મોદીના શપથની ચર્ચા વચ્ચે કોના માટે પ્રાર્થના કરી રહ્યા છે લોકો?

નેસામણિ

નરેન્દ્ર મોદી જ્યારે બીજી વાર ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા હતી ત્યારે ઘણા યૂઝર્સ 'નેસામણિ' નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં નેસામણિ નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના ચાલી રહી છે.

સોશિયલ મીડિયા પર #પ્રે_ફૉર_નેસામણી # Pray_for_Nesamani પહેલાં ભારતમાં અને પછી દુનિયામાં ટ્રૅન્ડ કરવા લાગ્યું.

પણ કોઈને એ જાણકારી નહોતી કે જેના માટે પ્રાર્થનાના સંદેશા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ કોણ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કૉન્ટ્રેક્ટર 'નેસામણિ' 2001માં આવેલી એક તમિલ ફિલ્મનું એક પાત્ર છે.

તમિલ ફિલ્મોના જાણીતા કૉમેડિયન વાદિવેલુએ આ પાત્ર ભજવ્યું હતું.

તેમના માટે પ્રાર્થના કરવા પાછળ, 'ફ્રેન્ડ્સ' નામની ફિલ્મનો એક સીન છે, જેમાં તેઓ એક ઐતિહાસિક ઇમારતનું પુનર્નિર્માણ કરી રહ્યા હતા અને તેમની સાથે સહકર્મીઓ પણ હતા.

અને ત્યારે જ એક સાથીના હાથમાંથી હથોડી પડી જાય છે અને નેસામણિના માથા પર પડી જાય છે. નેસામણિ નીચે પડી જાય છે.

સોશિયલ મીડિયા પર ભારત અને દુનિયામાં નેસામણિ ચર્ચાનો વિષય બની ગયા છે.


પણ નેસામણિ ટ્રૅન્ડ કેમ બન્યા?

'દ ન્યૂ મિનિટ' નામની વેબસાઈટના ફિલ્મ-સંપાદક સૌમ્યા રાજેન્દ્રન કહે છે કે પાકિસ્તાનના એક મીમ પેજ પર બુધવારથી તેની શરૂઆત થઈ છે.

સિવિલ એન્જિનિયરિંગ લર્નર્સના પેજ પર હથોડીની તસવીર પોસ્ટ કરી પૂછવામાં આવ્યું હતું કે 'તમારા દેશમાં આ સાધનને શું કહેવાય?'

એક તમિલ ફેસબુક યૂઝરે તેના જવાબમાં લખ્યું હતું, 'સુથિયાલ અને કૉન્ટ્રેક્ટર નેસામણિનું માથું આનાથી તોડવામાં આવ્યું હતું.'

એ બાબત ધ્યાને લેવી જોઈએ કે તેઓએ આ જવાબમાં ફિલ્મનો ઉલ્લેખ નહોતો કર્યો.

આ કૉમેન્ટના જવાબમાં એક અન્ય તમિલ વ્યક્તિએ લખ્યું કે 'શું હવે તે સ્વસ્થ છે?', સૌમ્યા રાજેન્દ્રન કહે છે કે આ ટ્રૅન્ડની શરૂઆત અહીંથી થઈ છે.

ટ્વિટર પર લોકો નેસામણિ માટે પ્રાર્થના કરવા લાગ્યા, મીમની ઝડી વરસી.

લોકોએ ખૂબ મજા લઈને રાજકીય નેતાઓના બીમાર પડવા પર મૂકવામાં આવતા હૉસ્પિટલ બુલેટિન જેવા ટ્વીટ ફોટોશૉપ કરીને શૅર કર્યા.

રાજકીય રંગ

એક યૂઝરે લખ્યું કે જ્યારે સમગ્ર ભારતમાં મોદી સરકાર ટ્રૅન્ડ કરી રહ્યું છે ત્યારે અમે તમિલ લોકો આ બાબતને મહત્ત્વ આપતા નથી. આપણે નેસામણિને ગર્વિત બનાવીએ.

સૌમ્યા રાજેન્દ્રને કહ્યું કે તામિલનાડુમાં આ ફિલ્મ એટલી લોકપ્રિય છે કે મીમ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા તો બધા જાણી ગયા.

પણ વાદિવેલુ આ વિશે શું માને છે?

સૌમ્યા રાજેન્દ્રન જણાવે છે કે વાદિવેલુ સોશિયલ મીડિયા પર સક્રિય નથી. અને તેમણે કહ્યું કે આ વિશે તેમને કોઈ જાણકારી નથી કે સોશિયલ મીડિયા પર નેસામણિ કેમ ટ્રૅન્ડ થઈ રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો