રાહુલ ગાંધીએ કહ્યું ભાજપને દરરોજ લડત આપીશું, સોનિયા ગાંધીની CPP નેતા તરીકે વરણી

સોનિયા ગાંધી Image copyright Getty Images

લોકસભાની ચૂંટણીના કૉંગ્રેસના કારમા પરાજય પછી કૉંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે ફરીથી સોનિયા ગાંધીની વરણી થઈ છે.

કૉંગ્રેસના ચૂંટાયેલા સંસદસભ્યોની પહેલી મિટિંગ આજે મળી હતી. આ મિટિંગમાં ચૂંટાયેલા તમામ 52 સંસદસભ્યો હાજર હતા જેમાં સોનિયા ગાંધીના નામ પર મ્હોર મારવામાં આવી છે.

આ બેઠકમાં કૉંગ્રેસના રાજ્યસભાના સભ્યોએ પણ ભાગ લીધો હતો.

કૉંગ્રેસ પાર્લમેન્ટરી કમિટિ (સીપીપી)ની બેઠકમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે બેઠકમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં પરાજય બદલ રાજીનામુ આપવાની રાહુલ ગાંધીની દરખાસ્ત કૉંગ્રેસે પાર્ટીએ ફગાવી દીધી છે અને તેમને પક્ષમાં માળખાગત ફેરફાર કરવાની સત્તા આપી છે.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.

સોનિયા ગાંધી કૉંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીના ચૅયરપર્સન તરીકે 2004થી સતત છે અને આ એમની ચોથી ટર્મ છે.

કૉંગ્રેસને ફકત 52 બેઠકો મળી છે અને નિયમ મુજબ તે નેતા વિપક્ષના પદ માટે લાયક ગણાશે નહીં.


રાહુલે માન્યો સહુનો આભાર

Image copyright Randeep Singh Surjewala Social Media

બેઠકમાં રાહુલ ગાંઘીએ મતદારો અને કૉંગ્રેસ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દરેક કૉંગ્રેસીએ એ યાદ રાખવાનું છે કે તમે દરેક બંધારણને બચાવવા માટે અને કોઈ પણ જાતિ કે ધર્મંના દરેક ભારતીય માટે લડી રહ્યા છો.

આ બેઠકમાં સોનિયા ગાંધીએ પણ કૉંગ્રેસ પર ભરોસો મુકનારા 12.13 કરોડ મતદાતાઓનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ બેઠકને લઈને લોકોનું ધ્યાન રાહુલ ગાંધી પર હતું કેમકે કૉંગ્રેસ પ્રમુખ પરાજય પછી પહેલીવાર પાર્ટીના નેતાઓને મળવાના હતા.

અગાઉ તેમણે મળવા આવનારા નેતાઓને પ્રિયંકા ગાંધી સાથે વાત કરાવી પાછા વાળી દીધા હતા.

બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગઈ વખતે આપણે ફક્ત 44 હતા અને ભાજપનો મુકાબલો કર્યો આ વખતે આપણે 52 છીએ અને પ્રત્યેક દિવસે ભાજપને લડત આપીશું.

રાહુલ ગાંધીએ આત્મચિંતન કરવાનો અને પક્ષને ફરીથી ચેતનવંતો કરવાની પણ વાત કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો