નાદુરસ્ત અરુણ જેટલીએ પ્રધાન ન બનાવવા કરી વિનંતી, અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ

અરુણ જેટલી Image copyright Getty Images

ગુરુવારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે બીજી વખત શપથ લેશે, ત્યારે તેમની સાથે પ્રધાનમંડળના અન્ય સભ્યો પણ શપથ લેશે.

આ પહેલાં અગાઉ સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા અરુણ જેટલીએ પત્ર લખીને નિયુક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે તેમને કોઈ પદભાર સોંપવામાં ન આવે.

આ સાથે જેટલીએ સરકાર તથા પક્ષમાં અલગઅલગ જવાબદારી સોંપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અગાઉ માર્ચ-2019માં નાદુરસ્ત તબિયતને કારણે જેટલી વચગાળાનું બજેટ રજૂ કરી શક્યા ન હતા અને તેમના સ્થાને રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી.

આ પહેલાં મોદી સરકારમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ વિદિશા (મધ્ય પ્રદેશ) બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

આ અંગે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું કે 'આપ જલ્દી સાજા થઈ જાવ તે માટે કામના કરું છું. રાજકીય મતભેદો છતાં તેમનું વર્તન હંમેશા ઉષ્માભર્યું રહ્યું છે.'

નાદુરસ્ત તબિયતનું કારણ

અરુણ જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું, 'ગત 18 મહિનાથી મારી તબિયત નાદુરસ્ત રહી હતી. સારવાર બાદ મોટા ભાગની બીમારીઓમાંથી સાજો થઈ શક્યો છું.'

'ચૂંટણીપ્રચાર સંપન્ન થયો અને તમે કેદારનાથ જઈ રહ્યા હતા, ત્યારે મેં આપને મૌખિક રીતે જણાવ્યું હતું કે ચૂંટણીપ્રચાર દરમિયાન મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવી, તેને મેં નિભાવવાનો પ્રયાસ કર્યો.'

'હવે, આગામી સમયમાં મને કોઈ જવાબદારી સોંપવામાં ન આવે, જેથી કરીને હું મારા આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરી શકું.'

આ પત્રમાં જેટલી આગળ લખે છે, 'હું આપને ઔપચારિક રીતે વિનંતી કરવા માટે આ પત્ર લખું છું કે મારી સારવાર તથા આરોગ્યને માટે પૂરતો સમય મળી રહે તે માટે હાલ મને સરકારમાં કોઈ ઔપચારિક જવાબદારી સોંપવામાં ન આવે.'

પત્રના અંતમાં જેટલીએ પક્ષ કે સરકાર માટે 'અનૌપચારિક રીતે' કોઈ પણ કામ કરવાની તૈયારી દાખવી છે.

મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અરુણ જેટલીએ નાણા મંત્રી ઉપરાંત કૉર્પોરેટ બાબતોના મંત્રી તથા સંરક્ષણ મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ