#MeToo : નાના પાટેકર સામેના તનુશ્રી દત્તાનાં કેસમાં મુંબઈ પોલીસને પુરાવા ન મળ્યા

તનુશ્રી દત્તા Image copyright Getty Images

ગત વર્ષે ઑક્ટોબરમાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ શૂટિંગમાં દુર્વ્યવહારની પોલીસ ફરિયાદ કરી હતી જેમાં મુંબઈ પોલીસે કોઈ પુરાવા ન હોવાનો રિપોર્ટ ફાઇલ કર્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ કેસમાં મુંબઈ પોલીસે બી સમરી રિપોર્ટ ફાઇલ કર્યો છે. ઓશિવરા પોલીસ સ્ટેશને આ રિપોર્ટ ફાઈલ કર્યો છે.

બી સમરી રિપોર્ટનો અર્થ કાયદાની ભાષામાં એવો થાય છે કે પોલીસને જ્યારે ફરિયાદને અનુરૂપ કોઈ સાક્ષી-પુરાવાઓ ન મળે ત્યારે પોલીસ ફરિયાદ મામલે આગળ તપાસ કરી શકે એમ જણાવે છે.

અલબત્ત, અદાલત આવો બી કે સી સમરી રિપોર્ટ સ્વીકારે જ એવું જરૂરી નથી હોતું.

આ અહેવાલ પર તનુશ્રી દત્તાએ કહ્યું કે ભ્રષ્ટ્રાચારી પોલીસ અને કાનૂન વ્યવસ્થાએ એથી પણ મોટા ભ્રષ્ટ્રાચારી નાનાને ક્લીન ચિટ આપી, જેમની સામે અનેક ફિલ્મી જગતમાં પ્રકારની સતામણીની ફરિયાદ છે.


મોદીએ મંત્રીઓને સમયસર ઑફિસ આવવા સલાહ આપી

Image copyright Getty Images

વડા પ્રધાન મોદીએ બુધવારે કૅબિનેટમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

નરેન્દ્ર મોદીએ દરેક મંત્રીઓને પાર્ટીના કાર્યકરોને મળવાનું અને તેના માટે સમય અને સ્થળ નક્કી કરવાનું કહ્યું હતું.

દરેક મંત્રીઓને એવી સલાહ આપી કે તેઓ સાંસદોને નિયમિત રીતે મળતા રહે અને જ્યારે પણ સાંસદ મળવાનું કહે ત્યારે તેમને સમય આપીને મળે.

બેઠકમાં મોદીએ દરેક મંત્રીઓને સમયસર ઑફિસ આવવા માટેની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે આપણે ઇચ્છીએ કે ઑફિસનું કામ ઑફિસમાં પૂરું કરીએ.

બેઠકમાં નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ અને નરેન્દ્રસિંહ તોમરે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

સીતારમણે બજેટને લઈને પોતાના ઇનપુટ રાખ્યા હતા. પીયૂષ ગોયલે પાંચ વર્ષનું પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ રજૂ કર્યું હતું. તેમજ નરેન્દ્રસિંહ તોમરે સંસદસત્રનો મહત્તમ કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના પર ભાર મૂક્યો હતો.


3.8 ટન વજનવાળું ચંદ્રયાન-2 ચંદ્ર પર ઊતરશે

Image copyright Getty Images

ચંદ્ર તરફ ભારતનું બીજું મિશન ચંદ્રયાન-2 શ્રીહરિકોટાથી 15 જુલાઈએ અડધી રાતે રવાના થશે. ઈસરો 3.8 ટન વજનવાળા ઉપગ્રહને અંતિમ રૂપ આપી રહ્યું છે.

આ ઉપગ્રહ પાછળ ભારતે 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.

પ્રક્ષેપણ બાદ ઉપગ્રહ ચંદ્રયાન-2ને ઘણાં અઠવાડિયાં લાગશે અને પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સામાન્ય લૅન્ડિંગ કરશે.

ઉલ્લેખનીય છે કે આ ચંદ્રમાનો એ ભાગ છે જ્યાં દુનિયાનું કોઈ પણ અંતરિક્ષ યાન ઉતાર્યું નથી.

ચંદ્રયાન-2 તૈયાર છે અને તેને બાહુબલિ અથવા જિયોસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હિકલ માર્ક 2 (GSLV MK III)ના માધ્યમથી લૉન્ચ કરાશે.

ચંદ્રયાન-2માં એક ઑરબિટર, વિક્રમ નામક એક લેન્ડર અને પ્રજ્ઞાન નામક એક રોવર સામેલ છે. ચંદ્રયાન-2નું વજન 3.8 ટન છે, જે આઠ વયસ્ક હાથીઓના વજનના બરાબર છે.

ચંદ્રયાન-2 કુલ 13 ભારતીય વૈજ્ઞાનિકોને ઉપકરણોને સાથ લઈ જશે. આ સંપૂર્ણ સ્વદેશી અભિયાન છે અને ઈસરોનું અત્યાર સુધીનું સૌથી જટિલ અભિયાન છે.


ઝાકિર નાઇકના પ્રત્યર્પણ માટે ભારતનો ઔપચારિક અનુરોધ

Image copyright Getty Images

ભારતે મુંબઈ સ્થિત કટ્ટરપંથી ઉપદેશક ઝાકિર નાઇકના પ્રત્યર્પણ માટે મલેશિયાને ઔપચારિક અનુરોધ કર્યો છે.

નાઇક લગભગ બે વર્ષથી ભારતીય દાયદાથી બચવા માટે મલેશિયામાં રહે છે. બાંગ્લાદેશમાં 2016માં થયેલા એક આતંકી હુમલા બાદ તેમની સામે કેસ દાખલ થયો અને ત્યારથી તેઓ ફરાર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે ભારત સરકારે ડો. ઝાકિર નાઇકના પ્રત્યર્પણ માટે વિનંતી કરી છે. અમે મલેશિયા સાથે આ મામલે સતત પ્રયાસ કરતા રહીશું.

તેમણે કહ્યું કે ઘણા દેશો સાથે ભારતની પ્રત્યર્પણ વ્યવસ્થા છે અને ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં ભારતને પ્રત્યર્પણમાં સફળતા મળી છે.

કુમારે એમ પણ કહ્યું કે ભારતની ન્યાય-વ્યવસ્થા સામે ક્યારેય સવાલો નથી ઊઠ્યા.


રોહિત શર્મા સાથે કેએલ રાહુલ ઓપનિંગ કરશે

Image copyright Getty Images

વર્લ્ડ કપ 2019માં આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાવાની છે. અગાઉ ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ઓપનર બૅટ્સમૅન શિખર ધવનને ઈજા થતાં તેના સ્થાને કોણે રમશે એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે.

ભારતના સહાયક બૅટિંગ કોચ સંજય બાંગરે જણાવ્યું કે. એલ. રાહુલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે.

તેમજ ચોથા નંબર પર વિજય શંકરને રમાડાય તેવી પણ શક્યતા છે.

શિખર ધવનને ઈજા થતાં તેઓ ત્રણ અઠવાડિયાં માટે સક્રિય ક્રિકેટથી દૂર થઈ ગયા છે. બીબીસીઆઈએ શિખર ધવનને ઇંગ્લૅન્ડમાં રોકવાનો મંગળવારે નિર્ણય લીધો હતો.

સંજય બાંગરે પ્રેસ-કૉન્ફરન્સમાં શિખર ધવન વિશે કહ્યું કે મૅનેજમૅન્ટની તેમના પર નજર છે અને આગામી દસ-બાર દિવસમાં તેમની સ્થિતિ વિશે ખબર પડી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.