મોદીની મિમિક્રી કરવા બદલ નથી કરાઈ સુરતના આ ફેરિયાની ધરપકડ

અવધેશ Image copyright SCREENGRAB

છેલ્લા કેટલાક દિવસોથી અવધેશ દુબે નામના એક ફેરિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને અન્ય રાજનેતાઓની મિમિક્રી કરતા જોઈ શકાય છે.

આ વીડિયો વાઇરલ થયાના ગણતરીના દિવસો બાદ અવધેશની ધરપકડના અહેવાલો સામે આવ્યા છે.

મોદી અને અન્ય રાજનેતાઓની મિમિક્રી કરવા બદલ અવધેશની ધરપકડ કરાઈ હોવાનો દાવો મીડિયાના અહેવાલોમાં કરાઈ રહ્યો છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસ પોતાના અહેવાલમાં જણાવે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનેતાઓની મિમિક્રી કરવાનો વીડિયો વાઇરલ થયા બાદ ટ્રેનમાં રમકડાં વેચતા એક ફેરિયાની ધરપકડ કરાઈ છે.'


ટ્વિટર પર લોકો અવધેશના સમર્થનમાં

અવધેશ દુબેની ધરપકડના સમાચાર સામે આવ્યા બાદ ટ્વિટર પર #AvadheshDubey સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યા.

રાજકીય કટાક્ષ કરનારી વેબસીરિઝ TheDeshBhaktએ ટ્વીટ કરીને લખ્યું,

'આતંકવાદના આરોપી સંસદમાં જઈ શકે છે પણ અવધેશ દુબે નામના રમકડાં વેચનારા વિલક્ષણ અને મોદીના સમર્થક તેમજ પ્રામાણિક રીતે રોજી રળી ખાનારાને 'પરમિટ' ન હોવાને કારણે આરપીએફ પકડી લે છે.'

'હવે પછી ક્યારેય ન કહેતા કે ભારતીય ઉદ્યમી બનવાથી કેમ ડરે છે?'

સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ લખ્યું, "રમકડાં વેચતી વખતે ટુચકો સંભળાવનારા આટલા રસપ્રદ માણસને પકડી લેવાયો. દસ દિવસની જેલ અને 3500 રૂપિયાનો દંડ. કાયદાનો ઉપયોગ હંમેશાં ગરીબને ભયમાં રાખવા માટે જ કરાય છે."

ભુવનેશે ટ્વીટ કરીને લખ્યું,

'આ શું મજાક છે? પ્રતિભાની સરાહના કરવી જોઈએ, સજા ન કરવી જોઈએ.'

કુમાર મનીષે આશા વ્યક્ત કરી કે 'રેલવે પોલીસ ઉદારતા દાખવશે અને અવધેશને મુક્ત કરી દેશે.'


પોલીસનું શું કહેવું છે?

આરપીએફ-સુરતના આસિસ્ટન્ટ સિક્યૉરિટી કમિશનર રાકેશ પાંડેએ બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીત અનુસાર અવધેશ દુબેની ધરપકડ પાછળ નેતાઓની નકલને કોઈ સંબંધ નથી.

પાંડે જણાવે છે, "આરપીએફ દ્વારા હાથ ધરાતી નિયમિત ડ્રાઇવના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટ્રેનમાં ગેરકાયદે સામાન વેચવો-144(A), રેલવેમાં ઉપદ્રવ કરવો-145(B) અને અનઅધિકૃત પ્રવેશ કરવો-147 RA જેવી ધારાઓ અંતર્ગત ફેરિયાઓની ધરપકડ કરવામાં આવી છે."

"અવધેશનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એ ઘણો જૂનો છે અને આ ડ્રાઇવ સાથે એનો કોઈ સંબંધ નથી."

"અવધેશે મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો છે. જે બાદ તેના પર 3500 રૂપિયાનો દંડ ફટકારોય છે અને 10 દિવસની કેદ માટે લાજપોર કેન્દ્રીય જેલમાં મોકલી દેવાયો છે."

પાંડેના જણાવ્યા અનુસાર આરપીએફ દ્વારા નિયમિત રીતે આવી ડ્રાઇવ હાથ ધરાય છે, જેમાં રેવેલમાં ગેરકાયદે સામાન વેચતા ફેરિયા કે અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરિવારનું શું કહેવું છે?

આ મામલે અવધેશ દુબેનો પરિવાર મીડિયાથી ભારે નારાજ છે.

સુરતમાં રહેલા અવધેશના કાકા સંતોષ દુબેએ બીબીસીને જણાવ્યું, "વીડિયોમાં અવધેશ જે ટુચકા સંભળાવે છે તેને કારણે તેની ધરપકડ નથી કરાઈ. ટ્રેનમાં સામાન વેચવો ગેરકાયદે છે અને આ પ્રકારની ધરપકડની ઘટનાઓ ઘટતી રહે રહે છે."

'વૅસ્ટર્ન રેલવે ઝોનલ રેલવે યૂઝર્સ કન્સલ્ટેટિવ કમિટી'ના સભ્ય છોટુભાઈ પાટીલે પણ અવધેશની ધરપકડ રેલવે પ્રૉટેક્શન ફૉર્સની નિયમિત ડ્રાઇવના ભાગરૂપે કરાઈ હોવાનું જણાવ્યું છે.

પાટીલે જણાવ્યું, "અનઅધિકૃત ફેરિયાની સમસ્યા દૂર થવી જોઈએ એવી અમારી સતત માગ રહી છે. ટ્રેનમાં ગેરકાયદે ચઢવું અને વેચાણ કરવું ગુનો છે. આવું કરનારાઓની આરપીએફ ધરપકડ કરતી રહે છે. અવધેશની પણ આવા જ મામલે ધરપકડ કરાઈ છે."


કોણ છે અવધેશ દુબે?

Image copyright Screengrab

તાજેતરમાં જ ટ્રેનમાં આગવા અંદાજમાં રમકડાં વેચતા અવધેશ દુબેનો વીડિયો વાઇરલ થયો હતો.

વીડિયોમાં અવધેશ મોદી અને અન્ય કેટલાક લોકોની મિમિક્રી કરતા જોઈ શકાય છે.

આગવી શૈલીમાં રમકડાં વેચતા અવધેશને લોકોએ બહુ પસંદ કર્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર અવધેશ દુબે મૂળ બનારસના છે અને બે વર્ષ પહેલાં વલસાડ સ્થાયી થયા છે.

તેઓ વાપી અને સુરત વચ્ચે ચાલતી ટ્રેનમાં તેઓ રમકડાં વેચીને રોજી રળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.