ચૂંટણીમાં મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખી બીયર માગી? - ફૅક્ટ ચેક

બીયર Image copyright Getty Images
ફોટો લાઈન દાવો છે કે તેલંગણા મંડળ ચૂંટણી દરમિયાન કોઈ મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખીને બીયરની માગ કરી છે

દક્ષિણ ભારતીય રાજ્યોમાં સોશિયલ મીડિયા પર એક કથિત પત્ર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે તેલંગણા મંડળ ચૂંટણી દરમિયાન કોઈ મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખીને મુખ્ય મંત્રી પાસે તેમના વિસ્તારમાં બીયર ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.

આ વાઇરલ પત્ર અનુસાર આ મામલો તેલંગણા રાજ્યના જગિત્યાલ જિલ્લાનો છે પરંતુ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તે કરીમનગર જિલ્લાની ઘટના હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

એક કાગળ પર આ પત્ર લખવામાં આવ્યો છે જેના પર 6 મે 2019 તારીખ છે.

આ વાઇરલ પત્રને લખનારે તેને 'જગિત્યાલ જિલ્લાની જનતા' તરફથી રાજ્યના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ માટે લખ્યો છે.

પત્રમાં લખ્યું છે, "અમારા જિલ્લામાં કિંગફિશર બીયરનો સ્ટૉક ખતમ થઈ ગયો છે. એ કારણોસર અમારા જિલ્લાના લોકો બીયર ખરીદવા માટે બીજા જિલ્લામાં જઈ રહ્યા છે. એટલે આ બીયર અમને પણ ઉપલબ્ધ કરાવવામાં આવે."

સોશિયલ મીડિયા પર આ પત્ર એટલો વાઇરલ થયો કે સ્થાનિક મીડિયા સહિત ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જેવી નેશનલ મીડિયા ન્યૂઝ વેબસાઇટ્સ પર પણ સમાચાર પ્રકાશિત થયા.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright SM Viral Post
ફોટો લાઈન બીયરની માગના સમાચાર નેશનલ મીડિયામાં પ્રકાશિત થયા હતા
Image copyright SM Viral Post

વેબસાઇટ્સના આધારે તેલંગણા મંડળ ચૂંટણીની મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીઓને આ પત્ર મળ્યો છે.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર તેલંગણાના જગિત્યાલ જિલ્લામાં 6 મે 2019ના રોજ મંડળ ચૂંટણી માટે મતદાન થયું હતું.

બીબીસીના ઘણા વાંચકોએ તેલુગુ ભાષામાં લખાયેલા આ પત્રને વૉટ્સઍપના માધ્યમથી અમને મોકલ્યો છે અને તેની સત્યતા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ પત્ર સાથે જે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે તે બોગસ છે.

પત્રની તપાસ

Image copyright SM Viral Post
ફોટો લાઈન બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારના પત્રની સૂચના ચૂંટણીપંચને મળી નથી જેમાં બીયરની માગ કરવામાં આવી હોય

સોશિયલ મીડિયા પર જે કથિત પત્રની તસવીર શૅર કરવામાં આવી રહી છે, તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર ચૂંટણીપંચના અધિકારીઓને મળ્યો હતો અને તેમણે જ તેને જાહેર કર્યો હતો.

પરંતુ આ પત્રને જોઈને લાગતું નથી કે તેને વાળીને કોઈ બૅલટ બૉક્સમાં નાખવામાં આવ્યો હશે કેમ કે તસવીરમાં આ પત્ર કૉપી સાથે જોડાયેલો દેખાઈ રહ્યો છે.

આ વાતની ઔપચારિક પુષ્ટિ કરવા માટે અમે તેલંગણા ચૂંટણીપંચ અને જગિત્યાલ જિલ્લાના જૉઇન્ટ કલેક્ટર સાથે વાત કરી.

તેલંગણા ચૂંટણીપંચના સચિવ એમ અશોક કુમારે જણાવ્યું કે મંડળ ચૂંટણીના બૅલટ બૉક્સ જિલ્લા સ્તરના અધિકારી સામે ખોલવામાં આવે છે.

એટલે આવા કોઈ પણ પ્રકારના પત્રની સૂચના ચૂંટણીપંચને મળી નથી જેમાં બીયરની માગ કરવામાં આવી હોય.

જગિત્યાલ જિલ્લાના જૉઇન્ટ કલેક્ટર બી. રાજેસમે બીબીસીને જણાવ્યું કે મંડળ ચૂંટણીની મતગણતરી દરમિયાન તેમને એક પત્ર બૅલટ બૉક્સમાં પડેલો મળ્યો હતો જે જગિત્યાલ જિલ્લાની કોઈ સ્થાનિક વ્યક્તિએ લખ્યો હતો.

તેમણે વહીવટી તંત્ર પાસે તેમના વિસ્તારમાં રોડ બનાવવાની માગ કરી હતી. પરંતુ બીયરની વાત ખોટી છે.

Image copyright Collector Jagtial, Telanga
ફોટો લાઈન એક પત્રમાં સ્થાનિક વ્યક્તિએ વહીવટી તંત્ર પાસે તેમના વિસ્તારમાં રોડ બનાવવાની માગ કરી હતી

પણ શું ક્યારેય આવી ઘટના ઘટી છે કે જેમાં કોઈ સ્થાનિક વ્યક્તિએ આવી માગ કરી હોય?

તેના જવાબમાં જૉઇન્ટ કલેક્ટર બી રાજેસમે કહ્યું કે વર્ષ 2018માં 'પ્રજા વાણી કાર્યક્રમ' દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિએ જિલ્લા અધિકારીને પત્ર લખીને આવી માગ કરી હતી કે તેમના વિસ્તારમાં દારૂ સપ્લાય કરવામાં આવે.

તેલંગણા રાજ્યમાં 'પ્રજા વાણી કાર્યક્રમ' નામથી એક આયોજન થાય છે કે જેમાં જિલ્લા અધિકારી પોતાના ક્ષેત્રના લોકોને મળે છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે.

જૉઇન્ટ કલેક્ટરે કહ્યું, "એવું લાગે છે કે કોઈએ ઇરાદાપૂર્વક બન્ને ઘટનાઓને મિક્સ કરી છે અને બોગસ સમાચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો