વડા પ્રધાનના શપથવિધિ સમારોહની પ્રક્રિયા શું હોય છે?

મોદી Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં વડા પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે.

દિલ્હીમાં પડી રહેલી ગરમીને જોતાં શપથગ્રહણ સમારોહ સાંજે સાત વાગ્યે રાખવામાં આવ્યો છે.

આ શપથવિધિમાં આશરે 6,000 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોની સંખ્યાને જોતાં શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનની ફૉર કોર્ટમાં થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના મંત્રીમંડળ સામેલ થનારા સાંસદો પણ શપથ લેશે.

નરેન્દ્ર મોદી આવનારાં પાંચ વર્ષ માટે બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે અને તેઓ દેશના 16મા વડા પ્રધાન બનશે.


શપથવિધિ સમારોહની પ્રક્રિયા શું હોય છે?

Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

દેશ-વિદેશના છ હજાર મહેમાનો વચ્ચે જે શપથવિધિનો કાર્યક્રમ યોજાવાનો છે તેમાં ખરેખર શું થશે? એટલે કે આખા સમારોહની પ્રક્રિયા શું હશે?

શપથવિધિ સમારોહની શરૂઆત રાષ્ટ્રપતિના આવવાથી થતી હોય છે, જે બાદ ભારતના રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવે છે.

રાષ્ટ્રપતિના સેક્રેટરી રાષ્ટ્રપતિ પાસેથી શપથવિધિનો કાર્યક્રમ શરૂ કરવાની મંજૂરી માગે છે.

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ શપથવિધિનો કાર્યક્રમ શરૂ થાય છે. બાદમાં સેક્રેટરી વડા પ્રધાનને સૌપ્રથમ શપથ લેવા માટે આમંત્રિત કરે છે.

જે બાદ રાષ્ટ્રપતિ વડા પ્રધાનને શપથ લેવડાવે છે, વડા પ્રધાન રાષ્ટ્રપતિને અનુસરે છે. બાદમાં વડા પ્રધાન શપથ પર સહી કરે છે.

વડા પ્રધાન પછી કૅબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને એક બાદ એક શપથ લેવડાવવામાં આવે છે.

મંત્રીમંડળમાં સામેલ થનારા તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે શપથવિધિના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

કાર્યક્રમ પૂર્ણ કરતી વખતે ફરીથી રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવે છે.

મોદીના શપથવિધિમાં કોને આમંત્રણ?

Image copyright Getty Images

ભાજપની ભવ્ય જીત બાદ મોદીના શપથવિધિ સમારોહમાં મંત્રીમંડળના સભ્યો અને કાર્યક્રમમાં સામેલ થનારા મહેમાનો વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.

કૅબિનેટમાં કોને સમાવવમાં આવશે તે તો આજે સાંજે શપથગ્રહણ સમારોહમાં જ જાણવા મળશે.

મોદીએ બીજી વખત વડા પ્રધાનપદના શપથ લેતી વખતે BIMSTECના દેશોને આમંત્રણ આપ્યું છે.

વિદેશમાંથી આવનારા મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, નેપાળ અને ભૂતાનના રાષ્ટ્રપ્રમુખો હશે. આ તમામ દેશો BIMSTECના સભ્યો છે.

આ સિવાય કિર્ગીઝ રિપબ્લિક અને મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય મંત્રીઓને પણ આમંત્રિત કરાયા છે.

તે સિવાય પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએનાં ચેર-પર્સન સોનિયા ગાંધી પણ સમારોહમાં સામેલ થશે.


પ. બંગાળના મહેમાનોનો શું છે વિવાદ?

Image copyright SANJAY DAS

આ વખતે પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 5-6 વર્ષમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મોદીના શપથવિધિમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાજપનું કહેવું છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં તેમના 80 જેટલા કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે.

શપથગ્રહણ સમારોહમાં હિંસાનો ભોગ બનેલા 54 લોકોના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

બંગાળનાં મુખ્ય મંત્રીએ પહેલાં કહ્યું હતું કે તેઓ મોદીના શપથસમારોહમાં હાજરી આપશે, પરંતુ બંગાળના આ પરિવારોને આમંત્રણ આપ્યા બાદ મમતા હવે મોદીના શપથવિધિમાં હાજર નહીં રહે.

તેમણે ભાજપ પર બંધારણીય સમારોહ મારફતે વ્યક્તિગત ફાયદો ઉઠાવવાનો આરોપ મૂક્યો છે.

મમતાએ કહ્યું કે શપથસમારોહ લોકતંત્રનો ઉત્સવ મનાવવાની પ્રક્રિયા છે. કોઈ પક્ષે તેનો રાજકીય ફાયદો ના ઉઠાવવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ