આસામમાં પૂર્વ સૈનિકને વિદેશી ગણાવી અટકાયત કરાઈ

ઉલ્લાહ

ભારતીય સૈન્યમાં 30 વર્ષ સુધી સેવા આપનારા રિટાયર્ડ સૂબેદાર મોહમ્મદ સનાઉલ્લાહને આસામની એક વિદેશી ટ્રિબ્યૂનલ(એફટી)એ વિદેશી નાગરિક ગણાવીને તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દીધા છે.

આ ઘટના પછી સનાઉલ્લાહનો આખો પરિવાર ખૂબ જ હેરાન છે. તેઓ આ મામલાને હવે ગુવાહાટી હાઈકોર્ટમાં લઈ જશે.

વર્ષ 2017માં ભારતીય સેનાના ઇલેક્ટ્રૉનિક અને મિકૅનિકલ એન્જિનીયર્સ વિંગમાં સૂબેદાર તરીકે રિટાયર થયા હતા.

મોહમ્મદ સનાઉલ્લાહનું નામ આસામમાં અપડેટ થઈ રહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)માં મૂકવામાં આવ્યું નથી.

52 વર્ષના સનાઉલ્લાહને આ મહિનાની 23મેના રોજ કામરૂપ (ગ્રામીણ) ખાતે રહેલી વિદેશી ટ્રિબ્યૂનલ એટલે કે એફટી કોર્ટ નંબર-2એ વિદેશી જાહેર કર્યા હતા.

ગુવાહાટી હાઈકોર્ટમાં પૂર્વ સુબેદારનો મામલો લડવાની તૈયારી કરી રહેલા વકીલ અમન વાદૂદે બીબીસીને કહ્યું, "વર્ષ 2008-09માં સનાઉલ્લાહની નાગરિકતાને લઈને એક તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેઓ મણીપુરમાં ફરજ બજાવી રહ્યા હતા."

"આ કથિત તપાસ દરમિયાન તેમની આંગળીઓની છાપ લેવાઈ હતી અને તેમને એક ગેરકાયદે પ્રવાસી મજૂર દર્શાવવામાં આવ્યા હતા."

ત્યારપછી જ્યારે એનઆરસી બનાવવામાં આવ્યું તો તેમાં તેમનું નામ ન હતું. આ બાદ તેમને ખ્યાલ આવ્યો કે વિદેશી ટ્રિબ્યૂનલમાં તેમની સામે કેસ નોંધાયો છે."

"આ પછી ટ્રિબ્યૂનલમાં ઘણી બધી સુનાવણી થઈ અને તેમણે પોતાની નાગરિકતા સાથે જોડાયેલા અનેક દસ્તાવેજ આપ્યા પરંતુ ટ્રિબ્યૂનલે આ તમામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની ના પાડી દીધી. આ રીતે એફટીએ 23મેએ તેમને વિદેશી જાહેર કરી દીધા."

મોહમ્મદ સનાઉલ્લાહએ ટ્રિબ્યૂનલમાં આપેલી પોતાની જુબાનીમાં કહ્યું હતું કે તેમને ભારતીય સૈન્યમાં કામ કરતા જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરના ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં પોતાની સેવા આપી હતી.

જ્યારે સનાઉલ્લાહ હાલમાં આસામ પોલીસની બોર્ડર શાખામાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.

રાજ્યમાં ગેરકાયદે પ્રવાસીઓની ભાળ મેળવવાના કામમાં લાગેલી બોર્ડર પોલીસે જ ગત મંગળવારે સનઉલ્લાહની ધરપકડ કરી.

કામરૂપ જિલ્લાના એડિશનલ એસપી સંજીબ સેક્યાએ સનાઉલ્લાહની ધરપકડની પુષ્ટિ કરી હતી.

પોલીસ અઘિકારીનું કહેવું હતુ, "એફટીએ તેમને વિદેશી જાહેર કર્યા છે અને પોલીસ કાયદાની અંદર રહીને કાર્યવાહી કરી રહી છે. સનાઉલ્લાહને હાલમાં ગ્વાલપાડાના એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

કારગિલનું યુદ્ધ લડવા છતાં વિદેશી

સનાઉલ્લાહના પિતરાઈ ભાઈ મોહમ્મદ ફૈજુલ હકે બીબીસીને કહ્યું, "જે વ્યક્તિ 30 વર્ષ સુધી સૈન્યમાં રહી હોય અને પાકિસ્તાનની સામે કારગિલનું યુદ્ધ લડી હોય, તેને કોઈ વિદેશી નાગરિક કેવી રીતે જાહેર કરી શકે છે."

"2015માં જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓની સામે લડતા સનાઉલ્લાહના પગમાં ગોળી વાગી હતી. અમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે અમારા ભાઈને વિદેશી જાહેર કરીને ડિટેન્શનમાં બંધક બનાવાશે."

તેઓ વધુમાં કહે છે કે તેમના ભાઇની પાસે ભારતીય નાગરિકતા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ છે. પરંતુ તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે.

એફટી કોર્ટમાં સનાઉલ્લાહનો મામલો જોનારા વકીલ સાહિદુલ ઇસ્લામનો દાવો છે કે તેમના પરિવારની પાસે નાગરિકતાના તમામ દસ્તાવેજ છે.

વકીલના કહેવા પ્રમાણે સનાઉલ્લાહની પાસે 1966, 1970 અને 1977 સુધી મતદાર યાદીમાં પરિવારના સભ્યોનાં નામ હતાં.

આ સિવાય તેમની પાસે પોતાના મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અને પિતાના જમીનના દસ્તાવેજ પણ છે.

ખરેખર ગત વર્ષે સનાઉલ્લાહને એફટીએ નોટિસ મોકલાવી અને તે પહેલીવાર 25 સપ્ટેમ્બર, 2018એ ટ્રિબ્યૂનલમાં હાજર થયા હતા.

ટ્રિબ્યૂનલ પાસેથી નોટિસ મળ્યા બાદ ગત વર્ષે સનાઉલ્લાહે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું હતું, "સૈન્યમાં પ્રવેશ મેળવો ત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતી હોય છે."

"પરંતુ આટલાં વર્ષો પછી કેમ નાગરિક્તા મુદ્દે શંકા કરવામાં આવી રહી છે? સૈન્યમાં ભરતી સમયે નાગરિકતા સર્ટિફિકેટ અને બીજા દસ્તાવેજ માંગવામાં આવે છે."

"સેના તેને રાજ્ય સરકારને મોકલીને ફરીથી ચકાસે છે. એવામાં આવા સવાલો તો ઊભા ન થવા જોઈએ."

આસામમાં સનાઉલ્લાહનો આ એકમાત્ર મામલો નથી. આખા રાજયમાં ઘણા એવા સૈનિકો અને પૂર્વ સૈનિકોના મામલાં સામે આવ્યા છે. જેમને પોતાની ભારતીય નાગરિક્તા સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે.

આસામમાં વિદેશી નાગરિકોના મામલાની સુનાવણી માટે આ સમયે 100 ટ્રિબ્યૂનલ ચાલી રહી છે.

Image copyright Getty Images

આ વ્યવસ્થા હેઠળ એફટીમાં રહેલા સભ્યો વિદેશી અધિનિયમ, 1946 મુજબ એ જુએ છે કે જે વ્યક્તિ પર મામલો છે તે આ કાનૂન હેઠળ એક વિદેશી છે કે નહીં. જોકે, આ એફટીના કામકાજ પર પણ સવાલ ઊઠતા આવ્યા છે.

ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવા માટે બનાવવામાં આવેલી આ વિદેશી ટ્રિબ્યૂનલના આદેશ પછી 900 જેટલા લોકોને વિદેશી ઠરાવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આમાં લગભગ તમામ લોકો બંગાળી ભાષી મુસલમાન અથવા હિંદુ છે. જોકે, ગુવાહાટી હાઇકોર્ટના હસ્તક્ષેપ પછી લોકોને રાહત પણ મળી છે.

સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત સૈનિકોને ડિટેન્શન કેન્દ્રમાં મોકલવાની ઘટનાને નિરાશાજનક દર્શાવી છે.

કોર્ટે એનઆરસીના સમન્વયકર્તા પ્રતીક હજેલાની સાથે મામલાને આખી તપાસ કરવાનું અને પ્રક્રિયાનું પાલન કરવાનું કહ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે એનઆરસીમાં જે વ્યક્તિ રજીસ્ટર કરવા માંગતો હશે તેની આખી વાત સાંભળવામાં આવે અને આ પ્રક્રિયા 31 જુલાઈ પહેલાં પૂર્ણ કરવામાં આવે.

ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની અધ્યક્ષતા વાળી ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે કોર્ટના અનુભવવાળા આઈએએસ અધિકારી આ ટ્રિબ્યૂનલના પ્રમુખ બની શકે છે.

કોર્ટે માન્યું કે 31 જુલાઈ સુધી એનઆરસીની પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખને વધારી શકાશે નહીં, પરંતુ તેનો આ અર્થ એ નથી કે આમાં રહેલા લોકોની વાત યોગ્ય રીતે સાંભળવામાં ન આવે કે તેમને તક આપવામાં ન આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા