અમિત શાહને મંત્રી બનાવાતા નરેન્દ્ર મોદીને કેવા લાભાલાભ?

અમિત શાહ Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહે પણ મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. આ વખતની મોદી સરકારમાં અમિત શાહને મંત્રીપદ મળશે એવું પહેલાંથી જ મનાઈ રહ્યું હતું.

અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં એકલપંડે 303 બેઠક પર વિજય મેળવ્યો અને એનડીએને 352 બેઠક મળી.

આ પહેલાં 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન શાહે ભાજપને યૂપીમાં 80માંથી 71 બેઠક ભાજપને અપાવી હતી.


ભાજપના સૌથી સફળ અધ્યક્ષ

Image copyright Getty Images

લોકસભાની બન્ને ચૂંટણીમાં ભાજપે મેળવેલા વિજયે અમિત શાહને ભાજપના સૌથી સફળ અધ્યક્ષ બનાવી દીધા છે.

બીબીસી હિંદીના ડિજિટલ એડિટર રાજેશ પ્રિયદર્શીના કહેવા પ્રમાણે, "અમિત શાહ ભાજપના અત્યાર સુધીના સૌથી સફળ અધ્યક્ષ છે, એ વાતમાં કોઈ શંકા નથી."

"શાહે પાર્ટી અધ્યક્ષ તરીકે પ્રભુત્વ જમાવવામાં અને પાર્ટીમાં મોદીના હાથ તરીકે કામ કરવામાં સફળતા મેળવી છે."

"શાહ સંગઠનના નેતા તરીકે સફળ રહ્યા છે, તેઓ ગુજરાતની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. એટલે તેમની પાસે સંગઠન અને સરકાર એમ બંનેનો અનુભવ છે."


'વધુ મોટી ભૂમિકા'

Image copyright Getty Images

બીબીસીના વરિષ્ઠ પત્રકાર રેહાન ફઝલના કહેવા પ્રમાણે, "શાહ સરકારમાં રહે કે પાર્ટીમાં, તેઓ ભાજપમાં 'નંબર-ટૂ' ઉપર છે, તે વાતને નકારી શકાય નહીં."

ફઝલ ઉમેરે છે, "2014માં શાહ નવા-નવા આવ્યા, ત્યારે તેમનામાં વહીવટી અનુભવનો અભાવ વર્તાતો હતો, પરંતુ પાંચ વર્ષ બાદ એવું નથી. તેમણે ક્ષમતામાં વધારો કર્યો છે."

ફઝલ માને છે કે જ્યારે શાહને પરંપરાગત રીતે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા, ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આગામી દિવસોમાં શાહ 'વધુ મોટી ભૂમિકા' ભજવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી, શાહ અને જેટલી

Image copyright Getty Images

પ્રિયદર્શીના કહેવા પ્રમાણે, "ગત પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારમાં અરુણ જેટલી તથા સંગઠનમાં અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ બનીને રહ્યા હતા."

"અરુણ જેટલીએ નાદુરસ્ત તબિયતને પગલે પ્રધાનપદ નહીં આપવા વિનંતી કરી છે, એટલે હવે સરકારમાં શાહ મોદીના હાથ બની રહેશે."

આગામી સમયમાં ઝારખંડ, દિલ્હી, હરિયાણા તથા મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી યોજાશે ત્યારે સ્વાભાવિક રીતે જ સંગઠનની જવાબદારી કોઈ વિશ્વાસુ અને સક્ષમ વ્યક્તિને સોંપવામાં આવશે.

ભાજપમાં 'એક વ્યક્તિ, એક પદ'ના સિદ્ધાંતાનુસાર વ્યક્તિને સંગઠન તથા સરકારની એકસાથે જવાબદારી સોંપવામાં આવતી નથી. એટલે આગામી દિવસોમાં અમિત શાહ ભાજપના અધ્યક્ષ તરીકેનો પદભાર તેમના અનુગામીને સોંપશે.

પીએમઓથી ચાલશે સરકાર?

Image copyright Getty Images

શાહનો ખુદનો કાર્યકાળ એક વર્ષનો બાકી છે, એટલે નવા ચૂંટાયેલા અધ્યક્ષ પહેલાં આ કાર્યકાળ પૂર્ણ કરશે પછી તેમને નવો કાર્યકાળ મળશે.

પ્રિયદર્શી માને છે કે ગત પાંચ વર્ષ દરમિયાન જે રીતે સરકાર ચાલી, તે રીતે જ આગામી સમયમાં સરકાર ચાલશે.

ગત સરકાર વખતે એવા આરોપ લાગ્યા હતા કે વડા પ્રધાન કાર્યાલયમાંથી નિર્ણયો લેવાતા હતા, એવી સ્થિતિ આગામી સરકારમાં જ ચાલુ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો