સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી નરેન્દ્ર મોદીની ફ્રી લેપટૉપ યોજનાનું સત્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Image copyright pmindia.gov.in
ફોટો લાઈન દાવો કરવામાં આવ્યો છે કે ફરી વડા પ્રધાન બનવાની ખુશીમાં નરેન્દ્ર મોદી 2 કરોડ યુવાનોને લેપટૉપ આપશે

નરેન્દ્ર મોદીએ ફરી દેશના વડા પ્રધાન બનવાની ખુશીમાં 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની જાહેરાત કરી છે એ મુજબનો એક સંદેશો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.

ભ્રામક સંદેશો આપતી પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો યુવાનો સફળતાપૂર્વક ફ્રી લેપટૉપ માટે અરજી કરી ચૂક્યા છે.

ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વખત આ મેસેજ સર્કુલેટ કરવામાં આવ્યો છે. આ સંદેશાની સાથે અલગ-અલગ જગ્યાઓ પર જુદીં-જુદી વેબસાઇટની લિંક આપવામાં આવી છે.

વૉટ્સએપના માધ્યમથી બીબીસીને 100 કરતા વધારે વાચકોએ આ જ સંદેશ મોકલ્યો છે. તેમાં મોટાભાગના સંદેશોમાં modi-laptop.saarkari-yojna.in વેબસાઇટની લિંક આપવામાં આવી છે.

Image copyright SM Viral Post

આ વેબસાઇટ પર જતા તેનાં હોમ-પેજ પર નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળે છે જેની સાથે લખ્યું છે 'વડા પ્રધાન મફત લેપટૉપ વિતરણ યોજના- 2019'.

તેની એકદમ નીચે એક ટાઇમ કાઉન્ટર આપવામાં આવ્યું છે કે જે બતાવે છે કે આ કથિત યોજનાના આવેદન માટે કેટલો સમય બચ્યો છે.

પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક બોગસ યોજના છે.

વાઇરલ મેસેજમાં લેપટૉપ વિતરણનો જે દાવો કરવામાં આવ્યો છે તેવી કોઈ યોજનાની ઔપચારિક જાહેરાત નરેન્દ્ર મોદી કે તેમની સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

કંઈ મળવાનું નથી?

Image copyright Website Grab
ફોટો લાઈન સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત જ કરવામાં આવી નથી

ઇન્ટરનેટ સર્ચના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે 23 મે 2019ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આવી ઘણી વેબસાઇટની લિંક સોશિયલ મીડિયા પર સર્કુલેટ થવા લાગી.

તેમાં મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની વાત કહેવામાં આવી છે.

અમારી તપાસનમાં જાણવા મળ્યું કે modi-laptop.saarkari-yojna.in વેબસાઇટની જેમ modi-laptop.wish-karo-yar.tk, modi-laptop.wishguruji.com અને free-modi-laptop.lucky.al વેબસાઇટ પર પણ બોગસ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાથે જ આ વેબસાઇટ લિંક્સને સોશિયલ મીડિયા પર બોગસ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે.

અમારા સેમ્પલ તરીકે અમે modi-laptop.saarkari-yojna.in વેબસાઇટને રાખી જેના પર કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' એટલે કે 'આયુષ્માન ભારત યોજના'નું ચિન્હ લાગેલું છે.

Image copyright Website Grab
ફોટો લાઈન ફેક વેબસાઇટ એક રજિસ્ટ્રેશન નંબર આપે છે જેનાથી આવેદકને કંઈ પણ મળવાનું નથી

વેબસાઇટ પર આ કથિત યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન માટે આવેદકનું નામ, મોબાઇલ નંબર, ઉંમર અને રાજ્ય (સ્થાન) લખવાની જગ્યા આપવામાં આવી છે.

આ જાણકારી બાદ આવેદકોને બે સવાલ પૂછવામાં આવે છે કે શું તેઓ આવી યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે કે નહીં? અને શું તેઓ પોતાના મિત્રોને આ યોજના વિશે જણાવશે?

આ સવાલો બાદ ફેક વેબસાઇટ એક રજિસ્ટ્રેશન નંબર આપે છે જેનાથી આવેદકને કંઈ પણ મળવાનું નથી.

અને ફાયદો કોને?

Image copyright SM Viral Post

તેવામાં જો આવેદકોને લેપટૉપ મળવાનું નથી તો પછી આ વેબસાઇટ્સ બનાવીને તેને સોશિયલ મીડિયા પર સર્કુલેટ કરીને કોને ફાયદો થઈ શકે છે?

આ વાતને સમજવા માટે અમે દિલ્હી સ્થિત સાયબર સિક્યોરિટી ઍક્સપર્ટ રાહુલ ત્યાગી સાથે વાત કરી.

રાહુલ ત્યાગીએ પોતાના સ્તરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે 'modi-laptop.saarkari-yojna.in' નામના ડોમેનને હરિયાણાથી 21 જુલાઈ 2018ના રોજ લગભગ સાંજે 7 કલાકે ખરીદવામાં આવ્યું હતું અને તેને 27 માર્ચ 2019ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે જે પણ વેબસાઇટ્સ ફ્રી લેપટૉપ વિતરણનો દાવો કરી રહી છે, તેમાંથી કોઈ પણ સરકારી વેબસાઇટ નથી.

Image copyright pmindia.gov.in
ફોટો લાઈન બોગસ વેબસાઇટથી લોકોની માહિતી એકત્રિત કરી માર્કેટિંગ એજન્સીને વેચવામાં આવે છે

તેમણે જણાવ્યું, "આવી વેબસાઇટ્સને બનાવનારા લોકોનો પહેલો ઉદ્દેશ મોટાપાયે લોકોનો ડેટા એકઠો કરવાનો હોય છે અને તેનાથી પૈસા બનાવવાનો હોય છે. આવી વેબસાઇટ લોકોની નામ, ઉંમર, સ્થળ અને મોબાઇલ નંબર જેવી સામાન્ય જાણકારીઓ મેળવી લે છે અને પછી તેને એકત્રિત કરીને કોઈ માર્કેટિંગ એજન્સીને વેચે છે."

"આ માર્કેટિંગ એજન્સીઓ બૅન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ સહિત અન્ય સેવાઓ આપતી કંપનીઓને આ ડેટા આપે છે. ત્યારબાદ સર્વિસ પ્રોવાઇડર પોતાના ટાર્ગેટના હિસાબે પોતાના ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે."

રાહુલ કહે છે, "ઘણા બધા લોકો પોતાના નામ અને ફોન નંબર શૅર કરવાને ગંભીર વાત માનતા નથી. પરંતુ તેમાં ઘણું જોખમ છે. લોકોની માહિતી એકત્રિત કરવી એ કોઈ મોટી જાળમાં ફસાવવા માટેનું પહેલું પગલું હોઈ શકે છે."

"જોવામાં આવ્યું છે કે બોગસ વેબસાઇટ્સ બનાવતા લોકો યૂઝરનો નંબર મળ્યા બાદ તેમને મેસેજના માધ્યમથી લિંક મોકલે છે, તેમને લલચાવતી સ્કિમ જણાવે છે. પરંતુ તેનું પરિણામ એ હોય છે કે એ લિંક પર ક્લિક કરતા જ ફોન હેક થવા લાગે છે. જે તમારી પર્સનલ માહિતીને મોબાઇલમાંથી ચોરી શકે એવી કેટલીક ઍપ્લિકેશન મોબાઇલમાં અપલોડ કરવાનું કહેવામાં આવે છે."

રાહુલના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ પ્રક્રિયા 'એક સંગઠિત ક્રાઇમ' છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો