TOP NEWS: યૂપીમાં લઠ્ઠાકાંડ: બારાબંકીમાં 10 લોકોનાં મૃત્યુ

Image copyright Ravi

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લઠ્ઠાકાંડને કારણે મૃત્યુ પામનારાંઓની સંખ્યા 10 થઈ ગઈ છે, જ્યારે અન્ય કેટલાક હૉસ્પિટલ્સમાં સારવાર લઈ રહ્યાં છે.

બારાબંકીના પોલીસવડા અજય કુમાર સાહનીએ બીબીસીના સમીરાત્મજ મિશ્રને જણાવ્યું, "બારાબંકીમાં નવ લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે સારવાર દરમિયાન લખનૌમાં એકનું મૃત્યુ છે."

પોલીસે દુકાનદાર સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સરકારે ચાર અધિકારીઓ સહિત અનેક પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા છે.

આ અંગે તપાસ કમિટી નિમવમાં આવી છે, જે આગામી 48 કલાકની અંદર રિપોર્ટ સુપ્રત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે ઝેરી શરાબ પીવાને કારણે લોકોની તબિયત કથળવા લાગી હતી.


કૉંગ્રેસના છ પ્રદેશાધ્યક્ષોનાં રાજીનામા

રાહુલ ગાંધી Image copyright Pti

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસમાં હાલ રાજીનામાં આપવાનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં કુલ 6 રાજ્યોના પ્રદેશ પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે.

ઝારખંડમાં કૉંગ્રેસના ધબડકા બાદ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમારે રાજીનામું રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે.

સોમવારે આસામ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા અને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ સુનિલ જાખરે પોતાનાં રાજીનામાં કૉંગ્રેસ અધ્યક્ષને મોકલી આપ્યાં છે.

આ પહેલાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણ, ઓડિશાના કૉંગ્રેસના અધ્યક્ષ નિરંજન પટનાયક અને ઉત્તર પ્રદેશ યુનિટના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દીધાં છે.

ગયા અઠવાડિયે કર્ણાટક કૉંગ્રેસ પ્રદેશ કૅમ્પેન કમિટીના અધ્યક્ષે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


અલ્પેશ ઠાકોરની નીતિન પટેલ સાથે મુલાકાત

Image copyright Getty Images

ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે સોમવારે મુલાકાત કરી હતી.

લોકસભાની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ભાજપમાં જોડાવાના છે એવા અહેવાલો સ્થાનિક મીડિયામાં વહેતા થયા હતા.

અલ્પેશે નીતિન પટેલની સાથેસાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ મુલાકાત કરી હતી.

કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલ્પેશે રાજીનામાં પહેલાં ભાજપ સાથે વાટાઘાટોની વાત સ્વીકારી હતી.

ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં તેમણે કૉંગ્રેસ સામે જ પ્રચાર કર્યો હતો.

સુરતની આગનો રિપોર્ટ સરકારને સોંપાયો, કેવી રીતે લાગી હતી આગ?

Image copyright Getty Images

સુરતમાં 22 લોકોનો ભોગ લેનારી આગ પાછળનાં કારણોને શોધવા માટે નિમવામાં આવેલી કમિટીએ સરકારને તેનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કરી દીધો છે.

શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીની તપાસમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા વીજવિભાગની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

પુરીએ કહ્યું હતું કે પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપટમાં આવી ગઈ હતી.

તેની ઉપર લગાડવામાં આવેલાં ફ્લૅક્સ બેનર્સે આગ પકડી, જે ઉપર ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યું હતું.

પહેલા તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.


મોદીની શપથવિધિમાં પાકિસ્તાનને આમંત્રણ નહીં?

Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8 દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

એવું માનવામાં આવે છે કે ભારતની 'પાડોશી પહેલાં'ની નીતિ અંતર્ગત આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્યાર સુધી એ મામલે કોઈ માહિતી મળી નથી કે આ શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાને આમંત્રણ આપવામાં આવશે કે નહીં.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ BIMSTECના સભ્યોના નેતાઓ 30મેના રોજ યોજાનારા સમારોહમાં હાજરી આપશે.

2014માં પ્રથમ વખત ચૂંટાયા બાદ મોદીની શપથવિધિમાં SAARCના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં એ સમયના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ હાજર રહ્યા હતા. જોકે, પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી છે.


બ્રાઝિલની જેલોમાં ગૅંગવૉર, 42 કેદીઓનાં મોત

Image copyright Reuters

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલની જુદી જુદી જેલોમાં 42 કેદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ પહેલાં એક જેલમાં ગૅંગવૉરમાં કુલ 15 કેદીઓ માર્યા ગયા હતા.

વિવિધ જેલોમાં થયેલી હિંસામાં અનેક કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

જેલના અધિકારીઓને રોજિંદી તપાસ વખતે આ મૃતદેહો મળી આવ્યા હતા. હાલ જેલમાં થઈ રહેલી હિંસાને કાબૂમાં લેવા માટે એક ટાસ્ક ફોર્સને કાર્યરત કરવામાં આવી છે.

રવિવારે કેદીઓના મુલાકાતના સમયે બ્રાઝિલના અનિસિઓ જોબીમ જેલના કૉમ્પલેક્ષમાં હિંસા ફાટી નીકળી હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેદીની હત્યા ધારદાર ટૂથબ્રશ અને ગળું દબાવીને કરવામાં આવી હતી.

કેદીઓ વચ્ચે આ પ્રકારની હિંસા કેવી રીતે ફાટી નીકળી તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો