નરેન્દ્ર મોદીના શપથવિધિમાં રાહુલ-સોનિયા સામેલ, મમતા નહીં આવે

મોદી અમિત શાહ Image copyright Twitter

નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડા પ્રધાન પદ માટેના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ થશે.

જોકે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક આ સમારોહમાં હાજરી નહીં આપે.

ભાજપે કથિત રીતે રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ આ સમારોહમાં બોલાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે રાજકીય હિંસામાં તેમના 54 કાર્યકર્તાઓ માર્યા ગયા છે.

મમતા બેનરજીએ બંગાળમાં કોઈ પણ પ્રકારની રાજકીય હિંસાના દાવાનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે શપથગ્રહણ સમારોહમાં તેઓ આવવાનાં હતાં પરંતુ આ પ્રકારના અહેવાલો આવ્યા બાદ હવે તેઓ હાજર નહીં રહે.

જ્યારે નવીન પટનાયક પોતાના મંત્રીમંડળના ગઠનને કારણે શપથવિધિમાં નહીં આવે. ગુરુવારે ઓડિશાના મુખ્ય મંત્રી તરીકે તેમણે શપથગ્રહણ કર્યા હતા.

દિલ્હીમાં રાયસીના હિલ્સ પર આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે સાત વાગ્યે મોદીનો શપથગ્રહણ સમારોહ શરૂ થશે.


ગુજરાતની આ વર્ષે પણ નવરાત્રિ વૅકેશન

Image copyright kalpit bhachech

ગુજરાત સરકારે આ વર્ષે પણ શાળાઓ અને કૉલેજમાં નવરાત્રિ વૅકેશનને યથાવત રાખવાની જાહેરાત કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ 30 સપ્ટેમ્બરથી 7 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિના તહેવાર નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ગયા વર્ષે પ્રથમ વખત નવરાત્રિ વૅકેશન જાહેર થયા બાદ કેટલાક વાલીઓએ તેમજ શાળાઓએ તેનો વિરોધ કર્યો હતો.

આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે સરકારે મંગળવારે જાહેર કર્યું છે કે એકૅડેમિક કેલેન્ડરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં.

નવરાત્રિ વૅકેશનના કારણે દિવાળીનું વૅકેશન ટૂંકાવીને 25 ઑક્ટોબરથી 6 નવેમ્બર સુધી કરી દેવામાં આવ્યું છે.


ભારત માટે 15 જૂન સુધી પાકિસ્તાનની ઍરસ્પેસ બંધ

Image copyright Reuters

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની ઍરસ્પેસના ઉપયોગ પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાઈ દીધો છે.

પાકિસ્તાનની પૂર્વ સીમા સાથે જોડાયેલી ઍરસ્પેસ 15 જૂનના સવારના 5:30 વાગ્યા સુધી બંધ રહેશે.

પાકિસ્તાનને ભારતીય વિમાનો માટે 27 ફેબ્રુઆરીથી ઍરસ્પેસના ઉપયોગ પર પ્રતિબંધ લગાવેલો છે.

પ્રતિબંધને કારણે ભારતીય ઍરલાઇન ઍર ઇન્ડિયા સૌથી વધારે પ્રભાવિત થઈ છે. અનેક ફ્લાઇટ્સના માર્ગ બદલવા પડ્યા છે તો અનેક નોન-સ્ટૉપ ફ્લાઇ્ટસને માર્ગમાં સ્ટૉપ કરાવવાની યોજનાઓ છે.


રશિયા છૂપી રીતે પરમાણુપરીક્ષણ કરતું હોવાનો અમેરિકાનો દાવો

Image copyright Getty Images

યૂએસના ટોચના અધિકારીઓનો દાવો છે કે રશિયા છૂપી રીતે આર્ક્ટિકમાં ન્યુક્લિયર હથિયારો પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

યૂએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ રોબર્ટ એશલેએ કહ્યું કે, મોસ્કો સંધિના નિયમોનું પાલન કરતું નથી.

તેમણે 2008ની કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બૅન ટ્રીટીના સંદર્ભે આ વાત કરી હતી.

તેમણે બુધવારે કહ્યું કે, ન્યુક્લિયર હથિયારોની અમારી સમજના આધારે અમને લાગે છે કે રશિયા પોતાની પરીક્ષણ પ્રવૃત્તિથી ન્યુક્લિયર ક્ષમતા વધારી રહ્યું છે.

જોકે, ધ કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બૅન ટ્રીટી ઑર્ગેનાઇઝેશને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈ જ અસામાન્ય પ્રવૃત્તિ જણાઈ નથી. તેમજ આ પ્રકારના પરીક્ષણની જાણકારી મેળવવાની તેમની મોનિટરિંગ સીસ્ટમ પર તેમને પૂરો ભરોસો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો