર રામમંદિર મુદ્દે વટહુકમ બહાર પાડે અથવા ખરડો પસાર કરે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ