ગિરીશ કર્નાડનું નિધન : અભિનેતા, દિગ્દર્શક અને જ્ઞાનપીઠ વિજેતાની 81 વર્ષની વયે વિદાય

ગિરીશ કર્નાડ Image copyright Pti
ફોટો લાઈન ગિરીશ કર્નાડ

જાણીતા અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન થયું છે. ગયા મહિને તેમણે 81 વર્ષ પૂર્ણ કર્યાં હતાં, તેમનો જન્મ 1938માં થયો હતો.

ગુજરાતમાં શ્વેત ક્રાંતિ નામે પ્રખ્યાત દૂધની સહકારી મંડળીની ચળવળ વિશે બનેલી ફિલ્મ મંથનમાં ગિરીશ કર્નાડે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. અમૂલ પરની આ ફિલ્મ શ્યામ બેનેગલે બનાવી હતી. આ ફિલ્મ માટે ક્રાઉડ ફન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ગિરીશ કર્નાડની કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પકડ હતી.

તેમણે પોતાનું પ્રથમ નાટક કન્નડ ભાષામાં લખ્યું હતું, જેનો ત્યારબાદ અંગ્રેજી અનુવાદ પણ થયો હતો.

'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને વર્ષા' તેમનાં જાણીતાં નાટકો છે.

ગિરીશ કર્નાડને 1994માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1998માં જ્ઞાનપીઠ પુરસ્કાર, 1974માં પદ્મ શ્રી, 1992માં પદ્મ ભૂષણ, 1972માં સંગીત-નાટક અકાદમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1998માં કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

1970માં કર્નાડે કન્નડ ફિલ્મ 'સંસ્કાર'થી ફિલ્મ ક્ષેત્રે સફર આદરી હતી. તેમની પ્રથમ ફિલ્મને જ કન્નડ સિનેમા માટે રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડન લોટસ પુરસ્કાર મળ્યો હતો.

આર. કે. નારાયણના પુસ્તક પર આધારિત ટીવી સિરિયલ 'માલગુડી ડેઝ'માં તેમણે સ્વામીના પિતાની ભૂમિકા નિભાવી હતી. 1990ની શરૂઆતમાં વિજ્ઞાન પર આધારિત એક ટીવી કાર્યક્રમ 'ટર્નિંગ પૉઇન્ટ'માં તેમણે સંચાલકની ભૂમિકા નિભાવી હતી.

સોશિયલ પર અંજલિ

ગિરીશ કર્નાડના નિધન બાદ ફિલ્મ અને થિયેટરના અભિનેતા, રાજકીય નેતાઓ સહિત સૌ કોઈએ સોશિયલ મીડિયા પર અંજલિ આપી હતી.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે, "ગિરીશ કર્નાડને દરેક માધ્યમમાં તેમની બહુમુખી પ્રતિભા માટે યાદ કરવામાં આવશે. તેઓ પોતાને ગમતા વિષયમાં પૂરી ભાવુકતા સાથે કામ લેતા હતા. તેમના કામને આવનારા સમયમાં પણ યાદ રાખવામાં આવશે. તેમના અવસાનથી દુઃખ થયું. તેમની આત્માને શાંતિ મળે."

જાણીતા કલાકાર કમલ હસને લખ્યું, "ગિરીશ કર્નાડની પટકથાઓ એટલી સારી હતી કે મને હંમેશાં પ્રેરિત કરતી હતી. તેઓ પોતાના ઘણા પ્રશંસક લેખકોને છોડી ગયા છે. જેમનાં કામ કદાચ ગિરીશ કર્નાડના જવાથી સર્જાયેલા ખાલીપાને આંશિક રીતે ભરી શકશે."

કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે લખ્યું, "ફિલ્મ કલાકાર ગિરીશ કર્નાડના નિધનથી દુઃખ થયું. તેમના પરિવારના સભ્યો અને પ્રશંસકો માટે મારી સંવેદનાઓ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો