AN 32 દુર્ઘટનામાં 13 મૃતદેહો અને વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું

યુદ્ધ વિમાન Image copyright Reuters

3 જૂનના રોજ ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના AN-32 ઍરક્રાફ્ટમાં સવાર 13 લોકોમાંથી એક પણ વ્યક્તિ બચી નથી.

ભારતીય વાયુસેનાની એક ટીમ ગુરુવારે સવારે પ્લેન જ્યાં ક્રેશ થયું તે જગ્યાએ પહોંચી હતી. ટીમને ત્યાં કોઈ જીવિત વ્યક્તિ મળી નહીં.

વાયુસેનાને 13 મૃતદેહો અને વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું છે.

વાયુસેનાએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે 8 સભ્યોની એક ટીમ આજે સવારે દૂર્ઘટનાના સ્થળે પહોંચી છે. વાયુસેનાને દુ:ખ છે કે AN-32માં સવાર લોકોમાંથી કોઈ જીવિત મળ્યું નથી.

મંગળવારે અરુણાચલ પ્રદેશમાંથી AN-32 ઍરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો.

આ માલવાહક વિમાને 3 જૂનના રોજ બપોરે 12.27 વાગ્યે આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને એક વાગ્યે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વાયુસેના જોરહાટ અને અરુણાચલ પ્રદેશના મેચુકાના વચ્ચે ઈસરોની મદદથી વિમાનની શોધખોળ કરી રહી હતી.

શોધખોળ અભિયાનમાં વિશેષ ઑપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવતાં ઍરક્રાફ્ટ C-130, AN-32s, MI-17 હેલિકૉપ્ટર અને ભારતીય સેનાનાં કેટલાંક આધુનિક હેલિકૉપ્ટર પણ સામેલ હતાં.

AN-32 વિમાન ભારતીય સેનાની આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ છે. જેથી તેના ગાયબ થવા પર અનેક લોકો હેરાન હતા.

AN-32ને ત્રણ હજાર કલાક સુધી ઉડાડવાનો અનુભવ ધરાવનારા એક નિવૃત વરિષ્ઠ અધિકારીએ બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આકાશમાંથી માત્ર નદીઓ દેખાય છે.

તેમણે કહ્યું, "આ વિસ્તાર જંગલોથી ઢંકાયેલો છે. AN-32 ખૂબ જ મોટું છે પરંતુ કોઈ સંકેત વિના તેના વિશે માત્ર અનુમાન જ લગાવી શકાય."


કેવી રીતે થઈ હતી શોધખોળ?

ફોટો લાઈન વિમાન ગુમ થયું હતું તે પ્રવાસનો માર્ગ

AN-32ને શોધવામાં લાગેલા C-130J, નેવીના P8I, સુખોઈ જેવાં વિમાનો દિવસ-રાત અનેક પ્રકારની જાણકારી એકઠી કરી રહ્યાં હતાં.

ભારતીય વાયુસેનાના કહેવા મુજબ ક્રેશની સંભવિત જગ્યાએથી ઇન્ફ્રારેડ અને લોકેટર ટ્રાન્સમીટરના સંકેતોને નિષ્ણાતો પકડવાની કોશિશ કરી રહ્યા હતા.

તસવીરો અને ટેક્નિકલ સિગ્નલના આધારે કેટલીક ખાસ જગ્યાઓએ ઓછી ઊંચાઈ પર હેલિકૉપ્ટર લઈ જવામાં આવી રહ્યાં હતાં.

જોકે, ઉપરથી માત્ર તેઓ જમીન પર શોધખોળ કરી રહેલી ટીમ સાથે તાલમેલ કરી શકતાં હતાં.

એક પૂર્વ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું, "સૌથી છેલ્લે વિમાન જે જગ્યાએ હતું, ત્યાંથી અમારી શોધખોળ શરૂ થાય છે જે બાદ તેનો વિસ્તાર વધે છે."


AN-32નું મહત્ત્વ શું છે?

Image copyright AFP

ભારતીય વાયુસેના માટે AN-32 માત્ર વિમાન જ નથી. તે એક એવું વિમાન છે જે વાયુસેના માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું હતું.

વાયુસેનાના વરિષ્ઠથી લઈને જુનિયર અધિકારીઓ ગુમ થયેલા વિમાનને ખૂબ જ શક્તિશાળી, વાયુસેનાના પરિવહનની કરોડરજ્જુ અને એવું મજબૂત વિમાન ગણાવે છે જે નાના રનવે પર પણ ઊતરી શકે છે.

જાળવણીના ખર્ચના હિસાબે જોઈએ તો પણ AN-32 વિમાનની ખૂબ જ માગ છે.

એક નિવૃત અધિકારી જણાવે છે, "આપણા પાસે લગભગ 100 AN-32 વિમાનો છે. આ વિમાનો 1984માં સોવિયત સંઘ પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં."

"હા કેટલીક દુર્ઘટનાઓ થઈ છે પરંતુ જ્યારે વિમાનના ઉપયોગની સરખામણીએ દુર્ઘટનાઓને જોવામાં આવે તે સકારાત્મક જણાય છે."


આ વિમાનને અપગ્રેડ કરવામાં વાર લાગી

Image copyright Getty Images
ફોટો લાઈન AN-32 માલવાહક વિમાન

આ ખરીદી અંગે જાણકારી ધરાવતા એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, "એક દાયકા સુધી આ મુદ્દે ચર્ચા થતી રહી કે આ વિમાનને બદલવા કે અપગ્રેડ કરવાં?"

"ત્યારબાદ અમે એવા તારણ પર પહોંચ્યા કે આ વિમાનને અપગ્રેડ કરવામાં આવે. યૂક્રેનની જે કંપનીએ આ વિમાન બનાવ્યાં હતાં એ ઍન્ટોનોવના અપગ્રેડ કરવાના પ્રસ્તાવની શરતો પણ વાજબી હતી."

વાયુસેના ઇચ્છતી હતી કે ઉંમરના હિસાબે વિમાનની પાંખો મજબૂત કરવામાં આવે, તેમાં આધુનિક ઉપકરણો લગાવવામાં આવે, જેથી તેની ઉંમર 25થી 40 વર્ષ સુધી વધારી શકાય.

જોકે, 2014ની શરૂઆતમાં એક અણધાર્યો વિવાદ શરૂ થયો. રશિયા અને યૂક્રેનનો આંતરીક વિખવાદ થયો.

આ ઘર્ષણની અસર ઘણી બાબતો પર પડી. વાયુસેનાનું AN-32 અપગ્રેડ કરવાનું કામ પણ એમાંનુ એક હતું.

વાયુસેનાના એક પૂર્વ અધિકારીએ કહ્યું, "યોજના અનુસાર કેટલાંક AN-32 યૂક્રેનમાં અપગ્રેડ થયાં, અમે HAL કાનપુરમાં કિટ્સ આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમાં વાર લાગી. અમે દરેક જગ્યાએથી સહકાર માગવાની કોશિશ કરી પણ યોજના મુજબ વિમાન અપગ્રેડ થઈ શક્યાં નહીં."

વાયુસેનાનું કહેવું છે કેAN-32ના અપગ્રેડની હજુ પણ આશા છે, જોકે તેમાં વાર લાગી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો