'મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી' : 2014 અને 2019ની શપથમાં ફરક અને સામ્ય શું?

શપથવિધિ સમારોહ Image copyright Getty Images

તારીખ 30 મે, 2019ની મોદી સરકારનો શપથવિધિ સમારોહ 2.0 એક રીતે જોઈએ, તો પાંચ વરસ પહેલાંની તારીખ 26 મે, 2014નો ઍક્શન રિપ્લે છે. 2014માં નરેન્દ્ર મોદીએ એકલે હાથે ભાજપને 543માંથી 282 બેઠકોની ગંજાવર બહુમતી અપાવી હતી અને એનડીએની 336 બેઠકો હતી.

પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ 2019માં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આ કરિશ્માને વધારીને બીજી ટર્મમાં ભાજપને 303 અને એનડીએને 353 સુધી પહોચાડ્યો.

30 મે, 2019 એ રીતે ભાજપ અને આરએસએસ બંને માટે બીજો ઐતિહાસિક દિવસ છે.

પહેલો ઐતિહાસિક દિવસ હતો 26મી મે, 2014, જ્યારે મોદી સરકારનો પહેલો શપથવિધિ સમારોહ થયો હતો. શપથવિધિ પહેલાં સવારે મોદી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ગયા હતા, ત્યાં તેમણે સમાધિ પર માથું નમાવી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદીમાં પરિવર્તન

Image copyright Getty Images

શું વડા પ્રધાન બનવા જતા મોદી બદલાયા હતા? અત્યાર સુધી સહુને નમાવતા મોદીને એ મે મહિનામાં દિલ્હીમાં લોકોએ બે-બે વાર જાહેરમાં આટલું બધું નમતા જોયા. એક સંસદમાં પ્રવેશ વખતે અને બીજી વાર ગાંધીજીની સમાધિ પર.

2019માં મોદી શપથ લેતા પહેલાં રાજઘાટ ઉપરાંત અટલ સમાધિ અને નેશનલ વૉર મેમોરિયલ પણ ગયા. એ મોદીની બદલાયેલી પ્રાયોરિટીની નિશાની છે.

તારીખ 30 મે, 2019: સાંજે બરાબર 7ને 6 મિનિટે, 13ના આંકડે નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાનપદના શપથ લીધા. "મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી..."

નરેન્દ્ર મોદીએ શપથ લેવાનું શરૂ કર્યું એની સાથે જ તાળીઓનો વણથંભ્યો ગડગડાટ શરૂ થયો.

હાજર 8000 વીવીઆઈપી ઉપરાંત, લાઇવ ટીવી પર દેશ અને દુનિયાના કરોડો ભારતીયોની આંખો અને કાન એક ચિત્તે ટીવી સ્ક્રીન પર. એક નવી આશા, અપેક્ષા અને અવર્ણનીય ઉમંગ.

2014માં મોદીના આ શબ્દો સાથે એક નવો યુગ - 'મોદીયુગ' શરૂ થયો હતો અને દેશનો સમય બદલાયો હતો. પૂર્ણ બહુમત સાથેની એક એવી સરકારના વડા પ્રધાનના આ શપથ હતા કે જે સાથી પક્ષોના દબાણથી સંપૂર્ણ મુક્ત હતા. દેશની જનતાએ 30 વરસ બાદ દેશના 15મા વડા પ્રધાનને આવો અલભ્ય મોકો આપ્યો હતો. 2019માં દેશની જનતાએ મોદીને વધુ મોટા મૅન્ડેટ સાથે વધુ પાંચ વર્ષનું શાસન આપ્યું છે.

તારીખ 30મી મે, 2019. સાંજે 7 વાગે દિલ્હીમાં અંગ્રેજોએ બનાવેલા ભવ્ય રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં યોજાયેલો મોદી સરકારનો શપથવિધિ સમારોહ અનેક રીતે ઑફબીટ હતો. તિરંગી રોશનીથી ચમકતા રાષ્ટ્રપતિભવનના ઘુમ્મટ સામેના વિશાળ પ્રાંગણમાં 2014 કરતાં બમણા - 8000 અતિથિ અને વિશિષ્ઠ અતિથિઓ હતા.

Image copyright Getty Images

2019માં બીમસ્ટેક દેશોના વડાઓ હાજર હતા. જેમાં પાકિસ્તાન નથી. 2014નો શપથવિધિ ભારતની નવી સરકારનો હતો, પણ એ આઝાદી બાદનો સૌપ્રથમ શપથવિધિ હતો, જેમાં પડોશી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત દક્ષિણ એશિયાના અન્ય છ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર હતા. એમાં આવનારા દિવસોની મોદી સરકારની પ્રોઍક્ટિવ વિદેશનીતિના અણસાર હતા.

2014ના સોમવાર સાંજના એ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિભવનનું પ્રાંગણ કોઈ મોટા ઘરના ગુજરાતી પ્રસંગ જેવું વધુ લાગતું હતું. ચારે બાજુ 'કેમ છો - મજામાં!'ના ખુશી અને ઉત્સાહભર્યા અવાજો વચ્ચે માહોલ એકદમ ગુજરાતી હતો. રેડકાર્પેટ પર ચાર હજારથી વધુ મહેમાનોથી છલકાતા એ ખુલ્લા પ્રાંગણમાં દેશના હુઝ હુની હાજરી હતી. તેમાંયે ગુજરાતી અગ્રણીઓની પ્રભાવક હાજરી સ્વાભાવિક હતી.

આઝાદીનાં 67 વર્ષ બાદ પહેલી વાર ગુજરાત સેન્ટર સ્ટેજ પર આવ્યું હતું. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના હોવા છતાં પોતાને જાહેરમાં ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા રિલાયન્સ બ્રધર્સ મૂકેશ અંબાણી- અનિલ અંબાણી, માતા કોકિલાબહેન અંબાણી, ઇન્ટરનેશનલ હોવા છતાં અમદાવાદી તરીકે જ ઓળખાતા અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, તેમનાં પત્ની પ્રીતિબહેન અદાણી, ટોરેન્ટના સુધીર મહેતા, સૂઝલોનના તુલસી તંતીની હાજરી ઊડીને આંખે વળગતી હતી.

Image copyright Getty Images

દેશના આધ્યાત્મિક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને શ્રી શ્રી રવિશંકર કરતા હતા, તો યોગગુરુ બાબા રામદેવ અને રામકથાકાર મોરારિબાપુની ગેરહાજરી પણ વર્તાતી હતી.

મનોરંજન ક્ષેત્રમાંથી ફિલ્મસ્ટાર સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાન હતા. આનંદીબહેન સહિત ગુજરાતનું આખેઆખું મંત્રીમંડળ અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ આ હરખમાં સહભાગી થવા પહોંચ્યા હતા.

આ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ છે, તો આનંદીબહેન મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ઉપસ્થિત છે. ત્યારે અમિત શાહની હાજરીની ખાસ નોંધ લેવાઈ હતી, જેમનો 2014ની જીતમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશની જીતમાં સિંહફાળો હતો.

આ સિદ્ધિના ફળરૂપે એ ભાજપના સૌથી નાની ઉંમરના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. આ સૌ મહેમાનોને સોગંદવિધિ બાદ રાષ્ટ્રપતિભવનના હળવા નાસ્તામાં ખમણ-ઢોકળાં સહિતની ગુજરાતી વાનગીઓ પીરસાઈ હતી.

2019ના ગુરુવારે શપથવિધિ બાદ રાષ્ટ્રપતિભવનના ભવ્ય શાકાહારી ભોજનમાં આ વખતે અનિલ અંબાણી, કોકિલાબહેન અંબાણી, શ્રી શ્રી રવિશંકર, બાબા રામદેવ, ભાઈશ્રી રમેશ ઓઝા અને મોરારિબાપુની ગેરહાજરી હતી.

2014માં મોદી ઉપરાંત 45 પ્રધાનોએ શપથ લીધા. કુલ 46માંથી મોદી સહિત 44 એવા હતા, જેમનો જન્મ આઝાદી બાદ થયો હતો.

લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રધાનમંડળમાંથી બાકાત હતા, આ પણ એક નિશાની હતી, આવનારા સમયની દેશની રાજનીતિની.

Image copyright Getty Images

2019માં વડા પ્રધાન મોદી સહિત 58 મંત્રીઓએ શપથ લીધા. જે 2014 કરતાં 12 વધુ છે. વડા પ્રધાન મોદીના મંત્રીમંડળમાં 24 કૅબિનેટમંત્રી, 9 રાજ્ય કક્ષાના મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર અને 24 રાજ્યકક્ષાના મંત્રીઓ છે.

37 ચહેરા બદલાયા, 19 જણા સૌપ્રથમ વાર મંત્રી બન્યા. જેમાં નવયુવાનોને વધુ તક મળી. ગુજરાતના ચાર મંત્રી બન્યા - વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા. મોદીના મંત્રીમંડળમાં સૌથી નોંધપાત્ર નવી એન્ટ્રી રહી, ત્રીજા સ્થાને અમિત શાહની.

જોકે અમિત શાહે ગૃહમંત્રી બનવું હોય તો પહેલાં તો રાષ્ટ્રગાન વખતે સાવધાનની મુદ્રામાં કેમ ઊભા રહેવાય એ શીખવું પડશે.

શપથવિધિ બાદ રાષ્ટ્રગાન વખતે હાથ આગળની બાજુ બાંધીને ઊભેલા અમિત શાહની નોંધ લેવાઈ હતી. વિદેશ સચિવ એસ. જયશંકરને સુષમા સ્વરાજની ગેરહાજરીને કારણે જગ્યા મળી. જોકે, સ્વાસ્થ્યને કારણે જાતે ડ્રૉપ થયેલા અરુણ જેટલીનું સ્થાન કોણ લેશે એ પ્રશ્ન અનુત્તર છે. સુબ્રમણ્યમ સ્વામીએ નાણા મંત્રાલય સામેથી માગ્યું, પણ ન મળ્યું. એનડીએના બિહારમાં સાથી પક્ષ જેડીયુના નીતીશકુમારે મંત્રીમંડળમાં સામેલ થવાનું ટાળીને મોદીના પ્રસંગનો મૂડ બગાડ્યો.

Image copyright Getty Images

દિલ્હીની આ ઝાકમઝાળ અને રાજકારણથી નવસો કિલોમીટર દૂર ગાંધીનગરના એક નાનકડા મધ્યમ વર્ગીય ઘરમાં, મે મહિનામાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો.

સાવ નાના ડ્રોઇંગ રૂમમાં હકડેઠઠ માણસો બેઠા હતા. સૌની નજર ટીવી પર લાઇવ ચાલતા શપથવિધિ પર હતી. ટીવી સ્ક્રીન પર મોદી દેખાતા જ 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારાથી ઘર ગૂંજી ઊઠ્યું.

આ નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીનો પરિવાર છે, જ્યાં મોદીનાં 95 વર્ષીય વયોવૃદ્ધ માતા રહે છે. નરેન્દ્ર મોદીએ શપથ લેવાનું શરૂ કરતા માતા હીરાબાની વૃદ્ધ આંખો હરખનાં આંસુડાંથી ઊભરાઈ ગઈ.

એક માના જીવનની આ સર્વશ્રેષ્ઠ ઘડી હતી. હીરાબાએ એમના ઘરમાં બેઠાંબેઠાં ટીવી પર આ દૃશ્યો જોયાં અને તાળીઓ પાડીને દીકરાને વધાવ્યો.

ચાર દિવસ પહેલાં રવિવારે મોદી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે એમણે રૂબરૂમાં આશીર્વાદ આપ્યા હતા. મોદીની આ વિશેષતા એમને કૉંગ્રેસ અને અન્ય પક્ષો જ નહીં, ભાજપમાં પણ બધાથી ઉપર મૂકી દે છે - એમના કોઈ પરિવારજનો ક્યારેય શપથવિધિમાં કે બાદમાં દિલ્હીમાં પણ દેખાતા નથી.

શપથવિધિ સમારંભમાં દેશવિદેશથી મહેમાનો બોલાવાયા હતા, પણ મોદીના પરિવારનો એક પણ સભ્ય દિલ્હીમાં શપથવિધિમાં હાજર નહોતો. મોદીના મા પણ નહીં. વર્ષોથી દેશમાં ચાલી આવતી પરિવારવાદની રાજનીતિમાં પણ આ એક મોટો ટર્નિંગ પૉઇન્ટ છે.

સરદાર પટેલની જેમ જ નરેન્દ્ર મોદીનો પણ આ એક સાફ સંકેત છે. પોતાના પરિવાર માટે જ નહીં, પણ સૌ મંત્રીઓ અને રાજકારણીઓ માટે પણ એક સાફ સંકેત.

2014માં, માર્કેટમાં મોદી સરકારથી ઉત્સાહ હતો. સેન્સેક્સ 25,000 અને નિફ્ટી 7,500ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા. ઇંટ્રા-ડે 482 પૉઇન્ટની તેજીથી માર્કેટે નવી સરકારમાં પોતાના વિશ્વાસ અને આશાનું પ્રદર્શન કર્યું હતું. પાંચ વર્ષ બાદ 2019માં સેન્સેક્સ 39,831.97 અને નિફ્ટી 11,945.90એ પહોંચ્યા છે.

Image copyright Getty Images

2014માં નવા યુગનો એક અણસાર એ પણ હતો કે કૉંગ્રેસ યુગની સરકારી સત્તાની ઓળખ ગણાતી ઍમ્બેસેડર કારનું ઉત્પાદન મોદીના શપથવિધિના દિવસ 26મી મેથી બંધ થયું હતું. 2019માં, શપથવિધિમાં હાજર રાહુલ ગાંધીના ચહેરા પર દેખાતી નિરાશા પરથી કૉંગ્રેસની સ્થિતિનો અણસાર આપોઆપ મળી જાય છે.

બીજા એક અણસાર મીડિયા માટે પણ છે. સરકાર અને પાર્ટીની દરેક ખબર અગાઉથી બ્રેક કરવામાં નિષ્ણાત બ્રેકિંગ ન્યૂઝચેનલો અને પ્રિન્ટ પત્રકારો પણ મોદી સરકારનાં કદ, મંત્રીઓના નામ અને ખાતાં વિષે છેલ્લી ઘડી સુધી અંધારામાં જ ગોળીબાર કરતા રહ્યા.

મોદીએ એ વાતની તકેદારી રાખી કે કોઈ માહિતી લિક ન થાય. આ વાત મોદી સરકારના દરેકેદરેક કામકાજ અને નિર્ણયમાં રિપીટ થાય છે.

મીડિયાને એ જ માહિતી, એ જ સમયે મળવાની હોય છે, જે મોદી ઇચ્છતા હોય. ગુજરાતમાં મોદી રાજ દરમિયાન આ પરંપરા રૂઢ થઈ ગઈ હતી. દિલ્હીના પત્રકારો માટે આ નવો અકળાવનારો અનુભવ છે. 2014 હોય, કે 2019.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો