પુણ્યતિથિ વિશેષ : એમ. એફ. હુસૈનની એ ઇચ્છા જે હંમેશાં માટે અધૂરી રહી ગઈ...

એમ. એફ. હુસૈન Image copyright Getty Images
ફોટો લાઈન એમ. એફ. હુસૈન

'હુસૈન દેખાય તો તેને મારી નાખીશું, તેમનું નાક કાપી લઈશું, તેમના હાથ કાપી લઈશું.' આવી ધમકીઓ છતાં તેમની ભારતમાં અને પોતાના જન્મસ્થળ પંઢરપુરમાં રહેવાની તીવ્ર ઇચ્છા હતી. જે અંતિમ સમય સુધી પૂરી થઈ શકી નહીં.

એમ. એફ. હુસૈનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સહિતના ઉચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છતાં તેમણે દેશ છોડવો પડ્યો.

દેશમાં પોતાની વિરુદ્ધ ઊઠેલા વિરોધ અને કોર્ટ કેસના કારણે તેમણે 2006માં દેશ છોડવો પડ્યો હતો.

9 જૂન, 2011ના રોજ તેમનું લંડન ખાતે નિધન થયું હતું.

Image copyright Anil relia
ફોટો લાઈન અનિલ રેલિયા સાથે ચિત્ર બનાવતા હુસૈન

આ અંગે અંતિમ સમયે તેમની સાથે રહેલા અમદાવાદના આર્ટ ક્યુરેટર અનિલ રેલિયાએ કહ્યું કે તેમણે 2006માં દેશ છોડ્યો એ પહેલાંનું અઠવાડિયું તો અમદાવાદમાં જ હતા.

અમદાવાદમાં જ તેમના પરદાદાને પણ દફનાવવામાં આવેલા અને અમદાવાદમાં તેમણે જીવનનો ઘણો સમય વિતાવ્યો.

અનિલ રેલિયા જણાવે છે, "તેમની છેક સુધી ભારત આવવાની ઇચ્છા હતી, પણ તેમને બહુ જ ધમકીઓ મળતી હતી."

"હિંદુ સામ્રાજ્ય સેના સહિતનાં જૂથોએ એમનાં ચિત્રોનો બહુ વિરોધ કર્યો. વારંવાર તેમનો વાંધો ઉઠાવ્યા કરે."

"આવાં જ જૂથોએ (અમદાવાદમાં આવેલી હુસૈનની) ગુફા પર પણ હુમલો કર્યો અને મુંબઈમાં તેમના ઘર પર પણ હુમલો કર્યો."

આ ઘટનાઓ પર હુસૈનના પ્રતિસાદ વિશે વાત કરતાં અનિલ રેલિયા જણાવે છે, "તેમને આ ઘટનાઓથી ઘણું દુઃખ થયું હતું."

તેઓ કહેતા કે મેં દેશની કળા માટે આટલું કર્યું અને ભારત સરકારે મને આટલા પુરસ્કારથી સન્માનિત કર્યા, પણ ત્યાં જ જો મારી કળાની કદર ન થાય તો કઈ રીતે રહેવું?"

હુસૈનને ધમકીઓ મળતી તે અંગે અનિલ રેલિયા કહે છે, "નાક કાપી નાંખીશું, હાથ કાપી નાંખીશું એવી ધમકીઓ મળતી હતી તેથી તેઓ દુબઈ ગયા અને પછી દોહામાં સ્થાઈ થયા અને અંતિમ સમયે લંડનમાં હતા."

રેલિાયએ હુસૈનના જીવનની ગુજરાતી કથા 'દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો', તેમજ 'ગજગામિની' ફિલ્મ પહેલાંની પ્રક્રિયા પરનું પુસ્તક 'આર્ટ ઍન્ડ સિનેમા' અને તેમજ ફિલ્મસેટ પર પહોંચ્યા પછીનું પુસ્તક 'જિનેસિસ ઑફ ગજગામિની' લખ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન અમદાવાદની ગુફા

અમદાવાદમાં બે વખત હુસૈનનો વિરોધ અને આંદોલન થયું તે અંગે તેમના પ્રતિસાદ વિશે અનિલ રેલિયા કહે છે:

"પહેલી વખત જ્યારે 1996-97માં તોડફોડ થઈ ત્યારે તેઓ લંડન હતા અને બીજી વખત થયું ત્યારે તેઓ મુંબઈમાં હતા."

એક ચિત્રકાર સામે 'હુસૈન-દોશીની ગુફા' રૂપે એક પડકારરૂપ કૅન્વાસ તૈયાર કરી આપનાર સ્થપતિ મિત્ર બાલકૃષ્ણ દોશી કહે છે:

"અમે કલ્પનાને જીવંત રાખવામાં માનતા લોકો છીએ. તેથી જે થયું એનું દુઃખ નથી."

"ભૂકંપ કે વરસાદથી પણ સારી વસ્તુ તૂટી જાય તો તમે શું કરી શકો. આ કલ્પનાનું સર્જન છે અને કલ્પનાને જીવંત રાખીને તેનો આનંદ અમે માણ્યો છે, પરંતુ તેણે દેશ છોડ્યા પછી હું એને મળ્યો જ નથી."


'હુસૈનને મેં ભારતરત્ન ન લેવા દીધો'

Image copyright Getty Images
ફોટો લાઈન હુસૈનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ

અમદાવાદમાં હુસૈન-દોશી ગુફા પર હિંદુ સામ્રાજ્ય સેનાએ હુમલો કર્યો હતો.

આ વિરોધ-પ્રદર્શનની આગેવાની લેનારા અને હાલ શિવસેનામાં પ્રદેશ પ્રતિનિધિ તરીકે કાર્યરત અશોક શર્મા જણાવે છે:

"ત્યારે હું શિવસેનામાં નહોતો. એણે હિંદુ દેવી-દેવીનાં નગ્ન ચિત્રો બનાવ્યાં અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી. તેની ગંદી માનસિકતાએ હિંદુ સનાતન ધર્મને દુનિયામાં વેચવાનું કામ કર્યું. તેથી અમે એનો વિરોધ કર્યો."

"સરસ્વતી માતાનાં શ્વેત વસ્ત્રો દૂર કરીને તેમનાં નગ્ન ચિત્રો બનાવ્યાં, ગણપતિનું નગ્ન ચિત્ર બનાવ્યું. કેટલાંક એવાં ચિત્રો હતાં, જેમાં હાથી છોકરીઓ સાથે શરીર સંબંધ ધરાવતા હોય. તેની આ ગંદી માનસિકતા સામે અમારો વિરોધ હતો."

"જો એણે પયગંબરનાં આવાં ચિત્ર બનાવ્યાં હોત તો તેનાં ચીંથરાં પણ મળ્યાં ન હોત. એટલે અમે ગુફામાં તોડફોડ કરી. તેથી એની સામે હું છેક સુધી લડ્યો."

"2008માં તેને કલાક્ષેત્રનો 'ભારતરત્ન' મળે તેના માટે કેટલાક લોકોએ બહુ ઝુંબેશ ચલાવી, મેં ત્યારે તેના પર હુમલો ન કર્યો હોત તો એનો 'ભારતરત્ન' પાક્કો હતો."

"જેણે ભારત માતાનું નગ્ન ચિત્ર બનાવ્યું હોય તેને 'ભારતરત્ન' મળે તેનાથી મોટું દેશનું દુર્ભાગ્ય શું હોઈ શકે? બાદમાં તેણે દેશ અને દેશનું નાગરિકત્વ છોડી દીધું."

"એ ભારતીય સંસ્કૃતિ છે, જેણે દુનિયાને સભ્ય સમાજમાં કપડાં પહેરીને રહેતાં શીખવ્યું. આ સંસ્કૃતિનું હુસૈને અપમાન કર્યું."

"મેં અમદાવાદ અને ગુજરાતમાં એની 'ગજગામિની' ફિલ્મ રિલીઝ થવા દીધી નહીં. શહેરમાં તેમનો એક કાર્યક્રમ થવાનો હતો તેને પણ અમે અટકાવ્યો હતો."


વિવાદો વચ્ચે લોકપ્રિય

Image copyright Anil relia

હુસૈને તેમના જ વિરુદ્ધ થયેલા કેસ માટેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યૂમાં ટાંકતા કહ્યું હતું, "કળા જોખમી છે અને તે જોખમી ન હોય તો કલા નથી."

"ઇતિહાસમાં કાલિદાસ હોય કે રાજા રવિ વર્મા, હંમેશાં એવું જ રહ્યું છે. મેં જ્યારે પણ જે કંઈ કર્યું એ સમર્પણભાવ અને પ્રેમથી કર્યું છે, કોઈને દુઃખી કરવા માટે નહીં. તેથી માફી માગવાનો પ્રશ્ન નથી."

"પણ હું ઇચ્છીશ કે લોકો મને એક ક્રાંતિકારી વ્યક્તિ તરીકે ઓળખે."

હુસૈને વિવિધ ઇન્ટરવ્યૂમાં હંમેશાં કહ્યું હતું કે 'દરેક નારીચિત્રોમાં હું મારી ક્યારેય નહીં જોઈ શકેલી માને શોધતો રહ્યો છું. આ ચિત્રો મારી લાગણીઓનું પ્રતિબિંબ છે.'


'સપનાંમાં આવતાં સપનાં જેવી જગ્યા'

Image copyright Getty Images
ફોટો લાઈન બાલકૃષ્ણ દોશી

આ અંગે બાલકૃષ્ણ દોશી કહે છે, "જ્યારે કોઈ અદભુત વ્યક્તિ તમને પડકાર આપે તો તમારે પણ એનો સામનો એ રીતે કરવો પડે કે જે તેના માટે પડકાર બની જાય. મારે મકાન જેવું મકાન બનાવવું નહોતું અને જો એમાં એને ચિત્ર કરવું પડે તો શું થાય? "

"મારે એને કોઈ ભેટ આપવી હોય તો સમય, વિચારધારા અને માળખાઓને ઓળંગી જાય તેવું કામ કરવું પડે."

"આર્કિટેક્ટ અને આર્ટિસ્ટ બંનેએ જોયું નથી, અનુભવ્યું નથી એવો અનુભવ લાવવો જોઈએ અને જગતના લોકો સમક્ષ એ જ પ્રદર્શિત કરવો જોઈએ."

"આ ગુફા જેવી ગુફા પણ નથી, નથી ગૅલરી જેવી ગૅલરી, નથી મકાન જેવું મકાન, તેથી દરેક રીતે આ એક અપવાદ છે."


આ કક્ષાનું દુનિયાનું એકમાત્ર ચિત્ર

Image copyright Anil ralia
ફોટો લાઈન ગુફામાં ચિત્ર બનાવતા હુસૈન

બી. વી. દોશી કહે છે, "આ કક્ષાનું આ રીતે બનેલું હુસૈનનું ચિત્ર વિશ્વમાં આ એક જ છે. આમ, ગુફા તો બનતી ગઈ, ધીરે ધીરે ખૂલતી ગઈ. તેમાં ગુંબજ છે, વાંકું-ચૂકું છે, જાણે બહારની દુનિયામાંથી આવેલું પ્રાણી."

"એના આકાર અલગ, થાંભલા અલગ, અનુભવ અલગ છે. તેની ઉપર પણ શેષનાગ છે અને આ બાંધ્યું છે આદિવાસી લોકોએ."

ગુફાની રચના અંગે દોશી જણાવે છે, "એણે કૅન્વાસ પર ચિત્રો બનાવેલાં, એણે ફિલ્મ બનાવેલી તેથી મારે એવું કશુંક કરવું પડે કે એને દીવાલ પણ ન મળે અને સીધી ચોરસ સપાટી પણ ન મળે. તેમાંથી પછી એને ચિત્ર કરવું પડે."

"ગુફા બન્યા પછી થોડાં વર્ષો સુધી તો એણે કશું દોર્યું જ નહીં. પછી થોડા મહિના પછી આવીને એણે એક ઘોડાનું મોઢું દોર્યું અને એક લાઇન કરી."

"ફરી થોડાં વર્ષો વીતી ગયા, મેં કહ્યું કે તારે કંઈક કરવું પડે. તો એ કહે, પણ મને સમજાતું નથી શું કરવું. પછી તેણે છત પર ચિત્ર બનાવ્યું. તેના માટે અમે એને એક મૉડલ મોકલ્યું, એમાં એણે જે પેઇન્ટિંગ કર્યું એ અમે અહીં બીજા કલાકારો પાસે કરાવ્યું જે એને પસંદ પડ્યું."

'તેમનામાં લોકપ્રિય થવાની આવડત હતી'

Image copyright vrundavan solanki
ફોટો લાઈન વૃંદાવન સોલંકીએ બનાવેલું હુસૈનનું સ્કેચ

17 સપ્ટેમ્બર, 1915ના રોજ મહારાષ્ટ્રના પંઢરપુરમાં જન્મેલા એમ. એફ. હુસૈન વિશે જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકી કહે છે:

"ભારતમાં હજુ એ માહોલ નથી કે ચિત્રકારો લોકો વચ્ચે જાણીતા હોય."

"પરંતુ એમ. એફ. હુસેન એવા ચિત્રકાર હતા જેમને ચ્હાની કીટલીવાળાથી લઈને દેશ-વિદેશના કલાકારો પણ ઓળખતા. તેમનામાં લોકો સુધી પહોંચવાની આવડત હતી."

એમ. એફ. હુસૈનના એકમાત્ર ભારતીય કલાકાર હતા જેમને 1971માં બ્રાઝિલમાં યોજાયેલા સાઉ પોલો બાયનિયલ ખાતે વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર પાબ્લો પિકાસો સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


ચિત્રકારોની આવક વધારવામાં હુસૈનનો સિંહફાળો

Image copyright Anil ralia
ફોટો લાઈન હુસૈનના ઘોડાનાં જાણીતાં ચિત્રોમાંનું એક

હુસૈન બરોડાની એક મદરેસામાં કેલિગ્રાફીનો અભ્યાસ કરતાં ત્યારથી જ તેમને ચિત્રકળામાં રસ પડ્યો હતો.

હુસૈનના શરૂઆતના કામ વિશે વૃંદાવન સોલંકી કહે છે, "તેમણે બેન્દ્રે સાહેબને કહેલું ભારતીય ચિત્રકારોને યોગ્ય કિંમત નથી મળતી, આથી ચિત્રોની કિંમત વધારવી જોઈએ."

"ત્યારે બેન્દ્રે સાહેબ તો સહમત ન થયા, પણ હુસૈને પોતાનાં ચિત્રોની કિંમત વધારીને એક નવો ટ્રૅન્ડ સેટ કર્યો. જેનો તેમના સમકાલીન ચિત્રકારોને પણ લાભ થયો."


તેમને વિચિત્ર કામ સૂઝતાં

Image copyright Anil relia
ફોટો લાઈન ચિત્રકાર અમિત અંબાલાલ અને અનિલ રેલિયા સાથે હુસૈન

ચિત્રોને કલાથી આગળ લઈ જઈને એક રોકાણ બનાવવામાં હુસૈનનો સિંહફાળો છે.

વૃંદાવન સોલંકી તેમના સર્જનાત્મક પાસા વિશે કહે છે, "જ્યારે કલાકારો એક સ્ટુડિયોમાં બેસીને ચિત્રો બનાવતાં ત્યારે હુસૈન આ કળાને બહાર લઈ ગયા."

"તેઓ ગામડે-ગામડે ફરતાં. તેમણે રાજસ્થાન પર એક ફિલ્મ પણ બનાવી, જેને ઍવૉર્ડ્ઝ પણ મળેલા."

"તેઓ જહાંગીર આર્ટ ગૅલરીમાં એક જીપ લઈ આવેલા અને તેનાં પર ચિત્રો દોરેલાં. હું મુંબઈમાં શો કરું ત્યારે હંમેશાં એ મુલાકાત લેતા."

"ભારતીય ચિત્ર જગતમાં ત્રણ જ કલાકારો એવા થયા જેમની આભા તમને સ્પર્શે અને ઊર્જા અનુભવાય, તેમાં હુસૈન, કે. જી. સુબ્રમણ્યમ અને રઝા ગણી શકાય."


"મેં તેમની સાથે 34 વખત 'હમ આપકે હૈ કૌન' ફિલ્મ જોઈ

Image copyright Anil relia
ફોટો લાઈન અનિલ રેલિયા સાથે એમ. એફ. હુસૈન

રેલિયા કહે છે, "હુસૈને 'હમ આપ કે હૈ કૌન' ફિલ્મ અમદાવાદમાં પહેલી વખત જોઈ અને માધુરીના પ્રેમમાં પડી ગયા. એ ફિલ્મ મેં તેમની સાથે 34 વખત જોઈ. તેમણે તો 60થી પણ વધુ વખત જોઈ હતી. તેમણે કહ્યું કે આ છોકરી ભારતીય નારીત્વની ઓળખ બની શકે છે."

"તેમને માધુરીની બૉડી લૅંન્ગ્વેજ ગમી અને તેના પરથી 'ગજગામિની' બનાવવાનું નક્કી કર્યું, તેનો પહેલો રોલ મારે ત્યાં લખાયો."

હુસૈનની ચિત્ર બનાવવાની આદત અંગે રેલિયા ઉમેરે છે, "અમે ઘણી વખત ફિલ્મ જોવા ગયા હોય અને તેઓ ફિલ્મમાં જ ચિત્ર બનાવવા લાગે."

"ઘણી વખત ફિલ્મમાંથી બહાર આવીને ચિત્ર બનાવવા બેસી જાય. એ બધાં જ માધુરીનાં ચિત્રો. તેના પરથી અમે આખા સેરિગ્રાફ કર્યા, જેના દેશ-દુનિયામાં ઍક્ઝિબિશન કર્યાં."


પગમાં જૂતાં પહેરવાનાં બંધ કર્યાં

Image copyright Anil relia
ફોટો લાઈન ખુલ્લા પગે હુસૈન

હુસૈને પોતાના જીવનમાં ઘણી નાની ઉંમરથી પગમાં જૂતાં પહેરવનાં બંધ કરેલાં. આ અંગે અનિલ રેલિયાએ તેમને સવાલો પણ કરેલા, જેના હુસૈને ત્રણ જવાબ આપ્યા હતા.

  • મુક્તિબોધ કરીને જાણીતા કવિ હતા. તેમના માટે હુસૈન સાહેબને બહુ માન હતું. તેમને મળવા માટે હુસૈન દિલ્હી પહોંચ્યા, ત્યારે તેમની અંતિમયાત્રા નીકળતી હતી. તેઓ ચંપલ કાઢીને નનામી ઊઠાવીને લોકો સાથે જોડાયા. ખુલ્લા પગે સ્મશાન સુધી ગયા અને ત્યારથી ચંપલનો ત્યાગ કરી દીધો.
  • હુસૈન એક વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયેલું. તેમણે હુસૈનને ચંપલ પહેરેલા જોયા જ નહોતા. તેથી સમજણ આવી ત્યારથી તેમણે ચંપલ પહેરવાનું છોડી દીધું.
  • ચંપલ નહીં પહેરવાથી હું ધરતીમાતા સાથે જોડાયેલો રહું છું. મા સાથેના સંબંધમાં વચ્ચે કોઈ આવરણની શા માટે જરૂર પડે.

"જ્યારે હુમલો થયો ત્યારે તેઓ લંડન હતા, તો તેમને સમાચાર મળતાં રાત્રે ફોન આવેલો. તેમણે ગુફા કે ચિત્રોના નુકસાન વિશે કશું જ ન પૂછ્યું અને ત્યાં હાજર દરેક કર્મચારીના એક-એકનાં નામ પૂછીને કહ્યું કે તેમને કોઈને ઈજા તો નથી થઈ ને? તેમનો દૃષ્ટિકોણ હંમેશા માનવતા તરફી જ રહ્યો છે."


'મને લોકો એમ.એસ.હસન તરીકે ઓળખતા થયા'

Image copyright Tushar shukla
ફોટો લાઈન 'બે યાર' ફિલ્મના સેટ પર દર્શન જરીવાલા અને તુષાર શુક્લ

હુસૈનના અમદાવાદપ્રેમ અને લકી ટી સ્ટોલને તેમણે આપેલા ચિત્રની વાત એટલી જાણીતી છે કે આ કિસ્સા પરથી પ્રેરિત વાત ગુજરાતી ફિલ્મ 'બે યાર'માં પણ વણી લેવામાં આવી.

આ ફિલ્મમાં જાણીતા કવિ તુષાર શુક્લે એમ. એસ. હસનની ભૂમિકા કરેલી.

તેઓ જણાવે છે, "હું સિનેમાનો કલાકાર નથી, પણ હું અને દર્શન જરીવાલા ખરેખર મિત્રો છીએ. તે આ ફિલ્મમાં કામ કરતો હતો. આ ફિલ્મના મિત્રોને મારા દેખાવમાં રસ પડી ગયો હતો. મને રોલ કહ્યો નહોતો કે મારી શું ભૂમિકા છે."

Image copyright Tushar shukla
ફોટો લાઈન ફિલ્મમાં હસન તરીકે તુષાર શુક્લ

"તેમના મનમાં આવા દેખાવવાળા એમ. એસ. હસનનું આવું પાત્ર હશે. મને ચિત્રો દોરતાં આવડતું નથી, પરંતુ મારા દાદાજી પાલનપુર સ્ટેટમાં ચિત્રકાર હતા અને પિતાજીને ચિત્રનો શોખ હતો."

"તેથી મને ચિત્ર દોરતાં નહોતું આવડતું એવું નહોતું. તેથી પીંછી પકડીને થોડાં સ્ટ્રોક્સ કર્યા. મને પણ મજા પડી. એ લોકોએ સારા શોટ્સ લઈ લીધા."

Image copyright Getty Images
ફોટો લાઈન હુસૈન ચિત્ર સાથે

"ફિલ્મ જોઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફિલ્મના કથાબીજમાં આવા ચિત્રકારની વાત છે. મારા આ પાત્રને લોકોએ પણ સ્વીકાર્યું."

"એક વખત અમે અમદાવાદથી ભાવનગર જઈ રહ્યા હતા અને એક હોટેલ પર રોકાયા. ત્યાં એક બસ આવીને ઊભી, તેમાંથી બે છોકરીઓ ઊતરી. તે બંને મને જોયા કરે, તેમણે મને ઓળખી લીધો હતો."

"એટલે થોડી વાર પછી એ છોકરીઓ મારી પાસે આવી અને પૂછ્યું, 'તમે 'બે યાર' ફિલ્મમાં છો?' તો મેં કહ્યું હા. તો એમણે કહ્યું કે અમને બસમાં એ ફિલ્મ બતાવતા હતા અને નીચે ઊતર્યા તો તમને જોયા. એમને હસનને જોયાનો બહુ રોમાંચ થયો."

આમ વિવાદો અને વિરોધો વચ્ચે પણ લોકોમાં હુસૈનનો ચહેરો જાણીતો થયો, પરંતુ જીવનની અંતિમ ઘડી સુધી વતન પરત ફરવાની તેમની ઇચ્છા પૂરી થઈ શકી નહીં.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો