TOP NEWS: ગુજરાતના 17 ધારાસભ્યો કૉંગ્રેસ છોડશે : અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર Image copyright FB/ALPESHTHAKOR

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ઠાકોર નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે કૉંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો છેડો ફાડશે.

અખબાર પોતાના અહેવાલમાં લખે છે કે જૂનની મધ્ય સુધીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે.

બીજી તરફ સમાચાર એજન્સી 'એએનઆઈ' સાથેની વાતચીતમાં અલ્પેશે જણાવ્યું કે કૉંગ્રેસ પાર્ટી 'ચેલા ચપાટા'થી ભરેલી છે.

તેમણે એવું પણ કહ્યું કે કૉંગ્રેસ લોકોની જરૂરિયાતને સમજવામાં નિષ્ફળ નીવડી છે અને આગામી 10 વર્ષ સુધીમાં ગુજરાતમાં તે ઊભી નહીં થઈ શકે.

અલ્પેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત કૉંગ્રેસમાં ના તો ઇમાનદારી છે, ના તો નેતૃત્વ.


વૉર્મ-અપ મૅચમાં ભારતનો બાંગ્લાદેશ સામે 95 રને વિજય

Image copyright Getty Images

આઈસીસી વિશ્વ કપના વૉર્મ-અપ મૅચમાં ભારતનો બાંગ્લાદેશ સામે 95 રને વિજય થયો છે.

ભારતે પ્રથમ બૅટિંગ કરી 50 ઑવરમાં 359 રન બનાવ્યા હતા.

ટીમના આ પડકારજનક સ્કોરમાં પૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની અને ઑપનર બૅટ્સમૅન કે. એલ. રાહુલે સદી ફટકારી હતી.

ભારતીય ટીમના બૉલર યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે પોતાની કમાલ બતાવી હતી.

ચહલે 10 ઓવરમાં 55 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે આગામી 30 મેના રોજ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તૃણમૂલ કૉંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ લોકસભાનાં પરિણામ બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભૂંકપ સર્જાયો છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસના બે ધારાસભ્યો અને 56 કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા છે.

પશ્ચિમ બંગાળમાં નેતાઓની આ ફેરબદલમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાંગશુ રોયનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે 2019 લોકસભામાં પશ્ચિમ બંગાળમાં ભાજપે 18 બેઠકો જીતી છે. જ્યારે તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો મળી છે.

વર્ષ 2014ની વાત કરવામાં આવે તો તૃણમૂલ કૉંગ્રેસ પાસે 34 બેઠકો હતી.

મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ અને કેસીઆર મોદીની શપથવિધિમાં સામેલ થશે

Image copyright PTI

'એનડીટીવી'ના અહેવાલ મુજબ બીજી વખત ભારતના વડા પ્રધાન બનવા જનારા નરેન્દ્ર મોદીની શપથવિધિમાં તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજી, આપના નેતા અરવિંદ કેજરીવાલ અને તેલંગણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ સામેલ થશે.

આ અંગે મમતા બેનરજીએ કહ્યું હતું કે તેમણે અન્ય મુખ્ય મંત્રીઓ સાથે આ મુદ્દે વાત કરી હતી.

તેમણે એવું પણ કહ્યું કે બંધારણીય કર્તવ્યને અનુસંધાને તેઓ શપથવિધિમાં હાજરી આપશે.

આપના નેતા અને દિલ્હીના મુખ્ય મંત્રીને પણ મોદીની શપથવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો