મુંબઈની એ અભિનેત્રી જે એક્ટિંગ સાથે ઑટોરિક્ષા પણ ચલાવે છે.

લક્ષ્મી પાંધે Image copyright lakshmi pandhe

'અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમ સે મિલાને કી કોશિશ મેં લગ જાતી હે.'

આ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નો ડાયલૉગ છે. જે મુંબઈની 28 વર્ષની લક્ષ્મી નિવૃત્તિ પંધે પર સચોટ રીતે લાગુ પડે છે.

લક્ષ્મીનું બાળપણથી જ સપનું હતું કે તે ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરે. બાળપણમાં તેમનાં ઘરમાં ટીવી નહોતું અને તેને લીધે તેઓ પડોશીઓના ઘરે કામ કરતાં અને ટીવી જોતાં.

ટીવી પર માધુરી દીક્ષિત અને શ્રી દેવીનાં ગીતો પર તેઓ નાચતાં. બાળપણનો આ જ શોખ ક્યારે તેમનું સપનું બની ગયો તેનો એમને ખ્યાલ જ ન રહ્યો.

'વાયુ' વાવાઝોડું : સૌરાષ્ટ્ર અને કચ્છ પર તોળાતો ખતરો


સપનું અને ઘરની જવાબદારી

Image copyright lakshmi pandhe

પરિવારમાં બે મોટી બહેનો અને એક મોટો ભાઈ છે અને લક્ષ્મી સૌથી નાના છે. બીમાર બહેન અને માની સારસંભાળ લક્ષ્મી પોતે કરે છે. બાળપણમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

ઘરમાં માતાને મદદ કરવા તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો. આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ બીજાના ઘરમાં કામ કરવા માટે જતાં હતાં.

જીવનનું કડવું સત્ય જાણવા છતાં લક્ષ્મીએ જાતે જ કારકિર્દીનું ઘડતર કરવાનું નક્કી કર્યું. તેઓ જાણે છે કે તેમના કોઈ ગોડફાધર નથી અને તેમનો દેખાવ કોઈ હિરોઈન જેવો નથી. ઍક્ટિંગ અને શોખ ઉપરાંત તેઓ એ પણ જાણે છે કે તેમને ઘર પણ ચલાવવાનું છે.

શિખર ધવનને ઈજા, ભારતીય ટીમમાં તેમના સ્થાને કોણ?


બોમન ઈરાનીએ સ્ટાર બનાવ્યા

Image copyright lakshmi pandhe

લક્ષ્મીની માતૃભાષા મરાઠી છે. લક્ષ્મી 'દેવયાની', 'લક્ષ્ય', 'તું માઝા સંગતિ' જેવી સિરિયલો અને મરાઠી ફિલ્મ 'મુંબઈ પુણે મુંબઈ' ઉપરાંત જી5ની વેબસિરીઝ 'સ્વરાજ્ય રક્ષક' અને હિન્દી ફિલ્મ 'મરાઠવાડા' જેવી ફિલ્મોમાં પણ તેઓ કામ કરી ચૂક્યાં છે.

જ્યારે બોમન ઈરાનીએ તેમની સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો ત્યારે તેમને નવી ઓળખ મળી.

બોમન ઈરાનીએ લખ્યું કે, 'લક્ષ્મી મરાઠી સિરિયલોમાં કામ કરે છે અને બાકીના સમયમાં ઑટો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સશક્ત ભૂમિકા નિભાવે છે.'

Image copyright lakshmi pandhe

લક્ષ્મી કહે છે, "એવું બિલકુલ નથી કે હું બોમન ઈરાની સરને પહેલાંથી જ ઓળખતી હતી. એવું બન્યું કે હું શૂટિંગ કરતી હતી ત્યારે તે દિવસે બોમન સર પણ મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયોમાં પોતાની કોઈ ફિલ્મનું શૂટિંગ કરીને નીકળ્યા હતા."

તેઓ જણાવે છે, "હું પણ મારી કેટલીક કો-સ્ટાર તરીકે કામ કરતી છોકરીઓ સાથે ઘેર જઈ રહી હતી. અચાનક જ બોમન ઈરાની સાથે મુલાકાત થઈ. બોમન સર વિશે સાંભળ્યું હતું કે તેઓ બહુ સારી વ્યક્તિ છે, તે દિવસે જોઈ પણ લીધું."

"મેં જોયું કે બોમન સર તેમની કારમાંથી અમારો વીડિયો ઉતારી રહ્યા હતા. તેઓ પોતાની બીએમડબલ્યુમાંથી નીચે ઊતર્યા અને મને કહ્યું, ચલ એક ચક્કર લગાવીએ. હું તેમને જોઈને બહુ જ ખુશ થઈ ગઈ. તેમને પગે લાગી તો તેમણે મને ના પાડી."

તેઓ કહે છે, "હું નાનપ ન અનુભવું એટલે બોમનજીએ એવું કર્યું. તેમણે મારી સાથે ફોટો પડાવ્યો અને મારા વખાણ કરતાં ગયા. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે તેઓ મારી સાથે છે."

વાયુસેનાના ગાયબ AN-32 ઍરક્રાફ્ટનો કાટમાળ મળ્યો


રિક્ષા અને પરિવાર

Image copyright lakshmi pandhe

ઘરેને બે ટંક ચલાવવા માટે અનેક કામ કરનાર લક્ષ્મી કહે છે, "મેં પાર્લરમાં પણ કામ કર્યું છે પણ બીજી જગ્યાએ કામ કરતાં હું મારી ઍક્ટિંગ પર ફોકસ નહોતી કરી શકતી."

તેઓ જણાવે છે, "ઑડિશન માટે અલગ-અલગ સ્ટુડિયોમાં જવું પડતું હતું. આ સ્ટુડિયો દૂર-દૂર આવેલા હોય અને મારી પાસે પૈસા ન હોય એટલે ઘણી વખત તો જઈ જ શકતી નહોતી. મને ખબર છે કે મને લીડ રોલ તો મળવાનો નથી તેથી સાઈડ રોલ જ કરી લઉં છું."

"મરાઠીના ઘણા શોમાં મને ક્યારેક પ્રેગનેન્ટ મહિલા, ક્યારેક ગાંડી, ક્યારેક ખેડૂતની પત્ની, ક્યારેક કામવાળી એવા સ્પેશિયલ અપિરિયન્સ પણ મળે છે."

જોકે, આવા નાના રોલ છતાં લક્ષ્મી નિરાશ થતાં નથી.

તેઓ કહે છે કે "હું આ કામ કરીને પણ ખુશ છું. મારી પોતાની મહેનતથી જે કરી રહી છું એમાં મને સંતોષ છે."

લક્ષ્મીને સિરિયલમાં કામ કરીને પાંચ કે છ દિવસ પછી પૈસા મળે છે. તેથી પરિવારના લોકોને ઘણી વાર ખાલી પેટ રહેવું પડતું. તેથી તેમણે રિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો.

લક્ષ્મી સ્મિત સાથે કહે છે, "રિક્ષા ચલાવવાના બે ફાયદા છે, એક તો રોજની કમાણી થાય છે, બીજું કે કોઈ પણ જગ્યાએ પહોંચવામાં સરળતા રહે છે. ઘણી વખત ઑડિશન માટે જતી વખતે હું મુસાફરને બેસાડી લઉં છું, તેમને જે તે સ્થળે ઉતારીને ઑડિશન માટે નીકળી જાઉં છું."


સલાહ-સૂચન

Image copyright lakshmi pandhe

ડ્રાઇવિંગ શીખવાના સમયને યાદ કરતા લક્ષ્મી જણાવે છે કે ડ્રાઇવિંગ શીખવું તેમનાં માટે સરળ નહોતું. શરૂઆતમાં તેમને હથેળીમાં દુખતું હતું પણ હવે તે માસ્ટર થઈ ગયાં છે.

તેઓ જણાવે છે, "હવે તો ઘણા મુસાફરો એવા છે જે માત્ર મારી રિક્ષામાં જ બેસે છે. ઘણી વખત તો મારા માટે રાહ પણ જુએ છે. એ જોઈને બીજા રિક્ષાવાળા નારાજ પણ થાય છે પણ હવે મને તેની આદત થઈ ગઈ છે."

તેઓ કહે છે, "કેટલાક લોકો કહે છે મહિલાઓનું ડ્રાઇવિંગ જોખમી હોય છે. ઘણી વખત તો ઘણા લોકો મને સલાહ પણ આપે છે કે છોકરીઓ રિક્ષા ચલાવે તે શોભતું નથી. આવા લોકોને હું બસ એ જ જવાબ આપું છું કે જ્યારે મહિલાઓ તમારા જેવા પુરુષોને જન્મ આપી શકે તો દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે."

શ્રીલંકામાં મુસ્લિમોએ દેશભક્તિ માટે મસ્જિદ તોડી નાખી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો