ગુજરાત જળસંકટ : ડૅમ માટે જમીન આપનારા આ ગામમાં હવે પીવા માટે પાણી નથી

સાગદરા
ફોટો લાઈન આ લોકોએ સુખી નદી પર ડૅમ બાંધવા માટે જમીન આપી હતી પણ પીવાના પાણી માટે મથામણ કરી રહ્યા છે.

"અમે નદી છોડીને દૂર આવ્યા, લોકો સુખી થાય એથી અમે ડૅમ માટે જમીન આપી પણ અમે પાણીનાં ટીપેટીપાં માટે તરસી રહ્યા છીએ. ન તો ખેતી બચી છે, ન તો લોકોને પીવા માટે પાણી બચ્યું છે." આ શબ્દો બોડેલી પાસેના સાગદરા ગામના સરપંચ રહેમતભાઈ રાઠવાના છે.

આ એ જ ગામ છે જ્યાંના લોકોએ સુખી નદી પર ડૅમ બાંધવા માટે જમીન આપી દીધી હતી પણ આજે આ ગામના લોકો પીવાના પાણી માટે મથામણ કરી રહ્યા છે.

મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી નર્મદા ડૅમની મુખ્ય કૅનાલ પસાર થાય છે, એ કૅનાલની અડોઅડ જતો રસ્તો સાગદરા ગામ સુધી લઈ જાય છે.

નર્મદાની આ મુખ્ય કૅનાલથી સાગદરા ગામ માંડ અડધો કિલોમિટર દૂર છે, છતાં ગ્રામજનોના કહેવા પ્રમાણે આ ગામમાં પીવાનું પાણી પહોંચતું નથી.


'વડીલોને એમ હતું કે લોકો સુખી થશે'

ફોટો લાઈન નર્મદાની આ મુખ્ય કૅનાલથી સાગદરા ગામ માંડ અડધો કિલોમિટર દૂર છે, છતાં પીવા માટે પાણી નથી

રહેમતભાઈ કહે છે, "અમારા વડીલોને એમ હતું કે અમે અમારી જમીન આપી દઈશું તો આસપાસનાં ગામોના લોકો સુખી થઈ જશે. અમારા વડીલોએ ગામ, ખેતર સમેત સર્વસ્વ આપી દીધું."

આ કહાણી છે વર્ષ 1981ની આસપાસની જ્યારે સાગદરા ગામના લોકોએ સુખી ડૅમ માટે જમીન આપી દીધી. અહીંના લોકોને અન્ય જગ્યાએ જગ્યા આપી, જ્યાં અત્યારે સાગદરા નામથી જ લોકોએ ગામ વસાવ્યું છે.

પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટમાં સુખી ડૅમ આવેલો છે, જેને વર્ષ 1987માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષ 1978 થી 1987 દરમિયાન તેનું બાંધકામ થયું.

ગ્રામજનો કહે છે એ પ્રમાણે એ વખતે 9 ગામમાં ડૂબમાં જાય અને 16 ગામનો કેટલોક ભાગ ડૂબમાં જાય એમ હતું. આ પૈકી કેટલાક લોકોને બીજા ગામોમાં વસાવ્યા પણ સાગદરા આખું ગામ બીજે સ્થળે જઈને વસાવવામાં આવ્યું.

ફોટો લાઈન રહેમતભાઈ રાઠવા, સરપંચ

સરપંચ રહેમતભાઈ કહે છે કે 1981માં અમને અમારા મૂળ ગામથી અહીં લાવ્યા. એ સમયે 5 એકર જમીન અને ઘર આપવામાં આવ્યાં હતાં. એ વખતે ગામમાં બે કૂવા અને 15 હૅન્ડપંપ હતા.

રહેમતભાઈ કહે છે, "અમને અહીં ત્યાં કરતાં વધારે જમીન આપવામાં આવી હતી એટલે અમે ખુશ હતા. પણ પછી ખબર પડી કે પીવા માટે પાણીના વાંધા છે."


'પાણી માટે બીજા ગામમાં જવું પડે છે'

ફોટો લાઈન ગ્રામજનો પાણી ભરવા માટે પાસેનાં ગામોમાં જાય છે, સૌથી નજીકનું ગામ ત્રણ કિલોમિટર દૂર છે.

ગામના નાકે જ હૅન્ડપંપ છે પણ અહીં બેડાં લઈને ઊભેલી મહિલાઓ પણ દેખાતી નથી. આ ગામના હૅન્ડપંપ અને કૂવામાં પાણી આવે તો પણ તે ખારું હોય છે.

બીબીસી ગુજરાતીની ટીમ ગામમાં પહોંચી ત્યારે ગામની મહિલાઓએ ક્ષાર બાઝેલાં વાસણો લઈ આવીને બતાવવા લાગી.

ગ્રામજનો પાણી ભરવા માટે આસપાસનાં ગામોમાં જાય છે. સૌથી નજીકનું ગામ ત્રણ કિલોમિટર દૂર છે, સામાન્ય રીતે ત્યાંથી ગ્રામજનો પાણી ભરી લાવે છે.

કાન્તાબહેન રાઠવા કહે છે, "ગામમાં તો ખારું પાણી છે એટલે પીવાનું પાણી લેવા માટે ત્રણ કિલોમિટરથી વધારે દૂર જવું પડે છે."

ફોટો લાઈન સાગદરા ગામ

આ ગામમાં મહિલાઓની સાથે પુરુષો પણ બેડાં લઈને પાણી ભરવા જતા દેખાયા.

રમેશભાઈ રાઠવા પણ મહિલાઓ સાથે પાણી ભરવા નીકળ્યા હતા.

તેઓ કહે છે, "ઘરની મહિલાઓ બીમાર હોય ત્યારે અમે પાણી ભરવા જઈએ છીએ. કેમ કે ગામમાં જે પાણી આવે છે એ પાણી પીવા તો શું નહાવાના લાયક પણ નથી."

પાણી ભરવા આવેલાં સરસ્વતીબહેન રાઠવા કહે છે, "38 વર્ષ થઈ ગયાં આ રીતે જ પાણી ભરવા જઈએ છીએ, ઘરમાં છોકરાઓને ભૂખ્યા મૂકીને પાણી ભરવા જવું પડે છે."


તળિયાઝાટક સુખી ડૅમ

ફોટો લાઈન જે સુખી ડૅમ માટે સાગદરાના લોકોએ જમીન આપી હતી એ ડૅમ તળિયાઝાટક સ્થિતિમાં છે.

જે સુખી ડૅમ માટે સાગદરાના લોકોએ જમીન આપી હતી એ ડૅમ તળિયાઝાટક સ્થિતિમાં છે. 11 જૂન 2019ના આંકડા પ્રમાણે ડૅમમાં જળસ્તર 8.97 ટકા જ પાણી છે.

સુખી ડૅમ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાનાં ડૅમ અને જળાશયોમાં 8.89 ટકા પાણી છે.

સમગ્ર મધ્ય ગુજરાતના ડૅમ અને જળાશયોમાં 39.01 ટકા પાણી છે. જ્યારે રાજ્યભરનાં ડૅમ અને જળાશયોમાં 29.56 ટકા પાણી ઉપલબ્ધ છે.


પશુપાલન અને ખેતીને અસર

ફોટો લાઈન અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે, પાણની અછતા તેમના વ્યવસાયને પણ પ્રભાવિત કરે છે.

અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. કેટલાક લોકોનાં પોતાનાં ખેતરો છે, કેટલાક લોકો બીજાનાં ખેતરોમાં મજૂરી કરે છે.

અહીં પાણીની સમસ્યાથી ગ્રામજનોના વ્યવસાય પણ પ્રભાવિત થયા છે.

મકાઈ, જુવાર અને કપાસ એ અહીં વધુ લેવાતા પાક છે, પણ સિંચાઈના અભાવે ગ્રામજનોને ખેતી છોડવાનો વારો પણ આવે છે.

કાન્તાબહેન કહે છે, "જેને લીધે ઘરનું કામ પણ કરવામાં મોડું થઈ જાય છે અને ઘણી વખત ખેતરમાં મજૂરી કરવા પણ જઈ શકાતું નથી."

સાગદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કૅનાલ પાસે ડગલેને પગલે પંપ જોવા મળે છે, એનાથી ખેતરોમાં પાણી ખેંચવામાં આવે છે.

માત્ર કૅનાલ નજીકનાં ખેતરો માટે જ આ સ્થિતિ છે, અંદરની તરફ આવેલાં એવાં અનેક ખેતરો દેખાય છે, જ્યાં પાક લેવામાં આવ્યો ન હોય.

રમેશભાઈ કહે છે, "પૈસા હોય એ કંઈ કરી શકે બાકી તો ખેતી પણ મૂકી દેવી પડે. પ્રસંગમાં પાણી માટે ઉછીના પૈસા લેવા પડ્યા હોય એવા પણ કિસ્સા અહીં છે."

રમેશભાઈ કહે છે, "બે-ત્રણ વર્ષથી વધારે અહીં ઢોર પણ જીવતાં નથી."


'પ્રસંગોમાં પાણી ખરીદવું પડે છે'

ફોટો લાઈન રમેશ રાઠવા

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગત મહિને યોજેલી પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે રાજ્યભરમાં ટૅન્કર મારફતે પાણી મોકલવામાં આવે છે અને જુલાઈ મહિના સુધી લોકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ નહીં થાય.

જોકે સાગદરાના ગ્રામજનો સરકારના દાવાઓને ખોટા ગણાવે છે. તેઓ કહે છે કે અમે સ્થળાંતરિત થઈને અહીં આવ્યા ત્યારે ગામના કૂવાઓમાં મીઠું પાણી ટૅન્કરો દ્વારા ઠલવાતું હતું, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

રહેમતભાઈ કહે છે, "હવે અહીં ટૅન્કર આવતું જ નથી. પાણી માટે થોડા વખતે પહેલાં એક લાઇન નાંખવામાં આવી હતી. એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને પછી કાઢી નાંખવામાં આવી."

જે ગામમાં પીવા માટે પાણી ન મળી રહેતું હોય એ ગામમાં મહેમાન આવે કે કોઈ પ્રસંગ હોય તો શું સ્થિતિ થાય?

રમેશભાઈ કહે છે, "પીવા જેટલું પાણી તો અમે લઈ આવીએ પણ ઘરમાં પ્રસંગ કરતાં પહેલાં પાણીની ચિંતા કરવી પડે છે."

"પૈસા આપીને વેચાતું પાણી લાવવું પડે છે, કોઈ કૂવામાંથી પાણી આપવા તૈયાર થાય તો ટ્રેક્ટરના પૈસા આપવા પડે."

ગ્રામજનો કહે છે કે સુખી ડૅમ માટે જમીન આપીને અમે દુખી થઈ ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ