અલ્પેશ ઠાકોરનું રાજકીય ભાવિ હજી આ રીતે છે અધ્ધર-તાલ, ભાજપમાં જોડાવું સરળ નથી

અલ્પેશ ઠાકોર Image copyright Getty Images

એક સમયે નરેન્દ્ર મોદી સામે આંદોલન કરનારા અલ્પેશ ઠાકોર હવે મોદીના ગુણગાન ગાઈ રહ્યા છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા અલ્પેશ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વારંવાર ફોડ પાડે છે કે તેમણે કૉંગ્રેસ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્યપદ પરથી નહીં.

ધારાસભ્ય ઉપરાંત અલ્પેશ ઠાકોરસેનાના અધ્યક્ષ પણ છે. ત્યારે તેમની ભાજપમાં જોડાવાની રાજકીય હલચલ અને અટકળ વિશે ઠાકોરસેનાના હોદ્દેદારો શું માને છે તે જાણવા બીબીસીએ તેમની સાથે વાત કરી.

થોડા દિવાસ અગાઉ જ અલ્પેશ ઠાકોર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના અન્ય નેતાઓને મળ્યા હતા.

હાલમાં તેઓ કૉંગ્રેસની ટીકા અને નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં જોવા મળે છે. આ પરથી એવી અટકળો ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે.

આ અટકળો અંગે ઠાકોરસેનાના પ્રદેશ મહામંત્રી અમિતભાઈ ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અલ્પેશભાઈ ભાજપ કે અન્ય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય સ્વતંત્ર રીતે નહીં લઈ શકે. આ અંગે તેઓ પહેલા ઠાકોરસેનાને જાણ કરશે."

"સેનાની કારોબારી બેઠક મળશે ત્યારબાદ જ તેઓ કોઈ નિર્ણય લઈ શકશે. ઠાકોરસેનાના અધ્યક્ષ તરીકે તેમણે કારોબારી બોલાવવી જ પડે."

"કારોબારીનો નિર્ણય જ તેમણે માન્ય રાખવો પડે. તેઓ કારોબારી બોલાવીને પછી જ નિર્ણય લેશે. ભાજપમાં જોડાશે એવું હાલ તો કંઈ દેખાતું નથી."

તો પછી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત અને નરેન્દ્ર મોદીનાં અચાનક વખાણ કરવાનું કારણ શું છે?

અમિત ઠાકોરે કહ્યું, "તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે તેમને મળ્યા હોઈ શકે. એ રીતે મળવામાં કોઈ ખોટી વાત નથી. જો કોઈ અટકળ હશે, તો તેઓ કારોબારીની બેઠક બોલાવશે અને એ પછી જ નિર્ણય લેશે."


ઠાકોરસેના સાથે રહેશે કે સામે?

Image copyright Getty Images

અલ્પેશ ઠાકોરે કાર્યકર તરીકે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારે ઠાકોરસેનાની કારોબારી મળી હતી?

આ સવાલના જવાબમાં અમિત ઠાકોરે કહ્યું હતું, "હા. તેમણે કૉંગ્રેસ તરફ જે રસ્તો અપનાવ્યો તે અગાઉ એક બેઠક મળી હતી, જેમાં હું હાજર હતો."

"બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે કૉંગ્રેસ દ્વારા સેનાના હોદ્દેદારોનું માન સચવાતું નથી. કૉંગ્રેસ દ્વારા જે કંઈ આયોજન થાય છે એમાં સેનાનું અપમાન થાય છે. આ અવગણનાને પગલે સેનાએ કૉંગ્રેસ સાથે અંતર રાખવાનો નિર્ણય કર્યો હતો."

"એ વખતે અલ્પેશ ઠાકોરને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. કાં તો તેઓ કૉંગ્રેસમાં રહે કાં તો તેઓ ઠાકોરસેનામાં રહે."

"24 કલાક બાદ તેમણે ઠાકોરસેના પસંદ કરી હતી. એ તો ચોક્કસ છે કે સેનાના નિર્ણય પ્રમાણે જ કાર્યો થાય છે."

જોકે, ઠાકોરસેનાના ખજાનચી રહી ચૂકેલા ચકાભાઈ ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સામાન્ય રીતે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે ઠાકોરસેનાની કારોબારી મળે છે."

"અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો જે નિર્ણય લીધો છે એ તેમણે એકલાએ જ લીધો છે. કૉર કમિટીના સભ્યોને નથી પૂછવામાં આવ્યું."


ઠાકોરસેનામાં દરેકનો મોભો અલ્પેશ ઠાકોર જેટલો

Image copyright Getty Images

બનાસકાંઠાના કૉંગ્રેસના કાર્યકર અને ઠાકોરસેનાના ખજાનચી ચકાભાઈએ હવે ઠાકોરસેના સાથે અંતર રાખી લીધું છે.

તેમણે કહ્યું કે "અલ્પેશભાઈએ કૉંગ્રેસ છોડતી વખતે કૉર કમિટીના સભ્યોને ન પૂછ્યું એટલે પછી મેં તેમનો વિરોધ પણ ન કર્યો અને સેનાથી અલગ થઈ ગયો."

"કૉંગ્રેસ સાથે તેમણે જે અંતર રાખવાનું પસંદ કર્યું એ નિર્ણયમાં ઠાકોરસેનાને સાથે રાખવી જોઈતી હતી. આ પગલું લેવાનો ફાયદો શું છે એ સમાજ સામે મૂકવું જોઈએ."

"નીચેના લોકો જવાબ માગે તો ખરા ને? અલ્પેશભાઈએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ પછી ભાજપમાં જશે એ વાતોએ વેગ પકડ્યો હતો. જેને પગલે હું ઠાકોરસેનામાંથી નિષ્ક્રિય થઈ ગયો છું."

"આમાં ઠાકોર સમાજને કશું મળતું નથી. અલ્પેશભાઈની જ વ્યક્તિગત પ્રગતિ થઈ રહી છે. મેં તેમને જણાવ્યું હતું કે હવે મારે કામ નથી કરવું. જે દિવસે સમાજનું કંઈક ભલું થતું હશે એવું મને દેખાશે એટલે હું તમારી જોડે આવીને બેસી જઈશ."

અલ્પેશ ઠાકોરને તો કૉંગ્રેસ રાષ્ટ્રીય સચિવ બનાવ્યા હતા, છતાં અલ્પેશભાઈ અને ઠાકોરસેનાને એવું કેમ લાગ્યું કે અપમાન થઈ રહ્યું છે?

આ સવાલના જવાબમાં અમિત ઠાકોરે કહ્યું હતું કે "અલ્પેશ ઠાકોરે પોતાના અપમાનની વાત નથી કરી. સ્વાભાવિક છે કે એ ઠાકોરસેનાના અપમાનની વાત હતી. ઓબીસી એકતા મંચના અપમાનની વાત હતી."

"એટલે કૉંગ્રેસમાંથી વિખૂટા થવાનો નિર્ણય સેનાનો હતો. કૉંગ્રેસ પાર્ટીમાં માત્ર અલ્પેશ ઠાકોરને હોદ્દો મળ્યો હતો. એનો મતલબ સેનાના તમામ હોદ્દેદારોનો સમાવેશ થાય છે એવું નથી હોતું."

"દરેક વ્યક્તિ ઠાકોરસેનામાં એટલો જ મોભો ધરાવે છે જેટલો અલ્પેશ ઠાકોર. સેનાનો કાર્યકર એટલો જ કાર્યરત છે જેટલા અલ્પેશ ઠાકોર કાર્યરત છે. દરેક કાર્ય કરે છે તો દરેકને કંઈક નાનુંમોટું સ્થાન મળવું જોઈએ."

"અમે અવારનવાર અપીલ પણ કરી હતી. લેખિતમાં પણ આપ્યું હતું છતાં કૉંગ્રેસ મોવડીમંડળમાં કોઈને સ્થાન ન અપાયું કે ન તો પ્રાદેશિક કે જિલ્લા લેવલે સ્થાન મળ્યું."

"અલ્પેશભાઈની પણ અવગણના થતી હતી. આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો અને અલ્પેશભાઈએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું."


અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો સેના સમર્થન કરશે?

Image copyright ALPESH THAKOR/FACEBOOK

હવે જો ઠાકોરસેનાની કારોબારી મળે અને અલ્પેશભાઈ ભાજપમાં જોડાય તો કારોબારીનું સમર્થન આપોઆપ ભાજપને મળશે? અમિત ઠાકોરે કહ્યું કે હાલ તો એવું કંઈ છે નહીં.

"અલ્પેશભાઈ વ્યક્તિગત રીતે નિર્ણય ન લઈ શકે. કારોબારી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પછી જ કોઈ નિર્ણય લે છે. હાલ તો એવી કોઈ સ્થિતિ ઊભી થઈ નથી. તેથી કશું કહી ન શકાય."

"તેઓ ભાજપમાં કયા કારણસર જોડાય છે. વગેરે મુદ્દા પર ઠાકોરસેનાની કારોબારી મળે એ પછી જ કોઈ નિર્ણય લઈ શકે. હું અત્યારે એમ ન કહી શકું કે અલ્પેશભાઈ ભાજપમાં જોડાશે તો સેના તેમને સમર્થન કરશે. એ પાયાવિહોણી વાત છે."

"અલ્પેશભાઈ ભાજપ કે કોઈ પણ પાર્ટીમાં જોડાય તો સમાજના જે કેટલાક પ્રશ્નો છે એ તેમણે ધ્યાનમાં લેવા પડે. કોઈ પણ પક્ષમાં જોડાવવું કે ન જોડાવવું એના કરતાં અમારા માટે વધારે અગત્યનો મુદ્દો એ છે કે સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ."

"તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાય તો તેણે સમાજના મુદ્દા આગળ રજૂ કરવા પડશે. સમાજનું હિત જોવું પડશે."

અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો ઠાકોરસેનાની વોટબૅન્કનો લાભ ભાજપને મળી શકશે? આ સવાલના જવાબમાં ચકાભાઈએ કહ્યું હતું કે "ઘણાને એવું લાગે છે કે તેઓ સરકારમાં પ્રધાન બનશે તો ઠાકોરસમાજને કંઈક અપાવશે. જોકે, મને હાલ પૂરતું એવું નથી લાગતું."

"તેથી જ મેં વિરોધ કર્યા વગર મારો રસ્તો અલગ કરી લીધો છે. અલ્પેશભાઈ ભાજપમાં જાય તો એના માટે 2017માં જ અમારી સમિતિમાંથી ઘણા લોકો સહમત હતા. એ વખતે માત્ર ચારેક જણા જ એવું કહેતા હતા કે અલ્પેશભાઈએ કૉંગ્રેસમાં જોડવું જોઇએ."

"અલ્પેશભાઈ એ વખતે અવઢવમાં હતા કે કંઈ પાટીમાં જવું. એ વખતે કૉંગ્રેસમાં જોડાયા એનું કારણ એ રજૂ કરવામાં આવ્યું હતું કે વિધાનસભામાં સરકાર કૉંગ્રેસની રચાશે. પાર્ટીમાં માનસન્માન રહેશે.

"પરંતુ એવું થયું નહીં, કૉંગ્રેસ સરકાર રચી શકી નહીં. હવે અલ્પેશભાઈ બારોબાર નિર્ણય લેવા માંડ્યા છે."


કૉંગ્રેસનેશું અસર થશે?

Image copyright ALPESH THAKOR/FACEBOOK

અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાય તો ઠાકોર સમાજ, જેને કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્ક માનવામાં આવે છે તેને અસર પડે ખરી. આ સવાલના જવાબમાં ચકાભાઇએ કહ્યું હતું, "એ વોટબૅન્ક તો કૉંગ્રેસ સાથે જ રહેવાની છે. એટલું ખરું કે યુવાવર્ગ અલ્પેશભાઈ સાથે ખાસ્સો એવો જોડાયેલો છે."

અમિતભાઈ ઠાકોર માને છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો કૉંગ્રેસની ઠાકોર વોટબૅન્કને અસર પડી શકે છે.

તેમણે કહ્યું હતું, "સો ટકા કૉંગ્રેસ વોટબૅન્ક પર અસર પડે. અલ્પેશભાઈ ભાજપ કે કોઈ પણ પાર્ટીમાં જોડાય તો ઠાકોર સમાજની જે પરંપરાગત કૉંગ્રેસી વોટબૅન્ક છે એને અસર પડે."

"તમે હમણાં જ જોયું હશે કે આણંદની બેઠક પર ભરતસિંહ સોલંકી જંગી બહુમતીથી હાર્યા છે. અલ્પેશ ઠાકોરે હાકલ કરી હતી કે કૉંગ્રેસે આપણી સાથે અપમાન કર્યું છે તેનો વળતો જવાબ આપવો જોઈએ. વળતા જવાબ રૂપે ભરતસિંહ સોલંકીની હાર થઈ."

"અલ્પેશ ઠાકોરના મુદ્દે કૉંગ્રેસના જ બેચરાજીથી ધારાસભ્ય ભરતભાઈ ઠાકોર કૉંગ્રેસની ટીકા કરી રહ્યા છે. ભરતભાઈ ઠાકોરસેનામાં પ્રદેશ કાર્યાલય મંત્રી છે.

તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "અલ્પેશભાઈ અત્યાર સુધી કૉંગ્રેસ સાથે રહ્યા, એમાં ઠાકોર સમાજને કોઈ ફાયદો થયો નથી. સેનાના અમારા હોદ્દેદારોને પણ કૉંગ્રેસમાં કોઈ માનસન્માન મળ્યું નથી એ હકીકત છે."

અલ્પેશ ઠાકોર કહે છે કે 15થી 17 ધારાસભ્યો કૉંગ્રેસ છોડી શકે છે. તમે ધારાસભ્ય છો, ઠાકોરસેનામાં છો, તમે કૉંગ્રેસ છોડવાના છો કે નહીં?

આ સવાલના જવાબમાં ભરત ઠાકોરે કહ્યું હતું કે અત્યારે તો હું કૉંગ્રેસ સાથે જ છું. મારા મતવિસ્તારના વિવિધ સમાજના લોકો તેમજ ઠાકોરસેના કહેશે તો હું કોઈ નિર્ણય લઈશ. હજી અલ્પેશભાઈ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. તેમણે ઠાકોરસેનાને પૂછીને જ કોઈ પણ પગલું લેવું પડશે. કૉંગ્રેસ છોડી ત્યારે કૉર કમિટીની બેઠક કરી હતી. તેમને પૂછીને જ પગલું લીધું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ