સુરત આગ : ધરણાં ઉપર બેસવા માગતા હાર્દિક પટેલની અટકાયત

હાર્દિક પટેલની તસવીર Image copyright Twitter@HardikPatel

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની કચેરીએ ધરણાં ઉપર બેસવા માગતા કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે.

હાર્દિક પટેલે સુરત અગ્નિકાંડમાં સંડોવાયેલાઓને છાવરવાનો આરોપ સરકાર ઉપર મૂક્યો છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે મંજૂરી ન હોવા છતાં ધરણા ઉપર પહોંચ્યા હતા, જેથી તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

શુક્રવારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.


'જવાબદારો સામે કાર્યવાહીમાં ઢીલ'

સોમવારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી ખાતે ધરણાં આપવા માગતા કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે.

હાર્દિક પટેલે ટ્વિટર ઉપર લખ્યું, "12 કલાક પૂર્વે સુરતના વહીવટીતંત્ર પાસેથી અનશન માટે મંજૂરી માગી હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. સરકારે આ મામલે દોષિતો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી."

"મને લાગે છે કે સરકાર આ ઘટનામાં સામેલ લોકોને બચાવવા માટે પ્રાયસ કરી રહી છે અને માસૂમોના હત્યારા બચી જશે."

આ પહેલાં રવિવારે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે દુર્ઘટનામાં ઘાયલ થયેલાંઓની હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ બીબીસી. ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મંજૂરી ન હોવા છતાંય હાર્દિક પટેલ ધરણા ઉપર બેસવા માગતા હતા, જેથી તેમની અટકાયત કરવામાં આવી છે."

પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ધાર્મિક માલવિયાના કહેવા પ્રમાણે:

"જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા, ત્યારે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા."

માલવિયાના કહેવા પ્રમાણે, હાર્દિકની મુલાકાત સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કાપોદરા પોલીસ સ્ટેશનને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી.


સરકાર દ્વારા કાર્યવાહી

Image copyright Getty Images

ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘે બી.બી.સી. સાથે વાત કરતા જણાવ્યું:

"સુરતની ઘટના બાદ 2055 અધિકારીઓની 713 ટીમોએ ગુજરાતભરના મહાનગરોમાં સરવેની કામગીરી હાથ ધરી છે.

આ કાર્યવાહી દરમિયાનની 9395 ઇમારતોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન થતું ન હોવાનું માલૂમ પડ્યું હોય, તેમને ફાયર સેફ્ટીની નોટિસ આપવામાં આવી હતી.

સુરતમાં 1524 ઇમારતોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને 123 ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી.

સોમવારે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક મળશે, જેમાં સુરત જેવી ઘટનાઓને ભવિષ્યમાં કઈ રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા થશે અને કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવાશે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો