નરેન્દ્ર મોદીના શપથવિધિમાં પ.બંગાળના આ ખાસ મહેમાનો પર વિવાદ કેમ?

અમિત શાહ પીડિત પરિવારો સાથે Image copyright SANJAY DAS

"મોદીજીની જીત માટે મારા પતિએ બલિદાન આપ્યું. અમે ન્યાય ઇચ્છીએ છીએ. હવે જ્યારે વડા પ્રધાને અમને શપથવિધિમાં બોલાવ્યાં છે, તો ન્યાય અપાવશે એવી આશા પણ છે."

આ શબ્દો ચંદન સાવનાં પત્ની આરતી દેવીના છે.

તેમના પતિ ચંદન સાવ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા.

કોલકાતાની ઉત્તરે આવેલા 24-પરગણા જિલ્લાના ભાટપાડા વિસ્તારમાં અમુક અજ્ઞાત લોકોએ બાઇક પર આવતા ચંદનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આરતી દેવી કહે છે, "હું ઇચ્છું છું કે મારાં બાળકોનો ઉછેર સારી રીતે થાય અને મારા પતિના હત્યારાઓને સજા મળે."

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ શપથગ્રહણ કરશે અને આ સમયે ખાસ મહેમાનોમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા દરમિયાન કથિત તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકોના હાથે માર્યા ગયેલા 54 ભાજપના કાર્યકર્તાઓના પરિજનો.

આગામી વર્ષે યોજાનારી કોલકાતા નિગમ અને 2021ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેની દૂરગામી રણનીતિના ભાગરૂપે હિંસાનો ભોગ બનેલા પરિવારોને આમંત્રણ આપ્યું છે.


આરોપી આઝાદ

Image copyright SANJAY DAS
ફોટો લાઈન હિંસામાં જીવ ગુમાવનારા ચંદન શાવ

ભાજપના આ પગલાનો હેતુ એ છે કે તેઓ એવો સંદેશ દેવા માગે છે કે કેન્દ્ર સરકાર બંગાળમાં પક્ષ માટે કામ કરનારા લોકો પડખે ઊભો છે.

પરંતુ સૌરભ કહે છે કે જો વડા પ્રધાન સાથે તેમની મુલાકાત થશે, તો તેઓ બંગાળમાં રાજકીય હિંસા અટકે તેની ભલામણ કરશે.

ગત જૂનમાં પુરુલિયામાં દુલાલ કુમારનો દેહ રહસ્યમય હાલતમાં થાંભલા સાથે લટકેલો મળી આવ્યો હતો.

તેમના પુત્ર સુરને કહે છે, "વડા પ્રધાને અમને દિલ્હી બોલાવીને ઘણું સન્માન આપ્યું છે. પંરતુ મારા પિતાએ પોતાનો જીવ ગુમાવી રાજકીય કિંમત ચૂકવી છે."

ભાજપનો આરોપ છે કે પશ્ચિમ બંગાળમાં છેલ્લાં પાંચ-છ વર્ષમાં થયેલી રાજકીય હિંસામાં તેમના ઓછામાં ઓછા 80 કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. જોકે, તૃણમૂલ કૉંગ્રેસે આ આરોપોનું ખંડન કર્યું છે.

બુધવારે સવારે મોદીએ શપથગ્રહણ સમારોહમાં હિંસાનો ભોગ બનેલા 54 લોકોના પરિવારજનોને આમંત્રણ આપ્યું હોવાની વાત સાંભળી મમતા બેનરજીએ સમારોહમાં જવાનો નિર્ણય બદલી નાખ્યો.

તેમણે ભાજપ પર બંધારણીય સમારોહ મારફતે વ્યક્તિગત ફાયદો ઉઠાવવાનો આરોપ મૂક્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દિલ્હીથી આમંત્રણ

Image copyright SANJAY DAS
ફોટો લાઈન ત્રિલોક મહતોના પિતા હરિરામ મહતો

મમતાએ બુધવારે કહ્યું, "બંગાળમાં રાજકીય હિંસામાં 54 લોકોનાં મૃત્યુ થવાનો આરોપ સદંતર ખોટો છે. રાજ્યમાં કોઈ પણ રાજકીય હિંસા નથી થઈ. ભાજપ ખોટું બોલી રહ્યો છે."

મમતા એવું પણ કહ્યું કે આ મૃત્યુ વ્યક્તિગત દુશ્મની, પારિવારિક ઝઘડા અને અન્ય વિવાદોને કારણે થયાં છે. તેનો રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી.

બેનરજીએ વધુમાં કહ્યું, "રાજ્ય સરકાર પાસે આ મૃત્યુનો રાજકારણ સાથે સંબંધ હોય તેવો કોઈ રેકર્ડ નથી."

"શપથ સમારોહ લોકતંત્રનો ઉત્સવ મનાવવાની પ્રક્રિયા છે. કોઈ રાજકીય પક્ષે તેનો રાજકીય ફાયદો ના ઉઠાવવો જોઈએ."

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે, "હિંસાનો ભોગ બનેલા 54 લોકોના પરિવારની બે-બે વ્યક્તિઓને બોલાવવામાં આવી છે. પક્ષે તેમના આવવા-જવા અને ખાવા-રહેવાની વ્યવસ્થા કરી છે."

"આ તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓ દ્વારા પક્ષના શહીદો પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની રીત છે."

ભાજપની યાદી પર વિવાદ

Image copyright SANJAY DAS
ફોટો લાઈન ભાજપે જાહેર કરેલી મૃતકોની યાદી

બીજી તરફ, તૃણમૂલ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આરોપ મૂક્યો છે કે રાજ્ય પ્રશાસનને નીચું બતાવવા અને અપમાનિત કરવા ભાજપે કથિત હિંસાનો ભોગ બનેલા પરિવારજનોને સમારોહમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સવાલ કર્યો કે જો ભાજપ હકીકતમાં શહીદોના સન્માન પ્રત્યે ગંભીર હોત, તો તેમણે હિંસાનો ભોગ બનેલા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓના પરિવારને પણ આમંત્રણ આપ્યું હોત.

ભાજપે જે યાદી તૈયાર કરી છે તેમાં 16 જૂન, 2013થી લઈને 26 મે, 2019 મતલબ કે લોકસભા ચૂંટણી દરમિયાન મૃત્યુ પામેલાં લોકોનું નામ છે.

રાજકીય વિશ્લેષક સુપ્રિય સેન કહે છે, "મમતાના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવાના નિર્ણયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ચૂંટણી દરમિયાન સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

"પરંતુ હવે સ્પષ્ટ છે કે તેમની વચ્ચે રહેલી કડવાશ એટલી સહેલાઈથી દૂર નહીં થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ