ભાઈબંધને બચાવવા પગ ન ઉપડ્યો ત્યારે 'રંગલા'ને ખબર પડી કે પગમાં ગોળી વાગી છે

રંગલો Image copyright Hasmukh Baradi Theatre Archives of Theatre Media C

27 મે, 2019. વર્ષાબહેન હાદકીનો એક સાવ ટૂંકો મેલ - 'માય ડૅડ પાસડ્ અવે', અને એક અલગારી કલાકાર જયંતી પટેલ 'રંગલા'ની જીવનની રંગભૂમિ પરથી કાયમી ઍક્ઝિટ થઈ ગઈ.

95 વર્ષની પાકટ ઉંમરે, જીવનને ભરપૂર જીવીને વિદાય. એમનાં દીકરી લખે છે કે 'માય ડીઅર ડૅડ પાસડ્ અવે પીસફુલી ઑન 26 મે ઍટ 5.0 પીએમ.'

ગુજરાતી રંગભૂમિને દેશ ઉપરાંત વિદેશમાં પણ લઈ જનારા ભેખધારી અલગારી કલાકાર જયંતી પટેલ 'રંગલા' વિશે તમે ગુજરાતી અખબારો, ટીવી ચેનલો કે ગૂગલ પર શોધશો તો ભાગ્યે જ કંઈ મળશે.

રંગભૂમિને જીવન આપી દેનારા ચં. ચી. મહેતા કે જશવંત ઠાકર કે કૈલાશ પંડ્યા કે ગોવર્ધન પંચાલ કે નિમેષ દેસાઈ કે હસમુખ બારાડી વિશે કોઈ વિશેષ વિગતો આપણી પાસે નથી.

નાટ્યજગતના આવા જ એક નટખટ નટ પી. ખરસાણી વિશેનો ગ્રંથ એમના દીકરાઓએ કર્યો, ગુજરાતની કોઈ સંસ્થા કે સરકારે નહીં.

એમ તો ગુજરાતી સિનેમાના બે લિજેંડરી હીરો - ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાએ પોતાનાં બાયૉગ્રાફિકલ પુસ્તકો જાતે જ કરવાં પડેલાં.

આવા થૅન્કલેસ અને નિરાશાજનક ગુજરાતી વાતાવરણમા જ્યંતી પટેલ 'રંગલા'ની કલરફુલ બાયૉગ્રાફી હસમુખ બારાડીની નાટ્ય સંસ્થા થિએટર મીડિયા સેન્ટરે પ્રકાશિત કરી હતી, એ એક સુખદ અપવાદ છે.

મૅગી જે કલ્ચર આપણે ત્યાં લાવી, એ હવે ચારેકોર ફેલાઈ ગયું છે. એ છે, ઇન્સ્ટન્ટ કલ્ચર. ટીવીને કારણે આમાં પાછો જબ્બરનો ઉછાળો આવ્યો છે.

લોકો એક દિવસમાં હીરો થઈ જાય છે - પછીના એક દિવસમાં પાછા ઝીરો થઈ જાય છે, એ અલગ વાત છે. 'નેશન વૉન્ટ્સ ટૂ નૉ'ની રાડારાડીવાળા રોજેરોજના હીરો અને ઝીરોના ટીવીના અને ટ્ટિટર ટ્રૅન્ડસના જમાનામા પોતાના ક્ષેત્રમા ખાસ કોલાહલ વગર મૂંગું-મૂંગું કામ કરીને આયખું ખપાવી દેનારા માણસો કે કલાકારોની જોઈએ એવી નોંધ નથી લેવાતી.

જોકે, એમને એની કોઈ ફરિયાદ નથી કે કોઈ ખોટ પણ નથી. એમનાથી અજાણ્યા રહેવામાં નુકસાન તો આપણું છે, આપણી આવનારી પેઢીઓનું છે.

'રંગલા'ના ઉપનામથી વધુ જાણીતા આપણા નાટ્યઅભિનેતા ડૉ. જ્યંતી પટેલ અમેરિકામાં સ્વામી અભિનયાનંદ તરીકે ઓળખાતા હતા.

એમના આશ્રમ અને શિબિરોમા નાટકો થતાં, યોગ થતા, હાસ્યના ફુવારા ઊડતા અને જીવનના પાઠ પણ ભણાવાતા.

આ જીવનપાઠના ડૉ. જ્યંતી પટેલ જ્ઞાતા હતા અને એટલે જ એમની બાયૉગ્રાફીનુ નામ છે 'સેલિબ્રેશન વિથ રિસ્ક ઑફ લાઇફ'


પછી રંગલાને ખબર પડી કે પગમાં તો ગોળી વાગી છે

Image copyright Hasmukh Baradi Theatre Archives of Theatre Media C

જોખમ જ્યંતિ પટેલના જીવનમાં ડગલેને પગલે હતું, કારણ કે એ મૂળ અમારા અમદાવાદના દરિયાપુર વિસ્તારના નિવાસી.

દરિયાપુર અને ખાડિયા અમદાવાદના બે એવા તોફાની વિસ્તારો જેનાથી અંગ્રેજો પણ ગભરાતા.

1942 હોય, 1974 -75 કે 1985 અમે તોફાનોમાં પોલીસના દાંત ખાટા કરી, શાંતિથી ઘરમાં આવીને બેસી જઈએ. ઘરવાળાને પણ બહુ ઓછી ખબર હોય, કે અમે બહાર શું કરી આવ્યા.

જ્યંતી પટેલે આવા દરિયાપુરમાં જીવનની પહેલી પચીસી ગાળી. 1942નો એ જુવાળ હતો. સરદાર પટેલે હાકલ કરી હતી કે સ્કૂલો-કૉલેજો છોડો અને સ્વાતંત્ર્ય સંગ્રામમા જોડાઈ જાવ.

એ વખતના નેતાઓનો ભરોસો એવો કે લોકો એ કહે એમ કરતા કેમ કે નેતાઓ પણ પોતે કહે એ પોતે કરતા. બીજાના છોકરાને શહીદ કરી પોતે આઘા નહોતા રહેતા.

જ્યંતીલાલે કૉલેજ છોડી અને અંગ્રેજ પોલીસ સામે લડવાની તૈયારી કરી. વડીલોને ખબર પડી એટલે એમને ઘરના બાથરૂમમાં પૂરી દીધા. તો એ બાથરૂમની બારીમાથી પાઇપ પકડીને બહાર નીકળી ગયા.

દોસ્તારો સાથે સરઘસ કાઢીને પોળને નાકે ગયા. ત્યાં અંગ્રેજ પોલીસનો ગોળીબાર શરૂ થયો. એક ગોળી બાજુમા જ ઊભેલા ભાઈબંધના પેટને વીંધીને નીકળી ગઈ.

ભાઈબંધને બચાવવા જાય પણ પગ જ ના ઉપડે. છેક ત્યારે ખબર પડી કે એક ગોળી એમના પગમા પણ વાગી હતી. એ ગોળીએ એમને આખી જીંદગી લંગડાતા ચલાવ્યા.

અમદાવાદમાં જ ટકી રહ્યા હોત તો સ્વાતંત્ર્ય સંગ્રામના મોટા નેતા થયા હોત પણ ટકવાનુ 'રંગલા'ના સ્વભાવમા જ નહોતું. 'રંગલા'ને ટકવું નહોતું બસ જીવનરસનો ચટકો લેવો હતો.

આર્ટસ કૉલેજમાં એમના સાહિત્યગુરુ રામનારાયણ પાઠકે પૂછેલો પ્રશ્ન એમનો જીવનમંત્ર બની ગયો હતો.

પાઠક સાહેબે પૂછ્યું, "જીવનમા ઉત્તમ કળા કઈ?" વિદ્યાર્થીઓએ જાત-જાતના જવાબો આપ્યા - "શિલ્પકળા, ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા, નાટ્યકળા..." બધાના જવાબ "ના."

ગુરુએ જીવનમંત્ર આપ્યો - "બધી કળાઓમા શ્રેષ્ઠ છે, જિંદગી આનંદથી જીવવાની કળા. એ જ એક સર્વોત્તમ કળા, આનંદનુ એન્જિન લઈ દરેક ક્ષણે આગળ વધતા જાઓ. જરુર પડે ડબ્બા બદલો, એંજિન નહીં."

'રંગલા'ના જીવનની બીજી પચીસી મુબઈની રંગભૂમિ પર વીતી. જાત-જાતનાં ને ભાત-ભાતનાં નાટકો કર્યાં. મુંબઈમાં જ ટકી રહ્યા હોત તો ગુજરાતી રંગભૂમિ-ફિલ્મોના મોટા સુપરસ્ટાર હોત. પણ ના, નાટકના અભ્યાસ માટે જહૉન એફ. કૅનેડી સ્કૉલરશિપ મળતા અમેરિકા ઉપડ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?


હું તો બસ ફરવા આવ્યો છું!

Image copyright Hasmukh Baradi Theatre Archives of Theatre Media C

અમેરિકાની 1975ની હિપ્પી સંસ્કૃતિ એમના અલ્લડ જીવને ગમી ગઈ. ત્યા આનંદ આશ્રમના સ્વામી બ્રહ્માનંદ મળી ગયા.

એમની સલાહથી નાટ્યશાસ્ત્રમાં પીએચડીનો અભ્યાસ કરી ડૉકટર થયા. નાટકો લખ્યાં-ભજવ્યાં અને શીખવ્યાં. યોગ કર્યા અને કરાવ્યા. પુસ્તકો લખ્યાં અને કાર્ટૂન-કૅરીકૅચર પર પણ હાથ અજમાવ્યો.

અમેરિકામાં આશ્રમ પકડીને બેસી રહ્યા હોત તો મોટા ઇન્ટરનેશનલ યોગી થઈ ગયા હોત પણ ના. પગ વાળીને બેસવું એમના સ્વભાવમાં જ નહોતું.

જીવનના છેલ્લા દાયકાઓમાં એમને મૂળિયાં યાદ આવ્યાં અને એ પાછા દેશમાં આવ્યા, જૂના અમદાવાદના કોટ વિસ્તાર દરિયાપુરની એમની હનુમાનવાળી પોળમાં.

છેલ્લાં વર્ષોમાં એમનાં તોફાનો શાંત થયાં હતાં. આખરી વર્ષોમાં એ કલાકાર વેદકાળના કોઈ ઋષિ જેવા લગતા હતા.

અમદાવાદની ગરમ હવામાં ફરફરતા રૂપેરી વાળ અને લાંબી દાઢીથી શોભતા એમના ગૌર ચહેરા પર હંમેશાં નિર્મળ આનંદ છવાયેલો રહેતો અને એ આનંદનો અહેસાસ એમને મળનારને પણ થતો.

પરંતુ એમના શાંત દેખાતા ચહેરાની પાછળ એમની આંખોના ઊંડાણમાં જો તમે જોઈ શકો તો હજી એમને ક્યાંક જવાની ઝંખના હોય એમ વર્તાતું. આપણને શી ખબર, એ ઝંખના આ લોક છોડીને પરલોક જવાની હશે!

કવિ નિરંજન ભગતની એક કવિતાએ એમને ક્યાય જંપીને બેસવા ન દીધા -

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા

ને ચહેરા ચમકે નવા નવા !

-રે ચહું ન પાછો ઘેર જવા !

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બેચાર ઘડી

ને ગાઈ શકું બેચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.