ધાનાણીનો લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ધબડકા બાદ રાજીનામાનો પ્રસ્તાવ

પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પદ પરથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મુદ્દે તેમણે કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવને પત્ર લખ્યો છે.

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના કહેવા પ્રમાણે, "લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કૉંગ્રેસના નબળાં પ્રદર્શનની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની વાત કરી છે."

"પરેશભાઈએ આ સંબંધે કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રાજીવ સાતવને પત્ર લખ્યો છે."

લોકસભા ચૂંટણી દરમિયાન પરેશ ધાનાણી પોતે અમરેલીની બેઠક ઉપરથી ભાજપના નારણભાઈ કાછડિયા સામે હારી ગયા હતા. સાતવ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા છે.


ચાર ધારાસભ્યોએ શપથ લીધા

Image copyright Gujarat BJP

બીજી બાજુ, મંગળવારે સવારે ભાજપના નવા ચૂંટાયેલા ચાર ધારાસભ્યોએ પદભારના શપથ લીધા હતા.

લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા-ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનાં ડૉ. આશા પટેલ (21-ઊંઝા, મહેસાણા), પરષોત્તમ સાબરિયા (64-ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર), રાઘવજીભાઈ પટેલ (77-જામનગર ગ્રામ્ય) અને જવાહર ચાવડા (85-માણાવદર) બેઠક ઉપરથી વિજેતા થયા હતા.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ શપથગ્રહણ કરાવ્યા ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આ સાથે જ 182 ધારાસભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા 105 ઉપર પહોંચી ગઈ છે.

તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ભાજપને તમામ 26 લોકસભા બેઠક તથા તમામ ચાર વિધાનસભા પેટાચૂંટણીની બેઠક ઉપર વિજય મળ્યો હતો.

આપને આ પણ વાચવું ગમશે