Article 15 : આયુષ્માન ખુરાનાની ફિલ્મના ટ્રેલર પર વિવાદ કેમ થઈ રહ્યો છે?

Image copyright ZEE/TRAILERGRAB
ફોટો લાઈન આર્ટિકલ 15ના એક સીનમાં આયુષ્માન ખુરાના

"ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મ સ્થળ અથવા તો તેમાંથી બીજા કોઈ પણ આધારે રાજ્ય પોતાના કોઈ નાગરિક સાથે ભેદભાવ કરશે નહીં. આ હું કહી રહ્યો નથી, ભારતના બંધારણમાં લખાયેલું છે."

અનુભવ સિંહા નિર્દેશિત અને આયુષ્માન ખુરાના દ્વારા અભિનીત આર્ટિકલ 15નો માત્ર એક ડાયલૉગ સમજવાની ભૂલ ન કરશો. આ ભારતના બંધારણના આર્ટિકલ 15ની પહેલી લાઇન છે. આર્ટિકલ 15 એટલે કે સમાનતાનો અધિકાર.

આમ તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે અલગ અલગ કારણોસર ચર્ચામાં રહ્યું છે.

ક્યારેક સત્તામાં બેઠેલા લોકો તરફથી બંધારણ સુધારણા મામલે તો ક્યારેક વિપક્ષી પાર્ટીઓ તરફથી બંધારણીય મૂલ્યો ખતરામાં હોવાનું બતાવવાના કારણે.

આવામાં જ્યારે 'આર્ટિકલ 15' નામની ફિલ્મ આવી રહી છે તો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. રિલીઝની થોડી જ કલાકોમાં આર્ટિકલ 15ના ટ્રેલરને લાખો લોકોએ જોઈ લીધું હતું.

ત્યારે સૌથી પહેલા જાણો કે આર્ટિકલ 15 શું છે અને કેમ વર્તમાન સમયગાળા દરમિયાન આ આર્ટિકલ પર ફિલ્મના બહાને થઈ રહેલી ચર્ચાને કેટલાક લોકો જરૂરી માની રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સમાનતાનો અધિકાર એટલે આર્ટિકલ 15

Image copyright AFP
ફોટો લાઈન ભારતના બંધારણમાં આર્ટિકલ 15 દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપે છે

15(1). રાજ્ય કોઈ નાગરિક સાથે માત્ર ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, જન્મ સ્થળ કે તેમાંથી બીજા કોઈ આધારે ભેદભાવ નહીં કરે.

આ આર્ટિકલ 15 વિશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અવનિ બંસલ કહે છે કે બંધારણ સમાનતાનો અધિકાર આપે છે.

બંધારણની રચના જ એ આધારે કરવામાં આવી છે કે દેશના કોઈ નાગરિક સાથે ભેદભાવ ન થાય પરંતુ હકીકત તો એ છે કે બંધારણમાં લેખિત તથ્યોનું જમીની સ્તરે પાલન થઈ શકતું નથી.

Image copyright LEGISLATIVE.GOV.IN

અવનિ માને છે કે ભલે કાયદો ગમે તે કહે પરંતુ તેને જમીની સ્તર પર લાગુ કરાવવાની જવાબદારી સરકારની છે અને તેવામાં એ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે સરકાર તેનું કડક રીતે પાલન કરાવે.

ઊનામાં દલિતો સાથે મારપીટ. દેશના અલગ અલગ વિસ્તારોમાં દલિતોનો વરઘોડો રોકવો અને મુસ્લિમો સાથે ગાય મામલે મારપીટ કે ભેદભાવ. આવી ઘટનાઓને યાદ કરવામાં આવે તો તમને જાણવા મળશે કે આર્ટિકલ 15ને વારંવાર યાદ રાખવાની જરૂર કેમ છે?

ફિલ્મ આર્ટિકલ 15ની કહાણી શું છે?

Image copyright ZEE/TRAILERGRAB
ફોટો લાઈન આર્ટિકલ 15 ફિલ્મના કેટલાંક દૃશ્ય બદાયૂંના કટરા શહાદતગંજ ગામમાં બે પિતરાઈ બહેનોનાં મત્યુ સાથે જોડાયેલા લાગે છે

આર્ટિકલ 15ના ટ્રેલરમાં કેટલાક દૃશ્યો વર્ષ 2014માં બદાયૂંના કટરા શહાદતગંજ ગામમાં બે પિતરાઈ બહેનોના મૃત્યુ સાથે જોડાયેલા લાગે છે.

આ મામલે બે પિતરાઈ બહેનોનાં મૃતદેહો ઝાડ પર લટકેલાં મળ્યા હતા. પહેલા ગૅંગરેપ બાદ હત્યાની વાત કહેવામાં આવી, પછી કહેવામાં આવ્યું કે બન્ને બહેનોએ આત્મહત્યા કરી લીધી.

ઘણી વખત એવા નિવેદનો પણ સામે આવ્યા કે જેમાં એમ કહેવામાં આવ્યું કે છોકરીઓનાં માતાપિતાએ તેમની હત્યા કરી નાખી.

આર્ટિકલ 15 ફિલ્મના સહ લેખક ગૌરવ સોલંકીએ બીબીસી હિંદીને જણાવ્યું, "આ ફિલ્મ માત્ર એક ઘટના પર આધારિત નથી. દરરોજ કંઈક ને કંઈક એવું બની રહ્યું છે અને આ ફિલ્મ એ ઘટનાઓનો સમાવેશ કરી રહી છે."

પરંતુ આ ફિલ્મ બનાવવાની જરૂર કેમ પડી?

આ સવાલના જવાબમાં ગૌરવ કહે છે, "સામાન્યપણે શહેરોમાં રહેતા એક મોટા વર્ગને એવું લાગે છે કે જાત-પાતનો ભેદભાવ હવે રહ્યો નથી. આ બધું જૂના જમાનાની વાત છે. પરંતુ એવું નથી. દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ આ પ્રકારનો ભેદભાવ છે."

આર્ટિકલ 15ની કહાણી કેટલી અસરકારક હશે?

Image copyright AFP
ફોટો લાઈન દેશમાં ઘટેલી અલગ અલગ ઘટનાઓને યાદ કરી કહી શકાય કે આર્ટિકલ 15ને વારંવાર યાદ રાખવાની જરૂર કેમ છે

ટ્રેલરમાં આયુષ્માન ખુરાના ભેદભાવનો અંત લાવવાની વાત કરતા જોવા મળે છે.

આ ફિલ્મ 20 જૂનના રોજ રિલીઝ થવાની છે પરંતુ કેટલાક લોકોએ ટ્રેલર પર વાંધો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. વરિષ્ઠ પત્રકાર દિલીપ મંડલનું માનવું છે કે આ પ્રકારની ફિલ્મથી કોઈ ફેર પડવાનો નથી.

દિલીપ મંડલ કહે છે, "આ એન્ટિ-કાસ્ટ ફિલ્મ નથી પરંતુ જાતિ મામલે સમાજમાં ચાલી રહેલી જે ધારણાઓ છે, આ ફિલ્મ તેને જ પુષ્ટ કરે છે. આ ફિલ્મ માને છે કે દલિતોને આજે પણ પોતાના ઉદ્ધાર માટે એક મુક્તિ દાતાની જરૂર છે અને આ કામ દલિત જાતે કરી શકતા નથી. ફિલ્મમાં આ ઉદ્ધારકર્તા એક બ્રાહ્મણ IPS છે."

દિલીપ કહે છે, "કોઈ પણ સમાજમાં પરિવર્તન આંતરિકરૂપે જ થાય છે, તેને બહાર થોપી શકાતું નથી અને એવું જ માનવું જોઈએ કે દલિત પોતાની લડાઈ લડી રહ્યા છે અને પરિવર્તન થઈ રહ્યું છે. આ ફિલ્મ ચાલી રહેલી લડાઈને પાછળ જ લઈ જશે."

પરંતુ ગૌરવ ફિલ્મ મામલે હાલ એક ધારણા બાંધી લેવાની વાતને ઉતાવળ સમજે છે. તેમનું કહેવું છે કે ટ્રેલર કોઈ પણ ફિલ્મનો એક નાનો એવો ભાગ હોય છે, તેના આધારે આખી ફિલ્મની કલ્પના કરી લેવી યોગ્ય નથી.

હવે ફિલ્મ આ વિચારને આગળ લઈ જશે કે ખરેખર પરિવર્તન લાવવામાં સફળ થશે તે તો 20 તારીખ બાદ જ નક્કી થઈ શકશે.

પણ જેવો ફિલ્મ દાવો કરી રહી છે કે તે સત્ય ઘટનાઓ પર આધારિત છે તો આવો તમને આ ફિલ્મના એક સીન સાથે મૂકી જઈએ. જેથી તમે નક્કી કરી શકો કે ટ્રેલર ખરેખર સત્યતાની નજીક છે?

Image copyright Getty Images
ફોટો લાઈન બંધારણની રચના એ આધારે કરવામાં આવી છે કે દેશના કોઈ નાગરિક સાથે ભેદભાવ ન થાય

ફિલ્મના એક દૃશ્યમાં આયુષ્માન એક અધિકારી સાથે બેસીને વાત કરી રહ્યા છે.

"સર યે તીન લડકીયાં અપની દિહાડી મેં સિર્ફ તીન રૂપિયે અધિક માંગ રહી થી.

સિર્ફ તીન રૂપિયે..

જો મિનરલ વૉટર આપ પી રહે હે, ઉસકે દો યા તીન ઘૂંટ કે બરાબર

ઉનકી ઈસ ગલતી કી વજહ સે ઉનકા રેપ હો ગયા સર

ઉનકો મારકર પેડ પર ટાંગ દિયા ગયા તાકિ પૂરી જાત કો ઉનકી ઔકાત યાદ રહે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો