વિનાયક દામોદર સાવરકર... કેટલાક માટે હીરો તો કેટલાક માટે વિલન

વિનાયક દામોદર સાવરકરની તસવીર Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે થઈ રહેલા અન્યાય તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા માટે વિનાયક દામોદર સાવરકર લંડન ગયા હતા

ઓક્ટોબર 1906ની શિયાળાની સાંજે લંડનના ઇન્ડિયા હાઉસમાં આવેલા પોતાના રૂમમાં ચિતપાવન બ્રાહ્મણ વિનાયક દામોદર સાવરકર પ્રોન એટલે કે ઝીંગા માછલી તળી રહ્યા હતા.

સાવરકરે એક ગુજરાતી વાણિયાને પોતાને ત્યાં જમવા માટે બોલાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે થઈ રહેલા અન્યાય તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા માટે તેઓ લંડન આવ્યા હતા.

ગુજરાતી વાણિયાનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીએ સાવરકરને કહ્યું કે અંગ્રેજો સામેની તમારી રણનીતિ વધારે પડતી આકરી છે.

સાવરકરે વચ્ચે જ તેમને ટોકતા કહ્યું, "ચાલો, પહેલાં જમી લઈએ."

ચર્ચાસ્પદ પુસ્તક, 'ધ આરએસએસ - આઇકૉન્સ ઑફ ઇન્ડિયન રાઇટ'ના લેખક નીલાંજન મુખોપાધ્યાય કહે છે:

"તે વખતે ગાંધી હજી 'મહાત્મા' નહોતા થયા. માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી હતા. તે વખતે તેમણે ભારતને હજી પોતાની કર્મભૂમિ પણ બનાવી નહોતી."

"સાવરકરે જમવા માટે ગાંધીને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે માફ કરો હું માંસ-મચ્છી ખાતો નથી. એટલે સાવરકરે તેમની મજાક પણ ઊડાવી કે માંસ ખાધા વિના કોઈ કેવી રીતે અંગ્રેજોને પડકાર ફેંકી શકે?"

"તે રાત્રે ગાંધી પોતાના સત્યાગ્રહના આંદોલન માટે સાવરકરનો સાથ લીધા વિના જ ભૂખ્યા પેટે પરત જતા રહ્યા હતા."

1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી.

ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપસર મુંબઈથી તેમની ધરપકડ થઈ હતી, પણ ફેબ્રુઆરી 1949માં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

આરએસએસના સભ્ય ના હોવા છતાં સંઘ પરિવારમાં સન્માન

Image copyright NILANJAN MUKHOPADHYAY
ફોટો લાઈન નીલાંજન મુખોપાધ્યાયે 'ધ આરએસએસ- આઇકૉન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ' પુસ્તક લખ્યું છે

એ પણ એક વક્રતા છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘના ક્યારેય સભ્ય ના બનેલા વીર સાવરકરનું નામ સંઘ પરિવારમાં ખૂબ ઇજ્જત અને સન્માન સાથે લેવામાં આવે છે.

2000ની સાલમાં વાજપેયી સરકારે તે વખતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનને દરખાસ્ત મોકલી હતી કે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' સાવરકરને આપવામાં આવે.

જોકે રાષ્ટ્રપતિએ દરખાસ્તનો સ્વીકાર કર્યો નહોતો.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ શપથ લીધા તેના બે દિવસ પછી જ વીર સાવરકરની 131મી જન્મતિથિ હતી."

"તેમણે સંસદભવનમાં મૂકવામાં આવેલી સાવરકરની તસવીર સામે માથું નમાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આપણે સ્વીકારવું રહ્યું કે સાવરકર બહુ જ વિવાદાસ્પદ માણસ હતા."

"આપણે એ ના ભૂલી શકીએ કે ગાંધી હત્યાકાંડમાં તેમની સામે કેસ ચાલ્યો હતો. તેઓ છૂટી ગયા તે વાત સાચી છે, પણ તેમના જીવતેજીવત જ તેમની તપાસ માટે કપૂર પંચ બેસાડાયું હતું."

"પંચના અહેવાલમાં સાવરકર સામેની શંકાને નકારી કાઢવામાં આવી નહોતી. એવા નેતાને જાહેરમાં આવું સન્માન આપવું તે મોદી માટે એક બહુ મોટું પ્રતિકાત્મક પગલું હતું."

નાસિકના કલેક્ટરની હત્યાના મામલામાં ધરપકડ

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન 1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી

સાવરકરના રાજકીય વિચારોને કારણે સાવરકરને પૂણેની ફર્ગ્યૂસન કૉલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

1910માં જ નાસિકના કલેક્ટરની હત્યામાં સામેલ હોવાના આરોપસર લંડનમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સાવરકર વિશે સંશોધન કરનારા નિરંજન તકલે કહે છે, "1910માં નાસિકના જિલ્લા કલેક્ટર જેક્સનની હત્યાના આરોપમાં પહેલાં સાવરકરના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી."

"સાવરકર પર આરોપ હતો કે તેમણે લંડનથી પોતાના ભાઈને એક પિસ્તોલ મોકલી હતી. તેનો ઉપયોગ હત્યામાં થયો હતો. 'એસએસ મૌર્ય' નામની સ્ટીમરમાં તેમને ભારત લવાઈ રહ્યા હતા."

"જહાજ ફ્રાંસના માર્સે બંદર પર પહોંચ્યું ત્યારે સાવરકરે જહાજના શૌચાલયના પોર્ટ હોલમાંથી સમુદ્રમાં જંપલાવી દીધું હતું."


સ્ટીમરમાંથી સમુદ્રમાં કૂદી પડ્યા સાવરકર

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન આ તસવીર 13 માર્ચ 1910ની છે જ્યારે વિક્ટોરિયા સ્ટેશન પર સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી

આશુતોષ દેશમુખે 'બ્રેવહાર્ટ સાવરકર' પુસ્તક લખ્યું છે. આગળ શું થયું તેની વાત કરતાં દેશમુખ કહે છે:

"સાવરકરે ઇરાદાપૂર્વક પોતાનો નાઇટગાઉન જ પહેરી રાખ્યો હતો. શૌચાલયમાં કાચ લગાડેલા હતા, જેથી અંદર જનારા કેદી પર નજર રહે. સાવરકરે પોતાનો ગાઉન ઉતારીને કાચ પર લગાવી દીધો હતો."

"તેમણે પહેલેથી જ શૌચાલયના પોર્ટ હોલનું માપ લઈ લીધું હતું. તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં થઈને બહાર નીકળી શકાશે. તેમણે પોતાનું પાતળું શરીર પોર્ટ હોલમાં નીચ ઉતાર્યું અને સમુદ્રમાં કૂદી પડ્યા."

"નાસિકમાં હતા ત્યારે તરવાની તાલીમ તેમણે લીધી હતી. તે કામ આવી અને તેઓ તરીને કિનારા સુધી પહોંચી ગયા. જોકે તેમના પર ત્યાં રહેલાં સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, પણ તેઓ બચીને નીકળી ગયા."

દેશમુખ આગળ લખે છે, "તરતી વખતે સાવરકરને વાગ્યું હતું અને ઘામાંથી લોહી નીકળતું હતું. સૈનિકો પણ તેમની પાછળ સમુદ્રમાં કુદી પડ્યા હતા અને પીછો કરવા લાગ્યા હતા."

"સાવરકર લગભગ 15 મિનિટ સુધી તરીને કિનારે પહોંચ્યા હતા. કિનારો લપસણો હતો. એકવાર લપસી પડ્યા, પણ ફરી પ્રયાસ કરીને જમીન પર આવી ગયા.

તેઓ ઝડપથી દોડીને ભાગ્યા અને એક મિનિટમાં લગભગ 450 મિટરનું અંતર કાપી નાખ્યું હશે."

"તેમની બંને તરફ ટ્રામ અને કાર દોડી રહી હતી. સાવરકર લગભવ નિર્વસ્ત્ર દશામાં હતા. તેમણે એક પોલીસવાળાને જોયો. તેમની પાસે જઈને અંગ્રેજીમાં કહ્યું કે, 'મારે રાજકીય આશ્રય લેવાનો છે, મને મેજિસ્ટ્રેટ પાસે લઈ જાવ.' એ જ વખતે પાછળ આવી રહેલા સૈનિકોએ બૂમો પાડી, 'ચોર! ચોર! પકડો એને.' સાવરકરે ઘણો પ્રતિકાર કર્યો પણ લોકોએ ભેગા થઈને તેમને પકડી લીધા."


સેલ્યુલર જેલમાં સાવરકર

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન વર્ષ 2000માં સાવરકરને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવાની રજૂઆત કરાઈ હતી

આ રીતે થોડી મિનિટો આઝાદ રહ્યા પછી ફરી એકવાર સાવરકર કેદમાં આવી ગયા. તે પછીના 25 વર્ષ સુધી કોઈ ને કોઈ રીતે અંગ્રેજોની જેલમાં જ રહ્યા.

તેમને 25-25 વર્ષની કેદની બે સજા થઈ હતી. જેલ ભોગવવા માટે તેમને ભારતથી દૂર આંદમાન એટલે કે 'કાળા પાણી'ની સજા ભોગવવા મોકલી દેવાયા હતા.

698 કોટડી ધરાવતી સેલ્યુલર જેલમાં 52 નંબરની કોટડીમાં તેમને રાખવામાં આવ્યા હતા, જે 13.5 બાય 7.5 ફૂટની હતી.

આંદમાનના જેલનિવાસ વખતની વાત લખતાં દેશમુખ જણાવે છે કે તે વખતે "આંદમાનમાં સરકારી અધિકારીઓ બગીમાં ફરતા. રાજકીય કેદીઓને બગી ખેંચવાનું કામ સોંપવામાં આવતું હતું."

"ત્યાં સારા રસ્તા પણ નહોતા અને પહાડી વિસ્તાર હતો. કેદીઓ બગી ખેંચી શકે નહીં ત્યારે તેમને ગાળો પડતી હતી અને માર પણ પડતો હતો."

"માથાકૂટ કરે તેવા કેદીઓને કેટલાય દિવસો સુધી પાણી જેવું સૂપ જ આપવામાં આવતું હતું."

"આ ઉપરાંત ક્વિનાઇનવાળું પાણી પીવા માટે મજબૂર કરાતા હતા. તે પીવાથી ચક્કર આવી જતા હતા. કેટલાકને ઉલટીઓ થતી હતી અને કેટલાક લોકોને ભારે પીડા થતી હતી."


હાથકડી અને બેડી પહેરીને ઊભા રહેવાનું

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન જેલ ભોગવવા માટે સાવરકરને ભારતથી દૂર આંદમાન એટલે કે 'કાળા પાણી'ની સજા ભોગવવા મોકલી દેવાયા હતા

દેશમુખ આગળ લખે છે, "કેદીઓ માટે શૌચાલય જવાનો સમય પણ નક્કી રહેતો હતો. કેટલો સમય અંદર રહેવું તેનો સમય પણ નક્કી હતો."

"ક્યારેક એવી હાલત થતી હતી કે કેદીએ પોતાની કોટડીમાં એક ખૂણે જ મળત્યાગ કરવો પડતો હતો."

"જેલ કોટડીની દિવાલોમાં કાયમ મળમૂત્રની ગંધ આવતી હોય. ક્યારેક કેદીઓને બેડી અને હાથકડી પહેરીને ઊભા રહેવાની સજા થતી હતી."

"આવી દશામાં શૌચાલય પણ ઊભા ઊભા જવું પડતું હતું. ઉલટી થાય તો પણ બેસવાની મંજૂરી મળી નહોતી."


અંગ્રેજોને માફીનામું

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન વિનાયક દામોકર સાવરકર સેલ્યુલર જેલમાં 9 વર્ષ 10 મહિના રહ્યા હતા

અહીંથી સાવરકરની જિંદગીનો બીજો તબક્કો શરૂ થાય છે. સેલ્યુલર જેલમાં 9 વર્ષ 10 મહિના રહ્યા પછી સાવરકરે અંગ્રેજો સામેનો વિરોધ વધારવાના બદલે પાછો ખેંચી લીધો.

નિરંજન તકલે કહે છે, "હું સાવરકરની જિંદગીને ઘણા ભાગોમાં જોઉં છું. તેમની જિંદગીનો પહેલો હિસ્સો રૉમૅન્ટિક ક્રાંતિકારીનો હતો. તે વખતે 1857ની લડત વિશે પુસ્તક લખ્યું હતું. તે પુસ્તકમાં તેમણે બહુ સારા શબ્દોમાં ધર્મનિરપેક્ષતાની તરફેણ કરી હતી."

"ધરપકડ પછી તેમને વાસ્તવિકતાનો પરિચય થયો. 11 જુલાઈ 1911ના રોજ સાવરકર આંદમાન પહોંચ્યા હતા."

"દોઢ જ મહિનામાં 29 ઓગસ્ટે તેમણે પોતાનું પ્રથમ માફીનામું લખ્યું હતું. ત્યારબાદ 9 વર્ષો દરમિયાન તેમણે છવાર અંગ્રેજોની માફી માગતા પત્રો લખ્યા હતા."

"જેલના રેકર્ડ દર્શાવે છે કે ત્યાં દર મહિને ત્રણથી ચાર કેદીઓને ફાંસી આપી દેવાતી હતી."

"ફાંસીની ખોલી તેમની કોટડીની બરાબર નીચે હતી. શક્ય છે કે તે વાતની અસર સાવરકર પર થઈ હોય. કેટલાક લોકો કહે છે કે જેલર બેરીએ સાવરકરને ઘણી છૂટછાટ આપી હતી."

"બીજા એક કેદી બરિન્દ્ર ઘોષે બાદમાં લખ્યું હતું કે સાવરકર બંધુઓ અમને જેલર સામે આંદોલન કરવા માટે ખાનગીમાં ઉશ્કેરતા હતા."

"અમે કહ્યું કે તમે ખુલીને અમારી સાથે આવો ત્યારે તેઓએ પીછેહઠ કરી હતી. તેમની પાસે કોઈ આકરું કામ કરાવાતું નહોતું."

હિંસાનો માર્ગ...

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન 1924માં સાવરકરને પૂણેની યરવડા જેલમાંથી બે શરતોને આધારે છોડવામાં આવ્યા હતા

નિરંજન તકલે કહે છે, "દર 15 દિવસે ત્યાં કેદીઓનું વજન કરવામાં આવતું હતું. સાવરકર સેલ્યુલર જેલ પહોંચ્યા ત્યારે તેમનું વજન 112 પાઉન્ડ હતું."

"સવા બે વર્ષ પછી તેમણે સર રેજિનૉલ્ડ ક્રેડૉકને પોતાનું ચોથું માફીનામું લખ્યું ત્યારે તેમનું વજન 126 પાઉન્ડ થઈ ગયું હતું. આ રીતે જેલમાં રહીને તેમનું વજન 14 પાઉન્ડ વધી ગયું હતું."

"પોતાના પર દયા કરવા માટેની વિનવણી કરવા સાથે તેમણે સરકારને વિનંતી કરી હતી કે પોતાને ભારતની અન્ય કોઈ જેલમાં મોકલવામાં આવે. તેના બદલામાં તેઓ સરકાર માટે કોઈ પણ હેસિયતથી કામ કરવા માટે તૈયાર હતા."

"સાવરકરે એવું પણ કહ્યું હતું કે અંગ્રેજોએ લીધેલા પગલાંને કારણે બંધારણીય વ્યવસ્થામાં તેમની શ્રદ્ધા ઊભી થઈ છે. હવે મેં હિંસાનો માર્ગ ત્યજી દીધો છે એમ તેણે લખ્યું હતું."

"કદાચ આ જ કારણસર કાળા પાણીની સજા કાપતા હોવા છતાં 30 અને 31 મે, 1919ના રોજ તેમને પોતાની પત્ની તથા નાના ભાઈ સાથે મુલાકાત કરવાની છૂટ અપાઈ હતી."


જેલમાંથી બહાર આવવા માટે નવો વ્યૂહ

ફોટો લાઈન વરિષ્ઠ પત્રકાર અને ઇંદિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના પ્રમુખ રામ બહાદુર રાય બીબીસીની ઑફિસમાં રેહાન ફઝલની સાથે

બાદમાં સાવરકરે પોતે અને તેમના સમર્થકોએ એવા ખુલાસા કરવાની કોશિશ કરી હતી કે ચોક્કસ વ્યૂહરચનાના ભાગરૂપે, કેટલીક બાબતોમાં રાહત મળી શકે તે માટે, તેમણે અંગ્રેજોની માફી માગી હતી.

સાવરકરે પોતાની આત્મકથામાં લખ્યું હતું, "મેં જેલમાં હડતાળ કરી હોત તો ભારતમાં પત્ર મોકલવાનો મારો અધિકાર છિનવી લેવાયો હોત."

સિનિયર પત્રકાર અને ઇન્દિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના અધ્યક્ષ રામ બહાદુર રાયને મેં પૂછ્યું હતું કે માફી માગવાનો વિકલ્પ તો ભગત સિંહ પાસે પણ હતો.

આમ છતાં તેમણે માફી ના માગી, જ્યારે સાવરકરની એવી શું મજબૂરી હતી કે તેમણે માફી માગી?

રામ બહાદુર રાયનો જવાબ હતો, "ભગત સિંહ અને સાવરકરમાં મૂળભૂત તફાવત હતા. ભગત સિંહે બોમ્બ ફેંકવાનું નક્કી કર્યું ત્યારે જ ફાંસીએ ચડવાનું નક્કી કરી લીધું હતું. બીજી બાજુ સાવરકર ચાલાક ક્રાંતિકારી હતા."

"તેમની કોશિશ એવી હતી કે ભૂગર્ભમાં રહીને થાય એટલી પ્રવૃત્તિઓ કરવી. મને લાગે છે કે સાવરકર એ પંચાતમાં નહોતા પડ્યા કે માફી માગવાની વાત પર લોકો શું કહેશે. તેમનો વિચાર એ હતો કે જેલમાંથી બહાર રહેશે તો પોતાની ઇચ્છા મુજબનું કામ કરી શકશે."

સાવરકરની હિન્દુત્વની વિચારધારા

ફોટો લાઈન બીબીસી સ્ટૂડિયોમાં નીલાંજન મુખોપાધ્યાય

આંદમાનથી આવ્યા બાદ સાવરકરે 'હિન્દુત્વ - વ્હૂ ઈઝ હિન્દુ?' એવું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે પ્રથમવાર હિન્દુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "તેઓ હિન્દુત્વનો એક રાજકીય ઢંઢેરા તરીકે ઉપયોગ કરતા હતા. હિન્દુત્વની પરિભાષા આપતા તેમણે કહ્યું હતું કે આ દેશનો માણસ મૂળભૂત રીતે હિન્દુ છે."

"આ દેશનો નાગરિક એ જ હોઈ શકે, જેની પિતૃભૂમિ, માતૃભૂમિ અને પુણ્યભૂમિ અહીં જ હોય."

"પિતૃ અને માતૃભૂમિ કોઈની પણ હોઈ શકે છે, પણ પુણ્યભૂમિ માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈનની જ હોઈ શકે."

"મુસ્લિમો અને ખ્રિસ્તીઓની આ પુણ્યભૂમિ નથી. તે વ્યાખ્યા પ્રમાણે મુસ્લિમ અને ખ્રિસ્તી ક્યારેય આ દેશના નાગરિકો ના બની શકે."

"એક રીતે તેવું થઈ શકે છે, કે તેઓ હિન્દુ બની જાય. તેઓ એ વિરોધભાસને ક્યારેય ના સમજાવી શક્યા કે તમે હિન્દુ રહીને પણ તમારી શ્રદ્ધા અને ધર્મને પાળતા રહી શકો."


અંગ્રેજો સાથે સમજૂતિ

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન વિનાયક દામોદર સાવરકરને અંગ્રેજો તેમને દર મહિને 60 રૂપિયાનું પેન્શન આપતા હતા

1924માં સાવરકરને પૂણેની યરવડા જેલમાંથી બે શરતોને આધારે છોડવામાં આવ્યા હતા.

એક શરત હતી કે કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો અને બીજું રત્નાગિરિ જિલ્લાના કલેક્ટરની પરવાગની વિના જિલ્લાની બહાર ના જવું.

નિરંજન તકલે કહે છે, "સાવરકરે વાઇસરોય લિનલિથગો સાથે લેખિતમાં સમજૂતિ કરી હતી કે તેમનો બંનેનો એકસમાન ઉદ્દેશ છે કે ગાંધી, કોંગ્રેસ અને મુસ્લિમોનો વિરોધ કરવો."

"અંગ્રેજો તેમને દર મહિને 60 રૂપિયાનું પેન્શન આપતા હતા. તેઓ અંગ્રેજોની એવી શું સેવા કરતા હતા કે અંગ્રેજો તેમને પેન્શન આપતા હતા? આવી રીતે પેન્શન મેળવનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા."


કાળી ટોપી અને અત્તરની શીશી

Image copyright SAVARKARSMARAK.COM
ફોટો લાઈન અંગત જીવનમાં વિનાયક દામોદર સાવરકર સારી વસ્તુઓના શોખીન હતા

અતિવાદી વિચારો છતાં અંગત જીવનમાં તેઓ સારી વસ્તુઓના શોખીન હતા. તેમને ચૉકલેટ અને 'જિન્ટાન' બ્રાન્ડની વ્હિસ્કી પસંદ હતી.

તેમની જીવનકથામાં આશુતોષ દેશમુખે લખ્યું છે, "સાવરકર 5 ફૂટ 2 ઇંચ લાંબા હતા. આંદામાન જેલમાં હતા ત્યારે જ ટાલ પડી ગઈ હતી."

"તેમને છીંકણી સુંઘવાની આદત પડી ગઈ હતી. આંદામાનની કોટડીમાં છીંકણી ના મળે ત્યારે દિવાલો પરનો ચૂનો ઉખાડીને સુંઘતા હતા. તેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી."

"જોકે તેના કારણે તેમનું નાક ખુલી જતું હતું. તેમણે સિગરેટ અને સિગાર પીવાની પણ કોશિશ કરી હતી. જોકે તે તેમને ફાવ્યા નહોતા."

"તેઓ ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. નાસ્તામાં બાફેલા બે ઈંડા લેતા હતા. દિવસ દરમિયાન ઘણી વાર ચા પીધા કરતા હતા. તેમને મસાલેદાર ભોજન પસંદ હતું, ખાસ કરીને મચ્છી બહુ ભાવતી હતી."

"તેમને હાફૂસ કેરી, આઇસક્રીમ અને ચૉકેલેટ પણ ભાવતા હતા. તેઓ એક જ પ્રકારના વસ્ત્રો પહેરતા હતા...ગોળ કાળી ટોપી, ધોતી અથવા પેન્ટ અને કોટ. કોટના ખિસ્સામાં નાનું હથિયાર અને અત્તરની શીશી રાખતા. એક હાથમાં છત્રી હોય અને બીજા હાથમાં ઘડી કરેલું અખબાર!"


મહાત્મા ગાંધી હત્યા કેસમાં ધરપકડ

Image copyright Getty Images
ફોટો લાઈન મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ થવાનો વિનાયક દામોદર સાવરકર પર આરોપ હતો

1949માં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં આઠ લોકો સાથે સાવરકરની પણ ધરપકડ થઈ ત્યારે તેમની છાપ બહુ ખરડાઈ હતી. હત્યાંકાડમાં સામેલ થવાનો આરોપ તેમના પર હતો.

જોકે નક્કર પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "ગાંધી હત્યાકાંડનો ડાધ દૂર કરવામાં સંઘ પરિવારને લાંબો સમય લાગ્યો હતો. સાવરકર આ મામલામાં જેલ ગયા હતા અને પછી છૂટી ગયા હતા. 1966 સુધી જીવિત રહ્યા હતા, પણ ત્યારબાદ તેઓ સ્વીકાર્ય બન્યા નહોતા."

"એ હદ સુધી કે આરએસએસે પણ તેમની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. તેઓ હંમેશા હાંસિયા જ ધકેલાયા રહ્યા, કેમ કે ગાંધી હત્યાની શંકા તેમના પરથી ક્યારેય પૂરી રીતે હટી નહોતી."

"કપૂર પંચના અહેવાલમાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે સાવરકરની જાણકારી વિના ગાંધી હત્યાકાંડ થાય તેવું માની શકાય તેમ નથી."

સાવરકરની રાજકીય વિચારધારા

Image copyright NANA GODSE
ફોટો લાઈન ડાબી બાજુથી જમણી બાજુ બેઠેલા નાના આપ્ટે, દામોદર સાવરકર, નાથૂરામ ગોડસે, વિષ્ણુપંત કરકરે, દિગમ્બર બડગે, મદનલાલ પહાવા (જમણી બાજુ ઊભેલા), ગોપાલ ગોડસે, શંકર કિસ્તય્યા

સાવરકરના છેલ્લા બે દાયકા રાજકીય એકાકીપણા અને અપજશમાં વીત્યા.

તેમની જીવનકથા લખનારા અન્ય એક લેખક ધનંજય કીરે 'સાવરકર ઍન્ડ હિઝ ટાઇમ્સ' પુસ્તકમાં લખ્યું છે કે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો અને તેમને ન્યાયાધીશે છોડી મૂકવાની જાહેરાત કરી.

તે સાથે જ નથૂરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા જાહેર થઈ હતી. ચુકાદા પછી કેટલાક આરોપીઓ સાવરકરના પગે પડી ગયા હતા અને તેમની સાથે મળીને સૂત્રોચ્ચાર કર્યા હતાઃ

હિન્દુ હિન્દુ હિન્દુસ્તાન

કભી ના હોગા પાકિસ્તાન

રામ બહાદુર રાય કહે છે, "તેમના આખરી દિવસોમાં તેમના પર કલંક લાગ્યું તેના કારણે તેમનો વારસો અંધકારમાં જતો રહ્યો છે."

"દુનિયામાં ભાગ્યે જ એવું ઉદાહરણ મળતું હોય છે, જેમાં ક્રાંતિકારી કવિ પણ હોય, સાહિત્યકાર પણ હોય અને સારા લેખક પણ હોય."

"આંદમાનની જેલમાં રહેતી વખતે પથ્થરના ટુકડાને પેન તરીકે વાપરીને દિવાલો પર 6000 જેટલી કવિતાઓ લખી હતી. આ કવિતાઓને કંઠસ્થ કરી રાખી હતી. એટલું જ નહીં સાવરકરના નામે પાંચ મૌલિક પુસ્તકો પણ છે."

"આમ છતાં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં સંડોવણીને કારણે સાવરકર ખતમ થઈ ગયા. તેમની રાજકીય વિચારધારા પણ ત્યાં જ સૂકાઈ ગઈ."


'ભાગલા પડાવનારું વ્યક્તિત્વ'

ફોટો લાઈન સાવરકર પર સંશોધન કરનારા નિરંજન તકલેએ બીબીસી સ્ટૂડિયોમાં હાજરી આપી હતી

1966માં તેમનું મૃત્યુ થયું તે પછીના દાયકાઓમાં પણ ભારતીય રાજકારણમાં સાવરકરનું નામ ભાગલા પડાવનારા વ્યક્તિ તરીકેનું છે. તે કાંતો કોઈના હીરો હોય, કાંતો વિલન હોય.

નિરંજન તકલે કહે છે, "2014માં સંસદના સેન્ટ્રલ હૉલમાં નરેન્દ્ર મોદી સાવરકરની તસવીર સામે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે અજાણપણે તેમણે પોતાની પીઠ મહાત્મા ગાંધી તરફ કરી લીધી હતી."

"તેનું કારણ એ કે ગાંધીજીની તસવીર ત્યાં બરાબર પાછળની બાજુએ લાગેલી હતી."

"આ આજના રાજકારણની વાસ્તવિકતા છે. તમારે સાવરકરને સન્માન આપવું હોય તો ગાંધીની વિચારધારા તરફ પીઠ ફેરવી લેવી પડે."

"તમારે ગાંધીને સ્વીકારવા હોય તો સાવરકરની વિચારધારાને નકારી જ રહી. કદાચ સાચી રીતે જ આજે પણ સાવરકર ભારતમાં એક ભાગલા પડાવનારું વ્યક્તિત્વ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો