દુષ્કાળ : એ ગામ જ્યાં પાણી નથી એટલે લગ્ન માટે છોકરી પણ નથી

હાટકરવાડી ગામ
ફોટો લાઈન ત્રણ વર્ષથી હાટકરવાડીમાં સારો વરસાદ થયો નથી

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના એક નાના એવા ગામમાં દરરોજ સવારે 75 વર્ષીય દગાડુ બેલ્દાર નામની વ્યક્તિ ઊઠે છે અને દાળ-ભાત બનાવે છે. આટલું કર્યા બાદ તેમની પાસે કરવા માટે કંઈ ખાસ હોતું નથી.

છેલ્લાં ત્રણ વર્ષથી દગાડુ બેલ્દાર પોતાના ગામ હાટકરવાડી સ્થિત એક રૂમની નાની એવી ઝૂંપડીમાં રહે છે. દુષ્કાળના કારણે તેમનાં પત્ની અને તેમના ત્રણ દીકરા ગામ બહાર વસી જવા માટે મજબૂર થયા હતા.

ગરમીના કારણે ધરતી સુકાઈ ગઈ હતી અને કૂવા ખાલીખમ થઈ ગયા હતા.

પીવા અને ન્હાવા માટે પણ થોડું એવું જ પાણી બચ્યું હતું. તેમનું ખેતર પણ ઉજ્જડ બની ગયું છે.

તેમના ગામથી આશરે 400 કિલોમિટર દૂર આવેલા સાંગલી જિલ્લામાં તેમના બે દીકરાને સુગર ફૅક્ટરીમાં નોકરી મળી છે. તેમનાં માતા ત્રીજા દીકરાની દેખભાળ કરે છે કે જે હજુ સ્કૂલમાં ભણે છે.

હાટકરવાડીમાં તેમની સૌથી ખરાબ યાદો સમાયેલી હોય તેવું લાગે છે.

ઉંમરની સાથે દગાડુ બેલ્દારના કાનમાં બહેરાશ આવવા લાગી છે. તેઓ મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે.

તેમના પાડોશી ગણેશ સદગર કહે છે, "તેઓ ખૂબ એકલી વ્યક્તિ છે. તેમણે ત્રણ વર્ષથી પોતાના પરિવારને જોયો નથી. આ બધું માત્ર પાણીના કારણે થયું છે."


પાણી નથી, તો લગ્ન માટે છોકરી પણ નથી

ફોટો લાઈન દગાડુ બેલ્દારના પરિવારે પાણીની તંગીના કારણે ઘર છોડી દીધું હતું અને આજે તેઓ એકલા રહે છે

તેમની નજીક રહેતી 75 વર્ષીય વ્યક્તિ કિશન સદગરના એકમાત્ર દીકરાએ આશરે 10 વર્ષ પહેલાં ઘર છોડી દીધું હતું અને તેઓ દૂર આવેલી એક સુગર ફૅક્ટરીમાં કામ કરવા જતા રહ્યા હતા.

હાલ તેઓ પોતાનાં પત્ની અને પાળેલા શ્વાન સાથે રહે છે.

કિશન સદગર કહે છે, "મારો દીકરો ભાગ્યે જ અહીં આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે પણ માત્ર બે-ત્રણ દિવસ રોકાઈને તે જતો રહે છે કેમ કે અહીં પાણી જ નથી."

થોડા ઘર પાર કરો તો હજુ એક ઘર મળશે કે જ્યાં સાગાબાઈ તેમની 14 વર્ષીય મૂકબધિર દીકરી પાર્વતી સાથે રહે છે.

તેમના દીકરા અપ્પા પણ ઘણાં વર્ષો પહેલાં ફૅક્ટરીમાં કામ કરવા માટે ગામ છોડીને જતા રહ્યા હતા.

સાગાબાઈ જણાવે છે, "મારો દીકરો પણ ક્યારેક જ ઘરે આવે છે. તે કહે છે કે તેઓ અહીં ત્યારે જ આવશે જ્યારે અહીં વરસાદ પડશે."

ગણેશ સદગર આ ગામમાં એકમાત્ર યુવક છે કે જેમની પાસે સ્નાતકની ડિગ્રી છે. તેમને લગ્ન કરવા માટે કોઈ યુવતી મળી રહી નથી. અને તેનું કારણ? કેમ કે કોઈ મહિલા આ ગામમાં આવવા માગતી નથી, કેમ કે અહીં પાણી જ નથી.

હાટકરવાડી ગામ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું છે, એક એવો જિલ્લો જે વરસાદની ખામીના કારણે સંપૂર્ણપણે સુકાઈ ગયો છે.

વધારે જૂની વાત નથી, અહીં 125 જેટલાં ઘરોમાં 1200 જેટલા લોકો વસતા હતા.

આ 1200 લોકોમાંથી અડધા લોકોએ ગામ છોડી દીધું છે. તેમાં મોટાભાગના પુરુષો છે, જેઓ પોતાની પાછળ ખાલી ઘર મૂકી નાસી છૂટ્યા છે.

પાણીના કારણે ભટકી ગયેલા આ શરણાર્થીઓ દૂર દૂર આવેલાં ગામ અને શહેરોમાં રહે છે. જ્યાં તેમણે શેરડીના ખેતરો, શુગર ફૅક્ટરીમાં અથવા તો ટૅક્સી ડ્રાઇવર તરીકે નોકરી શોધી લીધી છે.


ધરતી પર માત્ર તિરાડ જ જોવા મળી રહી છે

ફોટો લાઈન યશવંત સાહિબરાવ સદગરે વર્ષો પહેલાં પાણીની તંગીના કારણે ઘર અને ગામ છોડી દીધું હતું

42 વર્ષીય ગામના સરપંચ ભીમરાવ બેલ્દાર જણાવે છે, "આ ગામમાં પાણી જ નથી તો લોકો અહીં શા માટે રહે?"

હું જ્યારે આ ગામમાં આવ્યો તેની એક રાત પહેલાં અહીં થોડો એવો વરસાદ પડ્યો હતો.

આગામી સવારે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું અને લાગ્યું કે જાણે વરસાદ પડશે. પણ જેમ-જેમ બપોર થવા લાગી આકાશે ફરી તાપ વરસાવવાનું શરૂ કરી દીધું અને લોકોની આશાઓ પર ફરી પાણી ફરી વળ્યું.

આ ગામમાં છેલ્લી વખત સારો વરસાદ આશરે ત્રણ વર્ષ પહેલા પડ્યો હતો. આકરા તાપના કારણે હાટકરવાડીમાં એવું લાગે છે કે હવે ત્યાં જીવન જ બચ્યું નથી. ધરતીનો રંગ જ બદલાઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાં તિરાડો જોવા મળી રહી છે.

કપાસ અને બાજરીનો પાક સુકાઈ ગયો છે. 35 કૂવામાંથી માત્ર 2 કૂવા એવા છે કે જેમાં થોડું ઘણું પાણી બચ્યું છે.

ગામમાં ઘણાં બોરવેલ પણ છે, પણ પાણી 650 ફૂટ નીચે સુધી પહોંચી ગયું છે.

તેમાં પણ થોડી સમસ્યા પડે તો વીજળીની લાઇનને નુકસાન થાય છે અને તેના કારણે બોરવેલનું કામ કરી શકતા નથી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની લાઇફલાઇન ગણાતાં પાણીનાં ટૅન્કર્સ પણ આ ગામમાં પહોંચતાં નથી.

પ્રાણીઓના ચરવા માટે અહીં કંઈ બચ્યું નથી તેના કારણે આશરે 300 જેટલી ભેંસનું પણ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

વડા પ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં 75 જેટલાં ટૉઇલેટ બનાવવામાં આવ્યાં છે પરંતુ પાણીની ખામીના કારણે તેનો ઉપયોગ જ થયો નથી.

ઘણા ગ્રામજનો પીવા અને ન્હાવા માટે પાડોશી ગામના ઓળખીતા લોકો પાસેથી પાણી ઉધાર લઈને આવે છે.


140 નાના મોટા ડૅમ સુકાયા

ફોટો લાઈન કેટલાક બૉરવેલ પાણી મેળવવાનો એકમાત્ર સ્રોત છે

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના નકશા પર હાટકરવાડી એક ધબ્બા સમાન બની ગયું છે જ્યાં આશરે 10 લાખ લોકો દુષ્કાળથી પ્રભાવિત થયા છે.

અહીં 16% ખેતર જ એવા છે કે જેમાં સિંચાઈનું પાણી મળી શકે છે. જ્યારે ચોમાસું સારું રહે છે ત્યારે અહીં કપાસ, સોયાબીન, શેરડી, જુવાર અને બાજરી જેવા પાકની ખેતી થાય છે.

છેલ્લાં છ વર્ષમાં બીડમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અનિયમિત વરસાદની પાક પર માઠી અસર પડી છે.

જો 10 દિવસ સુધી પણ વરસાદ ન પડે તો તેનાથી પાકને ભારે નુકસાન થાય છે.

ગત વર્ષે અહીં 690 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે અહીં પડતા વરસાદનો 99% હતો તે છતાં અહીં પાક નિષ્ફળ ગયો હતો કેમ કે ચાર વર્ષ સુધી અહીં પૂરતો વરસાદ પડ્યો ન હતો.

અહીંની મુખ્ય નદી ગોદાવરી સુકાઈ રહી છે. બીડમાં આવેલા આશરે 140 નાના મોટા ડૅમ પણ સુકાઈ ગયા છે. 800 જેટલા કૂવાનો પણ કંઈક આવો જ હાલ છે.

બે મોટા ડૅમમાં હવે ઔપચારિક ભાષામાં કહેવાતું 'ડેડ વૉટર' બચ્યું છે. આ એવું પાણી છે કે જે દૂષિત છે અને તેમાં મોટોભાગ કીચડનો છે.

આ પાણીને પંપની મદદથી તળાવમાં લાવવામાં આવી રહ્યું છે, જ્યાંથી આશરે 1000 જેટલાં ટૅન્કર ભરવામાં આવે છે.

આ પાણીમાં ક્લૉરિન નાખવામાં આવે છે અને તેને થોડું શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ તેને 300 ગામ સુધી પહોંચાડવામાં આવે છે કે જ્યાં જરા પણ પાણી બચ્યું નથી.


દેશના 40% વિસ્તારમાં દુષ્કાળ

ફોટો લાઈન ગામના 35 જેટલા કૂવા સુકાઈ ગયા છે

ચારાની ખામીના કારણે બીડના 8 લાખ પ્રાણીઓને કેટલ કૅમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. અહીં 40 હજાર લોકોને સરકારની સ્કીમ હેઠળ નોકરી મળી છે કે જેનાથી લોકો ગરીબીમાં ડૂબી ન જાય.

આ તરફ દુષ્કાળથી અન્ય ગામો પણ બચી શક્યાં નથી. બીડમાં રહેતા આશરે અઢી લાખ લોકોને અઠવાડિયામાં એક વખત અથવા તો પખવાડિયે એક વખત પાણી મળે છે.

બીડના એક વરિષ્ઠ અધિકારી અસ્તિક કુમાર પાંડે કહે છે, "છેલ્લા દાયકામાં પડેલો આ સૌથી ભયંકર દુષ્કાળ છે. અમે આશા રાખીએ છીએ કે જુલાઈના અંત સુધી અમને પીવાનું પાણી મળી રહે. ત્યારબાદ તો અહીં થોડો ઘણો વરસાદ પડશે."

જોકે, એવું નથી કે દુષ્કાળથી માત્ર મહારાષ્ટ્રમાં જ સ્થિતિ ખરાબ છે. એક અંદાજ અનુસાર દેશના 40% વિસ્તારમાં લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.

દેશનાં 10 રાજ્યો એવા છે કે જે દુષ્કાળથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને તેની અસર દેશના 50 કરોડ લોકો પર પડી રહી છે.


પાણીની તંગી પાછળ લોકો પણ જવાબદાર!

ફોટો લાઈન સાગાબાઈ કહે છે કે તેમનો દીકરો ત્યારે જ ગામમા પરત ફરશે જ્યારે વરસાદ પડશે

પીપલ્સ આર્કાઇવ ઑફ રુરલ ઇન્ડિયાના સંશોધક અને તંત્રી પી. સાંઈનાથ જણાવે છે કે પાણીની તંગી સૌથી મોટી સમસ્યા છે.

પરંતુ તેની પાછળ માત્ર દુષ્કાળ જ જવાબદાર નથી. તેની પાછળ લોકો પણ જવાબદાર છે.

તેઓ કહે છે, "પાણીને ખેતરમાંથી ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવે છે, ખેતરના બદલે પાણીને પૈસા કમાવવા માટે વાપરવામાં આવે છે. પાણીને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લઈ જવાય છે, જ્યાં તેનો ખાલી શોખ માટે ઉપયોગ કરવામાં આવે છે."

"જેમ કે ઊંચી-ઊંચી ઇમારતોમાં હવે લોકો ખૂબ સ્વિમિંગ પુલ બનાવી રહ્યા છે. પાણીની તંગી પાછળ આ બધાં કારણો પણ જવાબદાર છે."

બીડ સ્થિત પોતાની ઑફિસમાં અસ્તિક કુમાર પાંડે એક લાઇવ મૅપ બતાવે છે કે જેમાં જીપીએસની મદદથી જિલ્લામાં પાણીના ટૅન્કરની સ્થિતિ દેખાડવામાં આવી રહી છે.

મૅપ પર દેખાતો લાલ રંગ એ દર્શાવે છે કે ટૅન્કર્સ સપ્લાય માટે પાણી લઈ રહ્યાં છે, જ્યારે લીલો રંગ એ દર્શાવે છે કે ટૅન્કર્સ પાણી લઈને નીકળી ચૂક્યાં છે.

તેઓ કહે છે, "પરિસ્થિતિ આટલી ખરાબ છે. હવે આશા છે કે જલદી વરસાદ પડે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ