સુરતની આગ શા માટે વિકરાળ બની? સરકારને રિપોર્ટ સોંપાયો

સુરતમાં એક ઇમારતને સીલ કરવા સમયની તસવીર Image copyright Dharmesh Amin
ફોટો લાઈન સુરતમાં અનેક ઇમારતોને સીલ કરી દેવામાં આવી

સુરતમાં 22 લોકોનો ભોગ લેનારી આગ પાછળનાં કારણોને શોધવા માટે નિમવામાં આવેલી કમિટીએ સરકારને તેનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કરી દીધો છે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સમિતિની ભલામણો મુજબ જરૂરી પગલાં લેવાની વાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.

રિપોર્ટમાં સુરતની આગ, ઇમારત નિર્માણ, જાહેરત માટેનાં ફ્લૅક્સ બેનરને લગતા નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને બનતી ટાળી શકાય.

શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીની તપાસમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા વીજ વિભાગની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

શુક્રવારે દુર્ઘટના બાદ ગુજરાત સરકારે પુરીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની જાહેરાત કરી હતી.


એસીથી શરૂ થઈ આગ

ફોટો લાઈન એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

પુરીએ પત્રકાર પરિષદમાં આગ લાગવાનાં કારણો તથા અત્યાર સુધીની તપાસ અંગે માહિતી આપી હતી.

પુરીએ કહ્યું હતું કે પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપટમાં આવી ગઈ હતી.

તેની ઉપર લગાડવામાં આવેલાં ફ્લૅક્સ બેનર્સે આગ પકડી, જે ઉપર ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યું હતું.

પહેલા તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.


ખુરશીને બદલે ટાયર

Image copyright Getty Images
ફોટો લાઈન રાજ્યભરમાં સુરતનાં મૃતકોને અંજલિ આપતા કાર્યક્રમો યોજાયાં

હંગામી માળખા દ્વારા વધુ બે માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની ઉપર ડોમનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

લોખંડની સીડીથી અવરજવર થતી, જેનાં પગથિયાં લાકડાંનાં હતાં. નીચે લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી, જ્યાં NATA (નેશનલ ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેકચર)ની તૈયારીના ક્લાસીસ ચાલતા હતા.

અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થતો હતો.

બનાવટી છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.

ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં.

ઉપરના ડોમ સ્ટ્રક્ચરમાં હવાની અવરજવર માટે કોઈ વ્યવસ્થા ન હતી, જેથી નીચેથી ઉપર સુધી પહોંચેલો ધુમાડો ત્યાં એકઠો થયો હતો,જેનાં કારણે ગૂંગળામણ થઈ હતી.

ચોથા માળનું નિર્માણ ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂરી મળી, તે પહેલાં કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે .

ફરજમાં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આપને આ પણ વાચવું ગમશે

એ ભયાનક ભૂલ

Image copyright Getty Images
ફોટો લાઈન 15 લોકો અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ

જોકે, ત્રીજા માળે અવરજવર થઈ શકે તે માટે અન્ય એક સીડી હતી પરંતુ તેના દરવાજાને ખીલા ઠોકીને સજ્જડ રીતે બંધ કરી દેવાયો હતો.

જેના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું, આથી મરણાંક વધી ગયો.

પુરીના કહેવા પ્રમાણે, બિલ્ડિંગના માલિક કે તેના ભાડૂત દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હશે, જે એક 'ગુનાહિત કૃત્ય' છે.

2006માં આ ઇમારતનું નિર્માણ થયું. વર્ષ 2011માં આ વિસ્તાર SUDA (સુરત અર્બન ડેવલપમૅન્ટ ઑથોરિટી) હેઠળ આવ્યો હતો.

વર્ષ 2011માં ઇમ્પેક્ટ ફીનો (ગેરકાયદેસર નિર્માણને અમુક રકમનો દંડ લઈને કાયદેસર કરવાની જોગવાઈ) કાયદો અમલમાં આવ્યો.

2015માં જમીનના ચાર માલિકોએ ઇમ્પેક્ટ ફી ભરીને વધારાનું નિર્માણકાર્ય કાયદેસર કરી દેવાયું હતું.

જોકે, તે માટે જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓએ સ્થળ ઉપર જઈને જાત-તપાસ કરી ન હતી અને સ્વ-ઘોષાણાને સાચી માનીને મંજૂરી આપી દેવાઈ હતી.

એ સમયે સુરતની અનેક ઇમારતોને ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરી દેવાઈ હતી.


નૅગેટિવ લિસ્ટ તૈયાર કરાશે

Image copyright Getty Images
ફોટો લાઈન આવી દુર્ઘટના સમયે ભીડના નિયંત્રણ અંગે પ્રક્રિયા નક્કી કરાશે

હાલમાં એક માળની ઇમારત હોય તો તેના માટે ફાયર વિભાગનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડતું નથી, જેથી કરીને બિનજરૂરી રીતે કનડગત ન રહે.

હવે તેમાં 'નૅગેટિવ લિસ્ટ' તૈયાર કરવામાં આવશે અને જો ઇમારતનો ઉપયોગ, સિનેમા હોલ, ટ્યૂશન ક્લાસીસ, નર્સિંગ હોમ, સ્કૂલ કે હૉસ્પિટલ માટે કરવાનો હશે તો તેમણે 'એનઓસી' લેવું પડશે.

આ સિવાય અગ્નિશમનનાં સાધનો અંગે જરૂરી વ્યવસ્થા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સોમવાર સુધીમાં 11,550 ઇમારતની સ્થળ-તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સિવાય ટૅરેસ તથા બૅઝમેન્ટમાં જો કોઈ દબાણ કરવામાં આવ્યાં હશે તો તેને દૂર કરાશે.

Image copyright Getty Images
ફોટો લાઈન સુરતની આગમાં મરણાંક 22 થયો

આ સિવાય ઑવરલોડિંગ અંગે જે-તે વીજવિતરણ કંપની દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે, કારણ કે એક થિયરી પ્રમાણે, ઑવરલોડિંગને કારણે સ્પાર્ક થયો હતો.

દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા થોડા સમય પહેલાં હાથ ધરવામાં આવેલાં સર્વે દરમિયાન એક લાખ જેટલી નોટિસો આપવામાં આવી હતી. આ અંગે પણ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે.

જોકે, સુરત ખાતેની દુર્ઘટનામાં DGVCLના પક્ષે કોઈ ક્ષતિ રહી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ફ્લૅક્સ બેનરને ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે અને જાહેરખબરમાં તેના ઉપયોગ સંબંધે નિયમ ઘડવામાં આવશે.

આ સિવાય આગ લાગે ત્યારે શું કરવું, અગ્નિશમનનાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જેવી બાબતો અંગે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાની ભલામણ કરવામાં આવી છે.


કેવી રીતે તૈયાર થયો રિપોર્ટ?

Image copyright Twitter@HardikPatel
ફોટો લાઈન સોમવારે હાર્દિક પટેલની અટકાયત બાદ મુક્તિ

શહેરી વિકાસ સચિવ મુકેશ પુરી શુક્રવારે સાંજે સુરત પહોંચ્યા હતા અને સોમવારે સવારે ગાંધીનગર પરત ફર્યા હતા.

સુરતની મુલાકાત દરમિયાન પુરીએ ઘટનાસ્થળ તથા સારવાર હેઠળના ઇજાગ્રસ્તો તથા પરિવારજનોની મુલાકાત લીધી હતી.

આ સિવાય કૉર્પોરેશનના હૅલ્થ, ટાઉન પ્લાનિંગ તથા ફાયર વિભાગ અને પોલીસ સહિત અન્ય વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને જરૂરી દસ્તાવેજો ચકાસ્યા હતા.

આ સિવાય ફોરેન્સિક સાઇન્સ લૅબોરેટરી તથા DGVCL દ્વારા અલગથી સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી છે, જેનો રિપોર્ટ હવે પછી આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ