ટિક ટૉકનો વીડિયો તૈયાર કરતી વખતે પિસ્તોલમાંથી ગોળી છૂટી, યુવકનું મૃત્યુ

ટિક ટૉક Image copyright Getty Images

ટિક ટૉક પર વીડિયો તૈયાર કરતી વખતે દેશી કટ્ટામાંથી ગોળી છૂટતા યુવકે જીવ ગુમાવ્યો છે.

શિરડી પાસે પવનધામ હૉટલ ખાતે પ્રતીક વાડેકર, નીતિન વાડેકર, સની પવાર અને અન્ય બે વ્યક્તિઓ સાથે હતા. જોકે અહીં ટિકટૉક વીડિયો બનાવવાનું માઠું પરિણામ આવ્યું.

સની પવાર પાસે દેશી તમંચો હતો, વીડિયો બનાવતી વખતે એમાંથી ગોળી છૂટી ગઈ અને એમાં 20 વર્ષના પ્રતીક વાડેકર નામના યુવકનું મૃત્યુ થયું. આ ઘટના બાદ અન્ય તમામ યુવકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

જોકે ત્યારબાદ પોલીસે તપાસ કરતા સત્ય બહાર આવ્યું હતું.

આ પ્રકરણમાં તમંચો ક્યાં છે એ અંગે તપાસ કરાઈ રહી છે.


કોલકાતાની આગ દેશમાં ફેલાઈ, 17મીએ ડૉક્ટર્સની દેશવ્યાપી હડતાળ

Image copyright AIIMS RDA

કોલકાતામાં ડૉક્ટરો પર હુમલો થતાં દિલ્હીમાં બધા સરકારી અને રેસિડન્ટ ડૉક્ટરો રસ્તા પર ઊતરી આવ્યા છે. ઇમર્જન્સી સિવાય અહીંની ઓપીડી સેવા બંધ પડી છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને 17 તારીખે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઇમ્સ સિવાયની મોટા ભાગની સરકારી હૉસ્પિટલમાં દર્દીઓ પરેશાન થઈ ગયા છે.

એઇમ્સના રેસિડન્ટ ડૉક્ટર ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉક્ટર રાજીવ રંજને બીબીસીને જણાવ્યું કે ગુરુવારે કોલકાતામાં બનેલી ઘટનાના વિરોધમાં મૌન પ્રદર્શન કર્યું હતું. હવે ડૉક્ટરો રસ્તા પર ઊતરશે અને વિરોધ-પ્રદર્શન પણ કરશે.

ઓપીડીમાં ડૉક્ટરો ન હોવાથી કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. દરેક સરકારી હૉસ્પિટલની બહાર દર્દીઓ અને તેમના સ્વજનો પરેશાન થઈ ગયા છે. ખાસ કરને એઇમ્સ અને સફદરજંગની હૉસ્પિટલમાં હાલત ખરાબ છે.

દરેક સરકારી ડૉક્ટરોને એઇમ્સના ઑડિટોરિયમમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું છે અને ત્યાંથી નિર્માણભવન સુધી ડૉક્ટરો કૂચ કરશે. તેઓ સ્વાસ્થ્યમંત્રીને મળીને આવેદનપત્ર આપશે અને પોતાની માગ પણ મંત્રીને જણાવશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોની હડતાળ ચાલી રહી છે અને તેને લઈને જાહેરહિતની અરજી પણ થઈ છે.


રાજસ્થાનમાં હવે સાવરકર 'વીર' નહીં

Image copyright SAVARKARSMARAK.COM

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારે છ મહિનાની અંદર શાળાકીય અભ્યાસક્રમમાં અનેક બદલાવ કર્યા છે.

અખબાર જણાવે છે કે રાજસ્થાન બૉર્ડના નવા પુસ્તકોમાં ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી વિનાયક દામોદર સાવરકરના નામની આગળથી વીર શબ્દ હટાવવામાં આવ્યો છે.

જૂનાં પાઠ્યપુસ્તકમાં ભાજપની સરકારે સાવરકરના નામની આગળ વીર શબ્દ ઉમેર્યો હતો અને સાવરકરના આઝાદીની લડતમાં યોગદાન અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું હતું.

હવે કૉંગ્રેસના શાસનમાં નવા પુસ્તકોમાંથી વીર શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું છએ કે અંગ્રેજોની યાતના પછી સાવરકરે કેવી રીતે પોતાને પોર્ટુગલના પુત્ર તરીકે ઓળખાવ્યા અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો.

પુસ્તકમાં મહાત્મા ગાંધીની હત્યામાં નથુરામ ગોડસેની સાથે સાવરકર પર ચાલેલા કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


તિહાર જેલમાં ઓ. પી. ચૌટાલાની બૅરેકમાંથી ફોન મળ્યો

Image copyright Getty Images

દિલ્હી પોલીસને તિહાર જેલમાં બંધ હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ઓ. પી. ચૌટાલા પાસેથી ફોન મળી આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે શુક્રવારે કહ્યું કે તેઓને ચેકિંગ કરતાં તિહાર જેલમાંથી હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ઓ.પી. ચૌટાલા પાસેથી એક સેલફોન, એક મોબાઇલ ચાર્જર અને કેટલીક તમાકુ જપ્ત કરવામાં આવી છે.

ચૌટાલાને દિલ્હી હાઈકોર્ટે 2015માં આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલે 10 વર્ષની જેલની સજા કરેલી છે.

17 જાન્યુઆરી, 1997માં ચૌટાલાના ભાઈ પ્રતાપસિંહે તેમના પર આવકથી વધુ સંપત્તિ હડપવાનો આરોપ મૂક્યો હતો અને બાદમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસને મળેલા ફોન ચૌટાલા ઉપયોગ કરી રહ્યા કે કેમ એની તપાસ તિહાર જેલના સત્તાધીશોએ શરૂ કરી છે. આ મામલે દિલ્હી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો