જ્યારે ગુજરાતના ખેડૂતોએ ગિરીશ કર્નાડની ફિલ્મ માટે પૈસા ભેગા કર્યા

ગિરીશ કર્નાડ Image copyright Getty Images

એ 1976નું વર્ષ હતું. ગુજરાતના ખેડૂતો ટ્રક ભરી ભરીને પરિવાર સાથે તેમના નજીકના વિસ્તારોમાં આવેલા સિનેમાઘર સુધી જઈ રહ્યા હતા.

એટલા માટે નહીં કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, અમરીશ પુરી અને ગિરીશ કર્નાડ જેવા દિગ્ગજ કલાકારો હતા એટલે પણ નહીં.

પરંતુ આ ખેડૂતો માત્ર ફિલ્મના દર્શકો જ નહીં, પ્રોડ્યૂસરો પણ હતા.

આ ફિલ્મ શ્યામ બેનેગલની 'મંથન' હતી. જેને તેમણે ડૉ. વર્ગીસ કુરિયન સાથે મળીને લખી અને તેને ગુજરાતના લગભગ પાંચ લાખ ખેડૂતોએ પ્રોડ્યુસ કરી હતી.

દુનિયાની શ્વેતક્રાંતિ પર બનેલી પ્રથમ ફિલ્મની સાથે આ વ્યક્તિગત રીતે લોકોના ફાળાથી બનેલી પણ પ્રથમ ફિલ્મ હતી.


ફિલ્મની શરૂઆત કઈ રીતે થઈ?

Image copyright Getty Images

આઝાદી બાદ એક સ્વાતંત્ર્ય સેનાની ત્રિભુવનદાસ પટેલ ખેડાના ખેડૂતો સાથે કામ કરી રહ્યા હતા, જ્યાં તેમણે ખેડા જિલ્લા કો-ઑપરેટિવ દૂધ ઉત્પાદક યુનિયન શરૂ કર્યું હતું.

હજુ આ ક્રાંતિની શરૂઆત જ હતી. ત્યાં જ ડૉ. વર્ગીસ કુરિયન 1949માં યુએસથી અભ્યાસ કરીને ભારત આવે છે.

તેઓ ત્રિભુવનદાસ પટેલને મળ્યા અને ક્રાંતિને નવા સ્તરે ગયા. આ ક્રાંતિ ભારતને દુનિયાના નકશા પર લઈ ગઈ.


અમારા માટે તો ગિરીશ કર્નાડ જ હીરો છે

Image copyright Getty Images

અમૂલના મૅનેજિંગ ડિરેકટર આર. એસ. સોઢી જણાવે છે, "અમારા માટે તો ગિરીશ કર્નાડ જ હીરો છે."

"તેમણે 'મંથન' ફિલ્મમાં ડૉ.ની ભૂમિકા નિભાવી હતી. અમૂલમાં જોડાનાર કોઈ પણ વ્યક્તિને પહેલાં આ ફિલ્મ બતાવવામાં આવે છે."

"તેથી અમારા દરેક માટે અમારા હીરોને ગુમાવવાનું દુઃખ છે."

1949માં ડૉ. વર્ગીસ કુરિયન આણંદ આવ્યા ત્યારે તેમની ઉંમર 28 વર્ષની હતી.

તેમણે ખેડૂતો અને પશુપાલકો સાથે મળીને સખત મહેનત કરી. તેઓ માનતા હતા કે ખેડૂતો અને પશુપાલકો જ દૂધના વેપારના ખરા હકદાર છે.


શ્યામ બેનેગલને દસ્તાવેજી ફિલ્મમાં કશુંક ખૂટતું લાગ્યું

Image copyright Getty Images

1955માં તેમણે એશિયાની સૌથી મોટી કો-ઑપરેટિવ ડેરી અમૂલની શરૂઆત કરી. જેમાં દરરોજના લગભગ 20,000 લિટર દૂધનું ઉત્પાદન થતું હતું.

ડૉ. કુરિયનની ઇચ્છા હતી કે લોકો આ અંગે વધુ જાણે અને લોકો સુધી આ ક્રાંતિની વાત પહોંચે. તેથી તેમણે આ ક્રાંતિની એક દસ્તાવેજી ફિલ્મ માટે શ્યામ બેનેગલનો સંપર્ક કર્યો.

શ્યામ બેનેગલે આ ક્રાંતિ પરથી 'ઑપરેશન ફ્લડ' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી, જે ત્રણ તબક્કામાં બની હતી.

તેના માટે તેઓ ગુજરાતનાં ગામડેગામડે ફર્યા અને બારીક વસ્તુઓનું અવલોકન કરતા.

શ્યામ બેનેગલને થયું કે આ ઝુંબેશ સાથે સમગ્ર વિસ્તારના લોકોની ભાવનાઓ અને ઊર્જા સંકળાયેલી છે.

જે માત્ર દસ્તાવેજી ફિલ્મથી માત્ર દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો સુધી સીમિત થઈ જાય છે. આ વાત વધુ લોકો સુધી પહોંચવી જોઈએ.

આ અંગે વાત કરવા માટે બીબીસીએ શ્યામ બેનેગલનો સંપર્ક કર્યો હતો. તેઓ મિત્ર ગિરીશ કર્નાડના અવસાનથી વ્યથિત હોવાથી વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતા.


ખેડૂતો અને કો-ઑપરેટિવની ફિલ્મ પાછળ કોણ પૈસા ખર્ચે?

Image copyright Amul

શ્યામ બેનેગલને થયું કે આ વિષય પર ફીચર-ફિલ્મ બનવી જોઈએ. તેમણે કુરિયનનો સંપર્ક કર્યો, પરંતુ ખેડૂતો અને કો-ઑપરેટિવની એક ફિલ્મ પાછળ કોણ પૈસા ખર્ચે એ મોટો પ્રશ્ન હતો.

કુરિયને કહ્યું, કેટલા પૈસા જોઈએ? શ્યામ બેનેગલે કહ્યું, લગભગ 10થી 12 લાખ.

આર. એસ. સોઢી કહે છે, "કુરિયન સાહેબે દૂધ આપવા આવતા દરેક વ્યક્તિને સંદેશ મોકલ્યો કે તમને એક દિવસ માટે તમારા દૂધના 8 રૂપિયાને બદલે 6 રૂપિયા મળશે. બધા જ દૂધ ઉત્પાદકો સહમત થયા. લગભગ દસ લાખ ખેડૂતોએ બે-બે રૂપિયાનો ફાળો આપ્યો."

આર. એસ. સોઢી કહે છે કે પહેલી એવી ફિલ્મ બની, જેમાં પાંચ લાખ લોકો પ્રોડ્યૂસર હોય. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.

તેમજ આ એ સમયની બહુ ઓછી ફિલ્મોમાંની એક હતી જે સાઉથ અફ્રિકા, સાઉથ અમેરિકા, સેન્ટ્રલ અમેરિકા અને ચીનમાં પણ દર્શાવાઈ હતી.


નાટ્યકાર એક રેર પ્રકારની પ્રજાતિ છે

Image copyright Getty Images

'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને વર્ષા' જેવાં જાણીતાં નાટકો આપનાર અને અનેક પુરસ્કારોથી સન્માનિત ગિરીશ કર્નાડ વિશે ગુજરાતના જાણીતા નાટ્યકાર સૌમ્ય જોશીએ કહ્યું કે, "નાટ્યકાર એક રેર પ્રજાતિ છે."

જોશી કહે છે, "તેંડુલકર, કાનેટકર જેવા મરાઠી નાટ્યકારો હતા, તેવા સમગ્ર દેશમાં માત્ર ત્રણ કે ચાર જ નાટ્યકારો થઈ ગયા, તેમાંના ગિરીશ કર્નાડ એક હતા. આવા પ્રબળ નાટ્યકારો મળવા દુર્લભ છે."

"ગિરીશ કર્નાડે ઉચ્ચથી ઉચ્ચ દરજ્જાનાં નાટકો તો આપ્યાં જ, તેમજ તેઓ સામાજિક રીતે પણ અતિ સજાગ હતા. નાટ્યકારે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ તે ગિરીશ કર્નાડમાંથી શીખી શકાય છે. તેમણે દંતકથાઓ અને લોકકથાની શૈલીનો અદભુત રીતે ઉપયોગ કર્યો."

"ઘણા દેશોમાં નાટ્યકાર હોતા જ નથી એ જ મોટી બાબત છે. આ અભિનેતા અને વિચારકની ગુજરાતના નાટ્યરસિકો અને નાટ્યપ્રેમીઓને ખોટ સાલશે."

જ્યારે ગુજરાતી ફિલ્મ 'ધાડ'ના દિગ્દર્શક અને 'મિર્ચ મસાલા' જેવી ફિલ્મ સાથે સંકળાયેલા પરેશ નાયક કહે છે, "પૅરેલલ સિનેમાનો પ્રવાહ 'મંથન' ફિલ્મથી શરૂ થયો એમ કહી શકાય. ગિરીશ કર્નાડે મોહન રાકેશ, બાદલ સરકાર અને વિજય તેંદુલકર જેવા દિગ્ગજો સાથે મળીને જે નાટકોની ઝુંબેશ ઊભી કરી એ જ એમનું સૌથી મોટું પ્રદાન કહી શકાય."


બેંગલુરુ અને દિલ્હીની જેમ લંડનમાં પણ શોક પળાશે

Image copyright PTI

પરેશ નાયક આગળ કહે છે, "કર્નાડ સાચા અર્થમાં એક નાટ્યકાર હતા જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ હતી. સાથે જ તેમનું સ્થાનિક સ્તરે પણ એટલું જ પ્રદાન હતું."

"તેમણે કન્નડમાં જેટલાં નાટકો કર્યાં એટલું જ કામ તેમણે હિન્દી નાટકો અને હિંદી ફિલ્મો માટે પણ કર્યું. તેમનું અવસાન થતા માત્ર દિલ્હી, બેંગલુરુ કે બોલીવૂડમાં જ નહીં, પરંતુ લંડનમાં પણ શોક પળાશે."

"તેઓ ઑક્સફોર્ડમાં ભણ્યા અને લંડનમાં પણ તેમનાં અંગ્રેજી નાટકો ભજવાયાં. એક પણ કામ કાચું નહીં, છેલ્લે સમાધાન કરવું પડ્યું એમ કહી શકાય."

પરેશ નાયકે જણાવ્યું કે, "તેઓ રાજકીય અને સામાજિક રીતે પણ એટલા જ સજાગ હતા. તેમને વૈચારિક રીતે પણ પ્રતિભા કહી શકાય. પરંતુ છેલ્લે છેલ્લે એમણે ફિલ્મોમાં અમુક એવી ભૂમિકા કરી જે ન કરી હોત તો ચાલત. એટલે એમણે કામ સાથે સમાધાન કર્યું એ વાત સ્વીકારવી પડે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો