નરેન્દ્ર મોદી જેમાં ભાગ લઈ રહ્યા છે તે SCO યાને શાંઘાઈ સહયોગ સંગઠન શું છે ?

સીઓએના સભ્ય દેશોના વડા પ્રધાન Image copyright Reuters

વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO એટલે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠક કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13 અને 14 જૂન એટલે કે બે દિવસ માટે છે.

લોકોમાં SCO શું છે તેને જાણવાની સખત જિજ્ઞાસા છે, આ સંગઠનની રચના ક્યારે કરવામાં આવી, તેનો ઉદ્દેશ્ય શું છે અને આનાથી ભારતને શું મળશે? ચાલો અમે તમને એક-એક કરીને આ વાતો જણાવીએ.

એપ્રિલ 1996માં શાંઘાઈમાં યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન એકબીજાના વંશીય અને ધાર્મિક તણાવાને ઘટાડવા માટે સહયોગ કરવા માટે રાજી થયા હતા.

ત્યારે આ સંગઠનને શાંઘાઈ-ફાઇવના નામે ઓળખવામાં આવતું હતું.

વાસ્તવિક રીતે SCOનો જન્મ 15 જૂન, 2001ના રોજ થયો હતો.

ત્યારે ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયાનાં દેશો કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના કરી.

આ સંગઠનનો ઉદ્દેશ્ય વંશીય અને ધાર્મિક ઉગ્રવાદને નિવેડો લાવવો અને વ્યાપાર-રોકાણને વધારવાનો હતો.

આમ તો એસસીઓ (SCO) અમેરિકાના પ્રભુત્વવાળા નાટો સંગઠન સામે રશિયા અને ચીનનો જવાબ હતો.

રચના પછી ઉદ્દેશ્ય બદલાયો

Image copyright TWITTER/SECTSCO

જોકે, 1996માં જ્યારે શાંઘાઈ ઇનિશિએટિવ તરીકે આની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનો હેતુ રશિયા અને ચીનની સરહદે આવેલા મધ્ય એશિયાના નવા આઝાદ થયેલા દેશના સરહદી તણાવને ઘટાડવાનો અને ધીરે-ધીરે આ સરહદોને સુધારી અને યોગ્ય સરહદો નક્કી કરવામાં આવે તે હતો.

આ ઉદ્દેશ્યને માત્ર ત્રણ વર્ષમાં જ પૂરો કરવામાં આવ્યો. આના કારણે આને ઘણું પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે.

પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કર્યા પછી ઉઝબેકિસ્તાનને સંગઠનમાં જોડવામાં આવ્યું અને 2001થી એક નવી સંસ્થાની જેમ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી.

Image copyright Reuters
ફોટો લાઈન એસસીઓ એટલે શાંઘાઈ સહયોગ સંગઠનના મહાસચિવ વ્લાદિમીર નોરોવ

વર્ષ 2001માં નવા સંગઠનના ઉદ્દેશ્ય બદલાઈ ગયા. હવે તેનો મુખ્ય હેતુ ઊર્જાની ખોટ સાથે જોડાયેલા મુદ્દા ઉપર ધ્યાન આપવાનો અને આતંકવાદની સામે લડવાનો બની ગયો છે.

આ બંને મુદ્દાઓ આજ સુધી યથાવત્ છે. શિખર મંત્રણામાં સતત આની પર ચર્ચા થાય છે.

ગત વર્ષે શિખર સંમેલનમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે આતંકવાદની સામે લડવા માટે ત્રણ વર્ષનો એક્શન પ્લાન બનાવવામાં આવે.

નિષ્ણાતોનું માનીએ તો આ વખતના શિખર સંમેલનમાં ઊર્જાનો મુદ્દો વધારે બહાર આવશે.

SCO અને ભારત

Image copyright TWITTER/SECTSCO

ભારત 2017માં એસસીઓનું પૂર્ણકાલિન સભ્ય બન્યું. પહેલાં (2005માં) તેને નિરીક્ષક દેશનો દરજ્જો મળ્યો હતો.

2017માં એસસીઓના 17મા શિખર સંમેલનમાં આ સંગઠનના વિસ્તારની પ્રક્રિયાના ભાગરૂપે ભારત અને પાકિસ્તાનને સભ્ય દેશનો ભાગ બનાવવામાં આવ્યા.

આની સાથે તેનાં સભ્ય દેશોની સંખ્યા આઠ થઈ ગઈ.

હાલમાં એસસીઓનાં આઠ સભ્ય દેશો ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન છે.

આ સિવાય ચાર નિરીક્ષક દેશ અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મંગોલિયા છે.

છ સંવાદ સહયોગી આર્મેનિયા, આઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી છે. એસસીઓનું મુખ્ય મથક ચીનની રાજધાની બિજિંગ છે.

એસસીઓથી ભારતને શું ફાયદો ?

Image copyright TWITTER@PIB_INDIA

શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં ચીન, રશિયા પછી ભારત ત્રીજો મોટો દેશ છે. ભારતનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે.

એસસીઓને આ સમયે દુનિયાનું સૌથી મોટું ક્ષેત્ર સંગઠન માનવામાં આવે છે.

ભારતનાં હિતો જેવા કે આતંકવાદ, ઊર્જાનો પુરવઠો અને પ્રવાસીઓનો મુદ્દો આમાં ચર્ચાશે.

આ મુદ્દાઓ ભારત અને એસસીઓ બંને માટે મહત્ત્વના છે અને આ પડકારોના સમાધાનના પ્રયત્નો થઈ રહ્યા છે. એવામાં ભારતના જોડાવાથી એસસીઓ અને ભારત બંનેને પરસ્પર ફાયદો મળશે.

આ વખતે પહેલીવાર ભારત શાંઘાઈ સહયોગ સંગઠનમાં પૂર્ણકાલિન સભ્ય તરીકે ભાગ લઈ રહ્યું છે.

શિખર વાર્તા દરમિયાન ઘણીબધી દ્વિપક્ષીય ચર્ચા પણ થતી હોય છે. જેમ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ચીનના રાષ્ટ્રપતિને મળશે.

જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સતત પ્રયત્નો કર્યા છતાં પણ મોદી તેમની સાથે ઔપચારિક મુલાકાત કરવાના નથી.

એટલે આતંકવાદને લઈને ભારત પોતાના વલણ પર મજબૂત છે.

ભારતના વડા પ્રધાનનો પ્રયત્ન એ પણ હશે કે આતંકવાદને લઈને પોતાના મજબૂત વલણને શાંઘાઈ સંગઠન એટલે એસસીઓના તમામ નેતાઓનું સમર્થન પણ મળે.

આ એજ સૌથી મોટું કારણ છે કે આ શિખર સંમેલન ભારત માટે ઘણું મહત્ત્વનું રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો