ICC WC IND vs SA : વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાના ત્રણ ગુજરાતીઓ પર રહેશે સહુની નજર

બૂમરાહ અને કોહલી Image copyright Getty Images

કૅપ્ટન વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી મહત્વના પ્રવાસ પર છે. કરોડોની અપેક્ષાના દબાણ હેઠળ આજે ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની તેની પ્રથમ મૅચ દક્ષિણ આફ્રિકા સામે રમશે જેમાં સહુની નજર ટીમ ઇન્ડિયાના સ્ટાર ત્રણ ગુજરાતીઓ પર હશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે અહીંના રોઝ બાઉલ ખાતે મૅચ રમાશે.

ભારત માટે આ મૅચનું આકર્ષણ ત્રણ ગુજરાતીઓ રહેશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય ટીમમાં એક સાથે ત્રણ ગુજરાતી રમે તેવી શક્યતા છે જેમાં જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાનું સ્થાન તો નિશ્ચિત ગણાય છે. હવે જો રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાશે તો એક સાથે ત્રણ ગુજરાતીઓ આ મૅચમાં રમશે.

સાઉથ આફ્રિકા માટે આ મૅચ કપરા ચઢાણ સમાન છે કેમ કે ટુર્નામેન્ટમાં તેનો પ્રારંભ કંગાળ રહ્યો છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ રવિવારે બાંગ્લાદેશે અપસેટ સર્જીને ફાફ ડૂ પ્લેસિસની ટીમને હરાવી હતી.

સાઉથ આફ્રિકન ટીમ દબાણ હેઠળ છે જેની સામે ભારતને મનોવૈજ્ઞાનિક લાભ એ રહેશે કે અત્યાર સુધીમાં બાકીની તમામ ટીમ ઓછામાં ઓછી એક મૅચ તો રમી ચૂકી છે જ્યારે કોહલીની ટીમ પહેલી વાર રમે છે.

મૅચ મોડી હોવાને લીધે ટીમ કોહલીને અન્ય ટીમોની સરખામણીમાં પીચનો અભ્યાસ કરવાનો પણ સમય મળી ગયો હશે એમ માની શકાય છે.


ભારતનો વિશ્વ કપ પર દાવો

Image copyright Getty Images

વિરાટ કોહલી વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પૈકીનો એક છે પરંતુ આ વર્લ્ડ કપમાં તેણે એક સારા આગેવાન તરીકે બહાર આવવાનું છે.

વન-ડે અને ટેસ્ટમાં તો તે સફળ કેપ્ટન સાબિત થઈ જ ચૂક્યો છે પરંતુ આ વર્લ્ડ કપમાં તેની એક આગેવાન તરીકે કસોટી થશે.

ભારતની ટીમ માત્ર આ મૅચ નહીં પરંતુ વર્તમાન ટૂર્નામેન્ટ માટે ફેવરિટ મનાય છે તેનું એક કારણ એ છે કે તેની પાસે એક કરતાં વધારે મેચ વિનર ખેલાડીઓ છે.

વિરાટ કોહલી ખુદ એ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. એક બૅટ્સમેન તરીકે કોહલી અત્યારે વિશ્વશ્રેષ્ઠ છે.

ટીમમાં શિખર ધવન અને રોહિત શર્મા જેવા ઓપનર છે તો મહેન્દ્રસિંહ ધોની જેવો ચબરાક વિકેટકીપર ઉપરાંત નીતિવિષયક નિર્ણયમાં માહેર ખેલાડી છે.

જસપ્રિત બુમરાહ જેવો ખતરનાક બોલર છે. આ ઉપરાંત કુલદીપ યાદવ અને ચહલ જેવા સ્પિનર છે તો હાર્દિક પંડ્યા જેવો આક્રમક ઓલરાઉન્ડર છે જેનું ફોર્મ તાજેતરમાં આઇપીએલમાં પુરવાર થઈ ગયું છે.

જોકે 2011ની ધોનીની ચેમ્પિયન ટીમ જેટલા સ્ટાર આ ટીમમાં નથી તેમ છતાં ઉપલબ્ધ ખેલાડીઓ ગજબની પ્રતિભા ધરાવે છે.

એ વખતની ટીમમાં સચિન તેંડુલકર, સહેવાગ, ઝહિર ખાન, યુવરાજસિંઘ, ગૌતમ ગંભીર અને હરભજનસિંઘ હતા. મુનાફ પટેલ, આશિષ નહેરા, સુરેશ રૈના અને ખુદ કોહલી પણ એ ટીમમાં હતો.


આફ્રિકા દબાણ હેઠળ

Image copyright Getty Images

વર્તમાન ટૂર્નામેન્ટમાં રાઉન્જ રોબિન ધોરણે રમવાનું હોવાથી ભારતને દરેક હરીફ સામે એક એક મેચ રમવાની છે.

આ તમામ ટીમ અત્યાર સુધીમાં રમી ચૂકી છે. જેમાં સાઉથ આફ્રિકા તો બે મેચ રમ્યું છે અને બંનેમાં હાર્યું છે. આ રીતે પ્લેસિસની ટીમ વધુ દબાણમાં છે.

આ ઉપરાંત ટીમને મોટો ફટકો ઝડપી બોલરની લુંગી એંગિડીની ગેરહાજરીનો પડશે.

એંગિડી ઘાયલ છે અને તેને સ્થાને ડૅલ સ્ટેઇન ફિટ થશે કે કેમ તે અંગે હજી શંકા છે.

હાશીમ અમલા પ્રથમ મૅચમાં ઘાયલ થયો હતો હવે તે બુધવારની મેચમાં રમશે તેમ નક્કી થઈ ગયું છે જે સાઉથ આફ્રિકા માટે આશ્વાસજનક બાબત છે.

આ મેચ અગાઉ ભારત છેલ્લે ઇંગ્લૅન્ડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યું હતું જેમાં પાકિસ્તાન સામે તેનો પરાજય થયો હતો.

છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમમાં ઘણા પરિવર્તન થયા છે અને મોટા ભાગના ખેલાડી ફોર્મમાં છે.


રમનારી બંને ટીમ

ભારત : વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, કુલદીપ યાદવ, યજૂવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા.

સાઉથ આફ્રિકા : ફાફ ડુ પ્લેસિસ (સુકાની), ક્વિન્ટન ડી કોક, માર્કરામ, હશીમ અમલા, ડ્યુમિની, ડેવિડ મિલર, ડેલ સ્ટેઇન, રબાડા, પ્રિટોરિયસ, ફેહલુક્વાયો, શામસી, ઇમરાન તાહિર, લુંગી એંગિડી, ક્રિસ મોરીસ, વાન ડેર ડુસાન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો