દુનિયાના એવા પાંચ ચક્રવાત જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યાં

નરગીસ વાવાઝોડું Image copyright Getty Images
ફોટો લાઈન નરગીસ વાવાઝોડાં દરમિયાન તબાહી

ગુજરાત પર 'વાયુ' વાવાઝોડાંનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડાથી સૌરાષ્ટ્ર અને કચ્છને વધારે નુકશાન થવાની શક્યતા છે.

અરબ સાગરમાં ઊભું થયેલું ડિપ ડપ્રેશન મંગળવારે વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું અને તે ગુરુવાર સુધીમાં તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 'વાયુ' વાવાઝોડું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, "ગુજરાતના સૌરાષ્ટ્ર - કચ્છના 11 જિલ્લા જિલ્લામાં 'વાયુ' વાવાઝોડું અસર કરશે."

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, "11 જિલ્લા અને 31 તાલુકાના 3 લાખ જેટલા લોકો જે કાચા મકાનોમાં રહે છે તેમના માટે 700 જેટલી જગ્યાઓએ શૅલ્ટર હાઉસ (સલામત આશ્રય સ્થાન)ની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે."

વાવાઝોડાં અનેક વખત ભયંકર સ્વરૂપ લઈ લેતાં હોય છે. દુનિયાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાંથી મોટા પ્રમાણમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.


દુનિયાના પાંચ મોટા ચક્રવાત

Image copyright Getty Images

સ્કાય મેટના અહેવાલ પ્રમાણે દુનિયામાં હાલ સુધીમાં પાંચ મોટા ચક્રવાત આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં છે.

આમાં, કોલકાતામાં 11 ઑક્ટોબર, 1737ના રોજ આવેલું વાવાઝોડું સૌથી ઘાતક માનવામાં આવે છે. આ વાવાઝોડામાં ત્રણથી સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

બીજુ વાવાઝોડું બાર્બડોસ અને તેની આસપાસ માર્ટિનિક, સેન્ટ લૂસિયા અને પછી પૉર્ટો રિકો અને ડૉમિનિકનમાં વર્ષ 1780માં 9 ઑક્ટોબરની આસપાસ ત્રાટક્યું હતું.

બાર્બડોસમાં આ દરમિયાન 22 હજારથી 27 હજાર લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

વિયતનામના હાઇફોંગ શહેરમાં નવેમ્બર 1970માં ચક્રવાત ત્રાટક્યો હતો. આના કારણે કિનારાના વિસ્તારોમાં રહેતાં 3 લાખ સ્થાનિક લોકો મૃત્યુ પામ્યાં હતાં.

આ વાવાઝોડાં પછી બિમારી અને ભૂખમરાના કારણે પણ મૃત્યુ પામેલા લોકોનાં સમાચાર સામે આવ્યા હતા.

બાંગ્લાદેશમાં આવેલાં ગ્રેડ ભોલા વાવાઝોડાં દરમિયાન પવનની ગતિ 220 કિમી પ્રતિ કલાકથી પણ વધારે હતી.

આ વાવાઝોડાંએ ઓછામાં ઓછા 3 લાખ લોકોનાં જીવ લીધા હતા. જોકે, વિવિધ અનુમાન પ્રમાણે મૃતકોની સંખ્યા લગભગ 5 લાખ જેટલી જણાવે છે.

આ બાંગ્લાદેશમાં ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું વાવાઝોડું હતું અને સૌથી ઘાતક પ્રાકૃતિક આપત્તિમાંથી એક હતું.

2008માં એશિયામાં ત્રાટકનારુ સૌથી ઘાતક વાવાઝોડું નરગીસ હતું.

નરગીસ વાવાઝોડું ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, લાઓસ, બાંગ્લોદેશ અને અન્ય વિસ્તારમાં ટકરાયું હતું.

આમાં અધિકૃત રીતે 1,40,000 લોકો મૃત્યુ પામ્યાં તેમ કહેવાયુ પરંતુ વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હતી.

(માહિતી સાભાર skymetweather.com)


'વાયુ' વાવાઝોડાના કારણે 1,20,000 લોકોનું સ્થળાંતર કરાયું

ફોટો લાઈન ગુજરાતમાં વાયુ વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરાવતાં એનડીઆરએફના જવાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અત્યાર સુધી કુલ 1,20,000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. કુલ ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

'વાયુ' વાવાઝોડું પોરબંદર અને મહુવા તથા દીવ અને વેરાવળ પાસે દરિયાકિનારે ત્રાટકશે.

જે બાદ તે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથથી થઈને કચ્છ તરફ આગળ વધશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની ગતિ પ્રતિ કલાકના 140થી 150 કિલોમિટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

દુનિયામાં અનેક મોટાં વાવાઝોડાં આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં છે.

વાવાઝોડાંથી થતી જાનહાનિને અટકાવવા માટે સરકાર દ્વારા સમગ્ર રાજયમાં એનડીઆરએફ, આર્મી અને વાયુસેનાની ટીમોની મદદ લેવાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો