ધોનીએ મૅચની વચ્ચે જ્યારે બાંગ્લાદેશની ફિલ્ડિંગ ગોઠવી

ધોની Image copyright Getty Images

ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર બૅટ્સમૅન મહેન્દ્ર સિંહ ધોની હાલ વર્લ્ડ કપમાં ચર્ચામાં છે.

મંગળવારે બાંગ્લાદેશ સામેની મૅચમાં ધોનીએ 78 બૉલમાં 113 રન બનાવ્યા હતા, પરંતુ ધોની વૉર્મઅપ મૅચમાં સદીના કારણે નહીં પરંતુ બાંગ્લાદેશની ફિલ્ડિંગના કારણે ચર્ચામાં છે.

ધોનીએ બૅટિંગ કરતી વખતે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરવામાં પણ મદદ કરી હતી.

હાલ સોશિયલ મીડિયા પર લોકો ધોનીનો આ વીડિયો શૅર કરી રહ્યા છે, જેમાં ધોની બાંગ્લાદેશના બૉલર્સને ફિલ્ડિંગ માટે ઇશારો કરી રહ્યા છે.


મેદાન વચ્ચે બનેલી એ ઘટના શું હતી?

Image copyright Getty Images

ભારતની ઇનિંગ્સ વખતે 40મી ઓવરની શરૂઆત થવાની હતી. બાંગ્લાદેશના બૉલર સબ્બીર રહેમાન પાસે બૉલ હતો.

સામે સ્ટ્રાઇક પર ભારતના સ્ટાર વિકેટકીપર બૅટ્સમૅન ધોની હતા. સબ્બીર બૉલિંગ કરવા જાય તે પહેલાં જ ધોનીએ તેમને ફિલ્ડિંગમાં પરિવર્તન કરવા માટેનો ઇશારો કર્યો હતો.

ધોનીએ સબ્બીરને સ્ક્વેર-લેગ ફિલ્ડરને તેમની ડાબી તરફ ખસેડવા કહ્યું, ધોનીની સૂચના વિશે એક પણ વખત વિચાર્યા વિના સબ્બીરે એ મુજબ ફિલ્ડિંગ ગોઠવી દીધી.

બાંગ્લાદેશના આ બૉલરે પોતાના કપ્તાનને પણ આ મામલે પૂછવાનું ના વિચાર્યું અને ધોનીની સૂચનાને અનુસરી.

ધોનીની આ દરિયાદિલી અંગે સોશિયલ મીડિયા પર લોકો તેમનાં વખાણ કરી રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાગ્યે જ બનતી ઘટના

Image copyright Getty Images

ધોની જ્યારે મૅચ રસાકસીમાં હોય, બૉલર્સ પણ દબાણ આવવાની સ્થિતિ હોય ત્યારે પોતે કપ્તાન ના હોવા છતાં પણ ફિલ્ડિંગ ગોઠવતા નજરે પડે છે.

આવી સ્થિતિમાં તેઓ બૉલર્સને કેવી રીતે બૉલ નાખવા તેની પણ સૂચનાઓ આપે છે.

જોકે, ધોની તરફથી આ એક સાવ જુદું જ વર્તન હતું કે જેમાં તેમણે વિરોધી ટીમની ફિલ્ડિંગ ગોઠવી છે.

જોકે, આ કોઈ મહત્ત્વની મૅચ ન હતી અને તેનાથી ભારતની ટીમને કોઈ નુકસાન થાય તેવી પણ સ્થિતિ ન હતી.

આ ઘટના પરથી જાણી શકાય છે કે ધોની ક્રિકેટ મૅચ વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખે છે.


લોકોએ શું કહ્યું?

એન. એસ. સતિશે લખ્યું કે પોતાનો અનુભવનો લાભ ધોની અન્ય ટીમને પણ આપી રહ્યા છે.

વિલેનિસમ નામના યૂઝર્સે લખ્યું કે ધોનીએ આ રીતે બૉલર દ્વારા થવાનો હતો તે નો-બૉલ બચાવ્યો

વિકાસના નામના યૂઝરે લખ્યું કે રમત માટે ધોનીએ બાંગ્લાદેશના બૉલરને ઊભો રાખીને ફિલ્ડિંગ ગોઠવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો