ડૉ. પાયલ તડવી : NCWએ હૉસ્પિટલના ડીન પાસેથી જવાબ માગ્યો

પાયલ તડવી Image copyright FACEBOOK/PAYAL TADVI

મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતાં પાયલ તડવી ડૉક્ટર બનવાં માગતાં હતાં. ડૉક્ટર બન્યાં બાદ તેઓ આદિવાસી વિસ્તારમાં સેવા કરવા માગતાં હતાં.

મેડિકલમાં તેઓ ગાયનેકૉલૉજી (સ્ત્રીરોગ વિશેષજ્ઞ)નો અભ્યાસ કરી રહ્યાં હતાં.

હવે તેમનાં આ સપનાં અધૂરાં રહી ગયાં છે. પાયલે 22 મેના રોજ આત્મહત્યા કરી લીધી છે. પાયલના પરિવારે તેમનાં કેટલાંક સિનિયર સહાધ્યાયીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

આઈપીસીની કલમ 306/34 હેઠળ ત્રણ મહિલા ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં ટૅક્નૉલૉજીના કાયદાની કેટલીક કલમો પણ લગાડવામાં આવી છે.

સહાયક પોલીસ કમિશનર દીપક કુદાલે બીબીસીને કહ્યું, "ઘટનાની તપાસ ચાલી રહી છે."

બીજી બાજુ, રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલામાં ઝંપલાવ્યું છે અને નાયર હૉસ્પિટલને તપાસ કરવા તાકિદ કરી છે તથા તેમાં જે કંઈ બહાર આવે તેનાથી પંચને વાકેફ કરવાનો નિર્દેશ આપ્યો છે.


શું થયું હતું?

Image copyright CENTRAL MARD

ડૉ. પાયલે પશ્વિમ મહારાષ્ટ્રના મીરાજ-સાંગલીથી એમબીબીએસ પૂરું કર્યું હતું. ગત વર્ષે તેમણે પોસ્ટ ગ્રૅજ્યુએશન માટે બીવાઈલ નાયર હૉસ્પિટલ સાથે સંબંધિત ટોપીવાલા મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેઓ પછાતવર્ગમાંથી આવતાં હતાં અને તેણે અનામત ક્વૉટા હેઠળ પ્રવેશ મેળવ્યો હતો.

આરોપ છે કે મેડિકલ કૉલેજના ત્રણ વરિષ્ઠ રેસિડેન્ટે તેમની સામે જાતિવિષયક શબ્દોનો પ્રયોગ કર્યો અને તેમની જાતિને આધાર બનાવીને તેમની પજવણી કરી. પરિવારનું કહેવું છે કે પજવણીથી ત્રાસીને તેમણે આત્મહત્યા કરી લીધી.

આ ઘટનાને ધ્યાનમાં રાખી પાયલનાં માતા આબેદા તડવીએ બીવાઈએલ નાયર હૉસ્પિટલના ડીનને લેખિતમાં ફરિયાદ કરી છે.

આબેદાએ કહ્યું કે તેમણે આ જ હૉસ્પિટલમાં પોતાના કૅન્સરની સારવાર કરાવી હતી. તે સમયે તેમણે કથિત રીતે પાયલની પજવણી થતાં જોઈ હતી.

પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું છે, "હું તે સમયે ફરિયાદ કરવા જઈ રહી હતી, પરંતુ પાયલે મને રોકી હતી. પાયલને ડર હતો કે જો ફરિયાદ થશે તો તેમને વધારે પજવવામાં આવશે. તેમના કહેવાથી મેં મારી જાતને રોકી લીધી."

તમે આ વાંચ્યું કે નહીં?

ગરીબ અને પછાત પરિવારમાંથી આવતી હોવા છતાં પાયલ મેડિકલનું શિક્ષણ મેળવવામાં સફળ રહી હતી. આબેદા કહે છે તેમને પોતાની દીકરી પર ગર્વ છે.

આબેદાનો આરોપ હતો કે વરિષ્ઠ મહિલા ડૉક્ટર દર્દીઓની સામે પાયલનું અપમાન કરતાં હતાં. પાયલ બહુ માનસિક તણાવમાં હતી.

આબેદાનું કહેવું છે કે હું પાયલની માનસિક સ્થિતિને લઈને ચિંતિત હતી. પાયલે પોતાનો વિભાગ બદલવાની અરજી પણ કરી હતી.

છેવટે પાયલે 22મેના રોજ આત્મહત્યા કરી લીધી.

મહારાષ્ટ્ર ઍસોસિયેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે (એમઆરડી) પજવણી કરનાર ત્રણેય મહિલા ડૉક્ટરને સસ્પેન્ડ કર્યાં છે. પરિવારે વિભાગના અધ્યક્ષના રાજીનામાની માગણી પણ કરી છે.

પાયલની સાથે કામ કરનાર અન્ય ડૉક્ટર્સે પણ સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સો વ્યક્ત કર્યો અને આરોપી ડૉક્ટરોની સામે સખત કાર્યવાહીની માગ કરી છે.


કાઉન્સેલિંગની જરૂરિયાત

આ ઘટનાથી મેડિકલ-જગત સાથે જોડાયેલા લોકોને આઘાત લાગ્યો છે. પાયલના મૃત્યુ પછી એક વાર ફરીથી ભેદભાવ અને માનસિક તણાવનો મુદ્દો ઊભો થયો છે.

જે. જે. હૉસ્પિટલમાં કામ કરતા અને ડૉ. આંબેડકર મેડિકોજ ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. રેવત કાનિંદે કહે છે, "અનુસ્નાતકમાં ભણતી વિદ્યાર્થિની આવું પગલું ભરવા મજબૂર થઈ જાય ત્યારે તમે તેના માનસિક તણાવનો અંદાજ લગાવી શકો છો."

"યુજીસીએ યુનિવર્સિટી અને કૉલેજોમાં સરખી તક આપનાર સેલને સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની મોટા ભાગની કૉલેજમાં આવા સેલ નથી. વિદ્યાર્થીઓ પોતાનું ઘર છોડીને ભણવા માટે આવે છે. તેમને કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. ઍડમિનિસ્ટ્રેશને એસસી-એસટી અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ જેથી આ મામલે ઝડપથી કાર્યવાહી કરી શકાય."

કાનિંદે કહે છે, "સામાન્ય વર્ગ અને પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સત્ર હોવું જોઈએ જેથી તે એકબીજાને સમજી શકે."

બીબીસીએ કૉલેજના ડીન ડૉ. રમેશ ભરમાલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો