AN 32 હેલિકૉપ્ટર દુર્ધટના : 'મારો દીકરો હોશિયાર હતો, પણ નસીબે દગો આપ્યો'

મોહિત ગર્ગ

ગઈ 3 જૂને ઍરફૉર્સના ગુમ થયેલા વિમાન એએન32ના 13 સભ્યોનાં મૃત્યુની પુષ્ટિ ઍરફૉર્સ દ્વારા કરી દેવામાં આવી છે. પંજાબના પટિયાલા જિલ્લાના નાના શહેર સમાણાના મોહિત ગર્ગ પણ એ જ વિમાનમાં હતા.

મોહિત સમાણાના મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા. તેમનું ઘર અગ્રસેન મોહલ્લાની મુખ્ય ગલીમાં છે. જ્યારે અમારી ટીમ મોહિતના ધરે પહોંચી ત્યારે તેમના ઘરે મોટી સંખ્યામાં સંબંધીઓ ખેદ વ્યક્ત કરવા આવ્યા હતા.

ઘરની બહાર ગલીમાં શોક વ્યક્ત કરનારા લોકો વચ્ચે મોહિતના પિતા સુરેન્દ્ર પાલ બેઠા હતા.

ઘટનાની જાણ થઈ એ સાથે જ મોહિતના પિતા આસામ જતા રહ્યા હતા. તેઓ શુક્રવારે સવારે આસામથી પરત આવી રહ્યા હતા. ઘણા દિવસો અને રાતનાં થાક, તણાવ અને દુખ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાતાં હતાં.

એએન 32 ગુમ થયાના સમાચાર પરિવારને ટીવીના માધ્યમથી મળ્યા હતા.

મોહિતના પિતા જણાવે છે, "મારા કોઈ મિત્રનો ફોન આવ્યો કે આસામમાં એક વિમાન ગુમ થઈ ગયું છે."

"એને ખબર હતી કે મારો દીકરો ત્યાં જ ફરજ પર છે. મેં તરત જ મારી વહુ સાથે ફોન પર વાત કરી. તેણે પણ ખબર નહોતી કે મોહિત એ જ વિમાનમાં છે."

"તેણે ઍરફૉર્સના અધિકારીઓ સાથે વાત કરી તો એને પણ ખબર પડી ગઈ. હું મારા ભાઈને સાથે લઈને બીજે દિવસે સવારે ત્યાં પહોંચી ગયો. અહીં અધિકારીઓએ અમારું ધ્યાન રાખ્યું અને વિમાનને શોધવામાં કોઈ કસર ન છોડી."


નસીબે દગો આપ્યો

મોહિતના પિતા કહે છે, "મને ઍરફૉર્સના અધિકારીઓએ જણાવ્યું કે એક ભૂલને લીધે તેઓ બીજી ઘાટીમાં દાખલ થઈ ગયા. એ વખતે વિમાન આઠ હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું."

"પરત ફરવાની કોઈ તક નહોતી. તેમણે પ્લૅનને ઊંચે ઉડાવવાનો પ્રયાસ કર્યો અને સાડા 12 હાજર ફૂટની ઊંચાઈએ લઈ ગયા."

"જો 20 સેકંડ વધારે મળી ગઈ હોત તો તેઓ પહાડની ઊંચાઈને પાર કરી ગયા હોત. પણ તેઓ છેલ્લા 250 ફૂટ પાર કરી ન શક્યા."

"મારો દીકરો બહુ જ હોશિયાર હતો. વિમાન કાઢી શકવા સક્ષમ હતો પણ નસીબે દગો આપી દીધો."

પોતાની સંવેદનાને માંડ કાબૂમાં રાખીને આ વાત કહી રહ્યા હતા.

તેમની સાથે બેઠેલા એક સજ્જન તેમને સાંત્વના આપે છે. થોડી વાર ચૂપ રહ્યા પછી તેઓ ફરી વાત માંડે છે.

"મારો દીકરો હિંમતવાન હતો. તે પોતાની મહેનતથી ઍૅરફૉર્સમાં ભર્તી થયો હતો. તે મારું નસીબ હતો. તે મારો જ નહીં આખા દેશનો દીકરો હતો અને તેણે દેશ માટે જીવ આપી દીધો."

વાત કરતા-કરતા તેમનું ગળું ભરાઈ આવ્યું.

એવું લાગે છે કે તેઓ પોતાની તાકત લગાવીને બોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોહિતનાં માતાને હૃદયની બીમારી છે. મોહિત સાથે થયેલી ઘટના વિશે તેમનાં માતાને ગઈકાલે સાંજે જ જાણ કરવામાં આવી હતી.

મોહિતના પિતા જણાવે છે, "મેં મારા મોટા દીકરાને ગઈકાલે ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ બે નજીકના સંબંધીઓ અને ડૉક્ટરને સાથે બેસાડીને કહી દે કે મોહિતનો અકસ્માત થઈ ગયો છે."

"આજે જ તેમને બધી હકીકતની જાણ થઈ છે. તેઓ પથારીમાં સૂતાં છે, ખબર નહીં આ વાતને તે કેવી રીતે જીરવશે."

મોહિત પીપીએસ, નાભા સ્કૂલના વિદ્યાર્થી હતા.

આ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ સેના અને પોલીસમાં ભર્તી થતા હોય છે.

ત્યાંથી બારમું ધોરણ પાસ કર્યા બાદ મોહિતે એનડીએની પરીક્ષા પાસ કરી.

મોહિત ઍરફૉર્સમાં ફ્લાઇટ લેફ્ટનેન્ટના પદ પર હતા. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ આસામમાં ડ્યૂટી પર હતાં.

મોહિતના ભાઈ અશ્વિની ગર્ગ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પોતાની પીડા વ્યક્ત ન કરી શક્યા.

તેમણે માત્ર આટલું જ કહ્યું, "મારે શું બોલવાનું છે! મારા પિતાએ બધું જ તો કહ્યું છે. આઠમી તારીખે મોહિત ઘરે આવવાનો હતો, પણ એ પહેલાં દુર્ઘટનાના આ સમાચાર આવી ગયા."

મોહિતના ઘરે ડૉક્ટર જિતેન્દ્ર દેવ પણ હતા. તેઓ સ્થાનિક કૉલેજમાં આચાર્ય છે.

તેઓ કહે છે, "હું અંગત રીતે મોહિતને જાણતો નથી. મોહિત અમારા શહેરનો હતો એ મારા આવવાનું એકમાત્ર કારણ છે."

"તેણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો. તો એમને શ્રદ્ધાંજલિ આપવાની જવાબદારી તો બને જ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો