મોદી સરકાર 2.0 : આ છે નવી સરકારના તમામ પ્રધાનોની યાદી

નરેન્દ્ર મોદી Image copyright Ani

દિલ્હીના રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ આજે સતત બીજી વખત દેશના 15મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

આ વખતના મંત્રીમંડળમાં અમિત શાહને પણ સ્થાન મળ્યું છે. નરેન્દ્ર મોદી તથા રાજનાથસિંહ બાદ અમિત શાહે ત્રીજા ક્રમે શપથ લીધા છે.આ શપથગ્રહણ સમારોહમાં BIMSTEC રાષ્ટ્રોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો મીડિયાના અહેવાલો અનુસાર કાર્યક્રમમાં 6,000 મહેમાનો આમંત્રીત હતા.

બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, નેપાળ અને ભૂતાનના પ્રમુખો પણ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા છે.


નિહાળો મોદી સરકારની શપથવિધિ

નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા. ભાજપે તેમનો ચહેરો આગળ કરીને ચૂંટણી લડી હતી.

તેઓ બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા છે. આ પહેલાં તેઓ રેકર્ડ 13 વર્ષ માટે ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.

મોદી સહિત કોણે કોણે શપથ લીધા?

 • નરેન્દ્ર મોદી (વારાણસી, ઉત્તર પ્રદેશ)
 • રાજનાથસિંહ (લખનૌ, ઉત્તર પ્રદેશ)
 • અમિત શાહ (ગાંધીનગર, ગુજરાત)
 • નીતિન ગડકરી (નાગપુર, મહારાષ્ટ્ર)
 • સદાનંદ ગૌડા (બેંગ્લુરુ ઉત્તર, કર્ણાટક)
 • નિર્મલા સીતારમણ (રાજ્યસભા)
 • રામવિલાસ પાસવાન (સંસદસભ્ય નહીં)
 • નરેન્દ્રસિંહ તોમર (મુરૈના, મધ્ય પ્રદેશ )
 • રવિશંકર પ્રસાદ (પટણા સાહિબ, બિહાર)
 • હરસિમરતકૌર બાદલ (ભટિંડા, પંજાબ)
 • થાવરચંદ ગેહલોત (રાજ્યસભા)
 • ડૉ. સુબ્રમણ્યમ જયશંકર (સંસદસભ્ય નહીં)
 • રમેશ પોખરિયાલ (હરિદ્વાર, ઉત્તરાખંડ)
 • અર્જુન મુંડા (ખૂંટી, ઝારખંડ)
 • સ્મૃતિ ઈરાની (અમેઠી, ઉત્તર પ્રદેશ )
 • ડૉ. હર્ષવર્ધન (ચાંદની ચોક, દિલ્હી)
 • પ્રકાશ જાવડેકર (રાજ્યસભા)
 • પીયૂષ ગોયલ (રાજ્યસભા)
 • ધર્મેન્દ્ર પ્રધાન (રાજ્યસભા)
 • મુખ્તાર અબ્બાસ નક્વી (રાજ્યસભા)
 • પ્રહલાદ જોશી (ધારવાડ, કર્ણાટક)
 • મહેન્દ્રનાથ પાંડેય (ચંદૌલી, ઉત્તર પ્રદેશ)
 • અરવિંદ સાવંત (દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્ર)
 • ગિરિરાજસિંહ (બેગુસરાય, બિહાર)
 • ગજેન્દ્રસિંહ શેખાવત (જોધપુર, રાજસ્થાન)

રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર પ્રભાર)

 • સંતોષ ગંગવાર (બરેલી, ઉત્તર પ્રદેશ)
 • રાવ ઇંદ્રજિતસિંહ (ગુડગાંવ, હરિયાણા)
 • શ્રીપદ નાયક (ઉત્તર ગોવા, ગોવા)
 • ડૉ. જિતેન્દ્રસિંહ (ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર)
 • કિરણ રિજીજુ (અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ)
 • પ્રહલાદસિંહ પટેલ (દમહો, મધ્ય પ્રદેશ)
 • રાજકુમાર સિંહ (આરા, બિહાર)
 • હરપાલસિંહ પુરી (રાજ્યસભા)
 • મનસુખ માંડવિયા (રાજ્યસભા)

રાજ્યકક્ષાના પ્રધાન

 • ફગ્ગનસિંહ કુલસ્તે (મંડલા, મધ્ય પ્રદેશ)
 • અશ્વિનીકુમાર ચૌબે (બક્સર, બિહાર)
 • અર્જુનરામ મેઘવાલ (બિકાનેર, રાજસ્થાન)
 • જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ (ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ)
 • કિશન પાલ ગુર્જર (ફરિદાબાદ, હરિયાણા)
 • દાનવે રાવસાહેબ દાદારાવ (જાલના, મહારાષ્ટ્ર)
 • જી. કિશન રેડ્ડી (સિકંદરાબાદ, તેલંગણા)
 • પરસોતમ રૂપાલા (રાજ્યસભા)
 • રામદાસ આઠવલે (રાજ્યસભા)
 • સાધ્વી નિરંજના જ્યોતિ (ફતેહપુર, ઉત્તર પ્રદેશ)
 • બાબુલ સુપ્રિયો (આસનસોલ, પશ્ચિમ બંગાળ)
 • સંજીવકુમાર બાલિયાન (મુજ્જફરનગર, ઉત્તર પ્રદેશ)
 • સંજ ધોત્રે ય (અકોલા, મહારાષ્ટ્ર)
 • અનુરાગસિંહ ઠાકુર (હમીરપુર, હિમાચલ પ્રદેશ)
 • સુરેશ અંગડી (બેલગામ, કર્ણાટક)
 • નિત્યાનંદ રાય (ઉજિયાપુર, બિહાર)
 • રતનલાલ કટારિયા (અંબાલા, હરિયાણા)
 • વી. મુરલીધરન (રાજ્યસભા)
 • રેણુકાસિંહ સરુટા (સરુજા, છત્તીસગઢ)
 • સોમપ્રકાશ (હોશિયારપુર, પંજાબ)
 • રામેશ્વર તેલી (દિબ્રૂગઢ, આસામ)
 • પ્રતાપચંદ્ર સારંગી (બાલાસોર, ઓડિશા)
 • કૈલાસ ચૌધરી (બાડમેર, રાજસ્થાન)
 • દેવશ્રી ચૌધરી (રાયગંજ, પશ્ચિમ બંગાળ)

રાજનાથસિંહે શપથ લીધા

રાજનાથસિંહ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પરંપરાગત લખનૌ બેઠક ઉપરથી વિજેતા થયા છે. લખનૌ ઉત્તર પ્રદેશનું પાટનગર પણ છે.

રાજનાથસિંહ ગત સરકારમાં ગૃહપ્રધાન હતા. તેઓ સરકારમાં 'સત્તાવાર રીતે નંબર-ટૂ' હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં તેઓ કૅબિનેટની બેઠકની અધ્યક્ષતા કરતા હતા.

2014માં પ્રથમ વખત ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બની ત્યારે રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ હતા. અધ્યક્ષ તરીકેનો પદભાર તેમણે અમિત શાહને સોંપ્યો હતો.


પુત્રને વડા પ્રધાન બનતાં જોઈ રહેલાં હીરાબા

હીરાબાએ ગાંધીનગરમાં પોતાના ઘરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ નિહાળ્યો હતો.


અમિત શાહે કૅબિનેટમંત્રી તરીકે શપથ લીધા

ભાજપના અધ્યક્ષ અમિત શાહ છેલ્લા લગભગ બે દાયકાથી વડા પ્રધાન મોદીના વિશ્વાસુ રહ્યા છે. કેન્દ્ર પહેલાં ગુજરાતમાં બંને એકસાથે સરકાર ચલાવી ચૂક્યા છે.

શાહ વર્ષ 2014માં ભાજપના અધ્યક્ષ બન્યા અને પાર્ટીએ ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ તથા ત્રિપુરા જેવાં રાજ્યોમાં વિસ્તાર કર્યો.

શાહના નેતૃત્વમાં જ ભાજપને 303 બેઠક મળી છે અને પક્ષે એકલપંડે બહુમત માટેનો 273નો આંકડો પાર કરી બતાવ્યો.

શાહની ગેરહાજરીમાં ભાજપની અધ્યક્ષતા હવે કોને સોંપવામાં આવશે, તેની ઉપર નજર રહેશે.


નીતિન ગડકરીએ શપથ લીધા

Image copyright Ani

અપેક્ષા પ્રમાણે જ અગાઉની મોદી સરકારમાં મંત્રી નીતિન ગડકરીએ કૅબિનેટમંત્રી તરીકે શપથ લીધા છે.

તેઓ વર્ષ 2009થી 2013 દરમિયાન ભાજપના અધ્યક્ષ હતા. ગત મોદી સરકારમાં તેઓ માર્ગ નિર્માણ અને નમામિ ગંગે મંત્રાલયના પ્રધાન હતા.


નિર્મલા સીતારમણે શપથ લીધા

Image copyright Ani

નિર્મલા સીતારમણ ગત સરકારમાં સંરક્ષણ મંત્રી હતાં, તેઓ આ પદભાર સંભાળનારાં પ્રથમ મહિલા નેતા હતાં.

તેઓ રાજ્યસભામાંથી સંસદસભ્ય છે.


રામવિલાસ પાસવાને શપથ લીધા

લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાને મંત્રી તરીકે શપથ લીધા છે.

ગત સરકારમાં તેઓ ખાદ્યાન્ન તથા જાહેર વિતરણ વ્યવસ્થાના મંત્રી હતા.


એસ. જયશંકર મંત્રી બન્યા

પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને પણ પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમને ચીનની બાબતોમાં નિપુણ માનવામાં આવે છે.

અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના દૂત હરદીપસિંઘ પુરી પ્રધાનમંડળમાં સમાવિષ્ટ હતા પરંતુ તેઓ અમૃતસરની બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયા.

હવે શિવશંકરને રાજ્યસભાના માર્ગે સાંસદ બનાવવામાં આવે તેવી શક્યતા છે.


સ્મૃતિ ઈરાની

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપર કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પરાજય આપીને સ્મૃતિ ઈરાની 'જાયન્ટ કિલર' સાબિત થયાં છે.

તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ છે. હવે તેમણે આ પદ છોડવું પડશે.

ગત સરકારમાં ઈરાનીએ માનવ સંશાધન, કાપડ તથા માહિતી અને પ્રસારણ જેવા મંત્રાલય સંભાળ્યાં હતાં.


ધર્મેન્દ્ર પ્રધાને શપથ લીધા

ધર્મેન્દ્ર પ્રધાન મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે.

તેઓ ફરી એક વખત મોદી સરકારમાં પ્રધાન બન્યા છે.

ગત સરકારમાં તેઓ પેટ્રોલિયમ પ્રધાન હતા. તેમના નેતૃત્વમાં ઉજ્જવલા યોજનાને લાગુ કરવામાં આવી હતી, જેને મોદી પોતાની સિદ્ધિ માને છે.


મુખ્તાર અબ્બાસ નક્વીએ શપથ લીધા

Image copyright Ani

મુખ્તાર અબ્બાસ નક્વી ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ છે.

તેઓ ગત સરકારમાં લઘુમતી બાબતોના પ્રધાન હતા. તેઓ વાજપેયી સરકારમાં પણ પ્રધાન રહ્યા હતા.


ગિરિરાજસિંહે શપથ લીધા

Image copyright Ani

ગિરિરાજસિંહ બિહારની બેગુસરાઈ બેઠક ઉપરથી સંસદસભ્ય બન્યા છે.

તેમણે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇંડિયાના કનૈયાકુમારને પરાજય આપ્યો હતો.

કનૈયા કુમાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના છાત્ર સંગઠનના પૂર્વ અધ્યક્ષ છે.

ગત વખતે પણ ગિરિરાજસિંહ મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા.


પરસોતમ રૂપાલા

Image copyright Getty Images

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ પરસોતમ રૂપાલા ફરી એક વખત રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે. તેઓ ગત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી હતા.

અગાઉ તેઓ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.


આ પહેલાં દિવસ દરમિયાન શું થયું?


રાહુલ-સોનિયા પહોંચ્યાં

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએનાં ચેર-પર્સન સોનિયા ગાંધી પણ રાષ્ટ્રપતિભવન પહોંચ્યાં છે.

મોદીના શપથગ્રહણ સમારોહમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ પાઠવાયું હતું.


શપથગ્રહણ સમારોહનો આરંભ થોડી જ ક્ષણોમાં થશે.

ભાજપના પ્રખુખ અમિત શાહ રાષ્ટ્રપતિભવન પહોંચ્યા છે.


અમિત શાહનું મંત્રીપદ નક્કી?

આ વખતના મોદીના મંત્રીમંડળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ મંત્રી બનશે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને અમિત શાહને મંત્રીમંડળમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ પહેલાં મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગુજરાતના ચાર સાંસદને મંત્રી બનાવાયા હતા.

જેમાં પરસોતમ રૂપાલા, જસવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી અને મનુસખ માંડવિયાનો સમાવેશ થતો હતો.


મોદીના મંત્રીમંડળમાં જેડીયૂ સામેલ નહીં થાય

મોદીના મંત્રીમંડળમાં એનડીએનો સહયોગી પક્ષ જેડીયૂ અને અપના દલ સામેલ નહીં થાય. એક મંત્રી મળવાને કારણે નીતીશકુમાર નારાજ છે.


મોદી મંત્રીમંડળમાં કયાં નવાં નામ સામેલ થઈ શકે?

Image copyright Getty Images

આ વખતના મોદીના મંત્રીમંડળમાં જે નવાં નામના સમાવેશની સંભાવના છે એ આ છે - કૈલાશ ચૌધરી, આર. સી. પી. સિંહ, દેવશ્રી ચૌધરી, રામેશ્વર તેલી, અરવિંદ સાવંત, પ્રહ્લાદ પટેલ, સોમપ્રકાશ, કૃષ્ણા રેડ્ડી, કૃષ્ણપાલ ગુર્જર, રેણુકાસિંહ સરુટા અને અર્જુન મુંડા.


રાહુલ ગાંધી શરદ પવારને મળવા પહોંચ્યા

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એનસીપીના નેતા શરદ પવારને મળવા એમના નિવાસે પહોંચ્યા.


અમરિંદર સિંઘ શપથગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય

પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંઘના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે કહ્યું કે વડા પ્રધાનના શપથગ્રહણ સમારોહમાં મુખ્ય મંત્રી સામેલ નહીં થાય.


કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યા

Image copyright ANI

કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબી જિનબેકોવ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા છે.


અમિત શાહનો ફોન

Image copyright @AmitShah

કહેવાઈ રહ્યું છે કે આ વખતે મોદીના મંત્રીમંડળમાં જે લોકોને સમાવવામાં આવશે, એમને પક્ષના અધ્યક્ષ અમિત શાહે ફોન કર્યો છે. ભાજપના કેટલાય સાંસદોને ફોન આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. જેમને ફોન કરાયો છે એમને સાંજે પાંચ વાગ્યે વડા પ્રધાનના નિવાસ પર બોલાવાયા છે

સુષમા સ્વરાજ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, સદાનંદ ગૌડા, અર્જુન મેઘવાળ, કિરેન રિજીજુ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, પ્રકાશ જાવડેકર, રામદાસ આઠવલે, જિતેન્દ્રસિંહ, બાબુલ સુપ્રિયો, કૈલાશ ચૌધરી, પ્રહ્લાદ જોશી અને કૃષ્ણ રેડ્ડીને અમિત શાહના ફોન આવ્યા છે.


અરુણ જેટલીએ ઇન્કાર કર્યો છે તો નાણામંત્રી કોણ બનશે?

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં નાણામંત્રી કોણ બનશે એ સૌથી મોટો પ્રશ્ન છે. જેટલીએ બુધવારે નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ નવી સરકારમાં કોઈ જવાબદારી નથી ઇચ્છી રહ્યા, કારણ કે તેઓ સંપૂર્ણ ધ્યાન પોતાના સ્વાસ્થ્ય અને ઉપચાર પર આપવા માગે છે.

મોદીના વડા પ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળમાં જેટલી નાણામંત્રી હતા અને સંસદમાં સરકારના મુશ્કેલ સમયમાં આત્મવિશ્વાસથી સરકારનો બચાવ કરતા હતા.


અભિનેતા પણ રહેશે સમારોહમાં હાજર

ભાજપ સમર્થક અભિનેતા અનુપમ ખેર પણ શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે.

અનુપમ ખેરે આમંત્રણ મળ્યા બાદ જણાવ્યું, "હું આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની ગૌરવ અનુભવી રહ્યો છે. આ લોકસભા ચૂંટણીમાં વિકાસનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપીએ."


સંતોષ ગંગવાર બનશે પ્રોટેમ સ્પીકર?

ભાજપના નેતા સંતોષ ગંગવારને 17મી લોકસભાના પ્રોટેમ-સ્પીકર બનાવી શકાય છે. ગંગવારે કહ્યું કે મંત્રી બન્યા બાદ પ્રોટેમ-સ્પીકરના પદ પર રહી ન શકે. ગંગવારે કહ્યું છે કે તેમને જે પણ જવાબદારી મળશે એ નિભાવવા તેઓ તૈયાર છે.


મોદી સંભવિત મંત્રીઓ સાથે ચર્ચા કરશે

Image copyright Getty Images

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારોહ પહેલાં મંત્રીમંડળમાં સમાવવામાં આવનારા સાંસદો સાથે ચર્ચા કરશે.

સાંજે 4:30 વાગ્યે મોદી પોતાના નિવાસસ્થાન પર આ મંત્રીઓ સાથે મુલાકાત કરશે.


આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે જગમોહન રેડ્ડીએ શપથ લીધા

લોકસભાની ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની પણ ચૂંટણી હતી. જેમાં ચંદ્રબાબુ નાયડુના પાર્ટી ટીડીપીને હરાવીને જગમોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસે બહુમતી મેળવી છે.

જે બાદ ગુરુવારે જગમોહન રેડ્ડીએ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા.

વાયએસઆર કૉંગ્રેસે આંધ્ર પ્રદેશની 175 બેઠકોમાંથી 151 બેઠકો પર વિજય મેળવ્યો છે. પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં પણ 25માંથી 22 બેઠકો પર વિજય મેળવ્યો છે.


રાષ્ટ્રની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે : મોદી

વડા પ્રધાન મોદીએ સવારે દિલ્હીમાં આવેલા યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે ટ્વીટ કર્યું હતું કે આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

મોદીએ કહ્યું કે અમારી સરકાર દેશની એકતા અને અખંડતા માટે કોઈ કસર નહીં છોડે. રાષ્ટ્રીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.


સોનિયા-રાહુલ આપશે હાજરી

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ શપથવિધિમાં હાજરી આપશે. જોકે, બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક હાજરી નહીં આપે.

મમતા બેનરજી બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આ કાર્યક્રમમાં બોલાવવાથી નારાજ છે.

જ્યારે નવીન પટનાયકે બુધવારે ઓડિશાના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હોવાથી તેઓ મંત્રીમંડળના કાર્યમાં વ્યસ્ત હોવાથી નહીં આવે.


રાજઘાટની મુલાકાત

Image copyright Getty Images
ફોટો લાઈન ગાંધીજીના સ્મૃતિસ્થળ રાજઘાટ ખાતે નરેન્દ્ર મોદી

વહેલી સવારે નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા અન્ય ભાજપના નેતાઓએ ગાંધીજીના સ્મારક રાજઘાટની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને વંદન કર્યાં હતાં.

ત્યારબાદ આ નેતાઓએ અટલ બિહારી વાજપેયી અને નેશનલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે મોદી સહિતના નેતાઓ સાંજે સાત વાગે શપથ લેવાના છે.

આ કાર્યક્રમ રાષ્ટ્રપતિભવન ખાતે યોજવામાં આવેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો